Saturday, June 27, 2020

જેતપુર શરાફબઝાર ના "સરદાર" સોની વલ્લભજી લાખાભાઈ કરાંચી વાળા



લગભગ દોઢસો વરસ પહેલાં કચ્છ માં અંધાર યુગ હતો, "મારે તેની તલવાર બળિયા ના બે ભાગ" જેવી સ્થિતિ હતી છાશવારે સિંધી લૂંટારા ગામ લૂંટી ખેદાન મેદાન કરી જતા હતા , પણ ટપર  અને બેરાજા ની આજુબાજુ ના બાર ગામ પરજીયા સોની એ વસાવેલ હતા, આ ગામો માં પરજીયા સોની લાખા ધોરડા નો દબદબો અને હાકો હતો. લાખો, યુવાની અને નાની ઉમરમાજ  દીર્ઘદ્રષ્ટિ કુનેહ,શૌર્ય, ધૈર્ય, ચતુરાઈ,  માટે મલક આખામાં વરતાયો  હતો,લાખા,  ધોરડા ની છાપ ને લીધે ચમરબંધી ને પણ આ ગામો ઉપર નજર બગાડતા સાત વાર વિચાર કરવો પડે.. આવો અડાભીડ લાખો ખોટા ,કપટી, લુચ્ચા, નાલાયક માણસોની નજર માં કણા ની જેમ ખૂંચતો,... ટપર અને બેરાજા ના ભેગા ઉઠ બેસ કરતા, નાલાયક કપટી માણસો એ કારસો રચ્યો,  લાખા નું કાસળ કાઢી નાખવા એક રાતે મધરાત ના સમયે નક્કી કરેલ પંદરેક માણસો ગામ ઉપર ત્રાટકયા, લાખાને જાણ થઈ, ગામના ખૂટેલજુવાનિયા ની આગેવાની લઇ લાખો સામે ગયો. આજે પોતે શીખેલ તલવારબાજી પટાબાજી, ઘોડેસવારી ની  કસોટી હોય તેમ જંગે ચડ્યો, લાખા ની રગેરગ માં શુર ચડ્યું,  દિવાળી, ધુળેટી જેવા તહેવારો ના દિવસે પાંચ પાંચ જણા નાગી તલવારો લાખા ઉપર હુમલો કરે અને લાખો નખ શીખ આરપાર નીકળે, પણ લાખો જાણતો હતો કે આજ રમત નહોતી આજે ખેલ ખરાખરીનો છે, લાખો પોતાની સમગ્ર તાકાત થી લડે છે, અણી ને વખતેજ કપટી, લુચ્ચા , દગાખોર માણસો રચેલ કારસા મુજબ મેદાન માંથી ભાગે છે,  લાખાએ આજોયું પણ તે બમણા શુરાતાને રણે ચડ્યો.. લાખા નું આવું  વિકરાળ, ભયાનક રૂપ જોઈ કારસો કરનારા કાયર લોકો ભાગ્યા.. મલક આખા માં લાખાના નામનો ડંકો વાગી ગયો, ચોરેને ચૌટે લાખાની જ વાતો ચર્ચાય.. પણ લાખો સુનમુન રહે, પોતાની બહાદુરી નો  રતીભાર પણ હરખ નહીં..
એક રાતે ઓરડે ઢોલિયે લાખો  ઉઘાડી આંખે જાગતો સૂતો છે. ઢોલિયાની પાંગતે પરણેતર મોતી બેઠી છે, લાખો સુનમુન સૂતો છે, મોતી લાખા સામે જોવેછે .. મોતી, પૂછે છે કે સોની , મલક આખામાં તમારી ચર્ચા છે, વાહ વાહ થાયછે અને તમે આમ સાવ મૂંઢ.. મૂંગા મંતર.. છે શું? કઈ અજુગતું બન્યું છે કે શું? સોની , કંઈક ફોડ પાડશો તો મારગ મળશે, બીજાને નહીં કહોતો વાંધો નહીં.. પણ હું તો તમારી પરણેતર છું, મને તો કહો... લાખો મોતી સામે  શૂન્યમસ્ક ચહેરે જોવેછે, સોનારણ ....મારુ કાસળ કાઢવાનો જેને હું મારા પોતાના માનતો હતો એ દરબારુ એ ઘડ્યો, લૂંટારું નું તરકટ કર્યું ...માં હિંગળાજ મદદે આવી હું આરપાર નીકળી બચી ગયો.. તલવાર બાજી અને તલવાર પટા ની રમત ના દાવ કામ આવ્યા, લોહી નો ટશયો પણ નહીં ને હું સાંગોપાંગ નીકળ્યો... મારી વાહ વાહ થઈ, માં હિંગળાજ ના હાથ વગર કેમ બને...? મોતી સામે જોઈ લાખો બોલ્યો, સોનારણ ,  ટપર છોડવું પડશે, અહીં સલામતી નથી,  ...મોતી કહે કેમ ..?  લાખો કહે સોનારણ ... જ્યાં વિશ્વાસ હોય ઇ જમીનમાં શ્વાસ લેવાય અહીં મારો વિશ્વાસ ખૂટયો..સમજ ને આપણો શ્વાસ ખૂટયા...અરે...સોનારણ...સામી છાતીએ  પાંચ દસ જણાને તો હું  ભરી પીવ પણ ...પણ આ કાયર કપટી લોકો ને કેમ પોહચવું.. ? એ પીઠ પાછળ ઘા કરવા વાળી જાત.. મને લાગેછે કે ટપર ને જીવ્યા મારવા ના જુવાર કરવા પડશે.. તમે શું કહોછો ? સોનારણ.. મોતી ...ધણી સામે જોઈ નિસાસો નાખી કહેછે પરજાવ થી સિંધ, સિંધ થી પાટણ, પાટણ થી કચ્છ કોણ જાણે આ હિજરત ક્યાં જઇ ને અટકશે...!!! પણ મેં નક્કી કરીજ લીધું છે  મારે ટપર અને બેરાજા નું પાણી " અગરાજ કરવું છે..." લાખા એ પોતાની પ્રતિજ્ઞા નો નિર્ણય કીધો..   મોતી એ પોતાના ધણી ને હિંમત આપતી હોય તેમ ખુમારી થી બોલી  તો સોની એમ કરીએ.. .. ઉપર વાળો કીડી ને કણ, હાથી ને મણ, અને આ પરજીયા ને પણ પેટ પૂરતું આપીજ રહેશે... સગા વહાલા, પરિવાર અને ગામ માં રહેતા પરજીયા ઓ સામે વાત મૂકી  ટપર બેરાજા ના પાણી અગરાજ કર્યા અને પરજીયા સૌએ સુખપુર વસાવ્યું, પણ લાખાએ તો મનોમન કચ્છ ને રામ  રામ કરવાનું નક્કી  કરી લીધું હતું ,..પતિ પત્ની બે ઘોડી પર જરૂર પૂરતો સમાન મૂકી  એક ઉપર મોતી એ પલાણ નાખ્યા, બીજી પર લાખા એ પલાણ નાખ્યા,કચ્છ છોડતી વખતે મોતી ની આંખમાં અશ્રુ મોતી ખર્યા, લાખા ની નજર થી છાનું ના રહ્યું, સોનારણ, મન કોચવાય છે? લાખાએ કહ્યું.. ,  મોતી લાખા સામે જોઈ બોલી ના ...ના ..સોની, તમે અસ્ત્રી ની જાત નથી ને એટલે...!!! તમને નહીં સમજાય..!!! અસ્ત્રી ની લાગણી શુ છે ? અસ્ત્રી માવતર નું ઘર મેલે ત્યારે કેટ કેટલી વોલોવાય ઇ તમે મરદ જાત શુ જાણો? સોની,આજ કચ્છ ને જીવ્યા મુવાના જુવાર કરતા કરતા હૈયું એવું જ વોલોવાય છે..   જ્યારે માવતર નું ઘર મૂક્યું ત્યારે વલોવાયું,.... એવું જ આજે વોલોવાય છે.......આમ કોચવાતા મને  પતિ પત્ની એ આજીવન કચ્છથી વિદાય લીધી...
મોરબી, રાજકોટ,   ગોંડલ, જેતપુર  જૂનાગઢ જેવા અને અનેક નાના મોટા રજવાડા માં થોડા થોડા દિવસો રોકાણ કરી, પતિ પત્ની માણાવદર બાટવા પાસે ના ગીદડ (હાલ નું સરદાર ગઢ) ગામે આવ્યા,  રાજા મુસ્લિમ હતા શેખ ના નામે ઓળખાતા, શેખસહેબે લાખાભાઈ ને પૂછ્યું ક્યાંથી આવો છો?કચ્છ મુકવાનું કારણ શું..? લાખાભાઈ એ  માંડીને બધી વાત કહી  શેખ સાહેબ ને લાખાભાઈ માં વટીલો, ટેકીલો, ખતીલો ,ઈમાનદાર, વચનબદ્ધ,  નખશીખ કંડારાયેલી મૂર્તિ દેખાઈ..શેખ સાહેબે લાખાભાઈ સામે જોઈ પુછ્યું તમારી જાત કઈ...? લાખાભાઈ એ કહ્યું પરજીયા સોની.. શેખ સાહેબે ફરી પૂછ્યું સોની તો બરાબર ...પ..ણ પરજીયા એટલે કેવા...,?  લાખાભાઈ એ સમજણ આપતા કહ્યું,
"વાણિયાનો વિવેક , મુતસ્દી, ક્ષત્રિય નું શૌર્ય અને ટેક જ્યાં મળે ત્યાં પરજીયા નો જન્મ થાય" શેખ સાહેબ ખુશ થઈ બોલ્યા વાહ જુવાન વાહ તારી વાત કરવાની રીત રજવાડી છે.. લાખાભાઈ તમે રાજ માં કામદારૂ કરશો...?લાખાભાઈ એ જવાબ માં કહ્યું મારી રીતે...શેખસહેબે કહ્યું રીતે એટલે ..? લાખાભાઈ એ કહ્યું મારી શરતે.. શેખ સાહેબે કહ્યું શુ શરત.. ? લાખાભાઈ એ કહ્યું સ્વમાન...!!! શેખ સાહેબે પૂછ્યું એટલે.. ? સ્વમાન આપી સ્વમાન લવ..!!! શેખ બોલ્યા મંજુર...લાખાભાઈ વળતર બોલો.. ? લાખાભાઈ બોલ્યા  માન.. મરતબો.. મોભો..અને મૂલ્ય માગ્યે ના મળે એ તો આપો આપ મળે.. શેખ સાહેબ..!!!લાખાભાઈ ના જવાબ થી શેખ સાહેબ ખુશ થયા.. લાખાભાઈ ની રઝડપાટ પુરી થઈ ,જીવન સ્થિર થયું... શેખ સાહેબ ની નાની મોટી દરેક સમશ્યા નું નીરાકરણ લાખાભાઈ ચપટી વગાડતા કરી આપે,  ઘોડાની દરેક ચાલ રણમેદાનમાં ઘોડાની ચાલ, લગનમાં ઘોડા ની ચાલ, રેવાર ચાલ, પાટી ચાલ જેવી અનેક ચાલ કમરે ઘોડા નું મોહરુ બાંધી આબેહૂબ કરી બતાવતા, પાંચ પાંચ તલવારો  ના ખેલદા વચ્ચે આરપાર નીકળી બતાવતા, પટા બાજીના પણ ખેલદા હતા દિવાળી , ઇદ જેવા તહેવારો માં લાખાભાઈ ના રાજમાં કાર્યક્રમ  રાજ તરફથી ગોઠવાતા હતા..




