આજ થી લગભગ 200-225 વરસ પહેલાની વાત છે, કાઠિયાવાડ ના બધા કાઠી રજવાડા ભેગા થઈ ચિતલ માટે ભાવનગર રાજ સામે યુદ્ધે ચડ્યા, તેમાં ચિતલ પાસે ભયાનક યુદ્ધ થયું કાઠિયાવાડ ના રાજવી ઓને પીછેહટ કરવી પડી ચિતલ તહસ-નહસ થઈ ગયું ચિતલ ની દશા પડી ને પાદર જેવી થઈ..
બધા કાઠી રાજવાડાએ નક્કી કર્યું કે ભાવનગર સાથે વેર બંધાયું છે તેથી એકલ દોકલ રહેવું આપણા સૌના સંરક્ષણ માટે યોગ્ય નથી, બધાએ એક જગ્યા સાથે રહેવામાં બધાનું હિત છે, માટે સૌની નજર જેતપુર ઉપર ઠરી જેતપુર ફરતે 1797,1798 માં મજબૂત કિલ્લો બનાવી 14 રજવાડા નું વડું મથક બન્યું, પરિણામ રૂપ જેતપુર 14 ભાયાત,12 પરા અને લટકામાં ટેલદાસ એમ કહેવત પડી..
દરેક રજવાડા ના આના ,પાઇ,પ્રમાણે ભાગ બટાઈ હતી મોટો હિસ્સો પીઠડીયા રાજ નો હતો.....
મોટાભાગ ના રજવાડા નું કારભારું ઓત્તમચંદ (ઉત્તમચંદ)પારેખ સંભાળતા હતા તે સમયે આ પ્રકાર નું કામકાજ કે વહીવટ સંભાળનાર વ્યક્તિ કારભારી, કામદાર કે દીવાન તરીકે ઓળખાતા હતા.. તે સમયે રજવાડા સિવાય કોઈ પણ રૈયત ને મેડીબંધ મકાન ની ઇજાજત ના હતી , ત્યારે રજવાડાએ ઓતમચંદ પારેખ ને મેડી બંધ મકાન ની રજા આપેલ અને ઓત્તમચંદે મેડી બંધ હવેલી જેવું જાજરમાન મકાન બાંધેલું, તે સમયે રજવાડા સિવાય આખા જેતપુર માં માત્ર બેજ મેડી હતી એક ઓતમચંદ ની મેડી અને બીજી મીરાજી ની મેડી ઓત્તમચંદ ની મેડી એટલે આજનું સંત કવરરામજી નું મંદિર(સિંધીનું મંદિર) લાદી રોડ, મીરાજી ની મેડી મતવાશેરી ને નાકે હતી.
આવા તેજસ્વી, ખ્યાતનામ, જૈનધર્મી,ઉમદા સંસ્કારી ઓતમચંદ પારેખ ના નાનાભાઈ માણેકચંદ ને ત્યાં 1905 માં એક તેજસ્વી બાળક નો જન્મ થયો ઓળી જોડી પીપળ પાન ફઈ બા એ રાખ્યું હકમીચંદ નામ,દરેક હિન્દૂ ધર્મ માં છઠી ના દિવસે ધામ ધૂમથી વિધાતા ને વિધિના લેખ લખવા આમંત્રણ આપવા આહવાન કરવામાં આવેછે, તેજ રાત્રે વિધાતા બાળક ના લેખ લખે છે,વિધાતા ને વિનંતી પ્રાર્થના કરવા માં આવે છેકે શ્રેષ્ઠ લેખ લખજો, જૈનો માં ખાસ માંગવામાં આવે કે અમારા સંતાન ને મોટા જૈનતપસ્વી કે મોટો શાહસોદાગર બનાવજો.. હકમીચંદ ના લેખ પણ વિધાતા એ લખ્યા પણ કાળ ના ગરત માં શુ લખ્યું તે માત્ર વિધાતા જાણે..!!!
નાનપણ થી હકમીચંદ ના લક્ષણ, વાણી, વર્તણુક કંઈક અસામાન્ય દેખાવ માંડ્યા, અનહદ તોફાની, ખેપાની, કોઈના બાપનું ના માને,, પોતાના મન નું ધાર્યું જ કરે, પોતે જે માને તે જ સત્ય, તેમનાથી નાનો ભાઈ શાંતિલાલ, તેનામાં ઓતમચંદ અને માણેકચંદ પરિવારનો વિવેક,
પરિવાર ની મુતસ્દીગીરી ,કુનેહ ,આવડત નખશીખ લોહીમાં ઉતરેલ, બન્નેભાઈ માં ઉતરધ્રુવ દક્ષિણધ્રુવ નો ફેર..હકમીચંદ પારેખ પરિવાર ની કુનેહ, મુતસ્દીગીરી,વિવેક નાગ કાંચળી ઉતારે તેમ ઉતારી જોજનો દૂર ફેંકી દીધા , જાણે પોતાનો ચીલો અલગ ચાતરી લીધો..
પિતાજી માણેકચાંદ નું અવસાન થયું.. બન્ને ભાઈ મોટાબાપુજી ની છત્ર છયામાં ઉછરવા અને ઉજારવા માંડ્યા..
