ખારચિયા ગામ ની માટી ની તાસીર, કાંઈક જુદી અને અનોખી જ છે, ગામ માં મોટાભાગે કણબી ખેડુ ની વસ્તી. કર્મે કણબી પણ મિજાજ ,ખુમારી,રખાવટ, જમાનાથી અલગ ભાત પાડે એવી..આ માટી માં સાધુપણું ધરબાએલું, એટલીજ ખમીરાત અને વીરતા પણ ધરબાએલી જોવા મળે..ગિરનાર પર્વત પરથી દત્તાત્રેય ની નજર પડતી દેખાય તો પરબ ની લોબાન ની પાક ખુશ્બૂ ખારચિયા ના સીમાડે પોહચતી લાગે..
એવી આ ભૂમિમાં સાંજ પડે ગલઢેરા ની સાથે પાદર માં રમતા કે ઘરમાં હોય તે બધા છોકરા ની દોટ રામજી મંદિર તરફ હોય..કાળા ભગત ( પૂર્વ ધારાસભ્ય શ્રી નારણભાઈ પટેલ ના પિતાશ્રી અને મારા મિત્રો રોહિત પટેલ ,જનક પટેલ ના દાદાશ્રી ) નિત્યક્રમ પ્રમાણે સંધ્યા આરતી ની તૈયારી કરતા હોય તેમાં તેમના મદદગાર છોકરા માં રસિક મુખ્ય મદદગાર રહેતો ,આરતી ની તૈયારી થઈ ગઈ ,પણ કાળા ભગત કોઈક ની રાહ જોતા હોય તેવું લાગ્યું, થોડીવાર પછી કાળા ભગતે છોકરા સામે જોઈ પુછ્યું રસિક ક્યાં ? હજી કેમ પોહચ્યો નથી, લીંબા ભાઈ નો જયંતિ બોલ્યો ભૂરી કુતરી વિયાણી છે એટલે શિરો ખવડાવવા રોકયો છે.. ત્યાં વચ્ચે દરજી નો અનો બોલ્યો ભગત આતા ને કહેજે હું આવુજ છું મારી રાહ જોવે.એમ રસિકે કહ્યું છે, ત્યાં કાળા આતા નો પૌત્ર હરેશ બોલ્યો આતા રસિક ને બદલે ઝાલર હું વગાડીશ , "ઝાલર તો રસિક જ વગાડશે" એમ ભાર પૂર્વક કાળા ભગત બોલ્યા કારણ રસિક એટલા ભાવ ભક્તિ થી ઝાલર વગાડે કે ખારચિયા ગામ ના સીમાડા વીંધી આજુબાજુ ના ગામ માં સંભળાય...એટલામાં હાંફતો હાંફતો રસિક ચોરે પોહચ્યો.. આરતી નો પ્રારંભ થયો રસિક આરતી ની ઝાલર માં એટલો મગ્ન થઈ જાય જાણે નરસિંહ મહેતા રાસલીલા માં તલ્લીન હોય રસિક ભાન ભૂલી પરસેવે રેબઝેબ થઈ જાય, તેની આજુબાજુ ભક્તિ ની એક આભા રચાઇ એ દ્રશ્ય જ અલૌકિક અને અદભુત લાગે. એટલેજ રસિક ભગત આતા ની નજર માં ગામના બધા છોકરા થી અલગ છાપ ધરાવતો હતો.. ગામના લોકો ને એમ હતું કે રસિક ભગત આતા નો ભક્તિ નો વારસો જાળવશે...!!!
રસિક ને પણ ભગત આતા પ્રત્યે અહોભાવ રહેતો, એનુ કારણ એ નહોતું કે તે આખો દિવસ રાત ,અહિરનીશ સતત રામ નામ ની માળા ફેરવતા.. કારણ એ પણ ના હતું કે તે મહાત્મા ગાંધીજી ની જેમ માત્ર કઈ પણ ઋતુ શિયાળો, ઉનાળો કે ચોમાસુ હોય એ નાની ધોતડી થી શરીર ઢાંકતા, ના . ..ના કરણ એ પણ ના હતું... તે જમવા માં જે પીરસાયું હોય તેટલું જ જમતા કોઈ વસ્તુ ભુલાઈ ગઈ હોય તો ક્યારેય પણ માંગતા નહીં એટલે ના...ના તે પણ કારણ નહતું... રસિક ને ભગત આતા અકારણ ગમતા જ્યારે કોઈ વ્યક્તિ તમને અકારણ ગમે કે તેમના પ્રત્યે અહોભાવ પ્રગટે ત્યારે તમને તે વ્યક્તિ માં ઠાકોરજી નો વાસ હોય તેવી લાગણી ઉપજે..!!! રસિક ને ભગત આતા પ્રત્યે આવો અહોભાવ હતો...રસિક ને ભગત આતામાં ઠાકોરજી દેખાતા હતા.. આમ બંને વચ્ચે એક અદ્રશ્ય પણ મજબૂત સેતુ રચતો જતો હતો...!!!
