Sunday, October 4, 2020

અમારા જેતપુર નું શિક્ષણ તીર્થ ..3 - "બોસમીયા કોલેજ"


જેતપુર ના ગૌરવ સમા સર આદમજી હાજી દાઉદ પરિવાર નો એક નેક શિરસ્તો હતો કે જ્યારે પરિવાર નો ખુશી નો પ્રસંગ હોય , ત્યારે એ પાક અને પવિત્ર પ્રસંગ ને કાયમી યાદ રાખવા માટે સંભારણા રૂપે ખેરાત કરવી , 1941 માં.. આવા એક પ્રસંગ સર આદમજી ના નાના દીકરા ગુલમોહમદ અને દીકરી ઝુંબેદા ના શાદી જશન
નિમિતે..."સર આદમજી હાજીદાઉદ મુસ્લિમ હાઈસ્કૂલ" ની ખેરાત કરી, યુરોપ ની એક શિક્ષણિક સંસ્થા ની આબેહૂબ પ્રતિકૃતિ રૂપે, યુરોપિયન આર્કિટેક,અને યુરોપિયન કોન્ટ્રાક્ટરે જેતપુર ને એક બેનમૂન સ્થાપત્ય ભેટ ધર્યું... આ સંસ્થા માં 1941 એટલે કે પ્રારંભ થી જ વિનામૂલ્યે જ્ઞાતિ , જાતિ કે ધર્મ, ઊંચ નીચ, ગરીબ અમીર ના ભેદ વગર મેટ્રિક (તે સમયે 11 ધોરણ) સુધી નું ગુણવત્તા સભર શિક્ષણ આપવામાં આવતું હતું, 1947 માં આઝાદી મળી ખુશી ઉમંગ ની સાથે વિભાજન ની વેદના પણ લાવી.. ભાઈ ભાઈ ની જેમ રહેતા હિન્દૂ મુસ્લિમ પરિવાર માં વિરહ ની વેદના પણ લાવી.. જેતપુર માં તે સમયે એંસી ટાકા આબાદી મુસ્લિમ હતી, તેમાં મોટાભાગ ના સુખી સમૃદ્ધ પરિવાર પાકિસ્તાન હિજરત કરી ગયા... તેમાં જેતપુર નો શિરમોર મુસ્લિમ પરિવાર સર આદમજી હાજી દાઉદ પણ કરાંચીમાં સ્થિર થયો. સાવચેતી અને અગમ ચેતીના ભાગ રૂપે તેના પરિવારે 1947 પહેલાજ જીનીવા નું નાગરિકત્વ મેળવેલું.. જે આગળ જતાં તેની તરફેણ માં રહ્યું.. આ હાજી દાઉદ પરિવાર ની હોશિયારી ,ચાલાકી, બહોશી જે કહેવી હોય તે કહી શકાય..જીનીવા ના નાગરિકત્વ ના કારણે તેમની જેતપુર ની મિલકત કે ટ્રસ્ટ ની મિલકત ઇવેકયું મિલકત જાહેર ના થઇ શકી પરિણામે બધી મિલકતો હાજીદાઉદ ટ્રસ્ટ પાસે જ રહી ... 1947 પછી પણ આ હાઈસ્કૂલ સારી રીતે પ્રવૃત રહી , કોઈ અગમ્ય કારણોસર 1953 આજુબાજુ આ હાઈસ્કૂલ બંધ પડી... વિદ્યા ના તેજ થી ઝળહળ થતી આ ભવ્ય ઇમારત તેજ વિહીન ભાસવા માંડી..