હકમીચંદ ની દરરોજ રાવ ફરિયાદ ઉભીંજ હોય, દંગા ફસાદ, મારામારી હકમીચંદ માટે આમ વાત હતી, ફરિયાદી ફરિયાદ કરી ઘરની બહાર નીકળે એટલે હકો બહાર ઉભો જ હોય કે મારી ફરિયાદ કેમ કરી ?... તેમ કહી ફરી મારામારી કરે.. હકા ની ધાક થી, ધીરે ધીરે ફરિયાદ બંધ થઈ ...એનો મતલબ એમ બિલકુલ નહીં કે તોફાન, કારસ્તાન બંધ થઇ ગયા....પણ તેની આવી વર્તણુક, તોફાન લોકો ને સ્વીકાર્ય બની ગયા,..!!!
દિવસે દિવસે હકો તૂન્ડ મિજાજી બનવા લાગ્યો, તેને કોઈના બાપ ની બીક ન લાગે, જેતપુર માં જે તે સમયે 80 ટકા વસ્તી મેમણો ની હકાના મોટાભાગના મિત્રો મુસલમાન હકો મસ્જિદ,દરગાહ, કબ્રસ્તાન માં રખડવા ભટકવા માંડ્યો નિશાળે બેસાડ્યો પણ નિશાળ ને બદલે પીર પીરાણાની જગ્યામાં જાવા માંડ્યો માંડ માંડ ચાર પાંચ ચોપડી ભણ્યો , મુસલમાન દોસ્તો ને લઈ, સંગત દોષ નહીં પણ સંગનો રંગ લાગવા માંડ્યો, જૈન ના સફેદ સંપ્રદાયિક રંગ ને બદલે ઇસ્લામિક લીલો રંગ લાગવા માંડ્યો, એક દિવસ મોહરમ ના તાજીયાનો ઝુલુસ નીકળ્યું હકો પોતાના મિત્રો સાથે તાજીયા ના દીદાર કરવા ગયો, તેની ઉમર ના
છોકરા "હુલ" "ધમાલ" લેતા હતા એમાં એક છોકરાએ હકા ને ધકોમરી દૂર હડસેલી બોલ્યો કે દૂર હટ બનીયે કે બેટે કા યે કામ નહીં.. !!! હકાને સ્વમાન નો ઓતાર આવ્યો, બાજુ માં મિત્ર હતો એની છરી આંચકી ,હુલ લેતા યુવાનો વચ્ચે કુદયો ધમાલ હુલ ચાલુ કરી ... બોલતો જાય યા અલ્લહા.. યા...પ..ર..વ..ર..દી..ગાર... યા અલ્લહા... હુલ લેતો જાય અને ઉપર જાણે અલ્લહા ના દીદાર કરતો હોય તેમ બોલતો જાય ..યા અલ્લહા.. ,યા.. પરવરદીગર .. હુલ લેતા છોકરા યુવાનો માં સોપો પડી ગયો બધાનું ધ્યાન તાજીયા ને બદલે હકા તરફ ...માણસો અંદરો અંદર ગણ ગણવા મંડ્યા કે આવી હુલ જિંદગી માં જોઈ નથી..!!!. આ શું..એક વિધર્મી...!!! આવી હુલ.. !!! લોકો આશ્ચર્ય ચકિત થઈ ગયા..!!! એકબીજા સામું જોવા મંડ્યા..!!! તેવામાં મોટા અવાજ સાથે ધબાંગ કરતો હકો બેહોશ થઈ પડી ગયો... દેકારો મચી ગયો એક બનીયકે બેટે ની હુલ,ચોંકારો, ધમાલ લી વો ગીરકર નીચે પડ ગયા. ઝુલુસ સાથે ચાલતા જતા ધોરાજીના લાલશાહ બાપુ ને જાણ થઈ બાપુ હકા પાસે આવ્યા જોયું તો હકા ની છાતીમાં દોઢ બે ઇંચ નો ઘા હુલ લેતા લેતા પડયો હતો તેમાંથી દડ દડ લોહી વહી જાય છે, લાલશાહ બાપુ નીચે ગોઠણભેર બેસી બન્ને હાથ અલ્લાહ ની બંદગી માટે ઊંચા કરી પોતાના હાથમાં પોતાનું થુંક લઇ ઘા સાફ કરી ફરીથી થુંક લઈ ઘા પર લગાડી હકા ને હુકમ કરે છે.. ખડા હોજા બેટા હકા તુજે કુછ નહીં હુવા, ખડા હોજા ..મેં હું ના..!!! દેખ મેને તેરા હાથ પકડા હૈ..!!
મેં હું ના શબ્દો હકાના કાનમાં અથડાયા..!!!ને હકો ઉભો થઇ ફરી થી હુલ, ચોંકારો, ધમાલ લેવા માંડ્યો...ત્યાર બાદ હકા ઉપર આછો લીલો રંગ ઘાટો લીલોરંગ થવા માંડ્યો એમ કહો ને હકો આખે -આખો નખશીખ લીલા રંગે રંગાઈ ગયો.. હકા માંથી હકાબાપુની યાત્રા નો પ્રારંભ થયો...