સુખી દામ્પત્ય ના પરિપાક રૂપે  લાખા લખમણ ધોરડા ને આંગણે ત્રણ ત્રણ દીકરા  રમતા થયા ,મોટો જેરામ, વચલો વલ્લભજી, નાનકો મૂળજી, જેરામ અને વલ્લભજી માં ઉમર માં લાંબો તફાવત નહીં પણ મૂળજી ની ઉમર માં થોડો વધુ ફેર.. લાખાભાઈ ધોરડા નું રાજમાં તો માંન હતું જ પણ રાજ પરિવાર માં ભાયાતો જેટલું જ માન મરતબો હતો ,જેરામ અને વલ્લભ રાજ ઘરાનામજ ઉછરવા લાગ્યા,  જેરામ ની બુદ્ધિ તેજ, તરાર ,મુતસ્દી અને વાતડાહ્યો હતો. વલ્લભ સાહસિક,દયાળુ ,ચબરાક અને હોશિયાર હતો, મોતીમાં  દયાળુ લાગણીશીલ,મોતી માં નો રોટલો મોટો અને મહેમાનગતિ પંથકમાં વખણાતી,  જેરામ અને વલ્લભમાં બન્ને ના ગુણ હતા,જેરામ અને વલ્લભ ને લાખાભાઈ રાજકાજ ના કામ માં પલોટાતા હતા.. આમ કચ્છ કરતા લાખાભાઈ ના પરિવાર માં સુખ શાંતિ સમૃદ્ધિ ઘણી વધી હતી, દંગા ફસાદ, લડાઈ ,ઝગડા જેરામે કે વલ્લભે અનુભવ્યા તો ઠીક  જોયા પણ ના હતા આમ ત્રણે દીકરા રાજકુંવર ની જેમ મોટા થતા હતા..
કહેવાય છે ને કે "એક સરખા સુખના દિવસો કોઈના જાતા નથી" સરદારગઢ દરબાર ગઢ માંથી વાત વહેતી થઈ કે શેખ સાહેબ ને જેરામ ની કુનેહ,  ડહાપણ,  ચતુરાઈ ઈમાનદારી,વફાદારી, પ્રભાવીત કરી ગઈ છે,જેરામ ને કાયમી નજીક રાખવા વટલાવી જશન માનવવો..  વાત વહેતી વહેતી મોતી  અને લખાભાઈ પાસે પહોચી,.. લાખાભાઈ એ મોતી  ને કહ્યું, સોનારણ આવી સાચી ખોટી વાતું તો રાજ માં હાલતી જ હોય, વચ્ચે વાત કાપતા મોતી બોલ્યા,ના કરે નારાયણ ને વાત સાચી નીકળે તો, પાછી કચ્છવાળી હિજરત જ કરવી ને, વાત સાચી માની કાંઈક જેરામ માટે વિચારો, મારે એક જનમ માં મારા જેરામ ને બે ધરમ ના પાપ માં નથી પાડવો.. સોની.. !!! પતિ-પત્ની બન્ને મૌન...,લાખાભાઈ મૌન તોડતા બોલ્યા અત્યાર સુધી કારસો નથી રચ્યો પણ ધરમ સાચવવા ..!!! કંઈક કરવું પડશે, શેખ સાહેબ ને જાણ વગર જેરામ ને કરાંચી ભેગો કરીયે.. મોતી માં બોલ્યા  મારા જેરામ નું કરાચી માં કોણ..?  લાખાભાઈ બોલ્યા, ત્યાં મારો કચ્છ નો એક ભેરુ" દામો" છે તે મદદ કરશે ઉલટો  દામો તો રાજી નો રેડ થશે..!!! શેખ સાહેબ ને ખબર પડશે તો ...શુ જવાબ આપશું..? કોઈને કાઈ કહ્યા વગર  જેરામ ઘર છોડી ભાગી ગયો, ગોતવા નું નાટક કરશું.. શેખ સાહેબ ભલો માણસ છે, તે આપણું અહિત ના જ કરે ઉલટાનું આપણને હૂંફ આપે તેવો દયાળુ માણસ છે..!!!
વાત નો અમલ કર્યો જેરામ ને રાતો રાત ઉપલેટા સબધી ને ત્યાં મૂકી..  લાખાભાઈ જેરામ ને ગોતવા ગયા છે તેમ નાટક  કરી બધાને ખબર આપ્યા  કે જેરામ ક્યાંક ભાગી ગયો  લાખાભાઈ તેને ગોતવા ગ્યાછે,આમ જેરામ ને પોરબંદર થી કરાચી ની સ્ટીમર માં બેસાડી દીધો.. વાત વહેતી  કરી જેરામ ઘર છોડી ભાગી ગયો.. થોડા વખત ઘીના ઠામ માં ઘી પડી ગયું.. બેચાર મહિને વાવડ વહેતા કર્યા કે જેરામ કરાચી  પોહચી ગયો..
જેરામ, જીદગી માં પહેલીવાર સરદારગઢ બહાર નીકળ્યો બાપુ ભેગો આંગળીએ ઉપલેટા કે માણાવદર આંગળી ને વેઢે ગણી શકાય એટલીવાર માંડ ગયો હશે.. બસ ,મોટર  ની મુસાફરી હજી કરી ન હતી પહેલી વાર ટ્રેન ની મુસાફરી તો હજી  તાજેતર માં જ ઉપલેટા થી પોરબંદર કરી હતી, સ્ટીમર માં બેઠો બેઠો  પોરબંદર નો કિનારો જોતો રહ્યો, સરદારગઢ જોજન દૂર થાતું ગયું,  સ્ટીમર માં સાથે કરાચી નો જાણીતો એક જણ  મળી ગયો, થોડી હિંમત આવી પણ અંદર થી બીક હતી  પણ તેનાથી મોટી બીક ધર્મ ચુકી વટલાવા ની હતી, નવી દુનિયા જોવાનો હરખ પણ હતો આમ સુખ અને દુઃખ ની ભેડસેડવી લાગણી માં ને વિચાર માં ઊંઘજ ના આવી, વહેલી સવારે સ્ટીમર નું ભૂંગડું વાગ્યું મુસાફરો માં ગણગણાટ થવા માંડ્યો, જેરામે પણ કરાચી નું જાજરમાન, ઝળહળા બારું જોયું.. મનમાં સફળતાનાં ધબકારા ધગ ધગવા મંડ્યા.. બધાની હારે સ્ટીમર માંથી ઉતર્યો કરાચી ની ધરતી ઉપર પહેલું ડગલું માંડ્યું અને બંદર પાસે ના મંદિર ની ઝાલર વાગી,જાણે  સાક્ષાત ભગવાને જેરામ ને આવકારો આપ્યો.. લાઈનબંધ ઉભેલા માણસો પોતપોતાના વિસ્તાર ના નામ લેતા હતા એવામાં જેરામ ના કાને કચ્છ ખાખર સંભળાયું જેરામ અને પાસે ગયો રામ રામ કરી  બાપુ એ યાદ કરાવેલ  દામાં કાકાનું પૂછ્યું, અજાણી વ્યક્તિ તેને દામાં પાસે લઈ જાય છે ,દામો  બાળપણ ના ભેરૂડાં નું નામ સાંભળી, જેરામ ને ઊંચકી લે છે, ઉમર નું ભાન ભૂલી ફેરફુદરડી ફરવા માંડે છે, જેરામ ના હૈયે હાશકારો થઈ ગયો.!!!
જેરામ ને ઘેર લઇ જઈ , રહેવા જમવાની વ્યવસ્થા કરી એક મારવાડી સોની ની દુકાનમાં કામે રખાવી દીધો.. જેરામ પોતાની કુનેહ આવડત થી શેઠ નો માનીતો થઈ ગયો , જેરામ ને ભાવિ ઉજળું જણાયું, એટલે હજી વરસ પૂરું નથી વીત્યું ત્યાં નાનાભાઈ વલ્લભજી ને તેડાવી લીધો, વલ્લભજી ને પોતાની સાથે કામ શીખવા રાખ્યો,  વલ્લભ ની ગ્રહણ શક્તિ તેજ હોવાને લઇ થોડા સમય માજ બંને ભાઈઓ એ કુશળતા મેળવી લીધી, ઈમાનદારી,નીતિમત્તા , સોના, ચાંદી ની ગુણવત્તા ઉપર નજર રાખી પોતાની નામના  શાખ,આબરૂ પ્રસ્થાપિત કરી, શેઠ ના ચાર હાથ બન્ને ભાઈઓ ઉપર હતા,શેઠ ની સહમતી અને આશીર્વાદ થી પોતાનું સુવાંગ સોની જેરામભાઈ લાખાભાઈ સરદારગઢ વાલા નામ થી કામ ચાલુ કર્યું, જેરામભાઈ ની રમુજવૃત્તિ, વાકછટા થી લોકો પ્રભાવિત થતા, ધીમે ધીમે મોટું સ્નેહી, મિત્રો નું વર્તુળ બનાવ્યું તેમાં પટેલ સમાજ ના મોભી રામજી રાજા પટેલ, ભગવાન રાજા પટેલ, હરિભાઈ પટેલ મુખ્ય હતા, સૌરાષ્ટ્ર ના મોટાભાગ ના વતની ની ખરીદી  સોની જેરામભાઈ લાખાભાઈ સરદારગઢ વાલા ને ત્યાંથી થવા માંડી, બન્નેભાઈ ની સખત મહેનત થી પોતાનું નાનું એવું સામ્રાજ્ય ઉભું કરી દીઘું, નાના માણસો ને ઊપયોગી થવાની ભાવના માતા મોતીમાં માંથી ઉતરી, સરદારગઢ માં લાખાભાઈ નો રોટલો મોટો તેમ કરાંચીમાં જેરામભાઈ નો રોટલો મોટો કહેવાવા મંડયો....તે યુગ માં આફ્રિકા માં કેન્યા, યુગાન્ડા, નૈરોબી,ડરબન કે એડન જીબૂટી,ખાડીના દેશો બાહરિન, દુબઇ,શારજાહ જતી દરેક સ્ટીમર કરાચી થઈ ને જતી કરાચી માં દરેક સ્ટીમર નો બે..થી.. સાત દિવસ નું રોકાણ રહેતું, મોટાભાગના કાઠિયાવાડ ના સોની જેરામ લાખા ને ત્યાં રોકતા જમતા અને કરાચી માં હરેફરે, આવા સંજોગો ને હિસાબે બંને ભાઈ ની ઈજ્જત ,આબરૂ દેશ વિદેશ માં ખુબજ હતી,...
દેશમાં સરદારગઢ માં લાખાબાપા, મોતી માં, નાનો ભાઈ મૂળજી બા, બાપુ ની સેવા માં રોકાયો હતો ,લખાબાપા અને મોતી માં નું જીવન ધાર્મિક આચાર વિચાર માં પસાર થતું હતું પહેલા લાખાબાપા એ ચીર વિદાય લીધી, થોડા સમયમાં મોતી માં નું અવસાન થયું , તેમની અંતિમ ક્રિયા કાંડ કરવા માટે જેરામભાઈ દેશ માં આવ્યા, વિધિ પૂર્ણ કરી અસ્થિ વિસર્જન માટે ગોમતી કિનારે  જેરામભાઈ અને નાનો ભાઈ મૂળજી દ્વારકા આવ્યા,
દ્વારકા પરજીયા સોની જ્ઞાતિ એબન્ને ભાઈઓ નું ઉમળકા ભેર સ્વાગત કર્યું,સોની જેરામભાઈ લાખાભાઈ નું જેતે  સમયે ખૂબ મોટું નામ દ્વારકાનું નાત જમણ કર્યું, બ્રાહ્મણો જમાડ્યા, અને સન્નમાન પત્ર અર્પણ કર્યું, તેસમયે જ્ઞાતિ આગેવાનો એ દ્વારકા માં સોની સમાજ ની ઉતરવા ની સમાજની કોઈ જગ્યા ન હતી તેની રજુઆત જેરામભાઈ સમક્ષ કરી ,  વાત યોગ્ય જણાઈ એટલે..જેરામભાઈ લાખાભાઈ એ છ કે સાત રૂમ ની ઓસરી ઉતાર નળીયા વાળી ડેલીબંધ   વિશાળ જગ્યા પોતાના માતા પિતાના નામે અર્પણ કરી (તે તકતી નીચે ફોટોગ્રાફ માં મૂકી છે)..