અમારું ઘર આ ભવ્ય ઇમારત થી પાંચેક મિનિટ ના અંતરે હતું અમારા ઘરે થી આ ઇમારત સ્પષ્ટ જોઈ શકાતી.. અમે આઠ દસ વરસ ની ઉંમરથી આજનો જૂનાગઢ રોડ તે સમયે સિમેન્ટ રોડ તરીકે ઓળખાતો કારણ આખા જેતપુર માં એક માત્ર સિમેન્ટ થી બનેલ સિંગલ પટી રોડ હતો તે સમયે આટલો બધો વાહન વ્યવહાર ન હતો, રજા કે રવિવાર ન દિવસે અમે બધા કુટુંબ ના બાલ ગોપાલ મારા કાકા (અમે બાપુજી ને કાકા કહેતા) સાથે સિમેન્ટ રોડ પર વહેલી સવારે ચાલવા જતા ત્યારે ઘરે થી નીકળતી વખતે બાવળ નું દાતણ કરતા કરતા ચાલતા જૂનાગઢ રોડ રેલવે ફાટક સુધી જતા, મારા કાકા ઘેરે થી લીધેલ લાકડીયા કોલસા અમે બધા દાંતે પણ ઘસતા ,વધારાના કોલસાથી અમને બધાને રોડ પર ચિત્ર દોરી આપે ખાસ પ્રાણીઓ હાથી, ઘોડા, બકરી, ગાય, પોપટ, મોર અને તે ચીતરવા ની સહેલી રીત બતાવે ,પ્રેક્ટિસ પણ કરાવે, તે સમયે કેનાલ ના હતી આજના મરિયમ મંઝિલ પાસેથી જેતલસર ની સીમ, ગોબરભાઈ કરશનભાઇ રૈયાણી ની વાડી પાણી થી ઉભરાય તેનું છલેલું પાણી, જમીન માંથી ફૂટેલા સરવાણા ના પાણી બધા ભેગા થઈ એક ઝરણાં નું રૂપ થઈ જતું, આ ઝરણું મુસ્લિમ હાઈસ્કૂલ ના દરવાજા પાસે થી વહી, આજના "તાલુકા સેવા સદન" પાસે પુલ નીચે થઈ દેવીયાની એપાર્ટમેન્ટ પાછળ થી ગોપાવાડી , ત્રાકુડી પરા માં પસાર થઈ ચંદ્ર મૌલેશ્વર મહાદેવ પાસે થઈ ભાદર નદી ને મળતું ત્યારે આ ઝરણું વોકળાનું રૂપ ધારણ કરતું... આઝરણું મુસ્લિમ હાઈસ્કૂલ પાસે એકદમ રળિયામણું લાગતુ , રોડ ની આથમણી દિશામાં સતત આ ઝરણું દિવાળી પછી ધુળેટી સુધી વહેતુ ,વળતા આ ઝરણાં માં મોઢું ધોઈ અમે ઘરે પોહચતા.. નાનો હતો ત્યારે આવા કુદરતી વાતાવરણ માં અનુભવેલી વાત બાળ માનસ પર આગવી છાપ છોડતી હતી એટલેજ કદાચ મુસ્લિમ હાઈસ્કૂલ ની છાપ મારા મન માં વિશિષ્ટ હતી, એટલેજ કદાચ મારા ઉનાળા ના વેકેશન માં તેની પાછળ ની લોબી માં ઝવેરચંદ મેઘાણી , શરદ ચંદ્ર , ગોવર્ધન રામ માધવરામ ત્રિપાઠી, કનૈયાલાલ મુનશી, મોહનલાલ ચુનીલાલ વૈદ્ય , ધૂમકેતુ, ગુલાબદાસ બ્રોકર ચુનીલાલ મડિયા ને વાંચ્યા. .... નો આનંદ લઇ વાંચન ભૂખ સંતોષ તો હતો..

મુસ્લિમ હાઈસ્કૂલ ની જાજરમાન ભવ્ય ઇમારત મોટું મેદાન, લાંબી ઓસરી, પાછળ લીંમડાંના ઘેઘુર વૃક્ષો, પ્રવેશ દ્વાર આગળ ખળ ખળ વહેતુ ઝરણું...આવા દ્રશ્યો ચારેક વરસ પહેલાં જ્યારે હું મારા પરિવાર સાથે ઉત્તરાખંડ ગયો ત્યારે મશુરી, નૈનિતાલ , દેહરાદૂન ની મુલાકાત લીધી ત્યારે નૈનિતાલ માં હાઇકોર્ટ અને કોલેજ ની ઇમારત જોઈ ત્યારે મને નાનપણ માં જોયેલી આપણી મુસ્લિમ હાઈસ્કૂલ યાદ આવી ગઈ હતી..

મુસ્લિમ હાઈસ્કૂલ બંધ પડી , આવીજ એક ઉમદા સંસ્થા હાજી દાઉદ હોસ્પિટલ બંધ પડી , જેતપુર ની બદનસીબી કે જેતપુર ની પ્રજાની સુખકારી અને શિક્ષણ ,સંસ્કાર માટે ઉમદા હેતુ માટે આપેલી ખેરાત વેડફાઈ ગઈ , જેતપુર ની પ્રજા મૂંગે મોઢે જોતી રહી.. જેતપુર ની પ્રજા પાસે લાચારી સિવાય કોઈ રસ્તો જ નહતો...!!! જેતપુર શહેર ની જરૂરત પ્રમાણે પ્રસંગોપાત આઠ દસ દિવસ ઉપયોગ કરવામાં આવતો હતો, ખાસ કરી નેત્ર નિદાન કેમ્પ માટે

1969 -1970 માં જગદીશ ડાઇંગ વાળા બચુભાઇ શેઠ (ગોરધનદાસ ) અને તેમના નાનાભાઈ ચુનીભાઈ એ જેતપુર ની ધર્મ પ્રેમી ,ભાવુક પ્રજાના કથા શ્રવણ લાભાર્થે પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ ની ભગવદ્દસપ્તાહ નું વિશાળ પાયે સફળ આયોજન કર્યું.. આ શુભ કાર્ય દરમ્યાન બોસમીયા પરિવાર ને એક શુભ વિચાર આવ્યો કે આવા વિશાળ ધાર્મિક કાર્યક્રમ ની સાથો સાથ જેતપુર ની પ્રજા માટે કંઈક કાયમી આયોજન કરવું... પરિવારે વિચાર્યું કે આપણા જ આર્થિક સહયોગ થી રાજકોટ માં "બ્રહ્મક્ષત્રિય વિદ્યાર્થી ભુવન" કાલાવડ રોડ પર ચાલેછે.. જેતપુર માં કરીમ મેનશન જેવું વિશાળ બિલ્ડીંગ ખરીદી જ્ઞાતિના હિત માટે ભાદર રોડ ઉપર બ્રહ્મક્ષત્રી જ્ઞાતિ ની વાડી અર્પણ કરી.. તેવુજ 51000 રૂપિયા ના દાન થી સમાજ ના હિતાર્થે "અન્ન દાન મહા દાન" વીરપુર માં જેમ સદાવ્રત ચાલેછે તેવું જરૂરિયાતમંદ માણસો માટે સદાવ્રત શરૂ કરવું.. ગામના શ્રેષ્ઠી ઓ ને બોલાવી મિટિંગ કરી નિર્ણય ની જાણ કરવી તે માટે.