હકાબાપુ ના જીવન માં દસેક વરસ ની ઉંમરે ગાંધીજી સાથે મુલાકાત થાય છે ઘટના એવી છેકે હકાબાપુ ના મોટાબાપુજી ના દિકરાભાઈ દેવચંદ ઉત્તમચંદ પારેખ બેરિસ્ટર ના અભ્યાસ અર્થે ઇંગ્લેન્ડ ગયા ત્યારે ત્યાં તેમની ઓળખાણ મોહનલાલ કરમચંદ ગાંધી સાથે થાય છે, ઓળખાણ મિત્રતા માં પલોટાઈ જાય છે ભારત આવ્યા પછી પણ સબંધ ગાઢ બને છે , રાજકોટ માં વકીલ એમ. કે. ગાંધી ની પ્રેક્ટિસ ની હજી શરૂઆત હતી, તેમને સહયોગ આપવા માટે દેવચંદ પારેખ તેમને જેતપુર ના ચાર પાંચ કેસ મોકલેછે જેમાં એક અગત્યનો કેસ જેતપુર દરબાર બાવાવાળા નો પણ હતો એ દરમ્યાન મી. એમ. કે .ગાંધી દેવચંદ પારેખ ને ત્યાં ત્રણ ચાર વાર જેતપુર આવેલા.. પણ એક ખાસ આવવાનું કારણ પારેખ કુટુંબ ની દીકરી ના લગ્ન નિર્ધાર્યા હતા, ત્યારે ગાંધીજી સાઉથ આફ્રિકાથી સફળ આંદોલનકારી તરીકે ઉપસી આવ્યા હતા, ગોખલેજી એ આઝાદી ના આંદોલન ની ધૂરા સાંભળવા કહ્યું, ગાંધીજી એ કહ્યું હું પ્રથમ ભારત ભ્રમણ કરું ભારતની જનતાની માનસિકતા જાણું ત્યારબાદ હું તમે કહેશો તેમ કરીશ,એ દરમ્યાન પોતાના ભારત ભ્રમણ યાત્રા વતન સૌરાષ્ટ્ર માંથી શરૂ કરે છે દરમ્યાન દેવચંદ પારેખ ની કંકોત્રી મળે છે તેથી લગ્ન માં હાજરી પણ અપાય અને જેતપુર ના લોકો ને મળવા નું પણ થઈ જાય તેથી "એક પંથ દો કાજ" આમ ગાંધીજી જેતપુર આવેછે જેતપુર પ્રજા તરફ થી ગાંધીજી અને કસ્તુરબા બંને ને સન્નમાન પત્ર જેતપુર દરબાર મુળું વાળા ની હાજરીમાં દેવચંદ પારેખ ની સહી થી આપવા માં આવે છે, તેમાં ગાંધીજી ને મહાત્મા નું બિરુદ સૌપ્રથમ જેતપુર માં આપવામાં આવેલ હતું ,ત્યારબાદ 5 દિવસ પછી ગોંડલ માં મહાત્મા નું બિરુદ આપવામાં આવે છે આલગ્ન પ્રસંગે ગાંધીજી દેવચંદભાઈ સાથે બધા મહેમાનો બેઠા છે ત્યાં હકો ત્યાંથી પસાર થાય છે જાપાન ની બોસકી ના કપડાં પહેરી હકો ત્યાંથી પસાર થાય છે ગાંધીજી હકાને જોવે છે દેવચંદભાઈ ને પૂછે છે આછોકરો કોણ? દેવચંદભાઈ કહે મારો નાનો ભાઈ પણ તુમાખી મગજ નો છે, મુસલમાન ના છોકરા ભેગો રખડતો રહે છે, દરગાહ મસ્જિદ કે સ્મશાન માં પડ્યો પાથર્યો રહે.. કોઈ ના બાપની બીક નથી, ગાંધીજી એ પૂછ્યું હકા તને સ્મશાન માં બીક ના લાગે? હકો ગાંધીજી ને કહે બોક કેવી હોય ? બીક એટલે શું? સામાં સવાલ પૂછ્યા... ગાંધીજી એ કહ્યું હકા આવા વિદેશી કપડાં ના પહેરાય ખાદી પહેરાય.. ગાંધીજી ને મોઢામોઢ કહે શુ અમારે શોખ નાહોય ...? અમારી મરજી ના અમે માલિક મન થાય તો પહેરીએ અને જે દિવસે મન થશે કે નથી પહેરવા તે દિવસે તમને પૂછવા નહીં આવ્યે.. આવો જવાબ સાંભળી દેવચંદ ભાઈ એ કહ્યું અમારો હકો ઊંઘી ખોપરી છે , હકો અમારો ઓલિયા અને મસ્જિદ દરગાહ તરફ ઢળતો જાય છે..ગાંધીજી ને પોતાનો દીકરો હરિલાલ યાદ આવીગ્યો અને દેવચંદભાઈ ને કહ્યું એમાં કાઈ ખોટું નથી ધર્મ બધા સમાન છે..
