Sunday, June 7, 2020

"અમારા જેતપુર ના ધન્વંતરીદેવી" મિસ. બોન્ડ

જેતપુર કદી પણ જેનું ઋણ ચૂકવી શકે નહીં તેવી વ્યક્તિઓ ની પહેલી પંગત માં  ડો. મિસ એમ. ઇ. બોન્ડ નું એક આગવું સ્થાન છે..
મિસ. એમ. ઇ. બોન્ડ આયર્લેન્ડ થી આવેલ આયરીશ લેડી હતા. વિશ્વના નકશા માં જેતપુર નું એક ટપકા જેટલું પણ મહત્વ ના હોય અને આલેડી યુવાન વયે એકલી અટૂલી 7000 કી.મી. નું અંતર કાપી કોઈ વ્યક્તિ  જ્યારે એકદમ અજાણ્યા પ્રદેશ માં પોહચે ત્યારે માનવું પડે કે આ જમીન ને તે વ્યક્તિ સાથે પરભવનો કોઈ સબંધ હોવો જોઈએ તેમાં કોઈ વસ્તુ કે વ્યક્તિ નિમિત્ત માત્ર હોય છે. મિસ બોન્ડ  ના જીવન માં પણ સર આદમજી હાજી દાઉદ ગુણીયાવાલા ની ખેરાત નિમિત્ત બની ,હાજી દાઉદ પોતાના મોટા સંતાન અબ્દુલ વાહીદ ની શાદી નિમિતે ઇ.સ.1926 માં જેતપુર આવેછે પોતાના  વાલીદ ના નામે જેતપુર ના વોરાવાડ માં હાજી દાઉદ ડિસ્પેનસરી ને  કાઠિયાવાડની મોટામાં મોટી આધુનિક હોસ્પિટલ માં તબદીલ કરેછે તેમાં મુખ્ય ડોક્ટર તરીકે  ડો. ખાન, ડો બોન્ડ,ડો જાની, ડો કોઠારી, નર્સ તરીકે દયાબેન, અનસૂયાબેન, ભગવતીબેન જેવા બાહોશ સ્ટાફ ની નિમણૂક કરવામાં આવેછે આમ ડો બોન્ડ  આયર્લેડ થી જેતપુર આવે છે IRELAND નો આયરીશ ભાષા માં અર્થ થાય છે... IRE  નો અર્થ દૈવી અને LAND નો અર્થ પ્રદેશ આમ દૈવીપ્રદેશ માંથી કોઈ દેવી  પૂર્વ જન્મ ના  લેણ-દેણ પુરા કરવા જાણે જેતપુર આવી હોય..
થોડાજ સમય માં અજાણ્યો પ્રદેશ, અજાણ્યા માણસો, અજણ્યું વાતાવરણ બધું પોતિકુ  લાગવા માંડ્યું... હાજી દાઉદ હોસ્પિટલ મિસ બોન્ડ  ની સેવાકાર્ય પદ્ધતિ થી ચોમેર ખ્યાતિ પામવા લાગી,  તો બીજી બાજુ મિસ બોન્ડ હાજી દાઉદ હોસ્પિટલ ના હિસાબે ખ્યાતિ પામ્યા, બન્ને એક બીજા ના  પર્યાય બની રહ્યા...
એક દિવસ એવી ઘટના બને છે મિસ બોન્ડ ના જીવનમાં મહા પરીવર્તન વાવાઝોડું બની ને આવેછે એક સ્ત્રી પ્રસુતિ વિભગ માં દાખલ થાય છે.. મિસ બોન્ડ તેમને તપાસે છે પ્રસુતિ નો સમય 15-20 કલાક બાદ નો આપેછે.. શિયાળા ની કડકડતી ઠંડી માં બીજે દિવસે સવારે રાઉન્ડમાં જતા જતા સિસ્ટર દયાબેન ને પૂછે છે કે પેલી સ્ત્રી ને સારા સમાચાર આવ્યા કે નહીં..? દયા બેન હજી જવાબ માં નહિ કહે છે... તેટલીજ વારમાં વોર્ડબોય સમાચાર આપે છે કે  પેલી સ્ત્રી ને વેણ ઊપડ્યું..છે....!!!