નારોતમભાઈ ગરાચ, દામોદરદાસભાઈ મેર, કાનજીભાઈ તારપરા, જગનભાઈ પારેખ, જેઠાલાલ પારેખ, અમૃતલાલ પટેલ, અને બચુભાઇ ના દાનથી જ લોકોની સુખકારી માટે કાર્યરત "નંદુબેન સાર્વજનિક ડીસ્પેન્સરી માં સેવા આપતા નગર ડો. નરેન્દ્રભાઈ વિનોદભાઈ વસાવડા તથા સમગ્ર શહેર ના આગેવાનો ને આમંત્રણ આપવામાં આવ્યા.. મિટિંગ માં બચુભાઇ શેઠે પોતાનો વિચાર બધા સમક્ષ રજુ કર્યો.. સર્વે શ્રેષ્ઠી એ વિચાર ને તાળીઓ ના ગડગડાટ થી વધાવ્યો.. બચુભાઇ શેઠ નું ધ્યાન એક તરફ વિચાર મગ્ન બેઠેલા ડો. વસાવડા તરફ પડ્યું... બચુભાઇ એ ડો. વસાવડા ને પુછ્યું કેમ ડોક્ટર તમે મૂંગા મૂંગા બેઠા છો.. ડો વસાવડા નો વિચાર તૂટ્યો અને બોલ્યા કાઈ નહીં...!!! બચુભાઇ શેઠ ની અનુભવી આંખ કાઈ થાપ ખાય નહીં..!!! ડો.સાહેબ કાઈક તો છે ? ઘાટ ઘાટ ના પાણી પીધેલ, એક યુગ પ્રવક્તા, જેના નામે યુગ ઓળખાવાનો છે તેવા શેઠ બચુભાઇ બોલ્યા... ત્રીસી હજી માંડ માંડ વટાવી છે તેવા મહુવા માં છબીલદાસ મહેતા, જશવંત મહેતા, ઈબ્રાહીમ કલાણીયા જેવા પ્રખર સમાજવાદી અને જેની મુતસ્દીગીરી ની વાતો મંડાતી હોય તેવા સેવા ના ભેખધારી રાજકારણીઓ ની નીચે તૈયાર થયેલો નાગર બચ્ચો ડો. નરેન્દ્ર વિનોદભાઈ વસાવડા વિચારે છે કે અન્નક્ષેત્ર ખોલી જેતપુર ની જનતા ને માયકાંગલી બનાવવી....!!!કોઈ ની કાયમી ઓશિયાળી બનાવવી ...!!! ભિખારી બનાવવી..!! યોગ્યતો ના જ કહેવાય.. ના ...ના એવો નિર્ણય તો ના જ લેવાય ...,પણ.... પ... ણ આબધાં મારી વાત મારો વિચાર સ્વીકારે ખરા...!!! જમાના ના ખાધેલ ગામ ના પ્રતિષ્ઠિત નાગરિકો નો અહંમ ઘવાય ને "મારી સોનાની જાળ પાણીમાં જાય"તો કદાચ...!!! મારુ નાગરત્વ એટલું સસ્તું તો નથી જ...!!! બચુભાઇ શેઠ ફરીથી બોલ્યા ... ડોક્ટર કાંઈક તો છે... તમારા ભણતર નો અનુભવ શુ કહે છે...? અમે વિચાર્યું છે તે યોગ્ય જ છે ને....? શેઠ તમે જે વિચાર્યું હોય તે ઠીક જ હોય..પ...ણ.. પણ.. બચુભાઇ શેઠ હિંમત આપતા બોલ્યા ... કહો ડોક્ટર.. !!! ડો. વસાવડા બોલ્યા મારો વિચાર થોડો બધા થી જુદો છે...!!! આપણા જેતપુર માં રાધાકૃષ્ણ પ્રિન્ટ વાળા દેવજીભાઈ ભીમજીભાઈ ભીમજીયાણી ટ્રસ્ટ અન્નક્ષેત્ર ચલાવે જ છે..અન્નક્ષેત્ર..