હકો જેમ જેમ ઉંમરલાયક થતો ગયો તેમ તેમ માનવ સહજ ત્રુટી ખામી નો ઉમેરો થતો ગયો ગુસ્સો સાતમા આસમાને રહેવા લાગ્યો બાળપણ માં સંગ દોષ ને લઈ લાગેલ જુગારની લત વિકસતી અને વકરતી ગઈ, જુગાર રમવાનું અને રમાંડવાનું ક્લબ જેવું ચાલું કર્યું, જુગાર નો શોખ પૂરો કરવા મુંબઈ ની મોટી મોટી કલબમાં જવાનું વધ્યું ગુસ્સો તો હકાબાપુનો પોતાનોજ, ગુસ્સો આકરો પણ ગુમાન નહીં, સ્વભાવ તીખો પણ તોછડાઈ નહીં, ભાષા કડવી પણ ઉદ્ધત નહીં દરગાહ ના મુંજાવર, ઓલિયા પુરુષ સાથે ઉઠક બેઠક વધી ગાંજા અફીણ નું સેવન વધ્યું ઓલિયા સાથે સંસર્ગો વધ્યા, લાલશાહ બાપુ ધોરાજી વાળા ને તો ગુરુ માનેલ જ હતા, હુલ વખતે પકડેલો હાથ હજી પકડેલોજ હતો અવાર નવાર ધોરાજી જતા ત્યાં રોકતા બાપુ ની સેવા કરતા પગદાબતા દાબતા -દાબતા તેમની આંખ માંથી દડ દડ આંસુ પડતા હકાબાપુ પોતાના ગુરુ લાલ શાહબાપુ પાસે પોતાનાથી કાઈ ખોટુ થયું હોય તેનું પ્રાયશ્ચિત કરતા રોઈ પડતા ત્યારે લાલશાહ બાપુ કહેતા હકા તું ખોટા કીસ લીએ કરતા હૈ ..? તું ક્લબ કીસ લીયે ચાલતા હૈે ..? તું ઐસા ભયાનક ગુસ્સા કીસ લીએ કરતા હૈ? મુઝ બચન દે તું યે સબ છોડ દેગા ..બાપુ યે અઘરા હૈે..!!! તેરે લઈએ કુછ અઘરા નહીં હૈ ,એક બાર છોડ કે તો દેખ, મેં તું જો માંગે વો દૂ ,તું ક્લબ મેં જીતના કમાતા હો ઉસે જયદા દુ.., ઇસસે કઈ ગુના જયાદા તું કમાયેગા એ મેરા બચન હૈ... બસ એકબાર તું યે સબ બુરા ધધાં બંધ કરદે.. બાપુ હું જુગાર ની એક પાવલી પણ ગુંજે નથી રાખતો.. તો ફિર કિસકે લીયે યે બુરા કામ કરતા હૈ ? બાપુ હું ગરીબ ગુરબા માટે રમુ છું અને રમાડું છું, મારે ક્યાં ભેગું લઇ જવું છે...બાપુ બોલ્યા તે બંધ કર એ સબ ઔર માગલે આજ.. હકા..હકા માગલે
આજુ બાજુ બેઠેલા બધા જોઈ રહ્યા કે હમણાં આ હિદવો ફકીર સાત પેઢી નું માંગી લેશે..!!! પોતા માટે નહીં તો પોતાના ભાઈ ના કુટુંબ માટે માંગી લેશે... થોડીવાર શાંતિ પથરાઇ જાય છે હકાબાપુ મૌન તોડી બોલે છે બાપુ આપ અલ્લાહ કા નામ લેના છોડ શકતે હો... !!! બંદગી કરના છોડ શકતે હો...!!! નહીં ના... યહી મેરી બંદગી હૈ.. યહી મેરી ઈબાદત હૈ...!!!
લાલશાહ બાપૂ મૌન થઈ ગયા તેમની પાસે પોતાના શિષ્ય ને આપવા ઉત્તર નહતો... બાપુ એક બાત બોલું ,લાલશાહ બાપુ એ કહ્યું બોલ બેટા તું જે કૌન ના કહેતા હૈ... બાપુ આજ આપને બોલા થા ... માગલે બેટા .. માંંગલે હા.. બોલા થા તો ક્યાં ,બાપુ મેં માગના ચાહતા હું...પર બાપુ મેં માંગુ વો દેગે..? બાપુ ,...મુજે હિરે જવાહરત, સોના ચાંદી, મોટર બંગલા, શાનૉ શૌકત, ઈજ્જત આબરૂ કુછ નહીં ચાહીએ બાપુ મેં માંગુ વો દેગે..?.લાલશાહ બાપુ અને તેની બાજુમાં બેઠેલા સૌ આ ગુરુશિષ્ય નો સંવાદ સાંભળે છે...લાલશાહ બાપુ કહે છે...હા ..બેટા.. હા... હકાબાપુ કહે બાપુ જબ મેં આપકી ચિલમ ભરતા હું તબ આપ મેરા હાથ પકડ લેતેં હો આપને મોહરમ મેં જબ મેં ગિરગયા થા તબ આપને મેરા હાથ પકડકે ઉઠયા થા...યાદ હૈ બાપુ... હા ...હા...તો.. લાલશાહ બાપુ બોલ્યા...ઠીક ઉસી તરહ આખરી વખત મેરા હાથ થામ લેના એટલું બોલી હકાબાપુ પોકે -પોકે રોઈ પડ્યાં.... લાલશાહ બાપુ ની આંખ માંથી પણ બે ટીપા આંસુ ના હકાબાપુ ના માથાપર હકાર રૂપે પડ્યા...લાલશાહ બાપુના મોઢામાંથી શબ્દ નીકળ્યો "આમીન".....
