ગીર વિસ્તારના બરાડ ના ખોબાજેવડા બેરડી ગામથી વિપ્ર દંપતી હરિબા અને વિઠ્ઠલભાઇ પોતાના આઠ નવ વરસ ના સંતાન ગોપીલાલ ને લઈ ગાડા માર્ગે વંથલી આવી પોતાના ઢસા, ધોળકા, ધંધુકા વિસ્તાર ના યજમાન પાસે યજમાન પદુ કરવા રેલ માર્ગે વંથલી થી ઢસા ની ટ્રેન માં બેઠા. ગોપીલાલ હરિબાને પૂછે છે બા જેતલસર આવ્યું ? બાળક ગોપીલાલ ના મનમાં જેતલસર આવે એટલે મન-મસ્તિક માં, જેતપુર નું આકર્ષણ કબજો જમાવી દે, ગોપીલાલ ને જેતપુર ની રળિયામણીસીમ ,રસ્તા, ઝાડ પાન, ઊંચા ટેકરા ઉપર ની મોટી મોટી ઈમારતો નો ઓતાર ચડે, જેતપુર સ્ટેશન આવે ત્યાં સુધી માં આ ઓતાર તેની ચરમ સીમાએ પોહચે, તે તેના ચહેરા પર સ્પષ્ટ વર્તાય જાણે જેતપુર સાથે તેને કોઈ પરભવ નું વળગણ.. ગોપીલાલ વિઠ્ઠલભાઈ ને કહે, "હાલો ને બાપુ આપણે જેતપુર ઉતરી જઈએ.." "આપણે જેતપુર રહેવા ના અવાય..?" વિઠ્ઠલભાઇ હસે, સામે હરિબા મરમાંળું હસે, બન્ને પતિ-પત્ની ગોપીલાલ ની વાત હસવામાં કાઢી નાખે...
દેશ-દેશાવર માં મહામારી એ ભરડો લીધો, ગામ માંથી એકને સ્મશાને મૂકી આવે ત્યાં ગામ માં બીજાની નનામી ની તૈયારી થઈ ગઈ હોય.. આરોગ્ય ના ટાંચા સાધનો ને લઈ માણસો કીડા મકોડાની જેમ ટપોટપ મારવા લાગ્યા, હરિબા અને વિઠ્ઠલભાઇ નો પરિવાર પણ આમાંથી બાકાત ના રહ્યો, તેમનો એકનો એક ગોપીલાલ મહામારી માં ભરખાયો. વિપ્ર દપતિ ઉપર આભ ફાટ્યું. બન્ને ને ઈશ્વર પર ખુબજ શ્રદ્ધા વિઠ્ઠલભાઇ એ મનમનાવ્યું કે જેવી હરિ ઈચ્છા..!!! હરિ કરે તે ખરું...પણ માનું હૃદય વલોવાય, મનો-મન બબડયા કરે.. બેરડી મારા ગોપીલાલ ની ભરખી ગઈ, હરિબા નું મન બેરડી માંથી ઉચક થઈ ગયું, બેરડી ખાવા ધાસ્તુ લાગવા માંડ્યું, હરિબા ,વિઠ્ઠલભાઇ ને ઉઠતા બેસતા કહેવા લાગ્યા હાલો ને વૈષ્ણવ આપણે બીજી જગ્યાએ ઠારી ઠામ થાઈ એ, હરિબા ,વિઠ્ઠલભાઇ ને "વૈષ્ણવ" કહી બોલાવતા. વિઠ્ઠલભાઇ થી હરિબાની આવી સ્થિતિ જોઈ નહોતી શકાતી, વિઠ્ઠલભાઇ હરિબાની સામે લાચાર નજરે જોઈ કહ્યુ કે આપણે જશું તો જશું ક્યાં..?