આવા કાળા ભગત ના નિર્મોહી પવિત્ર જીવન પર કોઈ ની નજર લાગી ગઈ ખારચિયા વાઘણીયા ની રિયાસત નું ગામ, ગામ ના પોલીસ પટેલે વાઘણીયા દરબાર ની કાનભંભેરણી કરી ..વાઘણીયા દરબાર નું કહેણ આવ્યું કે કાળા ભગત ને દરબાર વાઘણીયે બોલાવે છે.. ગામ માં સોંપો પડી ગયો કાળા ભગત ને દરબારે બોલાવ્યા નક્કી કઈ અજુગતું બનશે ...!!! નક્કી ગામ ઉપર આફત મંડાશે...!!! ગામ આખું કાળા ભગત ની ડેલીએ ભેગું થયું.. આપણે એટલે, ગામ આખું કાળા ભગત ભેળા વાઘણીયે જઈએ એવો સુર ઉઠ્યો... ભગત, પોતાના આત્મવિશ્વાસ થી કહે મને એકલા ને બોલાવ્યો છે , હું એકલોજ જઈશ... ગામના ડાહ્યા માણસે કહ્યું , તમારી પર ખોટું આળ ના આવે માટે અમારું આવવું જરૂરી છે..!!! નરસિંહ મહેતા પર આવી રીતે પોતાના નાગર સમાજે રા' પાસે આળ નાખ્યું ત્યારે તે એકલાજ હતા અને મુરલીધારી કૃષ્ણ એની વહારે આવ્યો જ હતો કે નહીં. ? ગામ લોકો એ હકાર માં કહ્યું આવ્યો હતો.. બસ તો , ભગત કહે ચિંતા ના કરો હું ખોટો હોઈશ તો મારો રામ મારુ રખોલું નહીં કરે...!!! જો હું સાચો હોઈશ તો મારો રામ મારો વાળ પણ વાંકો નહીં થવા દયે.. હૈયે ધરપત રાખો.. હું એકલોજ જઈશ અને હું ,પાણી પણ નિર્દોષ સાબિત થઇ ને આવું પછી જ ઘરના પાણીયારેજ પીઇશ ...આમારુ વ્રત છે.. !!! ભગત ખુમારીથી ચાલતાચાલતા વાઘણીયે પોહચે એ પહેલા ભગત ની ડેલીના દ્રશ્યો ની વાત પહાયતાએ દરબાર ને પોહચડી દીધી હતી, દરબાર વિચારતા હતા હારુ.. કાચું કપાયું... બ..વ.."ખોટું થયું"......!!!
ભગત દરબારગઢ ના ડેલે પોહચી ચોકીદાર ને કહે દરબાર ને કહો, ખારચિયે થી કાળું ભગત આવ્યાછે.. દરવાને જઇ કહ્યું ભગત આવ્યા છે...દરબારે પૂછ્યું એકલાજ છે કે ગામ નું કોઈ છે..? ચોકીદારે કહ્યું એકલા જ છે.. આવવા દયો.. એમને.. ભગત ની ચાલ માં ચિત્તા જેવી ચપળતા, સિંહ જેવી ધીર ગંભીરતા, શૂરવીર ની નીડરતા જોઈ દરબાર પ્રભાવિત થઈ મોઢા માંથી ઉદગાર નીકળી ગયા વાહ...રે.. વાહ મારી રૈયત ધન્ય છે. ... કાળા ભગત..!!! ! દરબાર મનો મન વિચારવા લાગ્યા દરબારના હૈયા માં કાળા ભગત નો રામ વસ્યો.. એવો એકલવીર એેક માત્ર ટૂંકી ધોતી પહેરી કોઈ પણ જાત ની બીક ભય રાખ્યા વગર નો માણસ નિર્ભયતાથી મારી સામે આવે અને એના રુવાડે ભય નું લખ લખું પણ ના સ્પર્શે એ માણસ પોતે તો ઠીક ખોટું ના જ કરે...!!! પણ રાજ નું કે રાજ વિરુદ્ધ ખોટુ થવા પણ નાજ દયે...!!!
કાળા ભગતે ઊંચી સ્વમાન ભેર ડોક રાખી કહ્યું દરબાર સાહેબ હું આવ્યો છું ..હુકમ કરો..? દરબાર,કહે કાઈ નહીં કાળા ભગત ,દરબારે માણસો ને બોલાવી કહ્યું ભગત ને આસન આપો , આગતા સ્વાગતા કરો..ભગત બોલ્યા દરબાર સાહેબ મારુ વ્રત છે હું ઘેર જઈ પાણી લઈશ..!!! ભગત આટલી નાની વાત માટે આવું આકરું તપ. !!! બાપુ આ વાત તમારે માટે નાની હશે...? અમારે સ્વમાની, પરસેવો પાડી રોટલો ખાતી રૈયત માટે તો વખ ઘોળવાની વેળા ગણાય, ...ભગત , દરબાર ની આંખ માં આંખ પોરવી બોલ્યા બાપુ મને અહીં બોલાવવા નું કારણ શું? દરબારે પોતાની દારબરવટ કોરાણે મૂકી.. !!! કાઈ નહી .....કાઈ પણ નહીં ભગત અમસ્તું...ભગત ,ખુમારી થી બોલ્યા, દરબાર અમસ્તા કારણ વગર રૈયત ને બોલાવે નહીં...? નક્કી કઈક કારણ હશે જ..? દરબારે વાત પુરી, કરવા ટૂંકી કરવા કહ્યું તમારા દર્શન કરવા માટે.. ભગતે કહ્યું દરબાર સાહેબ આ વાત ગળે નથી ઉતરતી.. બાપુ ,શૂરવીર કે સક્ષસમ માણસ દર્શન કરવા બોલાવે નહીં.. એ તો દર્શન કરવા સામે થી જાય... ભગત તમે સાચા છો ...વાત બીજી જ છે , વાઘણીયા દરબારે વાત માર્મિક રીતે કહી "કાન માં ઘણા વખત થી મેલ ભરાયો હતો એ મેલ કાનમાં ખટકતો હતો તેનો ઉપાય કરવાનો હતો, તે માટે તમને બોલાવ્યા હતા" ભગત , હવે મેલ નીકળી ગયો દુખાવો માટી ગયો છે દરબારે ભગત સામે જોઈ કહ્યું...ભગતે પોતાની કોઠા સૂઝ અને અનુભવથી વાત પામી ગયા, ભગત ની વાત થી દરબાર ખુશ થયા અને કહ્યું કંઇક માંગો ,માંગો તે આપું.. ભગત કહે પરસેવાનો રોટલો મળે છે તે ઘણું છે... મેં મારા રામ પાસે પણ ક્યારેય માગ્યું નથી... દરબાર કહે ,તો.. ગામ માટે માંગો... ભગત વિચારી બોલ્યા...માંગુ તે આપશો. ? દરબાર બોલ્યા બોલો. ? ભગતે.. કહ્યું તે બિચારો બાલ બચ્ચા વાળો માણસ છે.. મારા મનમાં તેમના પ્રત્યે કોઈ રાગ દ્વેષ ,ખટક નથી તે ને માફ કરશો. બસ એટલું માંગુ...!!!