ગુસ્સા નો ઓતાર કયારે ચડે તેનું કાઈ નક્કી નહીં ,જ્યારે ખોટું થાય ત્યરે હકાબાપુ નું ત્રીજું નેત્ર ખુલે,બન્યું એવુંકે હકાબાપુ ની જુગાર ની કલબમાં પ્રાગજી લવજીલુહાર જુગાર માં હારેલા 300 રૂપિયા ની ઉઘરાણી હકાબાપુ એ અનેક વાર કરી પણ પ્રાગજી લુહાર વાયદા ઉપર વાયદા નાખે હકાબાપુ ને લાગ્યું કે દાનત ખોરા ટોપરા જેવી છે એક દિવસ લવજી અને હકાબાપુ સામ -સામે થઈ ગયા હકબાપુએ લવજી નો કાંઠલો પકડી કહ્યું.... લવજી મેરા 300 રૂપયા દે દે નહીં તો મેરેસે બુરા કોઈ નહીં હોગા, હકાબાપુ બોલ્યા તેરે પાસ નહીં હૈ તો દુંસરે કે પાસસે ઉધાર લેલે ઔર મુજે દે દે, જુગાર કા પૈસા મેં છોડતા નહીં
.સમજા.. !!!તું જરૂરતમદ હો તો દૂસરે હાથ સે તુજે વાપસ દુગા. 12 ઘન્ટે ક સમય દેતા હું, નહીતો મેં લોગો કે સમને તુજે નાગા કરુંગા ફિર તુજે પતા હૈ ની કી હકાબાપુકે બીચમે કોઈ નહીં આતા... બીજે દિવસે 12 કલાક પુરા થયા હકાબાપુ લાલઘૂમ , પ્રાગજીને ગોતવા નીકળ્યા, સમાચાર મલ્યાકે પ્રાગજી ડાયમંડ સિનેમા માં પિક્ચર જોવા ગયો છે, હકબાપુ મારમમાર ડાયમંડ સિનેમા એ પોહચ્યા, પિક્ચર ચાલુ થઈ ગયું હતું, વિચાર કર્યા વગર પોહચી ગયા સીધા પ્રોજકટર રૂમમાં સ્લાઈડ તૈયાર કરાવી તેમાં લખ્યું "પ્રાગજી લુહાર મેરા 300 રૂપિયા લંબે ટાઈમ સે બાકી હૈ બહાર આકે દેજા, નહીતો તેરી ખેર નહીં" અડધી અડધી કલાકે ત્રણ વાર બતાવવાનું કહી કલબે જાવા નીકળી ગયા...
પ્રાગજી ના ગાઢ મોકળા થયા, હકાબાપુ ને સમજાવે કોણ, કોઈકે કીધું ,લાલશાહ બાપૂ પાસે જા તેનાથી હકાબાપુ માંને જ હકાબાપુ ઉપર લાલશાહ બાપુ ના ચાર હાથ છે, પ્રાગજી લાલશાહ બાપુ પાસે ગયો . હકાબાપુ ની માંડી ને વાત કરી, હકાબાપુ એ મારી આબરૂના લીરે લીરા કરી નાખ્યા, પણ બાત ક્યાં હૈ, હકાબાપુ મેરે પાસ 300 રૂપિયા જુગાર કા બાકી હૈ વો માંગતા હૈ ,મેં લાંબે વખત સે દે નહીં પાયા હું, કલ મેં ડાયમન્ડ મેં ફિલિમ દેખને કુ ગયા , થોડી દેર બાદ ચાલુ ફિલિમ મેં સિલાઈડ (સ્લાઈડ) દિખાયા કી "પ્રાગજી મેરા 300 રૂપિયા જુગારકા બાકી હૈ વો દેજા, નહીતો તેરી ખેર નહીં" મેરી ઈજ્જત કા લીરે લીરા કર ડાલા.. લાલશાહ બાપુ પ્રાગજી ને કહે કે તું નસીબદાર હૈ નહીતો દિવાળી પે આખા વર્ષ કે દેણદાર કી લિસ્ટ ઇસ્ટાન્ડ (હાલ નો સ્ટેન્ડચોક) કી બીચો બીચ પાટિયા મુક્તા હૈ ...તબ આખા ગામકો ખબર પડત ,આલે 300 રૂપિયા હકા કો આપજે. ઔર હકા કો બોલના , મેં જરૂરતમંદ હું, એટલે હકા તુજે પાછા દેગા તું મુજે વાપીસ દે કે જાના, હકાબાપુ એ ખરેખર જરૂરતમંદ માની પાછા આપ્યા અને કહ્યું લાલશાહ બાપુને પાછા આપી આવજે... લવજી એ હકાબાપુ ને પૂછ્યું તમને કેમ ખબર પડી કે મને લાલશાહ બાપુ એ 300 રૂપિયા આપ્યાછે, લવજી "મેં તેરી છઠી જાનતા હું.." મલક મેં તેરા ભરોસા લાલશાહ બાપુકે સીવા કોન કરેગા...!!!
એકદિવસ કોર્ટ માં હકાબાપુ ઉપર થયેલા કેસ ની તારીખ હોય છે.. કોર્ટ માં જઈ મોટે મોટે થી બોલવા મંડ્યા, "મેં અલ્લહા મેં માનતા હું,કોર્ટ ફોર્ટ મેં નહીં માનતા, અદાલત ઉપર ખુદા કી અદાલત સચી અદાલત હૈ " ત્યાં સામે ફરિયાદી નજરે ચડ્યો તેના પર કુહાડી નો જજની સામે ભરી કોર્ટ માં ઘા કર્યો, કોર્ટે જેલ ની સજા ફરમાવી, પણ તે વખતે કોર્ટ નો ચુકાદો ફેરવવાની સત્તા અધિકાર જેતપુર દરબાર ને હતા એટલે દરબાર ના હુકમ થી સજા માફ થઈ..