જનતાને માયકાંગલી ,નામલી, કામચોર , ભિખારી બનાવે છે , એવું મારુ અંગત માનવું છે...આપણે જેતપુર ની જનતાને તેના પગભર, આત્મ નિર્ભર કરવાનું વિચારવું જોએ... બચુભાઇ બોલ્યા... તેના માટે શું કરવું.. ....? તમે તેના માટે વિચાર્યું છે ? વિચાર્યું છે .. શેઠ.. જેતપુર માં કોલેજ નથી જેતપુર તાલુકા ના તથા આજુબાજુ ના દીકરા દીકરી કોલેજ ના અભાવે આગળ અભ્યાસ કરી નથી શકતા.. ખાસ દીકરી ને અભ્યાસ છોડવો પડે છે.. આજુબાજુ ના વિસ્તાર માં ગોંડલ અને જૂનાગઢ બે જગ્યાએજ કોલેજ છે બસ માં આવારા તત્વો ની રંજાડ.. ને લઇ કોઈ વાલીઓ દિકરીઓ ને આગળ અભ્યાસ કરવાની મંજૂરી આપતા નથી... જો જેતપુર માં કોલેજ શરૂ થાય તો જેતપુર માં કન્યા કેળવણી ના દ્વાર ખુલી જાય, દીકરીઓ ના આશીર્વાદ મળે..... મિટિંગ માં ...

ચણ ભણાટ ચાલુ થયો.. મિટિંગ માં સુર ઉઠ્યો કોલેજ કરવી સહેલી નથી તેની વ્યવસ્થા આપણે ના કરી શકીએ.. !!! ડો. વસાવડા સિવાય મોટાભાગ ના શ્રેષ્ઠી બે..પાંચ ચોપડી ભણેલા... ડો વસાવડા ની દુરંદેશી માપવાની કે ત્યાં સુધી વિચારવાની શ્રેષ્ઠી ઓ ની ક્ષમતા જ નહીં...!!! આ બધું બચુભાઇ સાંભળતા રહ્યા.. બચુભાઇ મૌન.. થોડી વાર પછી બોલ્યા.. ડોક્ટર તમારી વાત સાચી 51 હજાર માં પુરૂ થઈ જાય બાકી અહીં બેઠા તે દાન જાહેર કરે તો દોઢેક લાખ ભેગો થઈ શકે.. બચુભાઇ સામે જોઈ ડો. વસાવડા બોલ્યા તમે 51 હજાર ના 1.25 લાખ કરો હું મારા (ડો. વસાવડા નગરપાલિકા ના પ્રમુખ હતા )તરફ થી ખાત્રી આપુ કે જેતપુર નગરપાલિકા દ્વારા 1.25 લાખ મંજુર કરવી આપીશ.. બાકી ની ગામ માંથી વ્યવસ્થા કરીશું... બચુભાઇ ડો. વસાવડા ને કહે તમને ખાત્રી છે કે તમે આકામ પાર પાડી શકશો.. ? ડો. વસાવડા એ સંપૂર્ણ આત્મ વિશ્વાસ સાથે કહ્યું.. જેતપુર માં કોલેજ થશે જ... આપણે સૌ કોલેજ જરૂર સ્થાપશું....જ.. ડો. વસાવડા નો આત્મ વિશ્વાસ જોઈ કોઈ વિરોદ્ધ જ ન કરી શક્યું... !!! બચુભાઇ એ પોતાનું ભંડોળ 1.25 હજાર જાહેર કર્યું.. સૌ એ આ વાત ને એકી અવાજે વધાવી લીધી...




1969-70 માં વિચાર ને મૂર્તિમંત કરવા કમિટી નીમી કામ આગળ ચાલ્યું "જેતપુર કેળવણી મંડળ " ટ્રસ્ટ ના નેજા નીચે .." ગોરધનદાસ કરસનજી. એન્ડ ચુનીલાલ કરસનજી બોસમીયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ "જેતપુર...તારીખ 1-6-1972 ના દિવસે કોલેજ ની સ્થાપના ગુજરાત રાજ્ય ના કેબિનેટ પ્રધાન શ્રી સનત મહેતા ના વરદ હસ્તે કરવામાં આવી..શરૂઆત ના સમય માં કોલેજ નું અધ્યાપન કાર્ય કમરીબાઈ હાઈસ્કૂલ માં રહ્યું, કોલેજ નું પોતાની માલિકી ની જગ્યા અને બિલ્ડીંગ માટે નજર દોડાવી , ત્રણ વિકલ્પો હતા...એક જમીન ખરીદી બિલ્ડીંગ બનાવવું..બીજો હાજી દાઉદ હોસ્પિટલ વાળી જગ્યા ખરીદવી.. ત્રીજો વિકલ્પ મુસ્લિમ હાઈસ્કૂલ ખરીદવી... અભ્યાસ પરથી સર્વાનુમતે એવું નક્કી થયું કે મુસ્લિમ હાઈસ્કૂલ ખરીદવી.. પ્રશ્ન એ હતો કે તે સમય ના મુખ્ય ટ્રસ્ટીઓ પાકિસ્તાન સંપર્ક કે ઓળખાણ કોઈ વ્યક્તિ ની નહીં ..તેમના સંપર્ક માં જેતપુર ની એક માત્ર પ્રતિષ્ઠિત વ્યક્તિ ડો. રાજેન્દ્ર બી. વછરાજાની સાહેબ..તેઓ જેતપુર માં હાજી દાઉદ હોસ્પિટલ માં મુખ્ય ડોક્ટરના દરજે હતા ,તેમને મુખ્ય ટ્રસ્ટી સાથે પારિવારિક સંબધો ,આવરો જાવરો પણ ખરો, તેમનો બોલ ટ્રસ્ટી ઉથાપે નહીં તેવી ખાતરી સૌ ને હતી.. તેમને મધ્યસ્થી થવા માટે કહેવામાં આવ્યું તેઓ જેતપુર ના હિત માટે તૈયાર થયા, મુખ્ય ટ્રસ્ટી એ પોતાના નામ સાથે કોલેજ શરૂ કરવાની દરખાસ્ત મૂકી, આ દરખાસ્ત વહીવટી કારણોસર અયોગ્ય હતી, બિલ્ડીંગ ખરીદવાની જ વાત હતી અંતે બિલ્ડીંગ ખરીદી ની વાત પર મુખ્ય ટ્રસ્ટી સહમત થયા રૂપિયા 5 લાખ જેવી જેતે સમયે માતબર રકમ ગણાતી તેમાં સોદો નક્કી થયો, ભંડોળ હાજી 4.5 લાખ જ હતું સમજૂતી કરાર થયો હાજીદાઉદ ટ્રસ્ટ અને જેતપુર કેળવણી ટ્રસ્ટ ના સંયુક્ત બેંક ખાતામાં આ રકમ જમા કરાવી જ્યાં સુધી રકમ પુરી ના થાય ત્યાં સુધી આ રકમ ના વ્યાજ નો હક ભાડા પેટે હાજી દાઉદ ટ્રસ્ટ માં જમા થાય ... આ દરમ્યાન કબજો જેતપુર કેળવણી મંડળ ને સોંપવો તેમ નક્કી થયું પરંતુ લોકલ ભારત માં રહેલ ટ્રસ્ટી કોઈપણ ગેરસમજ કે પૂર્વગ્રહ થી પીડાઈ કબજો આપતા ના હતા.. કેળવણી મંડળ ના મોભી વાટાઘાટ, મસલત કરે પણ ,હાજી દાઉદ ટ્રસ્ટ ના ટ્રસ્ટી ગોળ ગોળ વાતો કરે, કરાર નો અમલ ના કરે, કોર્ટ માં જવાથી પ્રશ્ન ઉલટો બેચરાય અને લાંબો સમય ખેંચાય...કેળવણી મંડળ ના મોભી ને કોઈ રસ્તો સુજતો નથી..