હરિબા વૈષ્ણવ સામે મીટ માંડી કહેછે જ્યાં "મારો વ્હાલો લઈ જાય ત્યાં.. પણ બેરડી તો નહીં જ..!!!" વિઠ્ઠલભાઇ વિચારે ચડે છે, હરિબા પૂછે છે કે શું વિચારો છો વૈષ્ણવ ? વિચારવા નું બંધ કરો અમલ કરીએ.. વિઠ્ઠલભાઇ તેની સામે હકાર માં માથું હલાવી બોલ્યા, આપણા મોટાભાગના યજમાનો ધોળકા ધંધુકા બાજુ છે આપણે તે વિસ્તાર માં સુખી થાશુ શેષ જીવન યજમાન ની હૂંફ માં પૂરું કરશું,
બન્ને પતિ -પત્ની પોતાની ઘરવખરી રચરચીલા ના પોટલા વાળી, વંથલી સ્ટેશને આવી ઢસા ની ટ્રેન માં બેઠા, વિચારે ચડ્યા, ક્યાં જશું ? કોને ત્યાં જશું ? અન્ન જળ પાણી ક્યાં લખ્યા હશે ? ત્યાં જેતલસર જંકશન આવી ગયું.. જેતલસર ના પ્રખ્યાત ગરમા-ગરમ ભજીયા ... એ... ચા ગરમા ગરમ મસાલા વાળી ચા ના અવાજે વિઠ્ઠલભાઇ ની તંદ્રા તોડી, હરિબા સામે જોયું હરિબા સુન-મુન વિચાર માં બેઠાછે.. હરિબા વિચારે ચડ્યા છે, હરિબા ના મનનો ગોપીલાલે કબજો લીધો.. હરિબાનું હૃદય વોલોવાય છે ચેહરા ઉપર વિષાદ ની રેખા અંકાય છે, જેતલસર છોડી ટ્રેન જેતપુર સ્ટેશન તરફ રવાના થાય છે, જેતપુર સ્ટેશને ટ્રેન રોકાય છે ... પણ હરિબાને વિચાર રોકાવાનું નામ નથી લેતા, હરિબા ના વિચારમાને વિચારમાં ગોપીલાલ નો અદ્રશ્ય અવાજ સંભળાય છે "હાલને બા અહીં રોકાઈ જાયે... બાપુ આપણે જેતપુર ના રહેવાય...?" હરિબા ના હાથ પોતાના રાચ-રચીલા ઉપર પડ્યો.. રાચ-રચીલું હવામાં ઉડતું હોય તેમ હરિબાએ પ્લેટફોર્મ પર ફેંક્યા જાણે ગોપીલાલ તેમને અદ્રશ્ય હાથે મદદ કરતો હોય..વિઠ્ઠલ ભાઈ આચમત્કાર જોતા રહ્યા. હરિબા માં આ જોર તાકાત આવ્યા ક્યાંથી, ક્ષણ વાર માં વિઠ્ઠલભાઇ નો હાથ પકડી ડબા નીચે પોતાની સાથે ઉતારી લીધા..ટ્રેન રવાના થઈ ગઈ વિઠ્ઠલભાઇ આઘટના જોતા રહી ગયા..
થોડી વારમાં પ્લેટફોર્મ ખાલી થઈ ગયું,આખા પ્લેટફોર્મ પર હરિબા, વિઠ્ઠલભાઇ અને એકમાત્ર સ્ટેશન માસ્તર. વિઠ્ઠલભાઇ એ હરિબાને પૂછ્યું કે તમે આ શું કર્યું..? આ તો જેતપુર સ્ટેશન છે, ઢસા ને તો હજી ઘણી વાર હતી. હરિબા એ કહ્યું.. મને ખબર છે પણ .. પણ મને આપણા ગોપીલાલે અહીં જેતપુર ઉતારી, એને જેતપુર બહુજ ગમતું ને...!!! એને જેતપુર જ રહેવું હતું ને.. !!! ગોપીલાલે જ મને કહ્યું બા તું જેતપુર ઉતરી જા... હું ક્યાં મારી મેળે ઉતરી છું, મને તો ગોપીલાલે ઉતારી છે..!!! વિઠ્ઠલભાઇ હરિબા ની ગાંડી ઘેલી વાત સાંભળી કહે છે , તો એમ કરશું... પણ જશું ક્યાં ? કોઇ ને ત્યાં આમ જવાય..? આવા કટાણે, જાણ વગર,... સારું થોડુ કહેવાય ?...
હરિબા કહે બાવાવાળા પરામાં આપણા એક યજમાન રહે છે જે અવાર નવાર બેરડી આવતા ત્યારે આગ્રહ કરી જેતપુર આવવાનું કહેતા એને ઘેરજ જાઇએ ,આપણ ને જોઈ રાજી થશે.. વિઠ્ઠલભાઇ એ કહ્યું બરાબર તેને ઘેર જાયે...
વૈષ્ણવ દપતિ માથે પોટલાં લઈ યજમાન ની ડેલી ખાટખટાવે છે, યજમાન પોતે ડેલી ખોલે છે, વિઠ્ઠલભાઇ અને હરિબાને જોઈ રાજીના રેડ થઈ, ઘરમાં અવાજ મારે છે જો ... તો... ખ... રી .. કો..ણ આવ્યું? ઘર માંથી હરખાણો અવાજ આવ્યો એ આવો... આ.. વો ..હરિબા તેમે કયાંથી.. તમારા યજમાન કે દુ ના તમારી વાટ જોતાં હતા, આજે ઠેઠ અંજળ આવ્યા.. ઢોલિયા ઢળાયા યજમાન સાથે અલક મલક ની વાતો કરી વિઠ્ઠલભાઈ એ માંડી ને વાત કરી યાજમાન મોટા મન ના તો ખરા પણ એટલાજ વાતડાહ્યા, વિઠ્ઠલભાઇ ની મનો ભાર ઉતરતા હોય તેમ સહજતા થી કહ્યું આપણે ભગવાન ની મહેરબાની છે.. છ ઓરડા છે તમને ફાવે ત્યાં સુધી રહો વ્યવસ્થા થાય અનુકૂળ જગ્યા મળે પછી તમારી મરજીએ તમે જજો.. યજમાન ની વાત થી વિઠ્ઠલ ભાઈ ને હાશકારો થયો..