મિસ બોન્ડ દયાબેન ને આદેશ કરે છે તેને ઝડપથી લેબર રૂમ માં લાઈલો..વોર્ડબોય  અને દયાબેન પ્રસૂતા ને સ્ટ્રેચર માં સુવડાવી લેબર રૂમ માં લાવે છે, મીસ. બોન્ડ પોહચે છે, પ્રસૂતા નો હાથ પકડી હિંમત આપેછે.. પહેલી પ્રસુતિ છે.. એટલે થોડી ગભરામણ થાય... મન માંથી ડર કાઢી નાખ.... .. દીકરી ,ભગવાન ને યાદ કર...કાઈ નહિ થાય હું બેઠી છું ને ...ક્યાંછે તારો પરિવાર..? પણ પ્રસૂતા મૌન છે.. મિસ બોન્ડ પોતાનું કામ પૂજા અર્ચના કરતા હોય તેમ ચાલુજ રાખે છે.. સ્મશાનવત શાંતિ માં બાળક નુ પવિત્ર રુદન સંભળાય છે એજ વખતે મસ્જિદ માં બાંગ પોકારાય છે.. મંદિર માં  ધરમવાડી નીઆરતી ની ઝાલર અને નગારાનો ધ્વનિ વાતાવરણ ને પાક પવિત્ર કરે છે...
મિસ બોન્ડ ના ચહેરા ઉપર સંતોષ ની રેખાછે બાળક ને  હાથ માં લઇ ભગવાન નો આભાર માંને છે..
પ્રસૂતા ના હાથ માં બાળક સોંપતા કહે છે કે...લે...બેટા .. પ્રભુ નો પ્રસાદ..તું ભાગ્યશાળી છો.. દીકરો જન્મયો છે..
પણ પ્રસૂતા કોઈ પ્રતિભાવ નથી આપતી...!!!
દયાબેન અને મિસ બોન્ડ,... વોર્ડબોય ને સલાહસૂચનો આપી બીજા  દર્દી ને તપાસવા ના કામ માં લાગી જાય છે...
બીજેદિવસે  વહેલીસવારે હોસ્પિટલ ની લોબીમાં ગણ ગણાટ ચાલુ છે... મિસ. બોન્ડ વહેલી સવાર ના રાઉન્ડ માં આ ગણ ગણાટ સાંભળે છે...વોર્ડ બોય ને પૂછે છે કે આ  અવાજ શેનો છે?...... વોર્ડ બોય કહે છે કે કાલે જે પ્રસૂતા ની પ્રસુતિ કરવી તે પોતાના બાળક ને મૂકી જતી રહી છે...!!!
મિસ બોન્ડ ના હૃદય માંથી  હાય કારો નીકળે છે..
રે... કુદરત..!!!
માણસો સંતાનો માટે બાધા -આખડી રાખે છે કેટ કેટલું કરે
આતે કેવી માં..!!!
નાગ કાંચળી ઉતારે તેટલી વાર માં...
નવજાત શિશુ ને ત્યજી દીધું... !!!
કેટલી નિષ્ઠુર માં હશે, મનો મન બબડે છે માં કયારેય નિષ્ઠુર ના બની શકે ખરી ?. તે જરૂર મજબુર હશે..!!! અવીતે કઈ મજબૂરી હશે ? કેવું પાષણ હૃદય કર્યું હશે..? તેવા વિચારો માં ખોવાય જાય છે...
દયાબેન  મેમ ની બાજુમાંજ ઉભાછે ઊંડા વિચાર માં  મેમ ને જોવેછે એટલે પૂછે છે કે મેમ શુ વિચારો છો.. ?
મિસ બોન્ડ વિચાર માંથી બહાર નીકળી કહેછે કાઈ નહીં, અમસ્તું વિચારું છું કે આ નવજાત બાળક નો શુ વાંક..?
એનો ગુનો શુ..? ગુનો તો માં બાપે કર્યો તેની સજા આબળક ને શા માટે...?
દયાબેન મેમ ને ઉદેશી કહે છે...
મેં પોલીસ ને જાણ કરી દીધી છે..
હમણાં આવતીજ હશે.. તેપોતાની વિધિ પુરી કરે ત્યાં સુધીમાં અનાથ આશ્રમ નું  ફોર્મ ભરી તૈયાર કરી અનાથ આશ્રમ વાળા ને  બોલાવી લેશું તેનો કબજો સોંપી દેશું...સહજતાથી દયાબેન બોલ્યા...