માબાપ ના નામે દાન ધર્માદો કરી નાનાભાઈ ને સાથે લઈ કરાચી પરત ફર્યા, નાના ભાઈ મુળજીભાઈ ને પણ પોતાના ધંધા માં સામીલ કરી બન્ને નાના ભાઈ ને મહત્વ આપ્યું વલ્લભભાઈ વહીવટ સાંભળે, મુળજીભાઈ ઘડતર સાંભળે અને પોતે બહારનું ઉઘરાણી  નું કામ અને વહેવાર સાંભળે, જોત જોતામાં  ત્રણ ગણી મહેનત શક્તિ કુનેહ  રંગ લાવી...ના ધારેલી ન વિચારેલી  સફળતા પગમાં આળોટવા મંડી સફળતા આસમાન આંબે પણ પગ ત્રણે ભાઈ ના જમીન પર જ રહ્યા, નાનો ભાઈ મૂળજી અંગ્રેજો થી પ્રભાવિત  હતો પોતાના કાયમી પોશાક મા કોટ,પેન્ટ બુટ, ટાઈ,ને સ્થાન આપ્યું , બન્ને ભાઈ એક બગીમાં દુકાને આવજા કરતા, પણ મુળજીભાઈ માટે પોતની અલગ બગી હતી  ત્યારે હજી મોટર નું પ્રચલન ના હતું..... રઈશ  અને મોભાદાર માણસો પોતાની અંગત બગી રાખતા જેરામ લાખ પરિવાર માં બે બગી રાખી હતી.. ગાંધીજી ની  આઝાદી ની લડત માં ગાંધીજી ના સ્વદેશી આંદોલન થી પ્રભાવિત થઈ મુળજીભાઈ એ અંગ્રેજી પહેરવેશ ને તિલાંજલિ આપી ધોતિયું ખામીશ કોટ અને માથે ગાંધી ટોપી અપનાવ્યા, વલ્લભભાઈ નો સ્વભાવ એ ભલો અને એનો ધંધો ભલો ત્રણે ભાઈ ની સફળતા માં વલ્લભજી નું યોગદાન  ધંધા પર સતત બેસી ધધાં નું તપ કરવું.. જયરે સફળતાની ટોચે હતા ત્યારે  જ...
નસીબે કરવટ બદલી આઝાદી તેના અંતિમ ચરણોમાં હતી,ભારત ને  15 ઓગસ્ટ 1947 ના દિવસે આઝાદી મળી, આઝાદી ની ખુશી સાથે  લાખા લખમણ ના પરિવાર પર ફરીથી એક હિજરત  ના મંડાણ ની તૈયારી થવા માંડી..
પરજાવ થી સિંધ, સિંધ થી  પાટણ, પાટણ થી કચ્છ, કચ્છ થી સરદારગઢ, સરદારગઢ થી કરાચી અને હવે કરાચી થી ભગવાન ભરોસે... આટ આટલી હિજરત કરી પણ ભારત પાકીસ્તાન ભાગલા ની હિજરત ના વિચાર માત્ર થી શરીર આખામાં કમકમાટી પ્રસરી જાય, માણસ ,માણસ ને પળવાર માં ભાજી મૂળા ની જેમ  કાપતા અચકાતો ના હતો,  ઇતિહાસ ની લોહિયાળ હિજરતનો ધોરડા પરિવાર સાક્ષી બન્યો, જેરામભાઈ, વલ્લભભાઈ અને મુળજીભાઈ ને જીવન ની તમામ પરસેવાની કમાણી હિજરતી લોહી માં તણાતી દેખાઈ.. કરાચી માં એંસી ટકા મુસ્લિમ હતા બધા ભાઈચાર થી રહેતા કરાચી માં બિલકુલ ભય કે ડર નું વાતાવરણ નહતું  હિજરતી ને રસ્તામાં કત્લેઆમ કરતા કરાંચીથી કાઠિયાવાડ જાવા માટે દરિયાઈ માર્ગ સલામત હતો માટે રામજી રાજા પટેલે કાઠિયાવાડી માટે સ્પેશ્યલ સ્ટીમરો ભાડે કરી બધાને પરત પોહચાડ્યા,છેલ્લી સ્ટીમર માં ધોરડા પરિવાર અને રામજી રાજા પટેલ નો પરિવાર સાથે રવાના થયો ત્યારે  મુસ્લિમ આડોશી પાડોશી, મિત્રો દુકાન ના  મુસ્લિમ ગ્રાહકો ભીની આંખે  પોતાના હિન્દૂ મિત્રો ને વિદાય આપવા બંદર સુધી આવ્યા હતા, આ ઇતિહાસ ની મોટામાં મોટી અને લોહિયાળ હિજરત ની ઉજળી બાજુ હતી...
નવલખી બંદરે ઉતરી બે દિવસ નિરાશ્રિત કૅમ્પ માં રહ્યા કાઠિયાવાડ માં અમરેલીમાં ઘરનું એક મકાન લીધેલું હતું એટલે અમરેલી આવ્યા.. જેરામભાઈ વલ્લભભાઈ બન્ને એ સાથે વેપાર કરવાનું નક્કી રાખ્યું, જેતપુર માં શરાફ બઝાર માં  મોકાની  દુકાન સોનીજેરામભાઈ લાખાભાઈ કરાચીવાળા  નામથી  ચાલુ કરી...નાના ભાઈ મુળજીભાઈ એ મુળજીભાઈ લાખાભાઈ કરાચીવાળા નામથી રાજકોટ માં રૈયાનાકા ટાવર રોડ પર દુકાન ચાલુ કરી..
જેતપુર માં સોના ચાંદી નો ધંધો ચાલુ કરવો એટલે લોઢાના ચણા ચાવવા બરાબર હતું, આઝાદી સમયે જેતપુર ની સોની બઝારમાં સોરઠીયા વણીકો નો દબદબો કાયમ હતો.
પારેખ વાડીલાલ જીવનભાઈ
પારેખ જગન્નાથ નાથાલાલ
પારેખ વલ્લભદાસ ગોરધનદાસ
વસા હિરચંદ ચત્રભુજ ચોકસી
આમ મોટાભાગે એકજ પરિવારે ચોકસી બજાર નો કબજો લીધેલ હતો , નવો કોઈ વેપારી હિંમત કરી દુકાન કરે એટલે આપરિવાર યેનકેન પ્રકારે તેને ઉઠાડે પાર કરે તેમ છતાં વલ્લભજી લાખાભાઈ એ મોટાભાઈ  જેરામભાઈ લાખાભાઈની મંજૂરી અને આશીર્વાદ થી અશક્ય ને શક્ય કરવાનું બીડું ઝડપ્યું, લાખા લખમણ ની હિંમત ,બહાદૂરી કુનેહ ,વાકપટુતા અને મુતસ્દીગીરી   વલ્લભજી લાખાભાઈ ની રગે રગ માં દોડવા મંડી, એક પછી એક મુતસ્દી પગલાં ભરવા મંડ્યા  સોની જેરામભાઈ લાખાભાઈ કરાચી વાળા નામની દુકાન ચાલુ કરી તેના થોડા સમય માં એક અનુભવી કણબી પટેલ ની સાથે ભાગીદારીમાં કાપડ ની દુકાન ચાલુ કરી " પટેલ કલોથ સ્ટોર " નામ થી ચાલુ કરી લગ્ન સારા નું સોનુ અને કાપડ  એક જ વેપારી પાસે થી મળે એ અનુકૂળતા કણબી ગ્રાહકો ને અનુકૂળ લાગી થોડો વખત9 બંને દુકાન ચાલુ રાખી સોની જેરામભાઈ લાખાભાઈ કરાચીવાળા ની દુકાન જેતપુર તાલુકા અને આજુબાજુ ના સવાસો ગામડામાં જાણીતી થઈ ગઈ એટલે કાપડ ની દુકાન કણબી પટેલ ભાગીદાર ને સોંપી ભાગીદારી છૂટી કરી આમ સોરઠીયા વણિક પારેખ  વેપારી પેઢીઓ એ સોની જેરામભાઈ લાખાભાઈ કરાચીવાળા ની પેઢી ને હરખાતા હરખાતા માન્યતા આપી વલ્લભજી લાખાના પરિવાર ને પારેખ પરિવાર જેટલો જ પણ તેથી એક છોગુ ઊંચું માન મોભો આપ્યો અને વલ્લભભાઈ ને કહ્યું કે આજથી તમે અમારા" સરદાર " આમ વલ્લભજી લાખાભાઈ ને બધા સરદાર તરીકે સંબોધવા લાગ્યા અને ઓળખાવા પણ મંડ્યા.. ગામડા માં પણ તેમની ઓળખ સરદાર તરીકે થવા માંડી..
વલ્લભભાઈ વેપારીતો હતા જ પણ સાથો સાથ ઉમદા માણસ પણ હતા તે ક્યારેય કોઈના દોરવાયા દોરાયા ના હતા ,પોતાના વિચારો ને દ્રઢતા થી વળગી અમલ કરનારા હતા, સાચું કહેવા માં ચમરબંધી ની પણ શેહ કે શરમ ના રાખતા છતાં શરાફ બઝાર માં લોક પ્રિય હતા એટલેતો સરદાર કહેવાતા
કોઈ ધર્મ ના આડમ્બર, ટીલા ટપકા માં વિશ્વાસ ન કરતા, નજીક ના માણસો ને ઉપયોગી  થવામાં વિશ્વાસ કરતા તેઓનો નિત્ય ક્રમ હતો ઘરે થી નીકળે એટલે કોટ ના બન્ને ખીસામાં પરચુરણ ભરેલ હોય  દુકાને જતા જેટલા બાળકો મળે તેને પૈસો કે બેપૈસા ના સિક્કા બાટતા જાય, ખોડપરા માં ભાનુભાઈ  ગઠિયા વાળા ની દુકાને થી  બે શેર ગાંઠિયા કૂતરા ,કાબર અને કાગડાને નાખે, ખડપીઠમાં જઇ ગાયો ને લીલું નાખે પછી જ દુકાને પોહચે.. વલ્લભ ભાઈ ને ક્યારેએ કોઈએ મંદિર માં જોયાનો દાખલો ના મળે તેઓ પોતાની માન્યતા પ્રમાણે જીવ માત્ર માં ઈશ્વર માનતા..
આવા શરાફ બઝાર ના "સરદાર"ના જીવન માં એક ઘટના બને છે...
કારતક માગસર ની સંવનન કાળ ની ઋતુ વેળા એ હુંફાળી ટાઢમાં પૂર્વ દિશા માં ઉગતા સૂર્ય નારાયણની શાખે સમજુ અને તેનો યુવાની માં  પગ મુકતો દીકરો પરસોતમ જેતપુર ની ઉભી બઝારે હાયલા જાય છે, લોહી એક જ છતાં વિચાર અલગ અલગ સમજુ  મધ મીઠો ભૂતકાળ વાગોળે છે , ધણી સાથે પહેલીવાર જેતપુર આવેલી તે મીઠીયાદી ભાદર ના પાણી ની જેમ ખળ ખળ વહી જતી દેખાય છે..જીવન ના કંઈક અરમાનોની વાતું લઇ જેતપુર  ની ઉભી બઝારે હટાણું કરવા આવેલી  સમજુ લાજ નો ઘૂમટો તાણી  ધણી હારે મીઠી મજાક કરતી  મીઠી રકજક કરતી તે ક્ષણે ક્ષણ ની વાતું હૈયા અને હોઠ ની વચ્ચે મૂંગી મૂંગી હડિયા પાટી કરેછે...