યજમાન સાથે વિઠ્ઠલભાઇ બેઠા છે ત્યારે યજમાન કહે બે ત્રણ દિવસ બારડ ઉઘરાણી ના કામે જવું છે... તમે તે વિસ્તાર ના જાણીતા છો ..અનુકૂળતા હોય તો તમે સાથે આવો, એક કરતાં બે ભલા વિઠ્ઠલભાઇ કહે "મારે ક્યાં અહીં પાડા પાવા છે" હું નવરોજ છું.. બીજે દિવસે સવારે બન્ને જણા બારડ જાવા રવાના થયા . ત્રણ દિવસ પછી યજમાન એકલા આવ્યા.. એટલે હરિબા એ પૂછ્યું વૈષ્ણવ ક્યાં ..? સાથે નથી આવ્યા કે બેરડી રોકાઈ ગયા ? યજમાને કહ્યું રોકાયા નથી પણ શ્રદ્ધાળુ અને ભક્તિમય સ્વભાવ ને લઈ, તેને એક રાતે ઠાકોરજી સપનામાં આવ્યા અને કહ્યું હું એક તળાવના કાંઠે પાણી માં મુંજાવ છું મને અહીંથી બહાર કાઢો.. જગ્યાના અણસાર આપ્યાં, તે અણસારે નીકળ્યા છે મને સાત-આઠ દિવસ માં આવીશ તેમ કહ્યું છે.. હરિબા અને યજમાન રાહ જોવે છે આજ આવે કાલ આવે છઠે દિવસે સાંજે વિઠ્ઠલભાઇ એ ડેલી ખખડાવી અંદર આવ્યા ઓસરીને ઉંબરે આવી ખડીયામાંથી ઠાકોરજીની મૂર્તિ કાઢી હરિબા સામે જોઈ કહ્યું ઠાકોરજી ની મૂર્તિ હરિબા ના હાથમાં આપી.. હરિબા એ મૂર્તિ ને હાથમાં લીધી ત્યારે ગોપીલાલ ને પહેલી વખતે હાથ માં લીધો ને જે લાગણી ના હિલોળા અનુભવ્યા તેવીજ અનુભૂતિ બીજીવાર અનુભવી , મૂર્તિ ઉપર વ્હાલથી હાથ ફેરવવા મંડ્યા ઠાકોરજી ને બકીઓ ભરવા મંડ્યા ,જેતપુર સ્ટેશન ઉપર જેતપુર રોકાવા માટે જીદ કરતો ધમ પછાડાં કરતો ,રમતો ખેલતો, નહીં ખાવાની જીદ કરતો, ગોપીલાલ જાણે સજીવ થયો, હરિબા જાણે ગોપીલાલ સાક્ષાત નજર સમક્ષ હોય તેમ વાતો કરવા માંડ્યા... હરિબાની આંખ માંથી પ્રેમ ,શ્રદ્ધા, લાગણી , વિશ્વાસ ની અશ્રુધારા વહેવા મંડી મૂર્તિ ને ઓછા ઓછા વાના કરવા લાગ્યા, હરિબા ના માયાળુ સ્પર્શ થી મૂર્તિ માં પ્રાણ ફૂંકાયા, મૂર્તિ સજીવન થઈ,જાણે સાક્ષાત્કાર થયો...
ચાર- છ મહિનાના બાળક ને જેમ માતા પોતાના બે પગ લાંબા કરી સુવડાવે તેમ સુવડાવી ને ઘસી ઘસી પોતાના ઠાકોરજી ને નવડાવી , મૂર્તિ ચક ચકિત કરી દીધી , જાણે ગોપીલાલ હરિબા સાથે ખીલ ખીલટ હસતો હોય , મૂર્તિ હરિબા સાથે હસતી રમતી હોય તેમ હરિબા તેની સાથે વાતો કરતા હોય... વિઠ્ઠલભાઇ અને હરિબા ના પરિવારમાં સુખના દિવસો ઠાકોરજીના આવવાથી પરત ફર્યા..
ઠાકોરજી નું રૂપ જોઈ લોકો કહેવા મંડ્યા કે સાક્ષાત મથુરેશજી નું રૂપ , સમગ્ર વૈષ્ણવો મથુરેશજી ને પોતાના માનવા લાગ્યા, સૌને તેમાં પોતાના ઇષ્ટદેવ ના દર્શન થવા લાગ્યા, લોકો ને મથુરેશજી માં અપરંપાર શ્રદ્ધા દેખાવ માંડી, જાણે હરિબા નો ગોપીલાલ મથુરેશજી રૂપે હરિબા અને વિઠ્ઠલભાઇ નો ગુજારો, ભરણ પોષણ કરવા ફરીથી અવતર્યો....