ફરી પ્રશ્ન ડો. વસાવડા પાસે આવ્યો, બચુભાઇ સાથે મિટિંગ કરી આગેવાનો ને બોલાવ્યા , સર્વ સહમતી થી નિર્ણય લેવો તેમ નક્કી થયું ..મિટિંગ માં વાતનો ઉકેલ દેખાતો નથી..ડો. વસાવડા એ કહ્યું કાયદો કાયદા નું કામ ભલે કરે...આપણે આપણું કામ કરીએ.. બચુભાઇ શેઠે ડો. વસાવડા ને કહ્યું કાઈ સમજાયું નહીં, ફોડ પાડી વાત કરો.. ડો. વસાવડા એ ફોડ પાડતા કહ્યું તેઓ જો કરાર નું ઉલંઘન કરતા હોય ,કરાર નું પાલન ના કરે તો, આપણે પણ "જેવા સાથે તેવા" બનવું જોઈએ અને આપણે આપણા હક નો ઉપયોગ બિલ્ડીંગ ના તાળાં તોડી પ્રવેશ કરવો જોયે બચુભાઇ બોલ્યા એ તો ગુન્હો કહેવાય..ડો. વસાવડા તમને ભાન છે કોઈ ના તાળાં તોડવા એ ગુન્હો કહેવાય...તમે ગુનેગાર સાબિત થાવ.. તેવું આપણા થી ન કરાય.. ડો વસાવડા માં નાગર નું ખમીર, જુવાની નું જોશ, પ્રવેશ્યું,

ખમીર ભર્યા અવાજે ડો. વસાવડા બોલ્યા, બચુભાઇ શેઠ, સમાજ માટે હું ગુનેગાર બનવા તૈયાર છું.. સમાજ ના શુભ કર્યો માટે.. "હું ગુન્હેગાર હતો, ગુન્હેગાર છું, અને ગુન્હેગાર રહીશ.. અને આવા ગુન્હા માટે મને ગૌરવ છે.." ડો. વસાવડા ની હિંમત માટે સૌ ને ગૌરવ થયું ડો વસાવડા એ બધા ને કહ્યું મારી સાથે આવવા કોણ કોણ તૈયાર છે.. ? મિટિંગ માં મૌન છાવાયું એક અવાજ આવ્યો... "હું" ...બધા એ અવાજ તરફ જોયું એક જવામર્દ વાણીયા નો દીકરો ઉભો થયો જગન્નનાથ નાથાલાલ પારેખ.. ચોવીસ કલાક માં બિલ્ડીંગ નો કબજો મેળવવાનું આગેવાનો ને વચન આપી સૌ છુટા પડ્ય ,બીજે દિવસે કોલેજ ના આગેવાન વિદ્યાર્થી દાનાભાઈ લુણી, સવજીઆંબલિયા મહેન્દ્ર દોમડિયા, અરુણ માધાણી, નરેશ મહેતા જેવા સેંકડો વિધાર્થી ની આગેવાની માં રેલી રૂપે મુસ્લિમ હાઈસ્કૂલ ના તાળાં ડો. વસાવડા એ જગન ભાઈ પારેખ ની હાજરીમાં તોડ્યા અને કબજો લીધો જે આજસુધી કાયમ છે... બાકી ની કોલેજ ને વ્યવસ્થિત કરી.. માળખાગત વ્યવસ્થાની કામગીરી સ્થાપક પ્રિન્સીપાલ જી. જે પુરોહિત સાહેબે સુપેરે નિભાવી.. આસંસ્થા ઉપર પુરોહિત સાહેબ નું ઋણ ચૂકવી શકાય તેમ નથી.. પુરોહિત સાહેબ ના સહયોગ માં કોલેજ ના હેડક્લાર્ક પ્રફુલ પંડ્યા, લાઈબ્રેરીયન વસંત પાઠક ની જહેમત પણ અવિસ્મરણીય રહી હતી..