તો બીજી બાજુ બાપ સમોવડીયો પરસોતમ પોતાની  ભાવિ ઘરવાળીના શમણાં જોવેછે, ઘરવાળી ને લગન માં ચડાવવાના કપડાં લતા દાગીનામાં બાજુબંધ લેવું કે હાથ નો પોચો લેવો જો માં રાજી થાય તો બેય લેવા નું કહેવું... માં અને દીકરા વચ્ચે મૌન નો સેતુ બંધાયો છે.. એવા  ટાણે જ ઘોડા ના  હણહણાટી અને ઘોડા ગાડી  ના ડાબલાનો અવાજ  બન્નેે વચ્ચે નો મૌન નો સેતુ તોડેે છે.. અને પરસોતમ ના મોઢા માંથી શબ્દો નીકળે છે એ.. મા..., મા ..મા આબાજુ હાલને.. હમણાં ઘોડા ગાડી માં ભટકાઈ જાત.. પરસોતમ ,સમજુ નો હાથ  જાલી પોતાની પાસે ખેંચે છે... પરસોતમ તેની  મા ને  પૂછે છે હે...માં તું વલ્લભ લાખાને ઓળખેતો છે ને..? ઇ તને ઓળખી તો જશે ને.. ?  શેઠ આપણ ને કાઈ કહેશે તો નહીં ને...? પૈસા લાંબો  સમય ચૂકવ્યા નથી તો વઢશે તો નહીં ને... ? સાંભળી સમજુ બોલી વલ્લભભાઈ સોની અમથો થોડો મલક માં "સરદાર"તરીકે પંકાણો  હશે..!!! વલ્લભભાઈ સોની તો લાખેણો માણસ છે, પાઇ નું ખોટું કરે નહીં અને કરવાદૈ પણ નહીં... પોતાનાં ધંધા માં ટેકીલો નિતિવાન અને દયા માયા પણ પુરે પૂરા રાખે... જો દીકરા વલ્લભભાઈ ખંધો અને લુચ્ચો વેપારી હોત તો બાર બાર વરહ રૂપિયા માંગ્યા વગર રહે ખરો...? દીકરા તું શીદ ને ફિકર કરે છે...પ્રૌઢ ઉમર ની સફેદ લટ  લમણે થી સરખી કરતા સમજુ, બોલી... વલ્લભભાઈ એ કયારેય તારા બાપ ને તુકારો તો ઠીક ઊંચા અવાજે વાત પણ નથી કરી.. !!!
માં-દીકરો મીઠી મૂંઝવણ  માં ધરબાતા ધરબાતા ડગલે હાલ્યા જાયછે એધાણે એધાણે ઉજાશ પડતો જાયછે અને રસ્તો મળતો જાય છે..  દોઢ દાયકા પહેલાં નો  જેતપુર ની બજાર નો ઠાઠમાંઠ સમજુ ની અનુભવી નજરે  હજી એવોને એવો વરતાયો   પણ તેની અનુભવી નજરે સોની વલ્લભજીભાઈ લાખાભાઈ ની દુકાન નો રૂઆબ અને મોભો બદલાયેલા લાગ્યો...માં -દીકરો  સંકોચાતા સંકોચાતા દુકાન માં જઈ અંદર બેઠા તેની પહેલા દસેક ઘરાક બેઠા હતા. ચબરાક પરજીયા વલ્લભભાઈ સોની ની નજર પારખી ગઈ કે ઘરાક નવું અને અજાણ્યું છે, દીકરા મનસુખ ને હાથ માર્યો મનસુખ ઈશારો સમજી ગયો.. નવા આગંતુક ઉપર નજર રાખે છે.. અંદર માં દીકરા  ના ચહેરા ઉપર ઓથાર વર્તાય છે..
બે ત્રણ કલાક પછી બધા ઘરાક આટોપી વલ્લભભાઈ નિરાંતે બીડી નો દમ લે છે અને સમજુ ને બોલાવે છે બોલો બેન  બનાવવું છે (લેવાનું છ)ે કે ભંગાવાવનું છે( જૂનું સોનુ વેચવા નું છે).. ઘડીભર પહેલા દાધારીગા ઘરાક ને એની દાધારીગાય માટે ઘઘલાવતા વલ્લભભાઈ નો રૂઆબ અને કડકાઈ અનુભવી હતી એટલે દબાતા અને ગભરાતા અવાજે સમજુ બોલી , પરસોતમ તારા બાપનું નામ કહે પરસોતમ પોતાના બાપ નું નામ બોલ્યો અરજણ લખમણ ગામ ખાનસહેબ નું ખીજડિયા સમજુ બોલી..., શેઠ આજે લેવુય નથી અને વેચવુય નથી, આજથી પંદરેક વરહ પેલા આ છોકરાના આતા તમારે ન્યાથી ઘરેણું લઇ  ગયા હતા ત્રણસો રૂપિયા ઘટ્યા હતા તે બાકી રાખ્યા હતા, બીજેજ વરહે છોકરાના આતા પાછા થયા, "પયડા ઉપર પાટુ "એમ  દુકાળ ઉપર દુકાળ છોકરો નાનો ખેતી માં પેદાશ નહીં ... એ..ટ ..લે ચૂકવી ના શક્યા ,ઓણ સાલ અને પરાર ઉપરા ઉપરી બે વરહ સારા ગયા,  છોકરાના આતા નું કરજ ઉતારવા આવ્યા છીએ... સાડલા ના છેડે ગાંઠ છોડી એક ચબરખી (ભરતિયું ) કાઢે છે અને છોકરાના હાથ માં આપતાં કહે ...શેઠ ને આપ, છોકરો ચબરખી વલ્લભભાઈ ના  હાથ માં આપેછે, ગરવાઈ થી બોલે છે કે આના આતા નું આ છેલ્લુ કરજ હતું આ  ભરતયુ ક્યાંક રહી ગયું હતું ઓણ વરહ મળ્યું એટલે ચુકવણું વરહ મોડું થયુ ,શેઠ વ્યાજ સહિત હિસાબ કરજો મારા આતા પર રતીભાર પણ કરજ નો ભાર નથી રાખવો....   શેઠ. ....,પરસોત્તમ બોલ્યો , મનસુખ ,... પરસોતમ ની ખુમારી સામે જોઈ જ રહ્યો!!!
વલ્લભભાઈ ચબરખી મનસુખ ને આપી કહે છે હીસાબ જોઇ લે, મનસુખે ભરતયુ જોયું ચોવડું અક્ષર ઝાંખા  માંડ માંડ ઉકેલાય રૂપિયા ત્રણસો બાકી પણ અરજણ લખમણ ગામ ખાન ખીજડિયા નામ ચોપડે નથી, કાકા ..(બાપુજી) આપણા ચોપડા માં આ ખાતું ઉધારેલ નથી ત્રણ વરસ ઉપર ના ખાતા માંડવાળ કરી નાખ્યા છે, આતો બાર પંદર વરસ પહેલાનું છે તે માંડવાળ કરી નાખેલું જ સમજો.. બેન શુ કહ્યું તું ..તારું નામ ? બીડી નો દમ લેતા ..લેતા વલ્લભભાઈ બોલ્યા.. સમજુ બોલી મારુ નામ સમજુ અને આ મારો દીકરો પરસોતમ... વલ્લભભાઈ બોલ્યા બેન.. બેટા  સમજુ ,અમારા ચોપડે તમારી પાસે કોઈ પ્રકાર નું લેણું છે જ નહીં એટલે તારે કાઈ લેવું હોય તો બોલ...
સમજુ બોલી એવું તે કઈ હોતું હશે...? તમારો ચોપડો જ સાચો તો અમારું આ ભરતિયું ખોટું  એમ? મારો ધણી ખોટો અને તમે જ સાચા..!!!  બેન સમજુ તું સાચી, આભરતિયું એય સાચું, અમારો  ચોપડો સાચો લેણું  અમારા ચોપડે નાહોય તો હું કેમ કરી લઇ શકું ?  શેઠ  મારે.. મારા ધણી નું ઋણ ચુકતે કરી મોક્ષ અપાવવો છે, શેઠ મારે એને અવગતે નથી મોકલવા.. શેઠ તમે ઘડી વાર પહેલા જમાદાર ની જેમ કડક પઠાણી ઉઘરાણી કરતા હતા અને મારી હારે ત્રાગુ કરો છો ...!!! શરમ નથી આવતી..? બેન અમારી દુકાન ના નિયમ હોય પરંપરા હોય, નેકી ટેકી હોય... અમારી દુકાન નો નિયમ પ્રણાલી છે... "અણહક નું અમે લેતા નથી અને હક નું અમે છોડતા નથી" છતાં તમારો બહુ જ આગ્રહ છે એટલે લઈ લવ છું.. પરસોતમ  બોલ્યો વ્યાજ પણ ગણજો, વલ્લભભાઈ બોલ્યા વ્યાજ નું વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ ગણજો  ભાઈ મનસુખ ...દુકાન માં ક્યારેય પણ આવીરીતે વ્યાજ ગણાયું નથી ,આજે આટલા વર્ષે  પેઢી ની નેકી ટેકી તૂટશે, આજે પહેલી વાર કાકા ઉપર માન ઘટતું  મનસુખ ને જણાયું હિસાબ કરતા મનસુખ ના હાથ ધ્રુજવા લાગ્યા, પણ આદેશ નું પાલન કર્યું ..હિસાબ થયો બારસો રૂપિયા  પુરા એક નયો પૈસો પણ ઓછો નહિ... વલ્લભભાઈ રૂઆબ થી બોલ્યા ...ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર ,સમજુ એ કાપડા માંથી  સો..સો ની  બાર કડકડતી નોટ કાઢી વલ્લભભાઈ ના હાથ માં મૂકી, વલ્લભભાઈ એ નોટ લીધી અને મરમાંળું હસ્યાં, મનસુખે આજોયું તેનું મન કોચવાયું મનો મન પ્રાર્થના કરી ભગવાન અમને આ  પાપ માંથી માફ કરજે આજે  મારા કાકા ને આ શું કમત સૂઝી કે વારસો ની પરંપરા કલમ  ના એક ઝાટકે નેંવે મૂકી દીધી.. !!! કરાચી થી સાચવેલી ઈમાનદારી, નેકી ટેકી નું પડીકું વાળી જેતપુર ની ઉભી બઝાર માં ઘા કરી દીધો.!!!. પણ વલ્લભભાઈ ની મુતસ્દીગીરી કાંઈક બીજું વિચારતી હતી .. વલ્લભભાઈ એ રૂપિયા થડા માં રાખ્યા, ગલ્લો ખોલ્યો તેમાંથી એકસોએકાવન રૂપિયા કાઢ્યા બારસો માં ઉમેરિયા તેરસોએકવન સમજુ ના હાથ માં મુક્તા કહ્યું બેન તને કાપડા ના અને જો તું ના પાડ તો મને મર તો ભાળ.. સમજુ ના ન પાડી શકી...આટલુબધું ના....હોય... વલ્લભભાઈ... સમજુ ની આંખ માં હરખ ના આંસુ આવી ગયા, મનસુખ ની આંખ માં પણ ભેજ વરતાણો , સમજુ મનો મન   હૃદય ના ભાવ થી  વંદન કરી  દીકરા પરસોતમ ને મૌન ની ભાષા માં જાણે કહેતી  હતી કે......વલ્લભભાઈ સોની  ને મલક માં "સરદાર" અમથો અમથો નહીં કીધો...હોય..!!!