હરિબાની હવેલી ની આવક હરિબા ના તપ થી, મથુરેશજી ના સત થકી વૈષ્ણવોના શ્રદ્ધા, વિશ્વાસ થી વધવા લાગી, હરિબાએ પોતાની મરણમૂડી તથા પોતાના દરદાગીના વેચી હવેલી ની જગ્યા, યજમાને વાપરવા આપેલી તે મૂળ જગ્યા યજમાન પાસે થી ખરીદી, હરિબા ફરીથી ખુશ -ખુશહાલ રહેવા મંડ્યા મથુરેશજી માં પોતાનો ગોપીલાલ જોતા અને માનતા, એવા માં ઓચિંતાની ટૂંકી બીમારીમાં પોતાના વૈષ્ણવ વિઠ્ઠલભાઇ ની કાયમી વિદાય થઈ.. આ ધા હજી રૂઝાયો નહતો ત્યાં પોતાના સાગા ભાઈ ગોવર્ધનદાસ વાગડીયા જે ઢાંક મુકામે રેવન્યુ પટેલ હતા તેમનું અવસાન થયું તે ભાભી જબૂ બેન માત્ર બે મહિના ના પુત્ર જયદેવ ને લઇ માવતરે હરિબાને આશરે આવ્યા..." પડે છે ત્યારે સઘળું પડે છે" તેમ હરિબા પર ફરીથી જવાબદારી નો બોજો આવી પડ્યો.. થોડો સમય જબૂબેન હરિબા સાથે રહી આર્થિક રીતે પોતાના પગભર થવા વંથલી સ્થાઈ થયા જયદેવ વાગડિયા નું પ્રાથમિક શિક્ષણ વંથલીમાં થયું જય દેવ અવારનવાર રજાના દિવસોમાં જેતપુર પોતાના ફઈ બા પાસે આવતો હરિબા ને ફઈબા ને બદલે હરિબા જ કહેતો હરિબા ને પોતાની બા જ માનતો પોતાની બા કરતા પણ હરિબાને અદકેરું માંન આપતો..
જેતપુર આવતો ત્યારે હવેલી સામે ગોવિંદભાઇ માંંગરોળિયા નો પરિવાર રહેતો તેઓ મોટો કારોબાર કલકત્તા માં સંભાળતા હતા , તેનો મોટો દીકરો રતિલાલ ઉમર માં જયદેવથી ઘણો નાનો પણ પાડોશી હોઈ મિત્ર, બન્ને મિત્રો સાથે હવેલીમાં રમે , હવેલીમાં આરતી ટાણે ઝાલર વગાડે ,ત્રીજો મિત્ર રતિલાલ (જેતપુર ના પ્રતિષ્ઠિત વકીલ આર. જી. મંગરોળિયા)નો ખાસ મિત્ર મોટા સરકારી અમલદાર દયારામભાઈ પંડ્યાનો દીકરો રંજુ
(પ્રતિષ્ઠિત સાહિત્યકાર રજનીકુમાર પંડ્યા ) ત્રણે સાથે ડાયમંડ ટોકીઝમાં ફિલ્મ જોવા જાય રતિલાલ માત્ર મનોરંજન અને મજા માટે ફિલ્મ જોવે , રંજુ સંગીત ના આનંદ માટે ફિલ્મ જોવેે , જ્યારે જયદેવ ફિલ્મના દરેક પાસા થી ફિલ્મ માણે.. ફિલ્મ ના દિગ્દર્શકે ની ખામી ગોતે, ફિલ્મ દ્રશ્ય ની ફ્રેમ અને એંગલ જોવે, વાર્તા ના ફેરફાર સૂચવે કોઈપણ ફિલ્મ જોયા પછી બન્નેે મિત્રો પાસે ફિલ્મ ની છણાવટ કરે વી. શાંતારામ નો જબરો ચાહક. ગાંડો આશિક તેની ફિલ્મ ત્રણ ચાર વાર જોવે. બન્ને મિત્રો પાસે કહે કે વી. શાંતારામ જેવો સપૂર્ણ ડાયરેક્ટર કોઈ થઈ જ ન શકે વી. શાંતારામ એટલે વી. શાંતારામ અના જેવો કોઈ ડાયરેક્ટર છે જ નહીં સાચો ડાયરેક્ટર વી. શાંતારામ બાકી બધા "ફાઇરેક્ટર "
ત્રણે મિત્રો પોત-પોતાની કારકિર્દી માટે અલગ અલગ જગ્યા એ ગોઠવાયા, રતિલાલ , આર. જી. માંંગરોળિયા નામે વકીલાત શરૂ કરે છે.. રંજુ, રજનીકુમાર પંડ્યા બેંક માં મેનેજર તરીકે જોડાય છે,સાથો સાથ ઉમદા , ઉત્તમ સાહિત્યકાર તરીકે સમાંતર કારકિર્દી તરફ ફંટાય છે..જયદેવ પોતાના શોખ ને કારકિર્દી બનાવવા કોલેજ નું પ્રથમ વરસ અધૂરું છોડી, ફિલ્મી લાઇન માં જોડાય છે. વી. શાંતારામ થી એટલો બધો પ્રભાવિત કે પોતાના નામ માં પણ વી. શાંતારામ ની નકલ કરી વાગડિયા જયદેવ ને બદલે "વી. જયદેવ"રાખે છે ફિલ્મ લાઇન માં શરૂઆત માં સંઘર્ષ સિવાય કંઈક કરતા કંઈક મળતું નથી..