મારા મનમાં હકાબાપુ ની છાપ મુસ્લિમ ધાર્મિક વાર્તા માં જે "ચાર દરવેશ" ની વાર્તા છે તેમાંના "દરવેશ" એટલે ફરિશ્તા જેવી છાપ લીલા કલર નો પગ સુધી નો રેશમી અતલસ જેવા કપડાં નો ચકમકતો ઝભો બન્ને ખંભે કમરથી નીચે લટકતા ઝોલા તેમાં લાલ,લીલા,પીળા, કેશરી "ગોલી-પચીકા" ભરેલ હોય જ અમારી નાનપણ માં એ સમજ હતી કે હકાબાપુ ઉપર અલ્લાહ ના હાથ છે એટલે ગમે તેટલા ગોલી પચીકા વેચે તો પણ ખલાસ ના થાય, ખુદા એ તેમના ઝોલામાં જાદુ ભર્યું છે.. માથે લીલો ફટકો, લાંબી સફેદ કાળી દાઢી, ઝડપી ચાલ, થોડું ચાલી અવાજ કરે ...
" ગીનો લાંણ" ત્યાં શેરી ને ખૂણે કે ચોક માં થોડીવાર ઉભા રહે એટલે ગોળ ના ગાંગડે જેમ માખી ના ઝુંડ ભેગા થાય તેમ બાળકો ભેગા થાય. અને ટોળા માં અવાજ આવવા માંડે એ હકાબાપુ મને મને લાણ, ઝુંડ લાણ લઇ છોકરા પીપરમેન્ટ ખાતા ખાતા વિખેરાય ત્યાં બીજી શેરી ના નાકે અવાજ આવે " છોકરા છોકરીયું ગીનો લાંણ" ફરી એજ દ્રશ્ય ખોડપરા, જિન પ્લોટ, ત્રાકૂડી પરા, જમાઈવડો (આખા વિશ્વમાં કોઈ જગ્યાનું નામ જમાઈ વાડો પડયું હોય તો એ જેતપુર માં જ છે.. એક મેમણ ને છ દીકરી બધી દીકરી તેને ખૂબ એટલે ખૂબ જ વ્હાલી તે બધી દીકરી ને પોતાની નજર સામેજ રાખવા માંગતો હતો એટલે તેણે બધી દીકરી ના જેતપુર રહેવાની શરતે લગ્ન કર્યા અને બધી દીકરી માટે મહેલ જેવા છ રહેઠાણ બનાવ્યા અહીં એક સાથે છ જમાઈ રહેતા એટલે આવિસ્તાર " જમાઈ વાડા " તરીકે ઓળખ્યો સમાજ માં ભાઈચારા ની મિશાલ દેવામાં આવે છે અહીં સાઢુંભાઈચારા ની મિશાલ છે અમારો આ જમાઈ વાડો) વિસ્તાર માં દરરોજ જોવા મળે.. ઉમર થતા ક્યારેક રેંકડી માં બેસી લાણ વેચવા નીકળતા નું પણ યાદ છે.
તેમના મિત્ર વર્તુળ માં યુગ દિવાકર જનકમુનિ મહારાજ, મસ્તાનબાપુ, કુબાશાહ બાપુ, જંગલી શાહ બાપુ, નિઝામ શાહ બાપુ,મુસામિયા બાપુ, દ્વારકાના અબા સાઈ, જેતલસરના ધના (ધનજી) ભાઈ ઠુમર ,શેરે પંજાબહોટલ વાળા આશુમાલ હીરાનંદ રાઈકાંઘોર , આજે ત્યાં પૂનમ પ્રોવિઝન સ્ટોર છે, જે તેમનો પરિવાર ચલાવે છે , વાણીયા બાબુભાઇ તેલવાળા જેનો દીકરો જયવંત બાબુલાલ બાવીસી અમારી સાથે ભણતો મોટાભાગે ફુરસદ ની પળ માં હકાબાપુ ,આશુમાલ પાસે બેસતા તો વળી ક્યારેક મસ્તાના બાપુ સાથે બાબુભાઇ બાવીસી ની દુકાને હોય.. ત્રીજી બેઠક દાતાર નો તકયો..
એક વાર અમારા વિસ્તાર માં કુતરી વીયાણી ,એટલે તે સમય ની પરંપરા પ્રમાણે અમે દૂધના પૈસા ઉઘરાવતા હતા. તેવા માં હકાબાપુ નું નીકળવું ,અમે બધા એક સાથે દોડ્યા હકાબાપુ પાસે પોહચી એક અવાજે હકાબાપુ,હકાબાપુ કુતરી વિયાણી છે ,દૂધના પૈસા આપો.. હકાબાપુ બોલ્યા કેટલા ગલુડ્યા છે અમે કીધું છ ...અમને આશા બંધાણી કે હકાબાપુ જાજા બધા રૂપિયા આપશે, બધાના આશ્ચર્ય વચ્ચે તમે કેટલા છો અમે કહ્યું છ,જાવ તમારી "માયું" ને કેહે જો એક એક ગલુડ્યા ને ખોળા માં લઇ પેેટ ભરાવે..અને અમને બધા ને સાગમટે ટોપરા જેવી ચોપડાવી, અમે નિરાશ થયા 15 કે 20 મિનિટ થઈ હશે ત્યાં એક દૂધ વાળો સાયકલ લઈ આવ્યો અમે બેઠાતા ત્યાં
નજીક આવ્યો ,આંચકો આપતો હોય તેમ બોલ્યો... હકાબાપુ એ મોકલ્યો છે.. હકાબાપુ ,હમણાં તમારી પાસે આવ્યા હતા, ? અમે હા પાડી, તેમાંથી એક છોકરો બોલ્યો ..તો... તો.. શુ..?દુધવાળો કહે હકાબાપુએ બેય ટાઈમ છ ગલુડિયા ધરાય એટલું દૂધ આપવાનું કીધું છે, તપેલી આપો ,અમે દોડી કુતરી ની બખોલ માંથી તપેલી લઇ દૂધ લીધું ,ગલુડ્યા સામે મૂક્યું ચપ ચપ કરતા પી ગયા...હકાબાપુ ની આ વિચિત્ર તો વિચિત્ર રીતભાત અમને ગમી, હકાબાપુ એ આપેલી ટોપરા જેવી ગાયળ (ગાળ) "ગાયળ (ગાળ) અમને ઘી ની નાયળ (નાળ) લાગી.."