વલ્લભભાઈ એ મનસુખ ને કહ્યું ઘેર કહેવડાવી દે કે સમજુ ફૈબા આજે ઘરે જમવા આવશે  "લાપસી ના આંધણ મૂકે"
-----ગુણવંત ધોરડા
       જેતપુર..
      તા 23 જૂન 2020 (અષાઢી બીજ)
પૂરક માહિતી
સાગરકુમાર રાણાભાઈ બારોટ લિખિત પુસ્તક પરજ વંશ પ્રકાશ ભાગ 14 .. કચ્છ નો ઇતિહાસ સંદર્ભગ્રંથ..
અમારા માતુલ્ય ભાભીબા ગંગાસ્વરૂપ સુશીલાભાભી અમરેલી
ફોટોગ્રાફ ની વિગત
1..કપાળ માં તિલક કરેલો ફોટોગ્રાફ વલ્લભજી લાખાભાઈ
2...કાળી ટોપી પહેરેલ ફોટોગ્રાફ જેરામભાઈ લાખાભાઈ
3....સફેદ ગાંધી ટોપી પહેરેલ ફોટોગ્રાફ મુળજીભાઈ લાખાભાઈ
4...કરાચી ની દુકાન નું જેતે સમય નું બીલ સૌજન્ય દિલીપ (રાજુ) મગનભાઈ ધોરડા અમરેલી
5...દ્વારકા માં જેતે સમયે આપેલ દાન ની તકતી.. જે હાલ નવી બનેલ વાડી માં પણ છે.. સૌજન્ય હિરેન ઘઘડા દ્વારકા
6... પ્રખ્યાત વાર્તાકાર, નવલકથાકાર નાનાભાઈ હ. જેબલિયા એ જેતે સમયે દિવ્યભાસ્કર દૈનિક માં પોતાની કોલમ તોરણ માં લખેલ વલ્લભભાઈ ની  સત્યઘટના આધારિત વાર્તા..
7..કરાચી માં અમારું નિવાસસ્થાન "રાજા મેનશન" જે રામજી રાજા પટેલ અને ભગવાન રાજા પટેલે બનાવેલ જે હાલ કરાંચીમાં પોલીસ રહેઠાણ છે વધુ વિગત લોકડાઉન શ્રેણી..9 પુરુસાર્થ ની પાંખે રામજી રાજા માં આપેલી છે
8... લાખા લખમણ ધોરડા પુત્રો ની પ્રગતિ જોવા કરાચી  મુલાકાતે આવેલા ત્યારે જેરામ લાખા ધોરડાએ તેમના સન્નમાન માં નાત જમણા રાખેલ ત્યાર ની જ્ઞાતિ આગેવાનો ની તસ્વીર ત્યરે કરાંચીમાં પરજીયા પટણી સોની ના 250 ઉપરાંત પરિવાર હતા...
નોંધ....જેરામભાઈ લાખાભાઈ ધોરડા અમરેલીનો પરિવાર..અમરેલી, અમદાવાદ,ઔરંગાબાદ મહારાષ્ટ્ર હાલસ્થિત છે
વલ્લભજી લાખાભાઈ ધોરડા  જેતપુર નો પરિવાર...
જેતપુર, રાજકોટ,મુંબઈ, કેનેડા,લંડન હાલ સ્થિત છે..
મુળજીભાઈ લાખાભાઈ ધોરડા  રાજકોટ નો પરિવાર..
રાજકોટ,અમરેલી ,મુંબઈ હાલ સ્થિત છે

જન્મે જૈન, મરણે મુસલમાન ..." આપણા સૌ ના હકાબાપુ


આજ થી લગભગ 200-225 વરસ પહેલાની વાત છે, કાઠિયાવાડ ના બધા કાઠી રજવાડા ભેગા થઈ ચિતલ માટે ભાવનગર રાજ સામે યુદ્ધે ચડ્યા, તેમાં ચિતલ પાસે ભયાનક યુદ્ધ થયું કાઠિયાવાડ ના રાજવી ઓને  પીછેહટ કરવી પડી ચિતલ તહસ-નહસ થઈ ગયું ચિતલ ની દશા પડી ને પાદર જેવી થઈ..
બધા કાઠી રાજવાડાએ નક્કી કર્યું કે ભાવનગર સાથે વેર બંધાયું છે તેથી એકલ દોકલ રહેવું આપણા સૌના  સંરક્ષણ માટે યોગ્ય નથી, બધાએ એક જગ્યા સાથે રહેવામાં બધાનું હિત છે, માટે સૌની નજર જેતપુર ઉપર ઠરી  જેતપુર ફરતે 1797,1798 માં મજબૂત કિલ્લો બનાવી 14 રજવાડા નું વડું મથક બન્યું,  પરિણામ રૂપ જેતપુર 14 ભાયાત,12 પરા અને લટકામાં ટેલદાસ એમ કહેવત પડી..
દરેક રજવાડા ના આના ,પાઇ,પ્રમાણે ભાગ બટાઈ હતી મોટો હિસ્સો પીઠડીયા રાજ નો હતો.....
મોટાભાગ ના રજવાડા નું કારભારું ઓત્તમચંદ (ઉત્તમચંદ)પારેખ સંભાળતા હતા તે સમયે આ પ્રકાર નું કામકાજ કે વહીવટ સંભાળનાર વ્યક્તિ કારભારી, કામદાર કે દીવાન તરીકે ઓળખાતા હતા.. તે સમયે રજવાડા સિવાય કોઈ પણ રૈયત ને મેડીબંધ મકાન ની ઇજાજત ના હતી , ત્યારે રજવાડાએ ઓતમચંદ પારેખ ને મેડી બંધ મકાન ની રજા આપેલ અને ઓત્તમચંદે  મેડી બંધ હવેલી જેવું જાજરમાન  મકાન બાંધેલું, તે સમયે રજવાડા સિવાય આખા જેતપુર માં માત્ર બેજ મેડી હતી એક ઓતમચંદ ની મેડી અને બીજી મીરાજી ની મેડી ઓત્તમચંદ ની મેડી એટલે આજનું સંત કવરરામજી નું મંદિર(સિંધીનું મંદિર) લાદી રોડ, મીરાજી ની મેડી મતવાશેરી ને નાકે હતી.
આવા તેજસ્વી, ખ્યાતનામ, જૈનધર્મી,ઉમદા સંસ્કારી ઓતમચંદ પારેખ  ના નાનાભાઈ માણેકચંદ ને ત્યાં 1905 માં એક તેજસ્વી બાળક નો જન્મ થયો  ઓળી  જોડી પીપળ પાન ફઈ બા એ રાખ્યું હકમીચંદ નામ,દરેક હિન્દૂ ધર્મ માં છઠી ના દિવસે ધામ ધૂમથી વિધાતા ને   વિધિના લેખ લખવા આમંત્રણ આપવા આહવાન કરવામાં આવેછે, તેજ રાત્રે વિધાતા બાળક ના લેખ લખે છે,વિધાતા ને વિનંતી  પ્રાર્થના કરવા માં આવે છેકે શ્રેષ્ઠ લેખ લખજો, જૈનો માં ખાસ માંગવામાં આવે કે અમારા સંતાન ને મોટા જૈનતપસ્વી  કે મોટો શાહસોદાગર બનાવજો.. હકમીચંદ ના લેખ પણ વિધાતા એ લખ્યા પણ કાળ ના ગરત માં શુ લખ્યું તે માત્ર વિધાતા જાણે..!!!
નાનપણ થી હકમીચંદ ના લક્ષણ, વાણી, વર્તણુક કંઈક અસામાન્ય દેખાવ માંડ્યા, અનહદ તોફાની, ખેપાની, કોઈના બાપનું ના માને,, પોતાના મન નું ધાર્યું જ કરે, પોતે જે માને તે જ સત્ય, તેમનાથી નાનો ભાઈ શાંતિલાલ, તેનામાં ઓતમચંદ અને માણેકચંદ  પરિવારનો વિવેક,
  પરિવાર ની મુતસ્દીગીરી ,કુનેહ  ,આવડત નખશીખ લોહીમાં ઉતરેલ, બન્નેભાઈ માં ઉતરધ્રુવ દક્ષિણધ્રુવ નો ફેર..હકમીચંદ પારેખ પરિવાર ની કુનેહ, મુતસ્દીગીરી,વિવેક નાગ કાંચળી ઉતારે તેમ ઉતારી જોજનો દૂર ફેંકી દીધા , જાણે  પોતાનો ચીલો અલગ  ચાતરી  લીધો..
પિતાજી માણેકચાંદ નું અવસાન થયું.. બન્ને ભાઈ મોટાબાપુજી ની છત્ર છયામાં ઉછરવા અને ઉજારવા માંડ્યા..
હકમીચંદ ની દરરોજ રાવ ફરિયાદ ઉભીંજ હોય, દંગા ફસાદ, મારામારી  હકમીચંદ માટે આમ વાત હતી, ફરિયાદી ફરિયાદ કરી ઘરની બહાર નીકળે એટલે હકો બહાર ઉભો જ હોય કે મારી ફરિયાદ કેમ કરી  ?... તેમ કહી ફરી મારામારી કરે.. હકા ની ધાક થી, ધીરે ધીરે ફરિયાદ બંધ થઈ  ...એનો મતલબ એમ બિલકુલ નહીં કે તોફાન, કારસ્તાન બંધ થઇ ગયા....પણ તેની આવી વર્તણુક, તોફાન  લોકો ને સ્વીકાર્ય બની ગયા,..!!!
દિવસે દિવસે હકો  તૂન્ડ મિજાજી  બનવા લાગ્યો, તેને કોઈના બાપ ની બીક ન લાગે,  જેતપુર માં જે તે સમયે 80 ટકા વસ્તી મેમણો ની હકાના મોટાભાગના મિત્રો મુસલમાન હકો મસ્જિદ,દરગાહ, કબ્રસ્તાન માં રખડવા  ભટકવા માંડ્યો નિશાળે બેસાડ્યો પણ નિશાળ ને બદલે પીર પીરાણાની જગ્યામાં જાવા માંડ્યો માંડ માંડ ચાર પાંચ ચોપડી ભણ્યો , મુસલમાન દોસ્તો ને લઈ,  સંગત દોષ નહીં પણ સંગનો રંગ લાગવા માંડ્યો, જૈન ના સફેદ સંપ્રદાયિક રંગ ને બદલે ઇસ્લામિક લીલો રંગ લાગવા માંડ્યો,  એક દિવસ મોહરમ ના તાજીયાનો ઝુલુસ નીકળ્યું હકો પોતાના મિત્રો સાથે તાજીયા ના દીદાર કરવા ગયો, તેની ઉમર ના
છોકરા "હુલ" "ધમાલ" લેતા હતા એમાં એક છોકરાએ હકા ને ધકોમરી દૂર હડસેલી બોલ્યો કે  દૂર હટ બનીયે કે બેટે કા યે કામ નહીં.. !!! હકાને સ્વમાન નો ઓતાર આવ્યો, બાજુ માં મિત્ર હતો એની છરી આંચકી ,હુલ લેતા યુવાનો વચ્ચે કુદયો ધમાલ હુલ ચાલુ કરી ... બોલતો જાય યા અલ્લહા.. યા...પ..ર..વ..ર..દી..ગાર... યા અલ્લહા... હુલ લેતો જાય અને ઉપર જાણે અલ્લહા ના દીદાર કરતો હોય તેમ બોલતો જાય ..યા અલ્લહા.. ,યા.. પરવરદીગર .. હુલ લેતા છોકરા યુવાનો માં સોપો પડી ગયો બધાનું ધ્યાન તાજીયા ને બદલે હકા તરફ ...માણસો  અંદરો અંદર ગણ ગણવા મંડ્યા કે આવી હુલ જિંદગી માં જોઈ નથી..!!!. આ શું..એક વિધર્મી...!!! આવી હુલ.. !!!  લોકો આશ્ચર્ય ચકિત થઈ ગયા..!!! એકબીજા સામું જોવા મંડ્યા..!!!  તેવામાં મોટા અવાજ સાથે ધબાંગ  કરતો હકો બેહોશ થઈ પડી ગયો... દેકારો મચી ગયો એક બનીયકે બેટે ની હુલ,ચોંકારો, ધમાલ લી વો ગીરકર નીચે પડ ગયા. ઝુલુસ સાથે ચાલતા  જતા ધોરાજીના લાલશાહ  બાપુ  ને જાણ થઈ બાપુ હકા પાસે આવ્યા જોયું તો હકા ની છાતીમાં દોઢ બે ઇંચ નો ઘા હુલ લેતા લેતા પડયો હતો તેમાંથી દડ દડ લોહી વહી જાય છે,  લાલશાહ બાપુ નીચે ગોઠણભેર બેસી  બન્ને હાથ અલ્લાહ ની બંદગી માટે ઊંચા કરી પોતાના હાથમાં પોતાનું થુંક લઇ ઘા સાફ કરી ફરીથી થુંક લઈ ઘા પર લગાડી હકા ને હુકમ કરે છે.. ખડા હોજા બેટા હકા તુજે કુછ નહીં હુવા, ખડા હોજા ..મેં હું ના..!!!  દેખ મેને તેરા હાથ પકડા હૈ..!!