સંઘર્ષ સમય દરમ્યાન બનારસ બાજુ નો એક યુવાન તેમને મળે છે તેમનું નામ પંડિત કુલભુષણ જે પોલીસ ઇન્સ્પેક્ટર ની નોકરી છોડી , ફિલ્મ ઉદ્યોગ માં હીરો બનવા સંઘર્ષ કરતો હોય છે,555 સિગરેટ પીવા વાળો પોલીસ ઓફિસર કડકાઈ અને સંઘર્ષ ના દિવસો માં 555 સિગરેટ ના ખોખામાં બીડી રાખી પીતો પણ પોતાનો રૂતવો, રૂઆબ અચૂક જાળવતો ખુબજ સ્વમાની હતો, એક વખત વી. જયદેવ થાકી હારી બિસ્તરા પોટલાં બાંધવાની તૈયારી કરે છે, ત્યારે તેને હિંમત આપી રોકે છે, અને કહે છે જાની , દુનિયા જુકતી હૈ જુકાને વાલા ચાહિયે આ હિંમત , હોસલો આપવા વાળો પંડિત કુલભુષણ ફિલ્મ ઉદ્યોગ માં પોતાની આગવી ઓળખ રાજકુમાર તરીકે ઉભી કરેછે ...વી. જયદેવ ને ફિલ્મ ઉદ્યોગ માં નાનું મોટું કામ મળતું થયું. આકામ થી વી. જયદેવ ને સંતોષ નથી, સંપૂર્ણ ફિલ્મ નું નખશીખ દિગ્દર્શન પોતે કરે ,દરેકે દરેક ફ્રેમ, સંપૂર્ણ સંકલન , ફિલ્મના બધાજ તાણાવાણા વી. જયદેવ ના જ હોય પણ બધોજ જશ મુખ્ય દિગ્દર્શક ને મળે જે વાહ..વાહ શાબાશી માટે તરસ્તો હોય તનતોડ કામ કરે અને જશ બીજા ને મળે બીજા , પોતાના કામ થી ખુશ નહતો સમયે સાથ આપ્યો ,એક મહામૂલી તક તેમને મળી મુખ્ય દિગ્દર્શક તરીકે એક ફિલ્મ મળી. એફિલ્મ નું નામ "જમાઇરાજ" વી. જયદેવે પોતાની સમગ્ર કસબ, અનુભવ, તાકાત લગાવી ફિલ્મ ની હિરોઇન હતી "રીટા રોય" જે આગળ જતાં ચંપકલાલ ઝવેરી ની ધર્મપત્ની "બિંદુ " તરીકે ખુબજ ખ્યાતિ પ્રાપ્ત કરેછે અને હીરો હતો ચંદ્રકાન્ત ફિલ્મ પૂર્ણ થઈ , સોનેરી આકાશ માં આશા નું સોનેરી કિરણ ફૂટ્યું, ટ્રાયલ શો માં બધાએ ફિલ્મ વખાણી , વિતરકો મો માગ્યા પૈસા દેવા તૈયાર હતા , ફરી નસીબ આડે પાંદડું આવ્યું, સખત પરિશ્રમ, ફિલ્મી દુનિયા ની લત દારૂ સિગરેટના વ્યસન માં સપડાયો પરિણામે રાજ રોગ ક્ષય મા પટકાયો, ફિલ્મીસ્તાન સ્ટુડયો નું 36000 નું દેવું હોય ફિલ્મીસ્તાન સ્ટુડયો એ કોર્ટ મા ફિલ્મ રિલીઝ ના થવા દેવા માટેં સ્ટે લીધો, વી. જયદેવ સાપ સીડી ની રમત માં હોયછે તેમ ટોચ પરથી ગરત માં ગબડયો .જેતપુર આવ્યો હરિબા એ સેવા કરી દવા દારૂ કરાવ્યા રાજ રોગ ને મહાત આપી , ફરી મુંબઈ ગયો...થોડો સમય ફિલ્મી ધખારા રહ્યા.... ઉધામા શાંત થયા" વર્યો ના વાળ્યો તે હાર્યો વળ્યો" થોડો સમય જામનગર દિપક સિનેમામાં મેનેજર પદે રહ્યો.. બાદમાં એક હિન્દી હાઈસ્કૂલ માં હેડમાસ્તર તરીકે જામનગર સ્થિર થયા, જામનગર માજ "નોબત" દૈનિક માં કોલમિસ્ટ તરીકે કોલમ પણ લખતા.. પણ ફિલ્મી ધખારા એકદમ શાંત થયા નહતા....ઉભરા હજી ચાલુ જ હતા..
હરિબા ને ઉંમરની વ્યાધિ લાગી, તેમનો એક સધિયારો જબૂબેન પણ લાંબા ગામતરે ગયા, તેની ખોટ વર્તાવા લાગી,અધૂરામાં પૂરું જયદેવ ના ફિલ્મી ધખાર તેમને કોરી ખાતા હતા, જયદેવ ને ખુબજ સમજાવા, મનાવવા ના પ્રયાસ હરિબાએ કર્યા કે આ ધખારા મુક,આબધાં સરપ પકડવાના ધંધા બંધ કર જેતપુર આવી હવેલી નો વહીવટ સંભાળ ,શાંતિનો સુખ નો રોટલો કમાઈ ખા પણ ફિલ્મી દુનિયા નું ભૂત નાજ ઉતર્યું.. તે... ના જ... ઉતર્યું....!!! હરિબા એ અમૃતલાલ પટેલ વકીલ પાસે તેમની ગેરહાજરીમાં તેમનો વારસદાર જયદેવ રહેશે.. તેવું વસિયત નામું બનાવ્યું...