વાઘણીયા દરબાર ના મોઢામાંથી શબ્દો નીકળી ગયા વાહ... કાળા ભગત... વાહ.. તમારી ખુમારી..!!! તમે વાઘણીયા નું ઘરેણું છો... ઘરેણું ...!!!
---------------******** ---------------**********-----
રસિક સાત ધોરણ સુધી ખારચિયા માં અભ્યાસ કરી આઠ થી દસ ધોરણ જેતપુર કમરીબાઈ હાઈસ્કૂલ માં અભ્યાસ પૂર્ણ કરે છે ખારચિયા માં અભ્યાસ દરમ્યાન જમનભાઈ સેજલિયા નો તેમના પર ખાસ પ્રભાવ રહ્યોં. રસિક દસ બાર વરસ ની ઉંમરનો હશે ત્યારે મોટાભાઈ વલ્લભભાઈ ની ઉપર ઘાત આવી પોતાની વાડી એ કૂવો ખોદતાં ખોદતાં તેમાં વિસ્ફોટક દારૂગોળા ના ટોટા ફોડવામાં આવતા...ટોટા ફોડતી વખતે સલામત જગ્યાએ બધા સંતાય જાય પણ એક વખત બધા પથ્થરો નીચે આવી ગયા પછી સલામતી લાગતા બહાર નીકળ્યા બાદ એક પથ્થર નો ટુકડો મોડો મોડો વલ્લભભાઈ ઉભા હતા ત્યાં ઉપરથી માથા પર પડ્યો.. માથામાં ગંભીર ઇજા થઇ, મગજ ના ભાગ માં ઇજા થતાં શરીર મોટાભાગે કામ કરતું ઓછું થયું, હાથ પગ માં કાયમી ખોડ રહી ગઈ, પરિવાર ના આવા સંજોગો જોતા રસિક મનમાં ને મનમાં મુંજાય મારે મારા બાપુજી, ભાઈ, પરિવાર ને ઉપયોગી થવું જોએ આવા વિચાર થી અભ્યાસ છોડી દીધો.. ખેતી કામ માં મદદ કરે પણ મંદિરે આરતી ની ઝાલર વગાડવાનું ના ચુકે, ખેતી માં બે પાંદડે નહીં થઈ શકાય , કઈક કરવા ખારચિયા મૂકવું પડે ખારચિયા મૂકે તો ખેતી નું શુ...?એવું મનમાં સતત યુદ્ધ ચાલ્યા કરે ,અંતે યુદ્ધ એજ કલ્યાણ માની ગામડા નું સરળ જીવન મૂકી લગભગ 1981 ની આજુબાજુ દસ હજાર ની મામુલી રકમ વ્યાજે લઇ કલર કેમિકલ નો વ્યાપાર "અંબરીશ ડાય કેમ" નામથી ચાલુ કર્યો .. ખુબ મહેનત અથાગ સંઘર્ષ કરી નામના મેળવી, પેઢીની શાખ ઉભી કરી 1984 માં જેતપુર માજ રહેતા કોટડીયા કુટુંબ ના સંસ્કારી દીકરી વિજયાગૌરી સાથે લગ્ન થયા ત્યારે અમારી મિત્રાતા એક મજબૂતી નું રૂપ ધારણ કરી ચુકી હતી.


જેતપૂર માં સફળતા મળતા જયપુર માં નવું સાહસ કર્યું , નિષ્ફળતા મળી, ફરીથી જેતપૂર માં વ્યાપાર વધારતા ખૂબ સફળતા મળી , જેતુપુર માં ઘરના મકાન લીધા, મોટો દીકરો હિરેન ધધાંમાં બેસવા લાગ્યો.. એટલે રસિક પોતે ખેતી માં પણ ધ્યાન આપતો , મોલત માં જંતુ નાશક દવા છાંટતા છાંટતા જંતુ નાશક દવા ની અસર શરીર પર થવા માંડી, શ્વાસ માં જતા ગળામાં દુખાવો થયો. શરૂઆત માં પ્રાથમિક સારવાર જેતપુર માં લીધી , ફાયદો ના થતા નાક, કાન, ગળા ના નિષ્ણાત ડોક્ટર ની સલાહ લીધી..નિદાન થયું સ્વર પેટી નું કેન્સર, કાચો પોચો માણસ હેબતાઈ જાય પણ રસિક કંઈક જુદી માટી નો ઘડાયો હતો ,જરા પણ નાસીપાસ ના થયો હું લડીશ ,હું કેન્સર ને હરાવીશ, હું સાજો જરૂર થઈશ..ધર્મપત્ની વિજયાબેન હિંમત હારી ગયા હતા હવે શુ થશે ..? હજી જીવન ના આરંભેલ બધા અધૂરા છે..!!! જીવન કેમ પાર ઉતરશે..!!! રસિક બધાને હિંમત આપે... પણ વિજય બેન કહે ખોટો સધિયારો ક્યાં સુધી ટકશે ?