મેં હું ના શબ્દો હકાના કાનમાં અથડાયા..!!!ને હકો ઉભો થઇ ફરી થી હુલ, ચોંકારો, ધમાલ લેવા માંડ્યો...ત્યાર બાદ હકા ઉપર આછો લીલો રંગ ઘાટો લીલોરંગ થવા માંડ્યો એમ કહો ને  હકો આખે -આખો નખશીખ લીલા રંગે રંગાઈ ગયો.. હકા માંથી  હકાબાપુની યાત્રા નો પ્રારંભ થયો...
હકાબાપુ ના જીવન માં દસેક વરસ ની ઉંમરે ગાંધીજી સાથે મુલાકાત થાય છે ઘટના એવી છેકે હકાબાપુ ના મોટાબાપુજી ના દિકરાભાઈ દેવચંદ ઉત્તમચંદ પારેખ બેરિસ્ટર ના અભ્યાસ અર્થે ઇંગ્લેન્ડ ગયા ત્યારે ત્યાં તેમની ઓળખાણ મોહનલાલ કરમચંદ ગાંધી સાથે થાય છે, ઓળખાણ મિત્રતા માં પલોટાઈ  જાય છે ભારત આવ્યા પછી પણ સબંધ ગાઢ બને છે ,  રાજકોટ માં વકીલ એમ. કે. ગાંધી ની પ્રેક્ટિસ  ની હજી શરૂઆત હતી, તેમને સહયોગ આપવા માટે દેવચંદ પારેખ તેમને જેતપુર ના ચાર પાંચ કેસ મોકલેછે જેમાં એક અગત્યનો કેસ જેતપુર દરબાર બાવાવાળા નો પણ હતો એ દરમ્યાન મી. એમ. કે .ગાંધી દેવચંદ પારેખ ને ત્યાં ત્રણ ચાર વાર જેતપુર આવેલા.. પણ એક ખાસ  આવવાનું કારણ પારેખ કુટુંબ ની દીકરી ના લગ્ન  નિર્ધાર્યા હતા, ત્યારે ગાંધીજી સાઉથ આફ્રિકાથી સફળ આંદોલનકારી તરીકે ઉપસી આવ્યા હતા, ગોખલેજી એ આઝાદી ના આંદોલન ની ધૂરા સાંભળવા કહ્યું, ગાંધીજી એ કહ્યું હું પ્રથમ ભારત ભ્રમણ કરું ભારતની  જનતાની માનસિકતા જાણું ત્યારબાદ હું તમે કહેશો તેમ કરીશ,એ દરમ્યાન પોતાના  ભારત ભ્રમણ યાત્રા વતન સૌરાષ્ટ્ર માંથી શરૂ કરે છે દરમ્યાન દેવચંદ પારેખ ની કંકોત્રી મળે છે તેથી લગ્ન માં હાજરી પણ અપાય અને જેતપુર ના લોકો ને મળવા નું પણ  થઈ જાય તેથી "એક પંથ દો કાજ" આમ ગાંધીજી  જેતપુર આવેછે જેતપુર પ્રજા તરફ થી ગાંધીજી અને કસ્તુરબા બંને ને સન્નમાન પત્ર જેતપુર દરબાર મુળું વાળા ની હાજરીમાં દેવચંદ પારેખ ની સહી થી આપવા માં આવે છે, તેમાં ગાંધીજી ને  મહાત્મા નું બિરુદ સૌપ્રથમ જેતપુર માં આપવામાં આવેલ  હતું ,ત્યારબાદ 5 દિવસ પછી ગોંડલ માં મહાત્મા નું બિરુદ આપવામાં આવે છે આલગ્ન પ્રસંગે ગાંધીજી દેવચંદભાઈ  સાથે બધા મહેમાનો બેઠા છે ત્યાં હકો ત્યાંથી પસાર થાય છે  જાપાન ની બોસકી ના કપડાં પહેરી  હકો ત્યાંથી પસાર થાય છે ગાંધીજી  હકાને જોવે છે દેવચંદભાઈ ને પૂછે છે આછોકરો કોણ? દેવચંદભાઈ કહે મારો નાનો ભાઈ પણ તુમાખી મગજ નો છે, મુસલમાન ના છોકરા ભેગો રખડતો રહે છે, દરગાહ મસ્જિદ કે સ્મશાન માં પડ્યો પાથર્યો રહે.. કોઈ ના બાપની બીક નથી, ગાંધીજી એ પૂછ્યું હકા તને સ્મશાન માં બીક ના લાગે? હકો  ગાંધીજી ને કહે બોક કેવી હોય ? બીક એટલે શું?  સામાં સવાલ પૂછ્યા... ગાંધીજી એ કહ્યું હકા આવા વિદેશી કપડાં ના પહેરાય ખાદી પહેરાય.. ગાંધીજી ને મોઢામોઢ કહે શુ અમારે શોખ નાહોય ...? અમારી મરજી ના અમે માલિક મન થાય તો પહેરીએ અને જે દિવસે મન થશે કે નથી પહેરવા તે દિવસે તમને પૂછવા નહીં આવ્યે.. આવો જવાબ સાંભળી દેવચંદ ભાઈ એ કહ્યું અમારો હકો ઊંઘી ખોપરી છે , હકો અમારો ઓલિયા અને  મસ્જિદ દરગાહ તરફ ઢળતો જાય છે..ગાંધીજી ને પોતાનો દીકરો હરિલાલ યાદ આવીગ્યો અને દેવચંદભાઈ ને કહ્યું એમાં કાઈ ખોટું નથી ધર્મ બધા સમાન છે..
હકો જેમ જેમ  ઉંમરલાયક થતો ગયો તેમ તેમ માનવ સહજ   ત્રુટી ખામી નો ઉમેરો થતો ગયો ગુસ્સો સાતમા આસમાને રહેવા લાગ્યો બાળપણ માં સંગ દોષ ને લઈ લાગેલ જુગારની લત વિકસતી અને વકરતી ગઈ, જુગાર રમવાનું અને રમાંડવાનું  ક્લબ જેવું ચાલું કર્યું, જુગાર નો શોખ પૂરો કરવા મુંબઈ ની મોટી મોટી કલબમાં જવાનું વધ્યું ગુસ્સો તો હકાબાપુનો પોતાનોજ, ગુસ્સો આકરો પણ ગુમાન નહીં, સ્વભાવ તીખો પણ તોછડાઈ નહીં, ભાષા કડવી પણ ઉદ્ધત નહીં દરગાહ ના મુંજાવર, ઓલિયા પુરુષ સાથે ઉઠક બેઠક વધી ગાંજા અફીણ નું સેવન વધ્યું ઓલિયા સાથે સંસર્ગો વધ્યા, લાલશાહ બાપુ ધોરાજી વાળા ને તો ગુરુ માનેલ જ હતા, હુલ વખતે પકડેલો હાથ હજી પકડેલોજ હતો અવાર નવાર ધોરાજી જતા ત્યાં રોકતા બાપુ ની સેવા કરતા પગદાબતા  દાબતા -દાબતા તેમની આંખ માંથી દડ દડ આંસુ પડતા હકાબાપુ  પોતાના ગુરુ લાલ શાહબાપુ પાસે પોતાનાથી કાઈ ખોટુ થયું હોય તેનું પ્રાયશ્ચિત કરતા  રોઈ પડતા ત્યારે લાલશાહ બાપુ કહેતા હકા તું ખોટા કીસ લીએ કરતા હૈ ..? તું ક્લબ  કીસ લીયે ચાલતા હૈે ..? તું ઐસા ભયાનક ગુસ્સા  કીસ લીએ કરતા હૈ? મુઝ બચન દે તું યે સબ  છોડ દેગા ..બાપુ યે અઘરા હૈે..!!!  તેરે લઈએ કુછ અઘરા નહીં હૈ ,એક બાર છોડ કે તો દેખ,  મેં તું જો માંગે વો  દૂ  ,તું ક્લબ  મેં જીતના કમાતા હો ઉસે જયદા દુ..,  ઇસસે કઈ ગુના જયાદા  તું કમાયેગા એ મેરા બચન હૈ... બસ એકબાર તું યે સબ બુરા ધધાં બંધ કરદે.. બાપુ હું જુગાર ની એક પાવલી પણ ગુંજે નથી રાખતો.. તો  ફિર કિસકે લીયે યે બુરા કામ કરતા હૈ ? બાપુ હું ગરીબ ગુરબા માટે રમુ છું અને રમાડું છું, મારે ક્યાં ભેગું લઇ જવું છે...બાપુ બોલ્યા તે બંધ કર એ સબ ઔર માગલે આજ.. હકા..હકા માગલે
આજુ બાજુ બેઠેલા બધા જોઈ રહ્યા કે હમણાં  આ હિદવો ફકીર સાત પેઢી નું માંગી લેશે..!!! પોતા માટે નહીં તો પોતાના ભાઈ ના કુટુંબ માટે માંગી લેશે... થોડીવાર શાંતિ પથરાઇ જાય છે હકાબાપુ મૌન તોડી બોલે છે બાપુ આપ અલ્લાહ કા નામ  લેના છોડ શકતે હો... !!!   બંદગી કરના છોડ શકતે હો...!!! નહીં ના... યહી મેરી બંદગી હૈ..   યહી મેરી ઈબાદત હૈ...!!!