લગભગ 1975 ની આ વાત છે, હકાબાપુ લાંબી માંદગી માં પટકાયા, હકીમ વૈદ્ય, નિષ્ણાંતમાં નિષ્ણાત ડોકટરો ને બતાવ્યું, મુંબઈ મોટી મોટી હોસ્પિટલો માં બતવ્યું બધાએ હાથ ઊંચા કરી દીધા ડોકટરોએ જેટલી સેવા થાય તેટલી ઘેર કરવાની સલાહ આપી, મુંબઈ થી હકાબાપુ ની ઈચ્છા પ્રમાણે જેતપુર પરત આવ્યા, અચાનક યુગદીવકાર જનકમુની વિહાર કરતા કરતા ,જેતપુર થી પસાર થતા હતા તેને સમાચાર મળ્યા કે હકાબાપુની તબિયત બરાબર નથી , તેઓ તેમના મિત્ર હકાબાપુ ના ખબર પૂછવા ભરતભાઇ શાંતિલાલ પારેખ ના ઘરે પધારે છે, શાંતા પૂછે છે, હકાબાપુ સાથે જનક મુનિ જૈનો ના અગાધ અગમ સિધ્ધાંતો ની ચર્ચા કરે છે, હકાબાપુ ને જનકમુની કહે છે હજી જવાને ઘણી વાર છે, હકાબાપુ એ જનક મુનિ સામે નજર માંડતા કહ્યું કે બે ત્રણ મહિના છે, આમેય હવે મને મારા ગુરુ તેના દરબાર માં બોલાવે છે.. મારા કામ તો મેં પુરા કરી નાખ્યા..!!! હવે નવો આદર નથી કરવો..!!! જનક મુનિ કહે મને તમારા ગુરુ કહેછે કે હકાબાપુ ની ત્યાં જેતપુર માં જરૂર છે.. મને તમારા ગુરુ" વાસકેપ " કરવાનું કહે છે, હકાબાપુ કહે મારે મન તો વાસકેપ કે પીરનું મંત્રેલ પાણી ગંગાનું જળ કે ઝમઝમ નું પાણી બધા પાક પવિત્ર છે તેનાથી દેહ શુદ્ધિ થાય, આટલા વર્ષો માં અજ્ઞાનતાથી કેટ કેટલી જગ્યા એ આદેહ અભડાયો હશે..?હકાબાપુ એ જનકમુની ને વાસકેપ ની મજૂરી આપી, જનકમુની એ નવકાર મંત્ર બોલી વાસકેપ માટે ચંદન સુખડ નો પાવડર કાઢી મંત્રો બોલતા જાય ને આખા શરીરે ઘસતા જાય , પારેખ કુટુંબ આખું ઘરના મોભી વિજય ભાઈ,દિલીપભાઈ દીપકભાઈ , ભરતભાઇ , ફાટી આંખે જોઈ જ રહ્યા કે આટલા મોટા મુનિ જેણેે યુગદીવકાર ની પદવી ઉપલબ્ધી પ્રાપ્ત કરી છે તે જેમ" માં " બાળક ને આખા શરીરે સાબુ ચોપડી ઘસી ઘસી નવડાવતી હોય તેમ જનકમુની હકાબાપુ ને તેમના શરીર પાસે પલોઠી વળી બેસી ને વાસકેપ કરેછે, જનકમુની ની વાત માં અને આંખમાં અમૃત ઝરે છે, હકાબાપુ તેને ઘૂંટડે ઘૂંટડે પીવેછે આપ્રક્રિયા એકાદ કલાક ચાલે છે હકા બાપુ ના ચહેરામાં ચમક વર્તાવા માંડી...
ભરતભાઇ ,જનક મુનિને પૂછે છે શું લાગે છે? મુંબઈ ના ડોકટરે તો બે ચાર મહિના નો સમય સેવા લેશે તેમ કહ્યું, વધારે ખેંચે તેમ નથી... જનક મુનિ એ કહ્યું ભરતભાઇ મને તો હજી પાંચક વરસ વર્તાય છે.. બાકીતો આપણે કોણ? આગળ જેવી મહાવીર પ્રભુ ની ઈચ્છા..
જે કાંઈ બન્યું તે ચમત્કાર ગણો કે મુંબઈના ડોક્ટર ની ભૂલ પણ હકાબાપુ પાછા હટા કંટા હતા એવાનેએવા સજા નરવા થઈ ખોડપરા, જિન પ્લોટ, માં છોકરા છોકરીયું ગીનો લાણ..... ના અવાજ ગુંજવા લાગ્યા.. હકાબાપુ ની આગળ પાછળ ધીંગ ઘુમવાલાગી.. લોબાન ની ખુશ્બૂ જેતપુર ની હવામાં મહેકવા લાગી..