ધીમે ધીમે વિજયાબેન પણ મક્કમ બન્યા.. રસિક ની બાજુ માં કુટુંબ ના આધારસ્થમ્ભ બની ઉભા રહ્યા છોકરાવ હિરેન અને જયદીપ નાના અને સામે રાજ રોગ જે નિર્ણય લેવાના તે વિજયાબેને જ લેવાના. કેન્સર ની સારવાર રાજકોટ કેન્સર હોસ્પિટલ માં ચાલુ થઈ.... ધંધો ધંધા ની રીતે ધણીધોરી વગર ચાલે પૈસે ટકે ઘાસોટી તો અલગ થી ,રોગે ગંભીર રૂપ ધારણ કર્યું, સ્વરપેટી સાથે શ્વાસ નળી, અને અન્ન નળી પણ રોગ ગ્રસ્ત થવા માંડી, કેમો થેરાપી સહિત , દરેક થેરાપી નિષ્ફળ જતી લાગી, ઓપરેશન એક માત્ર ઉપાય રહ્યો.. અંતે ઓપરેશન નો નિર્ણય લેવાયો, પૈસા ની સગવડ કરી ઓપરેશન કર્યું, પણ નસીબ બે ડગલા આગળ ઓપરેશન માં ડોક્ટર ની ભૂલ ગણો કે નસીબની ભૂલ કે પછી કરમની કઠણાઈ જે ગણો તે કહેવત છે ને કે....
" પડે છે ત્યારે સઘળું પડે છે" ભૂલ થી અન્ન નળી કાપી નાખી... ત્રીપંખીયો જંગ લડવા નો વખત આવ્યો ગળામાં હોલ પાડી શ્વાસોચ્છવાસ ની ક્રિયા ચાલુ કરી, અન્ન નળી નકામી થતા પડખામાંથી કૃત્રિમ અન્નનળી બનાવી પ્રવાહી ત્યાંથી હોજરીમાં નાખવામાં આવે , સ્વર પેટી કાઢી નાખતા વાચા હરાણી...આવી કૃત્રિમ ક્રિયા ક્યાં સુધી ? રસિક એકાંતમાં ધર્મપત્ની વિજયા ને પાટીમાં લખી પૂછે... વિજયા બેન હિંમત આપતા કહે સૌ સારા-વાના થઈ રહશે, તમને મહાદેવ ઉપર શ્રદ્ધા છે ને? રસિક આંખો બંધ કરી કહે ઝીંદગી આખીમે શંકર બાપા ની સેવા કરી, મારો બાપો દેવોનો દેવ છે, આપણી સાથેજ આવું શુ કામ કરે? મેં ઝીંદગી માં કોઈ ખોટું કામ નથી કર્યું, કોઈ નુ અણહક નું લીધું નથી ઉલટા નું મારા હક નું મેં ખુલ્લા મનથી જાતુ કર્યું છતાં છ...તા ..વિજયા , આવું શુ કામે બને. ? હા, શાસ્ત્ર માં લખ્યું છે કે જુગાર રમવું પાપ છે.. હું સંગ દોષ ને લઈ જુગાર રમ્યો એ વાત સાચી તો બીજા લોકો ક્યાં નથી રમ્યા..? શુ એ રમ્યા એ પાપ નથી? તેની સાથે કાઈ નહીં ...!!! અને બધું દુઃખ આપણ ને જ.. કુદરત ની આ વ્યવસ્થા નથી સમજાતી.. વિજયા .. .. પોતે મનમાં ને મનમાં વાતો કરતો હતો.... વાચા ક્યાં હતી..? રસિકે આંખો ખોલી વિજયા ની આંખમાં થી આંસુ પોતાના હાથ પર પડ્યા... રસિક મનમાં કોચવાયો પણ કળાવા ના દીધું.

રસિક પરિવાર ની વેદના સમજી શકતો હતો પોતાની સારવાર માં દસ બાર લાખ ઉપરાંત ખર્ચ કરી ઘર ખાલી કરી નાખ્યું માથે છોકરાવ ને ભણાવા ગણાવવા વરાવવા, પરણાવવા ,બે દીકરા પોતાના , મોટાભાઈ વલ્લભભાઈ ની ત્રણ દીકરી ને ભણાવી ગણાવી પરણાવવા નું મનથી નક્કી કરેલ મનોરથ નું શુ થશે..? અને હવે હું સાવ નકામો, પરિવાર પર ભાર માત્ર ભાર , મારા સંતાનો ઉપરથી આ જવાબદારી બોજ ઓછો કરૂ તો પણ મારુ અત્યાર સુધી નું જીવવું લેખે લાગ્યું.ગણાશે મારે હવે જીવવું નકામું છે ... !!! પોતાની જીવનસંગીની વિજયા ને પાટી માં લખી વાત કરી, વિજયાબેન આવા વિચાર થી હેબત ખાઈ ગયા.. ના...ના ...આત્મ હત્યા પાપ કહેવાય...!!! સાત સાત ભાવ નરક માં ય જગ્યા ના મળે... અરે.....અ ....રે મારી વાત સંભાળ હું પણ એવું પાપ ના જ કરું હું આવું અજુગતું પગલું ભરી મારા બીજા ભવ નથી બગાડવા.. હું "સંથારો"લેવા માંગુ છું, આ મારો અફર , અડગ નિર્ણય છે મને મોક્ષ ના માર્ગે પ્રયાણ કરવાની રજા આપીશ ને..? છોકરાવ ને પૂછ્યું.. ? વિજયાબેને કહ્યું.. રસિકે કહ્યું ના જરૂરી નથી.. મારે તારી રજા ની જ જરૂર છે વિજયાબેને કહ્યું "સંથરો"આપઘાત જ કહેવાય રસિકે સમજાવ્યું કે "સંથારો"મોક્ષ નો પવિત્ર માર્ગ છે આત્મહત્યા એ હત્યા છે તેમાં જીવત્યાગવા માટે કોઈ હથિયાર કે વસ્તુ નો ઉપયોગ કરવા માં આવે થોડા સમય માં જીવ શરીર ત્યાગે છે ,આત્મહત્યા નાસીપાસ, અશાંત જીવ કરે છે,... જ્યારે "સંથારો" શાંત મને લેવાતો મૃત્યુ ને આવકારતો ઉત્સવ છે... "સંથારો" પવિત્ર આત્મા લે છે ધર્મપત્ની વિજયા બેને કહ્યું ,અત્યાર સુધી હું તમારા દરેક નિર્ણય સાથે જ રહી છું, તમારા નિર્ણય ને આડે નહીં આવું, પણ ભગવાન ને ચોક્કસ મન, વચન, કર્મથી પ્રાર્થના કરીશ કે તમારો નિર્ણય ફેરવાવે અથવા પૂરો ના થવા દે..રસિકે પાટી માં લખ્યું .., ભલે ...સારું તું તારું કર્મ કર.. હું મારું કર્મ કરું....