નહીં ....નહીં.. બિલકુલ નહીં ધ્રુજતા નજાકત ભર્યા અવાજે મિસ બોન્ડ બોલ્યા, દયાબેન એ બાળક અનાથ નથી...ના..ના એ બાળક નમાયું નથી..હું બેઠી છું ને..!!!
દયા બેન હું દેવકી ના બની શકું તો કાંઈ નહીં...!!! જશોદા તો બની જ શકું...!!! જાણે અવિચલ નિર્ણય.. મિસ બોન્ડ ના ચહેરા પર તેજ ના ઓછયા વર્તાવા મંડ્યા...એક બીજી જશોદાનો  પુનરભવ થયો..
વિધિવત બધી વિધિ પૂર્ણ કરી મિસ બોન્ડએ બાળક ને દત્તક લીધું, નામ રાખ્યું  "કેનેટ", જાણે કાન યશોદા , મિસ બોન્ડ તેને લાડ થી કેનેટ બોય કહેતા હોસ્પિટલ નો સ્ટાફ પણ તેને કેનેટબોય જ કહેતા..જોત જોતામાં કેનેટ  સાત વરસ નો થયો, તેને પુના ની શ્રેષ્ઠ બોર્ડિંગ સ્કૂલ માં ભણવા મુક્યો કેનેટ રાજકુમાર ની જેમ મોટો થવા લાગ્યો, ઊચ્ચ શિક્ષણ માટે બોન્ડએ તેને અમેરિકા મોકલ્યો...
1947 માં ભારત પાકિસ્તાન ના ભાગલા પડ્યા, હાજી  દાઉદ હોસ્પિટલ ના મોટા ભાગ ના ટ્રસ્ટી પાકિસ્તાન  સ્થિર થયા.. દસેક વરસ આ હોસ્પિટલ વ્યવસ્થિત ચાલી પછી એકા એક બંધ કરવામાં આવી. સંપૂર્ણ સ્ટાફ ને ફારગત કરવામાં આવ્યો ડો. ખાન સિવાય નો તમામ સ્ટાફ જેતપુર મા જ રહ્યો..
મિસ બોન્ડ ને દયાબેને પૂછ્યું કે બોન્ડ તમે શું વિચાર્યું ત્યારે બોન્ડે દયાબેન ને મક્કમ અવાજે કહ્યું..." બોન્ડ જેતપુર માટે જ જન્મી છે, જેતપુર માં જ રહેશે અને જેતપુર માં જ મરશે.."
બોન્ડે પોતાની પ્રેક્ટિસ તાલુકા શાળા સામે "મિસ. એમ. ઇ. બોન્ડ નું દવાખાનું"લખેલ પાટિયા સાથે ઉપર ના માળે એક વિશાળ હોલ  તેમાં લાકડાનું પાર્ટીશન બનાવી પોતાની ચેમ્બર બનાવી એક ખૂણામાં દવાના મોટા મોટા કાચના બાટલા રાખી તેમાં  લાલ, લીલી, પીળી પ્રવાહી દવા બનાવી  ઘરે થી લાવેલ કાચ ની શીશી માં  દવા આપતા હતા, દયાબેન તેમના મદદનીશ,પ્રેક્ટિસ શરૂ કરી આ દવાખાનામાં દસ વરસ થી ઉપર ના પુરુષ વ્યક્તિ ને પ્રવેશવા ની મનાઈ હતી.. ત્યારે મોટર કાર ની પ્રણાલી ઓછી હતી ઘોડા ગાડી નું ચલણ હતું ડો. બોન્ડ ઘોડાગાડી માં આવજા કરતા હતા, તેઓ સફેદ ગોઠણ થી નીચે સુધી નું ફ્રોક પહેરતા જાણે  ફોરેન્સ નાઇટિંગલ નું રૂપ તાજેતર માજ તા.12 મેં નો દિવસ નાઇટિંગલ ની યાદ માં "પરિચારિકા દિવસ"તરીકે ઉજવવા માં આવે છે યોગનું યોગ આવરસ 2020 દ્વિશતાબ્દી વરસ છે નાઇટિંગલ નો જન્મ 12 મેં 1820 માં થયો હતો..