હરિબા ની બીમારી વધતી ચાલી. રતિલાલ તેમની બીમારી માં ધ્યાન રાખતા, હરિબા ને જયદેવ ની ચિંતા કોરી ખાતી,રતિલાલ સતત હરિબા નું ધ્યાન રાખે, અવારનવાર જયદેવ ને યાદ કરે, નિરાશા ચેહરા ઉપર નીતરે, હરિબા રતીલાલને દિકરો જ માનતા, એક દિવસ હરિબા એ રતિલાલ સામે જોયું ને કહ્યું જયદેવ તારો દોસ્તાર છે તું એને સમજાવ કે આફિલમના ગોરખધંધા મેલ કાંઈક નોકરી ધંધો કર આહવેલી સંભાળ, મારી ગેરહાજરીમાં આ લાલા નું શુ થશે? હરિબા ઊંડા નિસાસા નાખી બોલ્યા.
રતિલાલ તું મારો દિકરો જ છે, મને વચન આપ કે ઠાકોરજી હવેલી માંથી બહાર નહીં જવા દઈશ.. રતિલાલ હરિબા નો હાથ પકડી બોલ્યા, હું આમાં શુ કરી શકું...? હરિબા એ કહ્યું તું વકીલાત નું ભણ્યો છે , તું જ મારા લાલનું ધ્યાન રાખી શકીશ, તું મને વચન આપ ,આટલું કહી હરિબા બાજુમાં બેઠેલા રતિલાલ નો હાથ પકડી આશા ભરી નજરે સામે જોવે છે, રતિલાલ હજી... વિચારે કે હકાર ....કે....નકાર માં જવાબ આપે તે પહેલાં.... હરિબા એ રતિલાલ નો હકાર જાણે સાંભળી લીધો હોય તેમ મોઢા પર છેલ્લા સંતોષ ન ભાવ લઇ પોતાના લાલા મથુરેશજી ના ચરણો માં વિલય થયા...
જયદેવ જેતપુર આવેછે પોતાના ફઈબા હરિબા ના અંતિમ ક્રિયા કાંડ સંપૂર્ણ હિન્દૂ શાસ્ત્રોક્ત રીતે વિધીવત પુરા કરી હવેલી ને પોતાનું તાળું મારીં જામનગર જાય છે.. ફિલ્મી ધખારા શાંત થયા પણ આર્થિક મુંઝવણ પીછો છોડતી ના હતી, તે દૂર કરવા તેની નજર હરિબાની મિલકત ઉપર જાય છે.. વસિયત માં માલિકી હક જયદેવ ગોવર્ધનદાસ વાગડિયા ને મળે છે હરિબા ના અવસાન પછી થોડા દિવસ બાદ એક દિવસ આવી મથુરેશજી ની મૂર્તિ હરિબા નું રાચ રચીલું બધું પેક કરી જામનગર ભેગું કરે છે.વાત વહેતી મુકતો જાય છે હવેલી વેચવી છે વાત વાયુ વેગે આખા વિસ્તાર માં ફેલાય છે વૈષ્ણવો ના ઘર માં માતમ પથરાય છે રાધ્યા ધાન પડ્યા રહ્યા.. હવેલી ના સેવકો બધા એકઠા થયા કે આપણે શું કરી શકીએ ?... કે હવેલી ફરી થી પ્રસ્થાપિત થાય..હવેલી નો મોટાભાગ નો સેવક ગણ કણબી અને ઉભડ વર્ગ ,આસમશ્યા તેની પોહચ બહારની વાત,બધાની નજર તે વિસ્તાર ના તાજા ભણી ગણી વકીલ બનેલા રતિલાલ ઉપર પડી બધા વૈષ્ણવો રતિલાલ પાસે ગયા રતિલાલ ને હરિબા ને આપેલ વચન ની યાદ અપાવી, રતિલાલ પાસે માહિતી હતી કે વિસ્તાર ના ખમતીધર ખેડૂત આગેવાન ,કાપડ ના મોટા વેપારી મોહન ગંગાદાસ ઠુમર હવેલી લેવા માટે તૈયાર છે લગભગ સોદો નક્કી જ છે રતિલાલ અને બેત્રણ વ્યક્તિ મોહનભાઇ પાસે ગયા, વાત કરી, મોહન ભાઈ એ કહ્યું..એને વેચવું છે અને મારે ખરીદવું છે હું નહીં ખરીદુ તો બીજો કોઈ લેશે.... બીજો અજાણ્યો ખરીદે એના કરતાં હું શું ખોટો...!!! રતીલાલે વાત કરી આપણે હવેલી ચાલુ રાખવી છે, તમારો શું અભિપ્રાય છે મોહનભાઇ કહે તો એનાથી રૂડું શુ હોય...પણ જયદેવ માનશે ખરો...? મને નથી લાગતું એ માને.. એ આર્થિક સંકટ મા છે.. રતીલાલે કહ્યું આપણે બધા થઈ ખરીદી લઈએ ...મોહનભાઇ કહે ,પણ કિંમત મોટી છે.. ફાળો કરીશું... તો કરો કંકુ ના આ ફાળા નું મુહરત મારાથી કરો.. બીજે દિવસે રતિલાલ, ભીખાલાલ સખરેલીયા, અમુભાઈ દોશી પોતાના અંગત પાંચ હજાર ખીસામાં નાખી ત્રિપુટી જામનગર જયદેવ ના ઘેર પોહચ્યા વધઘટ કરતા એકાવન હજારમાં સોદો થયો મુદત નાખી.. જયદેવ કહે લખો ,મુદ્દત ચુકશો તો સોદો ફોક.. રતીલાલે સાટા ખત લખ્યું સહી સિક્કા થયા..