******** ****** ****** ******
1971 માં કમરીબાઈ હાઈસ્કૂલ માંથી મેટ્રિક ની પરીક્ષા પાસ કરી , મારા મોટાભાઈ ડો .બી. વી. ધોરડા નો એમ ડી. નો અભ્યાસ ઇરવીન હોસ્પિટલ અને એમ. પી. શાહ મેડિકલ કોલેજ માં ચાલુ હોય, ઘરનું વાતાવરણ મળે એ આશય થી મેં જામનગર ડી.કે.વી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ માં સાયન્સ ના પ્રિસાયન્સ માં એડમિશન લીધું. ત્યારે પ્રથમ વરસ બાદ મેડિકલ , એન્જીનીયરીંગ માં પ્રવેશ મળતો સરકારે માળખું ફેરવ્યુ , પ્રિ મેડિકલ અને પ્રિ એન્જીનીયરિંગ ની ઓપન ટેસ્ટ લીધી તેની પૂર્વ તૈયારી ને અભાવે નિષ્ફળતા મળી પણ કિશોર ભારદીયા (લંડન) , તાલબ સિદી (મુંબઈ ,નાઇજિરિયા) , જયકર ચટાઈ (વેરાવળ) , પ્રફુલ ત્રિવેદી (જામનગર), સ્વ. શામજી અજમેરિયા, મહમદ બ્લોચ ( "તિરંગા " "મરતે દમ તક " ના પ્રસિદ્ધ ફિલ્મ ડાયરેક્ટર મેહુલ કુમાર મુંબઈ) જેવા મિત્રો મેળવવામાં સફળતા મળી.. મોટા ભાઈ ડો. બી. વી. ધોરડા એમ. ડી. પાસ થતા તેઓ એ જેતપુર માં પોતાની તબીબી પ્રેક્ટિસ શરૂ કરી ....મેં રાજકોટ પ્રથમ વિરાણી સાયન્સ કોલેજ માં પ્રવેશ મેળવ્યો ત્યાર બાદ કોટક સાયન્સ માં પ્રવેશ મેળવી ફિઝિક્સ સાથે બી.એસસી. પાસ કર્યું ત્યાં પણ સબીર ભરમાલ, નવીન માંંડલીયા, જે. કે. આચાર્ય, અનામીક શાહ (ગુજરાત વિદ્યાપીઠ નાં કુલપતિ), યશવંત જનાની ( પ્રમુખ રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ, સૌરાષ્ટ્ર વિકાસ પરિષદ) રાજેન્દ્ર સિંહ જાડેજા ,દિલીપ પટેલ (ભૂ. પૂ. ધારાસભ્ય જેતપુર) દિલીપ રાવલ ( નિવૃત સચિવ અને કલેક્ટર ગુજરાત રાજ્ય ) જેવા ઉમદા વિદ્યાર્થી કાળના મિત્રો મેળવ્યા..

બી. એસસી. બાદ મેં પુના ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ માં પ્રવેશ મેળવવા પ્રયત્ન કરેલો જે ઇન્સ્ટિટ્યૂટ વી. શાંતારામ ના સ્ટુડિયો "પ્રભાત સ્ટુડિયો " ની જગ્યા માં સ્થિત હતી ત્યાં ફિલ્મ દિગ્દર્શન, સાઉન્ડ રેકોર્ડિંગ, સીનેમેટોગ્રાફી, અભિનય, એડિટિંગ ના ડિપ્લોમા કોર્ષ ભણાવતા હતા, મારે ફિઝિક્સ માં ગ્રેજ્યુએશન હતું જે સાઉડ રેકોર્ડિંગ માટે જરૂરી હતું એટલે મને પ્રવેશ મળ્યો નસીબ બે ડગલા આગળ તે બન્યું એવું કે ઈન્દિરાયુગ માં સંજય ગાંધી,વિદ્યાચરણ શુક્લા (માહિતી ખાતાના પ્રધાન) ફોતેદાર જેવા રાજકારણી નો સંસ્થા ઉપર પ્રભાવ કે જોહુકમી તેમણે કેન્ડી નામની એક વિધાર્થીની ને અંબિકા સોની ની ભલામણ થી અભિનય શાખા માં ગેરકાયદે પ્રવેશ આપતા આંદોલન થયું શરૂઆત માં શાંત આંદોલન હિંસક આંદોલન માં પ્રવેશ્યું.. સંસ્થા અનિશ્ચિત કાલિન સ્થગિત કરી મારો પ્રવેશ પણ અનિશ્ચિત કાળ માટે સ્થગિત થયો જો મને પ્રવેશ મળ્યો હોત તો જયા ભાદુરી, ડેની, શત્રુઘ્ન સિંહા, સુભાષ ધાઈ, સુમિત ભાંજા પછી ની બેચ નો વિદ્યાર્થી ગણાતા...મેં જેતપુર માં મારી પોતાની ઓળખ ઉભી કરી સાડી ઉદ્યોગ માં નસીબ અજમાવવાનું નક્કી કર્યું...
********** ********* ******* *****