લાલશાહ બાપૂ મૌન થઈ ગયા તેમની  પાસે પોતાના શિષ્ય  ને આપવા ઉત્તર નહતો... બાપુ એક બાત બોલું ,લાલશાહ બાપુ એ કહ્યું બોલ બેટા તું જે કૌન ના  કહેતા હૈ... બાપુ આજ આપને બોલા થા ... માગલે બેટા ..  માંંગલે હા.. બોલા થા તો ક્યાં ,બાપુ મેં માગના ચાહતા હું...પર બાપુ મેં માંગુ વો દેગે..? બાપુ ,...મુજે હિરે જવાહરત, સોના ચાંદી, મોટર બંગલા, શાનૉ શૌકત, ઈજ્જત આબરૂ કુછ નહીં ચાહીએ બાપુ મેં માંગુ વો દેગે..?.લાલશાહ બાપુ અને તેની બાજુમાં બેઠેલા સૌ આ ગુરુશિષ્ય નો સંવાદ સાંભળે છે...લાલશાહ બાપુ કહે છે...હા ..બેટા.. હા...  હકાબાપુ કહે બાપુ જબ મેં આપકી ચિલમ ભરતા હું તબ આપ મેરા હાથ પકડ લેતેં હો આપને મોહરમ મેં જબ મેં ગિરગયા થા તબ આપને મેરા હાથ પકડકે ઉઠયા થા...યાદ હૈ  બાપુ... હા ...હા...તો.. લાલશાહ બાપુ બોલ્યા...ઠીક ઉસી તરહ આખરી વખત મેરા હાથ થામ લેના એટલું બોલી હકાબાપુ પોકે -પોકે રોઈ પડ્યાં.... લાલશાહ બાપુ ની આંખ માંથી પણ બે ટીપા આંસુ ના હકાબાપુ ના માથાપર હકાર રૂપે પડ્યા...લાલશાહ બાપુના મોઢામાંથી શબ્દ નીકળ્યો "આમીન".....
ગુસ્સા નો ઓતાર કયારે ચડે તેનું કાઈ નક્કી નહીં ,જ્યારે ખોટું થાય ત્યરે હકાબાપુ નું ત્રીજું નેત્ર ખુલે,બન્યું એવુંકે હકાબાપુ ની જુગાર ની કલબમાં  પ્રાગજી લવજીલુહાર જુગાર માં હારેલા 300 રૂપિયા  ની ઉઘરાણી  હકાબાપુ એ અનેક વાર  કરી પણ પ્રાગજી લુહાર વાયદા ઉપર વાયદા નાખે હકાબાપુ ને લાગ્યું કે દાનત ખોરા ટોપરા જેવી છે એક દિવસ લવજી અને હકાબાપુ સામ -સામે થઈ ગયા હકબાપુએ લવજી નો કાંઠલો પકડી કહ્યું.... લવજી મેરા 300 રૂપયા દે દે નહીં તો મેરેસે બુરા કોઈ  નહીં હોગા, હકાબાપુ બોલ્યા તેરે પાસ નહીં હૈ તો દુંસરે કે પાસસે ઉધાર લેલે ઔર મુજે દે દે, જુગાર કા પૈસા મેં છોડતા નહીં
.સમજા.. !!!તું જરૂરતમદ હો તો દૂસરે હાથ સે તુજે વાપસ  દુગા. 12 ઘન્ટે ક સમય દેતા હું, નહીતો મેં લોગો કે સમને તુજે નાગા કરુંગા ફિર તુજે પતા હૈ ની કી હકાબાપુકે બીચમે કોઈ નહીં આતા... બીજે દિવસે 12 કલાક પુરા થયા હકાબાપુ લાલઘૂમ , પ્રાગજીને ગોતવા  નીકળ્યા, સમાચાર મલ્યાકે પ્રાગજી ડાયમંડ સિનેમા માં પિક્ચર જોવા ગયો છે, હકબાપુ મારમમાર ડાયમંડ સિનેમા એ પોહચ્યા, પિક્ચર ચાલુ થઈ ગયું હતું, વિચાર કર્યા વગર પોહચી ગયા સીધા પ્રોજકટર રૂમમાં સ્લાઈડ તૈયાર કરાવી તેમાં લખ્યું "પ્રાગજી લુહાર મેરા 300 રૂપિયા લંબે ટાઈમ સે બાકી હૈ બહાર આકે દેજા, નહીતો તેરી ખેર નહીં" અડધી અડધી કલાકે ત્રણ વાર બતાવવાનું કહી કલબે જાવા નીકળી ગયા...
પ્રાગજી ના ગાઢ મોકળા થયા, હકાબાપુ ને સમજાવે કોણ, કોઈકે કીધું ,લાલશાહ બાપૂ પાસે જા તેનાથી હકાબાપુ માંને   જ હકાબાપુ ઉપર  લાલશાહ બાપુ ના ચાર હાથ છે, પ્રાગજી લાલશાહ બાપુ  પાસે ગયો . હકાબાપુ ની માંડી ને વાત કરી,  હકાબાપુ એ મારી આબરૂના  લીરે લીરા કરી નાખ્યા,  પણ બાત ક્યાં હૈ,  હકાબાપુ મેરે પાસ 300 રૂપિયા જુગાર કા બાકી હૈ વો માંગતા હૈ ,મેં લાંબે વખત સે દે નહીં પાયા હું, કલ મેં ડાયમન્ડ મેં ફિલિમ દેખને કુ ગયા , થોડી દેર બાદ ચાલુ ફિલિમ  મેં સિલાઈડ (સ્લાઈડ) દિખાયા કી "પ્રાગજી મેરા 300 રૂપિયા જુગારકા બાકી હૈ વો દેજા, નહીતો તેરી ખેર નહીં"  મેરી ઈજ્જત કા લીરે લીરા કર ડાલા.. લાલશાહ બાપુ પ્રાગજી ને કહે કે તું નસીબદાર હૈ  નહીતો દિવાળી પે આખા વર્ષ કે દેણદાર કી લિસ્ટ  ઇસ્ટાન્ડ (હાલ નો સ્ટેન્ડચોક)  કી બીચો બીચ  પાટિયા  મુક્તા હૈ ...તબ આખા ગામકો ખબર પડત ,આલે 300 રૂપિયા  હકા કો આપજે. ઔર હકા કો  બોલના , મેં જરૂરતમંદ હું, એટલે હકા તુજે પાછા  દેગા તું  મુજે  વાપીસ  દે કે જાના, હકાબાપુ એ ખરેખર જરૂરતમંદ માની પાછા આપ્યા અને કહ્યું લાલશાહ બાપુને પાછા આપી આવજે... લવજી એ હકાબાપુ ને પૂછ્યું તમને કેમ ખબર પડી કે મને લાલશાહ બાપુ એ 300 રૂપિયા આપ્યાછે, લવજી  "મેં તેરી છઠી જાનતા હું.." મલક મેં  તેરા ભરોસા લાલશાહ બાપુકે સીવા કોન કરેગા...!!!
એકદિવસ કોર્ટ માં હકાબાપુ ઉપર થયેલા કેસ ની તારીખ હોય છે.. કોર્ટ માં જઈ મોટે મોટે થી બોલવા મંડ્યા, "મેં અલ્લહા મેં માનતા હું,કોર્ટ ફોર્ટ મેં નહીં માનતા, અદાલત ઉપર ખુદા કી અદાલત સચી અદાલત હૈ " ત્યાં સામે ફરિયાદી નજરે ચડ્યો તેના પર કુહાડી નો જજની સામે ભરી કોર્ટ માં ઘા કર્યો, કોર્ટે જેલ ની સજા ફરમાવી, પણ તે વખતે કોર્ટ નો ચુકાદો ફેરવવાની સત્તા અધિકાર જેતપુર દરબાર  ને હતા એટલે દરબાર ના હુકમ થી સજા માફ થઈ..
મારા મનમાં  હકાબાપુ ની છાપ મુસ્લિમ ધાર્મિક વાર્તા માં જે "ચાર દરવેશ" ની વાર્તા છે તેમાંના "દરવેશ" એટલે ફરિશ્તા જેવી છાપ લીલા કલર નો પગ સુધી નો રેશમી અતલસ જેવા કપડાં નો ચકમકતો ઝભો બન્ને ખંભે કમરથી નીચે લટકતા ઝોલા તેમાં લાલ,લીલા,પીળા, કેશરી "ગોલી-પચીકા"  ભરેલ હોય જ અમારી નાનપણ માં એ સમજ હતી કે હકાબાપુ ઉપર  અલ્લાહ ના હાથ છે એટલે ગમે તેટલા ગોલી પચીકા વેચે તો પણ ખલાસ ના થાય, ખુદા એ તેમના ઝોલામાં જાદુ ભર્યું છે..  માથે લીલો ફટકો, લાંબી સફેદ કાળી દાઢી, ઝડપી ચાલ, થોડું ચાલી અવાજ કરે ...
" ગીનો લાંણ" ત્યાં શેરી ને ખૂણે કે ચોક માં થોડીવાર ઉભા રહે એટલે ગોળ ના ગાંગડે જેમ માખી ના ઝુંડ ભેગા થાય તેમ બાળકો ભેગા થાય. અને ટોળા માં અવાજ આવવા માંડે એ હકાબાપુ મને મને લાણ, ઝુંડ લાણ લઇ છોકરા પીપરમેન્ટ ખાતા ખાતા વિખેરાય ત્યાં બીજી શેરી ના નાકે અવાજ આવે " છોકરા છોકરીયું ગીનો લાંણ" ફરી એજ દ્રશ્ય  ખોડપરા, જિન પ્લોટ, ત્રાકૂડી પરા, જમાઈવડો (આખા વિશ્વમાં કોઈ જગ્યાનું નામ જમાઈ વાડો પડયું હોય તો એ જેતપુર માં જ છે.. એક મેમણ ને છ દીકરી બધી દીકરી તેને ખૂબ એટલે ખૂબ જ વ્હાલી તે બધી દીકરી ને પોતાની નજર સામેજ રાખવા માંગતો હતો એટલે તેણે બધી દીકરી ના જેતપુર રહેવાની શરતે લગ્ન કર્યા અને બધી દીકરી માટે મહેલ જેવા છ રહેઠાણ બનાવ્યા અહીં એક સાથે છ જમાઈ રહેતા એટલે આવિસ્તાર " જમાઈ વાડા " તરીકે ઓળખ્યો  સમાજ માં ભાઈચારા ની મિશાલ દેવામાં આવે છે અહીં સાઢુંભાઈચારા ની મિશાલ છે અમારો આ જમાઈ વાડો) વિસ્તાર માં દરરોજ જોવા મળે.. ઉમર થતા ક્યારેક રેંકડી માં બેસી લાણ વેચવા નીકળતા નું પણ યાદ છે.
તેમના મિત્ર વર્તુળ માં  યુગ દિવાકર જનકમુનિ મહારાજ, મસ્તાનબાપુ, કુબાશાહ બાપુ,  જંગલી શાહ બાપુ, નિઝામ શાહ બાપુ,મુસામિયા બાપુ, દ્વારકાના અબા સાઈ, જેતલસરના  ધના (ધનજી) ભાઈ ઠુમર ,શેરે પંજાબહોટલ વાળા આશુમાલ હીરાનંદ રાઈકાંઘોર , આજે ત્યાં પૂનમ પ્રોવિઝન સ્ટોર છે,   જે તેમનો પરિવાર  ચલાવે છે , વાણીયા બાબુભાઇ તેલવાળા જેનો દીકરો જયવંત બાબુલાલ બાવીસી અમારી સાથે ભણતો મોટાભાગે ફુરસદ ની પળ માં  હકાબાપુ ,આશુમાલ પાસે બેસતા તો વળી ક્યારેક મસ્તાના બાપુ સાથે બાબુભાઇ બાવીસી ની દુકાને હોય.. ત્રીજી બેઠક દાતાર નો તકયો..