મારી બા અને મિસ બોન્ડ ને મારા જન્મ થી બેનપણા, મિસ બોન્ડ ને આખું જેતપુર મેમ સાહેબ તરીકે ઓળખતું હતું, ખુદ મેમ ને ખબર નથી કે મિસ બોન્ડ માંથી ક્યારે મેમ સાહેબ બની ગયા, આ ઓળખ પણ તેણે અપનાવી લીધી, મારી બા સાથે અવારનવાર મેમ પસે જતો, કારણ એટલુંજ કે તે દરેક બાળક ને નારંગી પીપરમેન્ટ આપતા હતા. એક દિવસની વાત છે, મારી બા સાથે  મેમ પાસે ગયો, મેમે  દરરોજ ની જેમ પીપરમેન્ટ  આપી માથે હાથ ફેરવી  તેની તક્યા કલમ "ખૂબ ભણ જો" હું બહર ની લોબીમાં રમું નીચે જોવાની મજા પડે, થોડી વાર માં નીચે તાલુકા શાળા માં ઢોલ,નગારા, બેન્ડવાજા  ના અવાજ આવે પણ ઉપરથી સરખું દેખાતું નથી, મેં મારી બાને કહ્યું હું નીચે જાવ , જોવા માટે, મારીબા એ કહ્યું નીચે ના જવાય ખુબજ ગરદી હોય, પણ હું એક નો બે ના થયો તે ના જ થયો...મારી ઝીદ સામે કંટાળી મારી બા એ શરતી રાજા આપી ,ઓટા નીચે નહીં ઉતારવાનું, હા કે ના કોઈપણ જાત ના કમિન્ટમેન્ટ વગર હડી મૂકી નીચે ઉભો રહી ગયો ત્રણ મોટી બગી માં ત્રણ બેનો રાજકુંવરી જેવી તૈયાર થઈ  હસ્તી હસ્તી બેઠી છે, મારી બા અમને રાતે સૂતી વખતે વાર્તા કહે તેમાં રાજકુંવર કે રાજકુમારી ની વાર્તા કહે અમે ક્યારેય રાજકુમાર કે રાજ કુંવરી ને જોઈ નથી, પણ આ  ત્રણેબહેનો ને જોઈ ખબર પડી કે વાર્તા માં રથ માં બેસી આવતી રાજકુમારી આવી જ હશે .
તેના રથ માંથી પૈસા ,હળદર, ચોખા, સોના ચાંદી ના ફૂલ બદામ, અબીલ ગુલાલ જેવું ઘણું ઉડાવતા હતા તેમાંથી મારા હાથમાં બદામ ,પાવલી આવી મેં ખીસામાં નાખી હજી બીજી વસ્તુ વીણવા જાવ ત્યાંતો મારા  માથામાં  કાંઈક ધડાગ કરતું વાગયું, જોયું તો સોનેરી કલર ની પોટલી માં કાંઈક હતું તે વાગ્યું હું તે બધું ખીસામાં લઇ ઉપર ભાગ્યો નીચે લૂંટા લૂંટી થતી હતી. મારી  બા ને વાત કરી નીચે લૂંટા લૂંટી થાય છે, જો હું પણ લૂંટી આવ્યો મેં ખિસ્સામાં થી લૂંટનો માલ કાઢ્યો, મારી બાએ સમજાવ્યું કે આને લૂંટ ના કહેવાય ,આને પ્રસાદ કહેવાય , મેં પૂછ્યું આને ખવાય મારીબાએ સમજાવ્યું કે આબધું સાચવી ને કબાટ કે તેજુરીમાં મુકાય આપણી પાસે પૈસા ખુબજ વધે, અમારો આવાર્તાલાપ મેમ સાંભળતા રહ્યા, મારીબાને પૂછ્યું શુ છે આબધું,  મોંઘીબેન શેનો ઉત્સવ છે મારી બાએ મેમ ને ભાંગી તૂટી હિન્દી માં કહ્યું, જૈન મેં જબ દીક્ષા લેતા હૈ તબ વરસીદાન  વરઘોડા નીકળતા હૈ,  આજે હૈ ના તીન બેટી સંસાર છોડ કે સાધ્વીજી બનને કુ જારહી હૈ , અબ વો માં બાપ ભાઈ બેન સબકુ છોડ દેગી..... મેમે પૂછ્યું મતલબ સબ કુછ મારી બા એ કહ્યું હા સબકુછ એટલે સબકુછ.