માટે મેં સેકન્ડ ગ્રેજ્યુએશન માટે જી.કે. એન્ડ સી. કે. બોસમિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ માં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ પત્ર ભર્યું , પ્રવેશ નિષેધ કરવામાં આવ્યું કોઈ પણ કારણ દર્શાવ્યા વગર પ્રવેશ અટકાવ્યો મેં આચાર્ય જી.જે. પુરોહિત સાહેબ ને રજુઆત કરી .. તેમણે જવાબ માં કહ્યું ટ્રસ્ટ નો નિયમ છે ...નિયમ વિરુદ્ધ પ્રવેશ ના આપી શકાય, મેં પુરોહિત સાહેબ ને કહ્યું યુનિવર્સીટી ના ધારા ધોરણ વિરુદ્ધ ટ્રસ્ટ આવો અયોગ્ય નિર્ણય લઈ જ ના શકે.. મને ટ્રસ્ટ ના ઠરાવ ની કોપી આપો... મારી પાસે મારી છેલ્લી કોલેજ નું કેરેક્ટર સર્ટી ફિકેટ છે.. મેં ભૂતકાળ માં કોઈ ગુન્હો કર્યો નથી તમે કહેતા હો તો આપણા વી. સી. નું સર્ટિફિકેટ લાવી આપું, વી. સી. હરસુખ સંઘવી સાહેબ મારા પ્રિન્સિપાલ રહી ચકેલા તેથી મારી ઓળખાણ હતી, પુરોહિત સાહેબ ને કહ્યું ...મારો પ્રવેશ અટકાવવાનો કોઈ અધિકાર તમારી પાસે નથી ..પુરોહિત સાહેબ પોતાના નિર્ણય પર અટલ હતા, હું મારી જીદ પર અટલ હતો. મેં ટ્રસ્ટીઓ ને રજુઆત કરી તેઓ એ દાદ ના આપી.. મેં અમારા વિસ્તાર ના મારા મિત્રો મગન બવિસા( નિવૃત ડી.વાય. એસપી. ગુજરાત પોલિસ )છગન વઘાસિયા (પૂર્વ પ્રમુખ જેતપુર નગરપાલિકા... ) ભુપેન્દ્ર સિંહ અભાણી , મગન રાબડીયા.. કમલેશ પંડ્યા , સવજી કોઠારી ,છગન કાપડી ને વાત કરી બધા વિદ્યાર્થીઓ ને રજુઆત કરી મારી વાત ગળે ઉતારી ...પ્રિન્સીપાલ સાહેબ ને નોટિસ આપી કે 24 કલાક માં એડમિશન આપો નહીતો મારે ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ ઉપર બેસવું પડશે ...કોલેજ નો મોટાભાગ નો વિદ્યાર્થી ગણ મારા તરફેણ માં છે, આંદોલન આગળ જતાં હિંસક બને તો તેની સંપૂર્ણ જવાબદારી તમારા શિરે રહેશે.. કોપી રવાના, જેતપુર મામલતદાર સાહેબ, જેતપુર સીટી પોલિસ સ્ટેશન, કુલપતિ શ્રી સૌરાષ્ટ્ર યુનિવર્સીટી રાજકોટ.. 24 કલાક ની અવધિ પુરી થઈ અમારી ઉપવાસી છાવણી તૈયાર જ હતી , પોલીસ બંદોબસ્ત ગોઠવાયો અમારું આંદોલન ચાલુ થયું..મેનેજમેન્ટ મચક આપતુ નહતું, પોલિસ વિભાગે દરમ્યાનગીરી કરી પણ નિષ્ફળ બીજેદિવસે કોલેજ નો ઇનામ વિતરણ નો કાર્યક્રમ હતો સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ના નવ નિયુક્ત વાઇસ ચાન્સેલ હરસુખ સંઘવી સાહેબ પ્રમુખ સ્થાને હતા તેઓ સાથે મારા વિરાણી સાયન્સ કોલેજ ના પ્રિન્સીપાલ હતા એટલે અમારા વચ્ચે સારા સબંધ હતા..અમે નક્કી કર્યું તેમને ઉપવાસી છાવણી ની મુલાકાત માટે આમંત્રણ આપશું.. કઈક રસ્તો તેઓ કાઢશે...પણ બન્યું એવું કે તેઓ મોટર માં થી પસાર થતા અમારા બન્ને ની નજર એક થઈ, હું દોડતો તેની પાસે ગયો, તેમને પગે લાગ્યો તેમણે મને બાથ માં લીધો.. અને પૂછ્યું કે ધોરડા તું અહીંયા મેં વિવેક પૂર્વક કહ્યું આ મારુ વતન છે, મારુ ઘર નજીક છે. અનુકૂળતા હોય તો પધારશો.. વાત કરતા કરતા પ્રિન્સીપાલ ને મારી ઓળખાણ કરાવી આ અમારો વિદ્યાર્થી ગુણવંત ધોરડા તોફાની ખરો.. પણ.. એટલોજ વિવેકી .. મને પ્રિન્સિપાલ ની ઓફીસ માં સાથે લઈ ગયા, અમે સાથે ચા પીધી અને મને પોતાની સાથે સ્ટેજ પણ આપ્યું... વિદાય થતી વખતે અમારી ઉપવાસી છાવણી માં આવી પીઠ થાબડી મને કહ્યું તારું કામ પતી જશેે ..હવે , આવા તરકટ ના કરતો..બીજે દિવસે પ્રિન્સિપાલ સાહેબે પોતાની ઓફીસ માં બોલાવી મને અભિનંદન આપતા કહ્યું. ધોરડા ,તને શરતી એડમિશન આપવામાં આવશે.. કોઈ બાંહેધારી લે તો... કેમ સાહેબ, શરત કેવી..અને શું કામ...? તું વિદ્યાર્થી ને ઉશ્કેરી આંદોલન ના કરે તેની.. !!!.તારે કોઈ ઇતર પ્રવૃતિ નહીં કરવા ની.. સાહેબ મારે ખરે ખર ભણવું છે, તને પ્રથમ વરસ માં પ્રવેશ આપું છું... પણ ...સાહેબ નિયમ મુજબ બી.એસસી. માં સબસીડરી સબ્જેક્ટ મારેમેથ્સ હતું એટલે મને એક્ઝામશન મળે મને સીધું દ્વિતીય વર્ષ આર્ટ્સ માં પ્રવેશ મળે ..પુરોહિત સાહેબે કહ્યું તને ખબર પડે કે મને હું પ્રિન્સિપાલ કે તું...!!! મેં કહ્યું તમે સાહેબ...પણ મેં તાપસ કરીછે કે મને દ્વિતીય વરસ માં એડમિશન મળે.. પુરોહિત સાહેબ બોલ્યા ,યુનીવર્સીટી માં તપાસ કરી લેશું ...!!! પણ તારા જામીન ને લઈ આવજે.. બીજે દિવસે અમારા વડીલ મિત્ર માવજીભાઈ કાપડિયા જેતે સમયે સુધરાઈ સભ્ય હતા તેને બધી વાત કરી મોટાભાગ ની વાત થી વાકેફ જ હતા... બીજે દિવસે હું અને માવજીભાઈ પ્રિન્સિપાલ ની ઓફીસ માં ગયા , પુરોહિત સાહેબે, માવજીભાઈ ને અને મને બેસવા કહ્યું.. આંદોલનો કરવા નહીં...ચૂંટણી લડવી નહીં શરતો પુરોહિત સાહેબ ગણાવવા મંડ્યા...માવજીભાઈ વચ્ચે બોલ્યા.. ,બીજા કોઈ વિદ્યાર્થી આંદોલન કરે તો, ચૂંટણી તો હું સુધરાઈ ની લડું છું તો" ગુણા " ને કેમ ના પાડી શકું.. સાહેબ.. આપણી કોલેજ માં યુનિયન જ નથી તો ચૂંટણી ની વાત ક્યાં આવે ...આવી આડીઅવડી વાત કરી મિટિંગ ખુશનુમા વાતાવરણ માં પુરી કરી મેં ટર્મ ફી ભરી દીધી...
અમારા આંદોલન નો અંત આવ્યો...