જનકમુની એ કહેલ વાત સાચી પડવાની હોય તેમ પાંચ વરસ થયા હકા બાપુ માંદગીમાં પટકાયા લગભગ છ દસકા "ગીનો લાણ.." નો નાદ ગુંજાવ્યો જેતપુર ની માટી અને હવામાં પાક પવિત્ર લોબાન ની મહેક થી મહેકતું રાખનાર ફકીર , ઓલિયો વિદાય ની તૈયારી કરી રહ્યો હોય તેવું જમાઈવાડા વિસ્તાર અને હકાબાપુ ની શેરી નો માહોલ અને માતમ છે, હકાબાપુ એ એક ડાયરી ભત્રીજા ભરતભાઇ ના હાથ માં મૂકી ,તેમાં તેમની અંતિમ વિધિ ની સૂચના હતી.. "મુઝે જલાના મત, મુઝે દાતાર કે તકીયે કે નજદીક દફન કરનાં... અગર કોઈ મુસલમાન કો મેરા દફના ના મંજુર ના હોતો મેરી લાશ કો ગીધ, કૌવે, કુતે કો ખીલા દેના ઉસે મેરી રૂહ કો આરામ મિલગા..." હકા બાપુ ની અંતિમ ઈચ્છા ની મુસ્લિમ આગેવાનો અને ધર્મગુરુ ને ખબર પડી તેમણે પારેખ કુટુંબ ને સંદેશો મોકલ્યો કે "હકાબાપુ આપ કે થે ...અબ હમારે હૈ " મુસ્લિમ આગેવાનો અને ધર્મગુરુએ ઇસ્લામ ધર્મ નું ગૌરવ વધાર્યું. હકાબાપુ ને હિન્દૂ, મુસ્લિમ,જૈન આગેવાનો મુસ્લિમ ધર્મગુરુ ખાસ ઉપસ્થિત સૌરાષ્ટ્ર ના નામાંકિત મુસ્લિમ ધર્મ ગુરુ સૈયદ નિઝમશાહ બાપુ ની હાજરીમાં દાતાર ના ટીમ્બે જુના રાજકોટ રોડ પર પુરા માંન સન્નમાન સાથે દફનાવાયા ત્યારે... મુસ્લિમ બિરદારો ખુદાની બંદગી કરેછે..
"લા ઇલહા ઇલલલા મોહમ્મદ રસુલ અલ્લહા"
જૈનબંધુ મંત્ર નું પઠન કરેછે..
" જૈનમ જયંતિ શાશનમઃ.." જય જીનેન્દ્ર..
હિન્દુબંધુ રામધૂન બોલેછે..
"શ્રી રામ જય રામ જય જય રામ.."
આસર્વે ધર્મના મંત્રો અને કલમાં નો ધ્વનિ આકાશ માં ઊંચે સુધી જતો હતો ત્યાં સર્વે ધર્મ ના ફરિશ્તા એક બીજા સામે જોય હરખાતા હશે.. આમ જેવા હતા તેવા બીલકુલ દંભરહિત, પોતાના સત્ય ને વળગી રહી, સંપૂર્ણ પારદર્શક જીવન જીવી એક પાક પવિત્ર આત્મા એ આપૃથ્વી પરથી વિદાય લીધી.. જેતપુર ની જનતા ના ચહેરા પર એક રંજ જરૂર હતો કે હકાબાપુ પોતાની જીદ અને પોતીકા સત્ય ને છોડી..
ઉત્તમચંદ પારેખે ચીંધેલ રસ્તે ચાલ્યા હોતતો જેતપુર ને
બીજો એક "સવાયો ઉત્તમચંદ પારેખ મળત"
----ગુણવંત ધોરડા
12 જૂન 2020
જેતપુર..
પૂર્ણ..
લેખમાટે અંગૂલી નિર્દેશ.. ચંદ્રેશ અધવર્યું અમદાવાદ
પૂરક માહિતી.. ઝબકાર લેખ શીર્ષક." ગીનો લાણ"
લેખક , સાહિત્યકાર વ. મિત્ર રજનીકુમાર પંડ્યા
ભરતભાઇ પારેખ મુંબઈ,હકાબાપુ ના ભત્રીજા
નાનપણ નો મિત્ર મહેન્દ્ર દોમડિયા જેતપુર હાલ મુંબઇ
નારણભાઇ પટેલ (વટેમાર્ગુ) નવાગઢ
મિત્ર રેવાચંદ ખીમનાની વડોદરા
ફોટો સૌજન્ય રજનીકુમાર પંડ્યા,
ડો.ભુપેન્દ્રસિંહ અભાણી જેતપુર
શ્રી જીતુભાઇ ધાધલ જેતપુર
__________________________________________
ફોટોગ્રાફની વિગત..
1....હકાબાપુ નો
2...લાલશાહ બાપુ ધોરાજી,હકાબાપુ ના ગુરુ
3...21 -1-1915 ગાંધીજી જેતપુર આવ્યા ત્યારે નવાગઢ રેલવે સ્ટેશન જૂનું જે રામયા હનુમાન પાસે આવેલું ત્યારે ગામના પ્રતિષ્ઠિત મહાનુભાવો સાથે આ ઐતિહાસિક તસ્વીર સાબરમતી આશ્રમમાં પણ સાચવવામાં આવીછે..
4 જેતપુર પ્રજાજનો તરફથી મહાત્મા ગાંધી અને કસ્તુરબા ના સંન્માનપત્ર ની ઝેરોક્સ કૉપી




No comments:
Post a Comment