ફંડ ભેગું કરવાનું ચાલુ કર્યું આખા બાવાવાળા પરામાંથી થયા બાર હજાર પુરા, ત્રાકુંડી પરા માંથી ત્રણ હજાર, ખોડ પરા માંથી છ હજાર કુલ ફાળો એકવીસ હજારે પોહચ્યો આ સંઘ કાશીએ પોહચે એવું લાગતું નથી અમુભાઈ દોશી ની સુથી ભય માં લાગી. બધાની નજર મોટી હવેલી "ગોવિંદ કુંજ"પર પડી ત્યાંનો સેવક ગણ ખુબજ સમૃદ્ધ પણ આવા કામ બાવાશ્રી ની આજ્ઞા વગર કરે નહીં અને બાવાશ્રીે આવી કોઈ આજ્ઞા વૈષ્ણવો ને કરે નહીં.. બાવા શ્રી ને મળવા રૂબરૂ ગયા બાવાશ્રી નો જવાબ હતો અમે અમારા માંથી નવરા પડતાં નથી , ત્યાં...નવી હવેલી ક્યાં કરવી... .. જેતપુર માં ત્રીજી હવેલી ની જરૂર જ ક્યાં છે..ઢોળા વાળી "બાલમુકુંદ" હવેલીમાં પણ આજ જવાબ માત્ર શબ્દો ફેર બાવાશ્રી એ કહ્યું ત્યાંના વૈષ્ણવો ને અહીં આવતા ક્યાં કોઈ રોકેછે...ત્યાં ધારેતો ચોકસી લોકો કલમ ના એક ઝાટકે લાખ રૂપિયા ભેગા કરી શકે પણ ધારતા નથી...!!! કે કોઈ અગાધ શક્તિ ધારવા દેતા નથી... !!! બધા વૈષ્ણવો નિરાશ થવા લાગ્યા આટલી મોટી રકમ કાઢશું ક્યાંથી મોહનભાઇ વાંણદ બોલ્યા મથુરેશજી ના સત અને હરિબા ના તપ ઉપર વિશ્વાસ રાખો સૌ સારા વાના થઈ જશે...સાટાખત ની તારીખ નજીક આવતી દેખાય છે બાવાવાળાપરા આખા માં ચિંતા છે શું થશે.. ? સમાચાર આવે છે કે પોરબંદર થી મુરલીધર બાવાશ્રી ગોવિંદકુંજ મા પધારે છેઃ. રતીલાલે કહ્યું સાંભળ્યું છે કે બાવાશ્રી.ભલા માણસ છે..!!! તેને મળીયે કોઈ રસ્તો કાઢશે.. તેને મળવા નું નક્કી કર્યું.. તેની આજ્ઞા લઇ મુલાકાત નો સમય લીધો, ત્રણેક વૈષ્ણવો અને રતિલાલ મળવા ગયા એજ કોપીબુક જવાબ.. રતિલાલ ને લાગ્યું કે ગોવિંદકુંજ માં ખુલી ને વાત નહીં થઈ શકે. એટલે મુરલીધર બાવાશ્રી ને હરિબાની હવેલીએ પધારવાની બિનતી કરી.. બાવાશ્રી એ મનેકમને સ્વીકારી.. માત્ર પધારવા ખાતર પધારવું તેવું મનોમન-નક્કી કરેલ ...નિશ્ચિત સમયે પધરામણી કરી. રતિલાલ વિચારતા વિચારતા હવેલીનું તાળું ખોલે છે. રતિલાલ ના મન માં ને મનમાં સોલા ચડે છે..હરિબા ને આપેલ વચન ભંગ થશે કે શું? મથુરેશજી ના સાચ નું શુ.. ? હરિબા ના તપ નું શુ..? વૈષ્ણવો ના વિશ્વાસ નું શુ..? હરિબા મને માફ કરશો... સ્વગત બબબડીયા...!!! મુરલીધારબાવા બોલ્યા રતિલાલ શુ વિચારો છો તાળું ખોલો, રતિલાલ નો વિચાર ભંગ થાય છે, ડેલી ખોલી બધા વૈષ્ણવો સાથે મુરલીધારબાવા ફળિયામાં ચારે બાજુ પાવન કરેછે, ફળિયા માં કુઈ પાસે પધારે છે, બન્ને ઓરડા માં પધારે છે.. હરિબા ના ઓરડામાં થોડીવાર વચ્ચે ઉભા રહેછે પણ કોઈ સાથે હકારાત્મક વાત કરતા નથી, નકારાત્મક વાત માટે મન માનવી ને જ આવ્યા હોય તેવી વાત અને વર્તન ,મથુરેશજી ના ઓરડામાં જાય છે ફરતી જગ્યા પાવન કરેછે, વૈષ્ણવો બાવાશ્રી નું વર્તન જોઈ નિરાશ થાય છે , રતિલાલ હવેલી અભિયાન ના હથિયાર હેઠા મુકવાનું મનોમન વિચારવા મંડ્યા , અચાનક મુરલીધર બાવા શ્રી ની નજર એક ફોટા ઉપર પડે છે તેમના ચરણ સ્થિર થઈ જાય છે.. ચહેરા