બીજા દિવસ થી રસિક નો "સંથારો"પ્રારંભ થયો, રસિકે મક્કમ મનોબળ, ઈશ્વર પ્રત્યે અખૂટ શ્રદ્ધા, કોઈ મહેમાન ના આગમન ની રાહ જોતા હોય તેમ મૃત્યુ ની રાહ જોવા મંડયો, "સંથારો" રસિક ના મન આનંદ, ઉત્સવ, ઉમંગ નો પ્રસંગ ચહેરા ઉપર બિલકુલ ઉન્નમાદ ,વિષાદ, થાક, ઉચાટ નહીં બિલકુલ શાંત મુદ્રા, દુઃખ ની આછેરી રેખા પણ નહીં, ચહેરો દિવસે ને દિવસે દેદીપ્યમાન દેખાવ લાગ્યો..

પરિવારે પણ સહજ ભાવે વાત સ્વીકારી લીધી ધીરે ધીરે જેતપુર ખારચિયા માં વાયુ વેગે વાત પ્રસરી. આપણા રસિકે સંથારો સ્વીકાર્યો... લોકો ના ટોળે ટોળાં રસિક ના છેલ્લા દર્શન કરવા માટે તેમના નિવાસસ્થાને આવવા મંડ્યા,જેમ જેમ સમય જાવા મંડયો તેમ તેમ દર્શને આવતા માણસો ની સંખ્યા વધવા મંડી ઘર માં શિવ સ્તુતિ ના પાઠ અવિરત ચાલુ હતા એક પછી એક દિવસ પસાર થવા માંડ્યા, વૈષ્ણવો શ્રી કૃષ્ણ શરણમમ ની ધૂન કરતા હતા, જૈનો નવકાર મંત્ર ના હાઓ કરતા હતા, શ્રી રામ જય રામ જય જય રામ ના સતત પાઠ કરતા હતા આવા અદભુત અને અલૌકિક વાતાવરણ માં રસિક નો સંથારો દિવસે દિવસે આગળ વધતો હતો.... ડોક્ટર નું કહેવું હતું કે જો કોઈ ચમત્કાર ના થાય તો મોટાભાગે સંથારો એકવીસ દિવસ સુધી માં "સીઝી" જાય... અંતિમ દિવસો માં નજીક ના મિત્રો સાગા સ્નેહી એ નક્કી કર્યું નજીક ના અંગત મિત્રો માં એક હું પણ હતો જ્યારે રસિક કોમામાં સસરી જાય ત્યારે તેને વિના વિલંબે હોસ્પિટલ માં દાખલ કરવો કરવો અને સઘન સારવાર આપવી.....
ધારણા પ્રમાણે અઢારમાં દિવસે રસિક કોમામાં સરવાના લક્ષણો દેખાવ માંડ્યા, અંતિમ દિવસો માં તેના ખંડ માં તે માત્ર એકલો અને માથા પાસે ધર્મ પત્ની વિજયાબેન.. સતત ઊંડે ઊંડે શિવ સ્તુતિ સંભળાતી રહેતી. વિજયાબેને પૂછ્યું જાગો છો ? પાટી માં લખ્યું જીવન ભર સૂતો જ હતો, ખરે ખર હવે હું જાગ્યો છું. ....કેવું લાગે છે..? ખૂબ શાંતિ ચારે કોર શાંતિ ...શાંતિ જ છે , કૈલાશ પર્વત જેવી પવિત્ર શાંતિ અને અદભુત,પવિત્ર નીરવ શાંતિ મય વાતાવરણ, હું હવે મારા થી મુક્ત થતો જાવછું, અત્યાર સુધી હું એટલે શરીર એમ માનતો હતો , હવે સમજાયું કે શરીર હું નથી, શરીર પરાયું છે, આત્મા એટલે હું પોતે.. જ છું હું...એટલે ...હું ...જ આત્મા.. શરીર મિથ્યા છે આત્મા અમર છે.. વિજયાબેન જોતા રહ્યા પાટી માં ચાલતી પેન થંભી ગઈ.. વિજય બેન ના મોઢા માંથી રાડ નીકળી ગઈ , બહાર ભજન કીર્તન કરતા લોકો દોડ્યા ડોક્ટર ને બોલાવ્યા તાબડતોબ રસિક ને રાજકોટ દાખલ કરવામાં આવ્યો..