એક વાર અમારા વિસ્તાર માં કુતરી વીયાણી ,એટલે તે સમય ની પરંપરા પ્રમાણે અમે દૂધના પૈસા ઉઘરાવતા હતા. તેવા માં હકાબાપુ નું નીકળવું ,અમે બધા એક સાથે દોડ્યા હકાબાપુ પાસે પોહચી એક અવાજે હકાબાપુ,હકાબાપુ કુતરી વિયાણી છે ,દૂધના પૈસા આપો.. હકાબાપુ બોલ્યા કેટલા ગલુડ્યા છે અમે કીધું છ ...અમને આશા બંધાણી કે હકાબાપુ જાજા બધા રૂપિયા આપશે, બધાના આશ્ચર્ય વચ્ચે તમે કેટલા છો અમે કહ્યું છ,જાવ તમારી "માયું" ને કેહે જો એક એક ગલુડ્યા ને ખોળા માં લઇ પેેટ ભરાવે..અને અમને બધા ને સાગમટે ટોપરા જેવી ચોપડાવી, અમે નિરાશ થયા 15 કે 20 મિનિટ થઈ હશે ત્યાં એક દૂધ વાળો સાયકલ લઈ આવ્યો અમે બેઠાતા ત્યાં
નજીક આવ્યો ,આંચકો આપતો હોય તેમ બોલ્યો... હકાબાપુ એ મોકલ્યો છે.. હકાબાપુ ,હમણાં તમારી પાસે આવ્યા હતા, ? અમે હા પાડી, તેમાંથી એક છોકરો બોલ્યો ..તો... તો.. શુ..?દુધવાળો કહે હકાબાપુએ બેય ટાઈમ છ ગલુડિયા ધરાય એટલું દૂધ  આપવાનું કીધું છે, તપેલી આપો ,અમે દોડી કુતરી ની બખોલ માંથી તપેલી લઇ દૂધ લીધું ,ગલુડ્યા સામે મૂક્યું  ચપ ચપ કરતા પી ગયા...હકાબાપુ ની આ વિચિત્ર તો વિચિત્ર રીતભાત અમને ગમી,  હકાબાપુ એ આપેલી ટોપરા જેવી ગાયળ (ગાળ)  "ગાયળ (ગાળ) અમને ઘી ની નાયળ (નાળ) લાગી.."
લગભગ 1975 ની આ વાત છે, હકાબાપુ લાંબી માંદગી માં પટકાયા, હકીમ વૈદ્ય, નિષ્ણાંતમાં નિષ્ણાત ડોકટરો ને બતાવ્યું, મુંબઈ મોટી મોટી હોસ્પિટલો માં બતવ્યું બધાએ હાથ ઊંચા કરી દીધા ડોકટરોએ જેટલી સેવા થાય તેટલી ઘેર કરવાની સલાહ આપી, મુંબઈ થી હકાબાપુ ની ઈચ્છા પ્રમાણે જેતપુર પરત આવ્યા, અચાનક યુગદીવકાર જનકમુની   વિહાર કરતા કરતા ,જેતપુર થી પસાર થતા હતા તેને સમાચાર મળ્યા કે હકાબાપુની તબિયત બરાબર નથી  , તેઓ તેમના મિત્ર હકાબાપુ ના ખબર પૂછવા ભરતભાઇ શાંતિલાલ પારેખ ના ઘરે પધારે છે, શાંતા પૂછે છે, હકાબાપુ સાથે જનક મુનિ જૈનો ના અગાધ અગમ સિધ્ધાંતો ની ચર્ચા કરે છે, હકાબાપુ ને જનકમુની કહે છે હજી જવાને ઘણી વાર છે, હકાબાપુ એ જનક મુનિ સામે નજર માંડતા કહ્યું કે બે ત્રણ મહિના છે, આમેય હવે મને મારા ગુરુ તેના દરબાર માં બોલાવે છે.. મારા કામ તો મેં પુરા કરી નાખ્યા..!!! હવે નવો આદર નથી કરવો..!!!  જનક મુનિ કહે મને તમારા ગુરુ કહેછે કે હકાબાપુ ની ત્યાં જેતપુર માં જરૂર છે.. મને  તમારા ગુરુ" વાસકેપ " કરવાનું કહે છે, હકાબાપુ કહે મારે મન તો વાસકેપ કે પીરનું મંત્રેલ પાણી ગંગાનું જળ કે ઝમઝમ નું પાણી બધા પાક પવિત્ર છે તેનાથી દેહ શુદ્ધિ થાય, આટલા વર્ષો માં અજ્ઞાનતાથી કેટ કેટલી જગ્યા એ  આદેહ અભડાયો હશે..?હકાબાપુ એ જનકમુની ને વાસકેપ ની મજૂરી આપી, જનકમુની એ નવકાર મંત્ર બોલી વાસકેપ  માટે ચંદન સુખડ નો પાવડર કાઢી મંત્રો બોલતા જાય ને આખા શરીરે ઘસતા જાય , પારેખ કુટુંબ આખું  ઘરના મોભી વિજય ભાઈ,દિલીપભાઈ   દીપકભાઈ , ભરતભાઇ , ફાટી આંખે જોઈ જ રહ્યા કે આટલા મોટા મુનિ જેણેે યુગદીવકાર ની  પદવી  ઉપલબ્ધી પ્રાપ્ત કરી છે તે  જેમ" માં " બાળક ને આખા શરીરે સાબુ ચોપડી ઘસી ઘસી નવડાવતી હોય તેમ જનકમુની હકાબાપુ ને તેમના શરીર પાસે પલોઠી વળી બેસી ને વાસકેપ કરેછે, જનકમુની ની વાત માં અને આંખમાં અમૃત ઝરે છે, હકાબાપુ તેને ઘૂંટડે ઘૂંટડે પીવેછે આપ્રક્રિયા એકાદ કલાક ચાલે છે હકા બાપુ ના ચહેરામાં  ચમક વર્તાવા માંડી...
ભરતભાઇ ,જનક મુનિને પૂછે છે શું લાગે છે? મુંબઈ ના ડોકટરે તો બે ચાર મહિના નો સમય સેવા લેશે તેમ કહ્યું, વધારે ખેંચે તેમ નથી... જનક મુનિ એ કહ્યું ભરતભાઇ મને તો હજી પાંચક વરસ વર્તાય છે.. બાકીતો આપણે કોણ? આગળ જેવી મહાવીર પ્રભુ ની ઈચ્છા..
જે કાંઈ બન્યું  તે ચમત્કાર ગણો કે મુંબઈના ડોક્ટર ની ભૂલ પણ હકાબાપુ પાછા હટા કંટા હતા  એવાનેએવા સજા નરવા થઈ ખોડપરા, જિન પ્લોટ, માં છોકરા છોકરીયું ગીનો લાણ..... ના અવાજ ગુંજવા લાગ્યા.. હકાબાપુ ની આગળ પાછળ ધીંગ ઘુમવાલાગી..   લોબાન ની ખુશ્બૂ જેતપુર ની હવામાં મહેકવા લાગી..
જનકમુની એ કહેલ વાત સાચી પડવાની હોય તેમ પાંચ વરસ થયા હકા બાપુ માંદગીમાં પટકાયા લગભગ છ દસકા "ગીનો લાણ.." નો નાદ ગુંજાવ્યો જેતપુર ની માટી અને હવામાં પાક પવિત્ર લોબાન ની મહેક  થી મહેકતું રાખનાર ફકીર , ઓલિયો વિદાય ની તૈયારી કરી રહ્યો હોય તેવું જમાઈવાડા વિસ્તાર અને હકાબાપુ ની શેરી નો માહોલ અને માતમ છે, હકાબાપુ એ એક ડાયરી ભત્રીજા ભરતભાઇ ના હાથ માં મૂકી ,તેમાં તેમની અંતિમ વિધિ ની સૂચના હતી.. "મુઝે જલાના મત, મુઝે દાતાર કે તકીયે કે  નજદીક દફન કરનાં... અગર કોઈ મુસલમાન કો મેરા દફના ના મંજુર ના હોતો મેરી લાશ કો ગીધ, કૌવે,  કુતે કો ખીલા દેના ઉસે મેરી રૂહ કો આરામ મિલગા..." હકા બાપુ ની અંતિમ ઈચ્છા ની મુસ્લિમ આગેવાનો અને ધર્મગુરુ ને ખબર પડી તેમણે પારેખ કુટુંબ ને સંદેશો  મોકલ્યો કે "હકાબાપુ આપ કે થે ...અબ હમારે હૈ "  મુસ્લિમ આગેવાનો અને ધર્મગુરુએ  ઇસ્લામ ધર્મ નું ગૌરવ વધાર્યું. હકાબાપુ ને હિન્દૂ, મુસ્લિમ,જૈન  આગેવાનો મુસ્લિમ ધર્મગુરુ  ખાસ ઉપસ્થિત સૌરાષ્ટ્ર ના નામાંકિત મુસ્લિમ ધર્મ ગુરુ સૈયદ  નિઝમશાહ  બાપુ ની હાજરીમાં દાતાર ના ટીમ્બે જુના રાજકોટ રોડ પર પુરા માંન સન્નમાન સાથે દફનાવાયા ત્યારે... મુસ્લિમ બિરદારો ખુદાની બંદગી કરેછે..
"લા ઇલહા ઇલલલા  મોહમ્મદ રસુલ અલ્લહા"
જૈનબંધુ મંત્ર નું પઠન કરેછે..
" જૈનમ  જયંતિ  શાશનમઃ.." જય જીનેન્દ્ર..
હિન્દુબંધુ રામધૂન બોલેછે..
"શ્રી રામ જય રામ જય જય રામ.."
આસર્વે ધર્મના મંત્રો અને કલમાં નો ધ્વનિ આકાશ માં ઊંચે સુધી જતો હતો ત્યાં સર્વે ધર્મ ના ફરિશ્તા એક બીજા સામે જોય હરખાતા હશે.. આમ જેવા હતા તેવા બીલકુલ  દંભરહિત, પોતાના સત્ય ને વળગી રહી, સંપૂર્ણ પારદર્શક જીવન જીવી એક પાક પવિત્ર આત્મા એ આપૃથ્વી પરથી વિદાય લીધી.. જેતપુર ની જનતા ના ચહેરા પર એક રંજ જરૂર હતો કે હકાબાપુ પોતાની જીદ અને પોતીકા સત્ય ને છોડી..
ઉત્તમચંદ પારેખે ચીંધેલ રસ્તે ચાલ્યા હોતતો જેતપુર ને
બીજો એક "સવાયો ઉત્તમચંદ પારેખ મળત"
----ગુણવંત ધોરડા
      12 જૂન 2020
      જેતપુર..
પૂર્ણ..
લેખમાટે અંગૂલી નિર્દેશ.. ચંદ્રેશ અધવર્યું અમદાવાદ
પૂરક માહિતી.. ઝબકાર લેખ શીર્ષક." ગીનો લાણ"
લેખક , સાહિત્યકાર વ. મિત્ર રજનીકુમાર પંડ્યા
ભરતભાઇ પારેખ મુંબઈ,હકાબાપુ ના ભત્રીજા
નાનપણ નો મિત્ર મહેન્દ્ર દોમડિયા જેતપુર હાલ મુંબઇ
નારણભાઇ પટેલ (વટેમાર્ગુ) નવાગઢ
મિત્ર રેવાચંદ ખીમનાની વડોદરા
ફોટો સૌજન્ય રજનીકુમાર પંડ્યા,
ડો.ભુપેન્દ્રસિંહ અભાણી જેતપુર
શ્રી જીતુભાઇ ધાધલ જેતપુર
__________________________________________
ફોટોગ્રાફની વિગત..
1....હકાબાપુ નો
2...લાલશાહ બાપુ ધોરાજી,હકાબાપુ ના ગુરુ
3...21 -1-1915 ગાંધીજી જેતપુર આવ્યા ત્યારે નવાગઢ રેલવે સ્ટેશન જૂનું જે રામયા હનુમાન પાસે આવેલું ત્યારે ગામના પ્રતિષ્ઠિત મહાનુભાવો સાથે આ ઐતિહાસિક તસ્વીર સાબરમતી આશ્રમમાં પણ સાચવવામાં આવીછે..
4 જેતપુર પ્રજાજનો તરફથી મહાત્મા ગાંધી અને કસ્તુરબા ના સંન્માનપત્ર ની ઝેરોક્સ કૉપી
જેમાં દેવચંદ ઉત્તમચંદ પારેખ ની સાઈન સ્પષ્ટ વાંચય છે