જિન કે પાસ ગામ માં કોઈ ઘર ના હોય,સીમ માં ખેતર ના હોય જિન કો પૈસા કમાંનેકુ નહીં હૈ, જીસને શાદી ભી નહીં કરના હોતા, જીનકા કોઈ  કુટુંબ સગા વાલા ભી ના હો, જિન કે પાસ દોજોડી કપડાં હો, જિનકો દરજી, સોની સુથાર, લુહાર મોચી હજામ ઘાંચી વણકર ભરવાડ રબારી કડિયા કે કણબી કોઈ ની જરૂરત નહીં પડતી ફિરભી સુખી રહપાતા હૈ વહી યહ દીક્ષા લે  શકતા હૈ.. કોણ હૈ  ?મેમ ને પુછા , મોંઘીબેન તુમકો ઓળખતા હૈ, માર બા એ જવાબ આપ્યો નહીં લેકિન નામ ખબર હૈ, રામકુંવર બેન ને બતાયા હૈ.. મેમે પૂછ્યું કોન હૈ... મારીબા એ કહ્યું એક ઇન્દુમતી બેન, બીજા હંસા બેન, બંને જેતપુર ના દીકરી ત્રીજા  હસુમતી બેન ધોરાજીના અમે ત્રણેયે ઊપરથી વરસીદાન ના  વર ઘોડા ને ત્રણે દિક્ષાર્થી બેન ને પગે લાગી દર્શન કર્યા  અંદર આવ્યા એટલે મેં પ્રસાદી મારી બા ને હાથમાં આપી..
મેમે આજોયું મારી સામે જોઈ મેમે મને કહ્યું, મેરેકુ દેગા મેં બા સામે જોયું, બા એ હકાર માં માથું હલાવ્યું , મેં બધી વસ્તુ મેમ ના ટેબલ પર મૂકી મેમે તેમાંથી એક બદામ પાવલી લીધા  પોતાના ટેબલ નાં ખાનામા મુક્યા બાકીનું બધું સોનેરી થેલી માં જે હતું તે મને આપ્યું  મેં જાણે પીપરમેન્ટ નું  મિસ બોન્ડ નું ઋણ ચકવ્યું , મને શિખામણ  આપી કે ખુબજ ભણ જે, તેરા ભાઈ ભગવનજી કી તરહ, મારી બા સામે જોઈ પૂછ્યું ભગવનજી કા સ્ટડી કેસા ચલતા હૈ દિન રાત પઢતાહૈ મેમ ઉસકો ડોક્ટર બંનના હૈ,  મોંઘીબેન તેરા ભગવનજી જરૂર  ડોક્ટર બનેગા મેરા  બ્લેસિંગ હંમેશા  ઉસકે સાથ રહેગા...!!!
ભગવનજી જેતપુર ના જ પંડ્યા પ્રાઇમરી સ્કૂલ, કમરીબાઈ હાઈસ્કૂલ માં અભ્યાસ કરી એમ. પી. શાહ મેડિકલ કોલેજ માંથી એમ. ડી. નો અભ્યાસ પૂર્ણ કરી જેતપુર મા 1975 ની સાલ માં પોતાની પ્રેક્ટિસ શરૂ  કરે છે,  ડો. મિસ એમ. ઇ .બોન્ડ અને  ડૉ. આર. બી. વાછરાજાની  ની ખુશી નો પાર નથી તેનું કારણ એ હતું કે ડો. ધોરડા વેકેશન માં જેતપુર આવતા ત્યારે તેની બેઠક આબન્ને ડોક્ટર ના ક્લિનિક ઉપર રહેતી.. તેની પાસે થી તેમના વ્યવસાય ના  સિદ્ધાંત ,માનવતા, દર્દી ની સાયકોલોજી ની ખેવના ના ગુણ શીખવા મળતા ડો ભગવાનજી ધોરડા (ડો. બી. વી. ધોરડા) બન્ને ડોક્ટર ને પૂજનીય અને આદર્શ માનતા હતા.. બન્ને ડોકટરોએ  પોતાની પ્રેક્ટિસ બંધ કરી ત્યારે અવાર નવાર તેમને મળવા જતા તેમની જરૂરિયાતો નું ધ્યાન રાખતા, તેમના જીવનમાં ખાલીપો હતો તે પારિવારીક હૂંફ આપી પૂર્તિ કરતા...