સઘન સારવાર બાદ રસિક ત્રીજે દિવસે કોમમાંથી બહાર આવ્યો આજુબાજુ બાઘાની જેમ જોવા મંડયો , પ્રશ્ન પૂછ્યો "ભગત આતા" ક્યાં ? મને મંદિર માં ઝાલર વગાડવા લઈ આવ્યા છે.. મોટા પુત્ર હિરેને કહ્યું અહીં ક્યાછે ...ભગત આતા... રસિક ચકળવકળ જોઈ હિરેન સામું જોઈ બોલ્યો ભગત આતા કૈલાશ માં હતા અમે બન્ને સાથે હતા..
વીસ દિવસ ની સતત સઘન સારવાર બાદ રસિક માંથી રસિકભાઈ ના રૂપમાં બીજા અવતાર રૂપે ઘેર પરત આવ્યા. જીવન સમુળગુ બદલાઈ ચૂક્યું હતું.. વિજય બેન અને રસિકભાઈ એ પારિવારિક નિવૃત્તિ લીધી સમગ્ર વહીવટ બન્ને દીકરા હિરેન અને જયદીપ તથા દીકરી તુલ્ય વહુઓ ને સોંપ્યો..
પોતે આધ્યાત્મ તરફ વળ્યા જીવન નું મૂળ તત્વ શોધવા માટે ઠેર ઠેર ભટકવા માંડ્યા જે જ્ઞાની પુરુષ મળે તેને એક જ પ્રશ્ન પૂછે મારી સાથે જ કેમ આવું બન્યું? અનેક સાધુ સાદવી, મહંત , ઓલિયા,પીર ફકીર ને મળ્યા..પણ જીવન નું મૂળ તત્વ પામી ના શક્યા..અગિયાર અગિયાર વરસ આધ્યાત્મ ના સત્ય ની શોધ માં ભટક્યા..
અંતે એ ઘડી આવી જ્યાં રસિકભાઈ સ્થિર થવાના હતા જેતપુર માં પૂર્વાશ્રમ માં જેતપુર ની જ દીકરી મહાસતીજી ઇન્દુબાઈ નું ચતુર્થ માસ નું રોકાણ હતું ..મહાસતીજી ઇન્દુબાઈ સાહેબ ના દર્શને અને સાંભળવા ઉપાશ્રયએ ગયા , પ્રવચન સાંભળ્યું , મહાસતીજી ની રસિકભાઈએ અંગત મુલાકાત કરી, ત્યારે મહાસતીજી ના હાથ માં શ્રીમદ રાજચંદ્ર ના વચનામૃત નું એક પુસ્તક હતું.. રસિકભાઈ એ તે પુસ્તક વિષે વાત કરી..તેમણે રાજચંદ્રનો પરિચય આપ્યો.
રાજચંદ્ર નો જન્મ મોરબી નજીક વવાણીયા ગમે એક જૈન વણિક કુટુંબ માં 9 નવેમ્બર 1867 માં દેવ દિવાળી ના દિવસે થયો હતો પિતાનું નામ રાવજીભાઈ અને માતાનું નામ દેવબાઈ હતું નાનપણ તેમનું નામ લક્ષ્મી નંદન ત્યારબાદ રાયચંદ અને જ્ઞાનની પરમ પ્રાપ્તિ બાદ શ્રીમદ રાજચંદ્ર તરીકે ઓળખાયા પ્રથમ નાનપણ માં 7 વરસ ની ઉંમરે કવિ તરીકે ખ્યાતિ પામ્યા 8 વરસ ની ઉંમરે પૂર્વ જન્મ નું જ્ઞાન પ્રાપ્ત થયું 9 -વરસ ની ઉમરે મહાભારત રામાયણ સંક્ષિપ્ત પદો માં લખી 16 વરસની ઉંમરે આધ્યાત્મિક પુરતકો લખ્યા તેઓ શતાવધાની હતા , ઝબક બાઈ સાથે લગ્ન કરેલા સંસાર માં રહી સાધુ જેવું આધ્યાત્મક જીવન જીવી 9 અપ્રિલ 19o1માં 33 વરસ ની ઉંમરે અવસાન પામ્યા... ગાંધીજી નો પરિવાર પુષ્ટિ સંપ્રદાય માં માનતો જ્યારે માતા પૂતળી બાઈ જૈનધર્મી હતા એટલે શ્રીમદ રાજચંદ્ર ની મુલાકાત ગાંધીજી ના મોસાળ માં જામનગર મુકામે પ્રથમ વાર થયેલી રાજચંદ્ર ની જૈન ફિલોસોફી થી ગાંધીજી ખૂબ પ્રભાવિત થયા તેમને પોતાના આદ્યાત્મિક ગુરુ તરીકે સ્થાપ્યા હતા..
રસિકભાઈ આ બધી વાત થી ખૂબ પ્રભાવિત થયા ,રાજચંદ્ર ના વચનામૃત વાંચવા માંગ્યું મહાસતીજી એ આપ્યું રસિકભાઈ રાજચંદ્ર ની જૈન ફિલોસોફી ના રંગે રંગાયા.
મહા સતીજી એ તેમને સાયલા સ્થિત " રાજ સૌભાગ્ય" આશ્રમ ની મુલાકાત લેવાનું કહ્યું મહાસતીજી એ રાજ સૌભાગ્ય આશ્રમ સાયલા ના આત્મ નિષ્ઠ વિદ્વાન શ્રી રસિક ભાઈ શાહ ને રસિક ભાઈ વઘાસિયા નો પરિચય આપી બધી વાત કરી અને કહ્યું રસિકભાઈ આપને સાયલા મળવા આવશે.. તેમ કહ્યું, રસિકભાઈ શાહે કહ્યું હું જેતપુર આપના દર્શન કરવા પધારું છું જ ત્યારે રસિકભાઈ વઘાસિયા ને જરૂર સંપર્ક કરશું..