ઉપર આભા ઉપસી આવે છે રતિલાલ ને પૂછે છે આ બાવાશ્રી કોણ છે..? તમે ઓળખો છો..? વાત કરતા કરતા ફોટા ને ચરણ સ્પર્શ કરતા હોય તેમ ઉપર થી પોતાના હાથે ધૂળ રજ ખખેરી દૂર કરી.. રતીલાલે જવાબ આપ્યો. બાવાશ્રી મગ્નલાલજી (મગનલાલજી )મહારાજ વેરાવળ વાળા છે .. અને અમારા હરિબા ના ગુરુ છે, હરિબા એ તેમની પાસે થી બ્રહ્મસબધ લીધું છે તમને ખબર છે મગ્નલાલજી મહારાજ અમારા પિતૃચરણ છે હરિબા અમારા ઘરાના ના સેવિકા છે તેમની અંતિમ ઈચ્છા પૂર્તિ કરવી અમારી પારિવારીક ફરજ અને ધર્મ છે રતિલાલ અને વૈષ્ણવો ને સંબોધી બોલ્યા ..આજ થી ,આ હવેલી ની જવાબદારી પહેલા અમારા ઘરાનાની છે.. બાદ માં તમારી છે ... અંદર ના ઉમળકા થી લાગણીભીના અવાજે પૂછ્યું...રતિલાલ , કેટલુ ન્યોછાવર (ફંડ) થયું હવે કેટલી જરૂર છે 21 હજાર થયું છે.. 30 હજાર ની જરૂરિયાત રહશે લખો અમારા 35 હજાર 5 હજાર લટકાના.. મુરલીધર બાવા ના ચહેરા પર સંતોષ નો ભાવ હતો વૈષ્ણવો દિગ્મૂઢ થઈ ગયા...એકબીજા ના મોઢા સામે જોવા મંડ્યા.. આતે કેવો ચમત્કાર ,જાણે જાગતા સપનું, મુરલીધરબાવા શ્રી એ સપનું સાકાર કર્યું તે સનાતન સત્ય હતું...વૈષ્ણવો ના ઘેર આજે દિવાળી છે બાવાવાળા પરામાં આજે ઘેર ઘેર લાપસીના આંધણ મુકાયા છે, મથુરેશજી ના "સત" નો સાક્ષાત્કાર થયો.. હરિબાના "તપ" નું તેજ વ્યાપ્યું વૈષ્ણવો ના વિશ્વાસ અને શ્રદ્ધા ની જીત થઈ મુરલીધારબાવા એ પુષ્ટિ માર્ગ સંપ્રદાય નું ગૌરવ વધાર્યું હરિબા એ સાબિત કર્યું કે કોઈપણ સંપ્રદાય તેમના ભક્તો થકી ઉજળો છે...
આનંદ અને ખુશી ની વાત એ છે કે આજે પણ મથુરેશજી ની પ્રાચીન મૂર્તિ બિરાજમાન છે બાંધકામ માં ઘણો ફેરફાર થયો છે મથુરેશજી હરિબાના સમય માં ઉતરાભિમુખ બિરાજતા હતા, હાલમાં પૂર્વાભિમુખ તેવાજ તેજ અને આભા થી બિરાજે છે. પણ ખેદ માત્ર એટલોજ છે કે આજના વહીવટ કર્તા એ હરિબાના તપ અને ભક્તિ ભૂલી ગયા છે તેમની કોઈ યાદી સાચવી નથી સિવાય એકમાત્ર નાનો ફોટોગ્રાફ... જો આજના વહીવટ કર્તા હરિબાની ભક્તિ અને તપ ને ઉજાગર કરશે તો આપણે હરિબાને સાચી શ્રદ્ધાંજલિ આપી ઋણ ચૂકવ્યા નો સંતોષ લઇ શકીશું.....
---------ગુણવંત ધોરડા
જેતપુર..
તા. 1-જૂન-2020
સૌજન્ય...પૂરક માહિતી
શ્રી રજની કુમાર પડ્યા (સમર્થ સાહિત્યકાર)નોલખેલ ઝબકારા શ્રેણી "શાંતરામ ની સામગ્રી વાળા..." આધારિત
વકીલશ્રી રતિલાલ માંગરોળિયા સાહેબ
ફોટો સૌજન્ય...
108 ગોસ્વામી શ્રી ચંદ્રગોપાલ બાવાશ્રી .. પોરબંદર
પ્રો. ભીમજી ખચરિયા..જેતપુર
નોંધ ફોટા ની વિગત..
પ્રથમ મથુરેશજી ની ફાઇલ તસ્વીર
દ્વિતીય પ.પૂ હરિબા ની એકમાત્ર તસ્વીર
તૃતીય આચાર્ય શ્રી ગૌસ્વામી
મગ્ન લાલજીબાવાશ્રી.. હરિબા ના ગુરુ
ચતુર્થ આજ ની મથુરેશજી જૂની હરિબા ની
હવેલી નું પ્રવેશ દ્વાર...
પાંચ ... 108 આચાર્યશ્રી મુરલીધરબાવા શ્રી ની ગોલક નો ફોટોગ્રાફ
છઠ્ઠો સ્વેત શ્યામફોટોગ્રાફ.. જયદેવ વાગડિયા







No comments:
Post a Comment