મિસ બોન્ડ ના જીવનમાં અંત સમયે તેના પાલક દીકરા  કેનેટ ની ખોટ વરતાતી હતી. મિસ બોન્ડ તેને કાગળ લખતા પણ જવાબ ન આવતા વારસો સુધી બોન્ડ કાગળ લખે અને જવાબ ની રાહ જોવે ટપલી આવે બીજી ટપાલો આપે પણ કેનેટ ની ટપાલ ના હોય, નિરાશા કોઠે પડી ગઈ, એક દિવસ કેનેટ અમેરિકા માં છે તે શહેરમાજ ડો. ધોરડા ના સહાધ્યાયી ડો. ગાથા રહેછે તેમને તપાસ કરવાનો કાગળ લખે છે, જવાબ ની આતુરતા પૂર્વક મિસ બોન્ડ તથા ડો ધોરડા રાહ જોવે છે..સમય પસાર થતો જાય છે.
મિસબોન્ડ ની તબિયત લથડે  છે, ડો ધોરડા  તેના અથાગ પ્રયત્ન કરે છે, બોન્ડ ના એક એક અવ્યય નિષ્ક્રિય થતા જાય છે, ટપલી નો અવાજ આવે છે  બુઢીઆંખમાં ચમક આવે છે, આશાનો સંચાર થાય છે ...ડો.ધોરડા તરફ આશા ભરી નજરે જોવે છે. ટપાલી નો અવાજ નજીક આવી દૂર દૂર થતો જાય છે મિસ બોન્ડ ની આશા ભરી નજર સ્થિર થઈ જાય છે. ડો. ધોરડા પોતાના હાથે જેતપુર ની ધનવનત્રી દેવીની આંખો કાયમ માટે બંધ કરે છે..
ડો ધોરડા પોતે સેન્ટ ફ્રાન્સિસ  સ્કૂલ ના સ્થાપક સેક્રેટરી હોવાના નાતે  પોતાની સ્કૂલ ના સ્ટાફ ને બોલાવી ગણ્યા ગાંઠોયા પાડોશીની હાજરીમાં જેતપુર માં ક્રિસચયન નું કબ્રસ્તાન ન હોવાને લઇ ને જૂનાગઢ મુકામે તેને ચીર શાંતિ માં પોઢાડવામાં આવ્યા.. આજે પણ તેની કબર ત્યાં હયાત છે...
બધા તેમને ચીર નિદ્રામાં પોઢાડી પોત- પોતાના ઘેર પરત આવે છે, ડો ધોરડા પણ પરત આવી બેઠા છે, ટપલી અમેરિકાનું પરબીડિયું હાથમાં આપે છે , ખોલતાખોલતા વિચાર કરે છે જરૂર ડો ગાથા ને કેનેટ બોય ની ભાળ મળી હશે..
ડો.ગાથા નો જવાબ હતો કેનેટ બોય ને મળ્યા તેને પરિસ્થિતિ કહી. પણ ..........તે.........તે....તે.........તે
તે.....તે...  આગળ ઘણું લખ્યું હતું પણ ડો.ધોરડા ની આંખ માં  ભેજ આવ્યો ભીનાશ વરતાણી.. કાગળ  વાંચી ના શક્યાં..
-------ગુણવંત ધોરડા
        23-મેં-2020
         જેતપુર,
નોંધ... પૂરક માહિતી
            લેખક  સાહિત્યકાર મિત્ર રજનીકુમાર પંડ્યા
            મહેન્દ્ર દોમડિયા જે તે વરસ ની દીક્ષા માહિતી
            જીતુભાઇ ધાધલ જેતપુર
             ડો. ભુપેન્દ્ર સિંહ અભાણી
----------- મિસ બોન્ડ ના ફોટા સાથે મારી વાર્તા
             " ડો. મેમ સાહેબ" અવધ ટાઈમ્સ 
              દીપોત્સવી અંક 2016 માં પ્રસિદ્ધ
              થઈ હતી તેના ફોટોગ્રાફસ છે..
              વરસીદાન ના પ્રસાદ ની પોટલી નો ફોટોગ્રાફ છે
-----------આ કથા બીજ માંથી  સાહિત્યકાર લેખક શ્રી
              રજની કુમાર પંડ્યા એ ચિત્રલેખા ના દીપોત્સવી
              અંક માં "મેરા બચ્ચા" શીર્ષક હેઠળ પોતાની
               આગવી શૈલી થી શ્રેષ્ઠ વાર્તા નિરૂપેલી..

No comments:

Post a Comment