નિત્ય સમય અનુસાર આત્મ નિષ્ઠ રસિકભાઈ શાહ ની મુલાકાત પ્રખર શિવપંથી રસિકભાઈ વઘાસિયા ની સાથે જેતપુર માં તેમના નિવસ્થાને થઈ જૈન ફિલોસોફી અને શિવ આરાધના ને એકાકાર થવાનો યોગ રચાયો બન્ને રસિક ભાઈ એક બીજાથી પ્રભાવિત થયા રસિકભાઈ શાહે, રસિકભાઈ વઘાસિયા ને સાયલા પધારવાનું આમંત્રણ આપ્યુ, રસિકભાઈ એ સ્વીકાર્યું..
ત્રણેક દિવસ પછી વિજયાબેન ને રસિકભાઈ સાયલા રાજ સૌભાગ્ય આશ્રમ ગયા , બહારથી જ વિશાળ દેખાતા આશ્રમ માં પ્રથમ પગ મુકતાજ અનુભૂતિ થઇ કે જે વસ્તુ મારે જોઇએ છે તે અહીં જ છે.. મન માં શાંતિ થઈ આશ્રમ માં તો ઠીક આજુબાજુ ના દૂર દૂર વિસ્તાર માં પણ કોઈ ની ઓળખ નહીં બે દિવસ માં તો વિજયાબેન કંટાળી ગયા વિજયાબેન કહે અહીં હેરાન થવા કરતા જેતપુર ભેગા થઈ જઈએ.. સસીક ભાઈ કહે મને અર્પણતાં મળે પછીજ આશ્રમ બહાર પગ મુકીશ. રસિક ભાઈ ને દૂધ સિવાય ખોરાક ચાલે નહીં કોઈ રસિકભાઈ ને ઓળખે પણ નહીં બે દિવસ દૂધ વગર કાઢ્યા. .... સંજોગ એવો ઉભો થયો કે.....સત્સંગ પૂરો કરી .....ભાઈશ્રી આત્મ નિષ્ઠ શ્રી રસિકભાઈ શાહ ત્યાંથી નીકળ્યા બન્ને રસિકભાઈ ની આંખો મળી નજીક આવ્યા તેમણે રાજ સૌભાગ્ય આશ્રમ ના ગુરુ ભાઈશ્રી નાલિનભાઈ કોઠારીનો પરિચય કરાવ્યો ભાઈશ્રી નલિન ભાઈ શ્રીમદ્ રાજચંદ્ર ની ધર્મ વિશે ફિલોસોફી જણાવી .. આશ્રમ વિશે માહિતી આપી બીજે દિવસે પ્રવચન માં આવવા કહ્યું કાલે તમને અર્પણતાં આપવામાં આવશે.. રસિકભાઈવઘાસિયા શ્રીમદ રાજચંદ્ર ની જૈન ફિલોસોફી ના રંગે રંગાઈ ગયા મોટાભાગ નો સમય આશ્રમ માં જ હોય. વાંચન, ચિંતન ,મનન.. મય રહે ધ્યાન ની બધી શ્રેણી અર્ધ પ્રાપ્તિ... પૂર્ણ પ્રાપ્તિ... ચિંતન દશા...ઊચ્ચશ્રેણી.. એક પછી એક શ્રેણી પ્રાપ્ત કરી અંતિમ શ્રેણી બ્રહ્મ નિષ્ઠ પ્રાપ્તિ ની ક્ષણ આવી ...
ગુરુ પૂર્ણિમા નો એ દિવસ હતો. અનુયાયીઓ થી ચીકાર વિશાળ ખંડ ભરચક ખીચો ખીચ ભરેલ હતો અનેક બ્રહ્મનિષ્ઠ ની હાજરી હતી પૂ.. બાપુજીશ્રી , ગુરુવર્યો ની હાજરી માં ભાઈ શ્રી એ જાહેર કર્યું..
"દુન્યવી માયાજાળ અને તેની ભૌતિક સીમાઓ ને
ઓળંગી ને એક સાધક આત્મ સાક્ષસત્કાર દ્વારા
શાશ્વત ના કિનારે પોહચી ગયો છે અને આજે
તેઓ ને બ્રહ્મ નિષ્ઠ તરીકે જાહેર કરવામાં આવે છે
તે છે જેતપુર ના રસિકભાઈ વઘાસિયા"
તળિયો ના ગડગડાટ અને હર્ષ ની લાગણી થી સૌ એ રસિકભાઈ ની વધાવ્યા આજથી બ્રહ્મ નિષ્ઠ રસિકભાઈ વઘાસિયા તરીકે ની ઓળખ મળી.. રસિકભાઈ ની જીવન ની મંઝિલ પ્રાપ્ત થઈ પોતાનું જીવન સફળ થતું જણાયું..
બ્રહ્મ નિષ્ઠ ઓળખની પ્રાપ્તિ પછી રસિક ભાઈ ની અગણ્ય મુલાકાત સ્વામીન નારાયણ, પુષ્ટિ માર્ગીય બાવાશ્રી. જૈન સાધુ સાધ્વીજી, નાથ સંપ્રદાય , મુલા મૌલવી ફકીર સહિત સાતસો ઉપર સંતો મહંતો ની મુલાકાત નો લાહવો મળ્યો છે. અને હાલમાં પણ મુલાકાત સતત થતી રહે છે..
એક દિવસ ઘટના એવી ઘટી કે જેતપુર માં કાર્યરત રજનીશ આશ્રમ નો "ઓશો ધ્યાન શિબિર" નો કાર્ય ક્રમ હતો તેમાં કથાકાર મોરારીબાપુ નું પ્રવચન હતું બ્રહ્મ નિષ્ઠ રસિકભાઈ ને પણ તેમાં વિશિષ્ટ મહેમાન તરીકે આમંત્રણ હતું મોરારી બાપુ ને સંચાલકો એ રસિકભાઈની બ્રહ્મનિષ્ઠ તરીકે ઓળખાણ આપી . મોરારી બાપુએ રસિકભાઈ ની અંગત મુલાકાત માટે ઈચ્છા દર્શાવી આયોજકો એ ખાસ વ્યવસ્થા કરી આપી... બ્રહ્મ નિષ્ઠ રસિકભાઈ સાથે.
બનેલ ઘટના દુર્ઘટના ની વાતો થઈ મોરારી બાપુએ કહ્યું આજે જે બનાવ બને છે તે સારો છે કે ખરાબ તે ભવિષ્ય બતાવે આજની દુખદ ઘટના એ આવતીકાલ ની કે ભવિષ્ય ની સુખદઘટના પણ હોઈ શકે તમારી સાથે જે બન્યું ત્યારે દુઃખદ ઘટના હતી પણ યોગ્ય સમયે સુખદ સાબિત થઈ તમારી વાચા ના ગઈ હોત તમને બીમારી ના આવી હોત તો તમે મારી સામે બ્રહ્મ નિષ્ઠ રસિકભાઈ ને બદલે કલર કેમીકલ નો સામાન્ય વેપારી રસિકભાઈ બેઠા હોત...મોરારી બાપુ એ એક પ્રશ્ન પૂછ્યો સદગુરુ ને તમે કેવીરીતે ઓળખ્યા ? રસિકભાઈએ ટૂંકો જવાબ આપ્યો....
" આત્મજ્ઞાન સમદર્શીતા વિચારે ઉદય પ્રયોગ..
અપૂર્વવાણી પરમ શ્રુત એ સર્વે સદગુરુ લક્ષણ "
આ સાંભળી બાપૂ એ પોતાની ડાયરી માં આ શ્લોક ની નોંધ કરી અનેક કથા માં મારા નામ જોગ બોલ્યા છે.. મેં જૂનાગઢ ની કથા માં મારા પોતાના કને સાંભળ્યું છે...
બીજી ઘટના એ ઘટી કે ખારચિયા ના વતની રસિકભાઈ ના ગુરુ કેળવણી નિરીક્ષક તરિકે નિવૃત થયેલા શ્રી જમન ભાઈ સેંજલિયા સાયલા ના રાજ સૌભાગ્ય આશ્રમ ની મુલાકાતે ગયા એક મોટા ખંડ માં કોઈ હસ્તી બિરાજ માન હોય અને અનુયાયી પોતાની સમશ્યા ના નિરાકરણ માટે ઉભા હોય તેવું દ્રશ્ય જોયું .... પોતાની પણ નાની મોટી કોઈ માનવ સહજ સમશ્યા ના નિરાકરણ માટે કુતુહલવશ જિજ્ઞાસા વશ લાઇન માં ઉભા રહ્યા. વારો આવ્યો ત્યારે અંદર ગયા. અંદર અદભુત અલૌકિક દ્રશ્ય જોયું જે પોતે ક્યારેય કલ્પના પણ ના કરી હોય, સપને પણ વિચાર્યું નાહોય કે ખારચિયા નો દસ ચોપડી પાસ, ખેતી કરતો રસિક, રામજી મંદિર અને શિવ મંદિર માં તલ્લીન થઈ ઝાલર વગાડતો ...હજી સુધી ખુદ સમશ્યગ્રસ્ત હતો તે અનેક સમશ્યા પીડિત લોકો ની સમશ્યા નું નિરાકરણ કરે... તે પણ મારો સામન્ય ગજા નો શિષ્ય રસિક આટલા મોટા સ્થાને બિરાજમાન ,પોતે ચકિત થઈ ગયા ...આત્મ ગૌરવ અનુભવ્યું, રસિક ની નજર જમનભાઈ ઉપર સ્થિર થઈ..ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર રસિક સામે ગયો, જમનભાઈ ને પગે લાગ્યો.. તે જ ઘડીએ જમનભાઈ ને પોતે શિક્ષક હોવાનું ગૌરવ થયું...
ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય,
બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય...
ફોટોગ્રાફ વિગત -
1. ભાઈશ્રી રસિક ના લગ્ન સમયે મિત્રો સાથે વરરાજા ની જમણી બાજુ માં જયંતિ ભુવા, રસિક ની ડાબી બાજુ કમલેશ દોશી, ત્રીજી વ્યક્તિ મનસુખ પાદરિયા ચોથી વ્યક્તિ ગુણવંત ધોરડા, પાંચમી હરેશ ભુવા અને અન્યો
2. તે જમાના માં રસિકભાઈ ની જાન ગાડામાં પ્રયાણ થઈ હતી તે સમય ની..
3. ભાઈશ્રી રસિકભાઈ અને અ. સૌ.વિજયાબેન ભત્રીજી ના લગ્ન પ્રસંગે કન્યાદાન આપતા...
4. રસિકભાઈ અને વિજયાબેન એક શુભ પ્રસંગે..
5. અને 6. સ્વેત શ્યામ ફોટોગ્રાફ બ્રહ્મ નિષ્ઠ બિરુદ અર્પણ સમય ની ક્ષણે...
7. બન્ને પુત્રો ચી.હિરેન અને ચી. જયદીપ ને આશીર્વાદ આપતા રસિકભાઈ
8. બ્રહ્મનિષ્ઠ રસિકભાઈ નો ડી.એન. એ. અંગ્રેજી વર્તમાનપત્ર માં છપાયેલ લેખ..
9. 10. અને 11. બ્રહ્મનિષ્ઠ ભાઈશ્રી રસિકભાઈ અને ગુણવંત ધોરડા ઇન્ટરવ્યૂ સમયે...
No comments:
Post a Comment