બીજા દિવસ થી જ યુનિયન ની ચૂંટણી ની માંગણી મગન બાવીસા, જગદીશ કોટડીયા, ભુપેન્દ્ર અભાણી, છગન કાપડી, મગન રાબડીયા યુ. એન. લુણી , શશિ વાયા ,નરેશ રાદડિયા, મનસુખ સાકરીયા, વિનોદ વઘાસિયા ની આગેવાની માં કરવામાં આવી, આયોજન પૂર્વક હું અલિપ્ત રહ્યો...થોડી રકઝક પછી યુનિયન ની ચૂંટણી ની તારીખ નક્કી થઈ... બે પેનલ નક્કી થઈ પોપ્યુલર પેનલ ની આગેવાની નરેશ રાદડિયા એ લીધી સ્ટુડન્ટ પેનલ ની આગેવાની ગુણવંત ધોરડા એ લીધી.. પહેલી ઇલેક્શન અમે હાર્યા હું એક મતે હાર્યો બાકીના પણ થોડા થોડા મતે હાર્યા.. બીજા વરસ ની તૈયારી રૂપે સમાંતર યુનિયન પ્રવૃત્તિ "તાલુકા વિદ્યાર્થી સંઘ" ની સ્થાપના કરી શરૂઆત કરી વિદ્યાર્થીઓ ની નજરમાં સતત રહ્યા.. મને ખોડપરા માં અજીતસિંહ જાડેજા ના પ્રમુખ સ્થાને સ્થાપેલ" વિનય યુવક મંડળ" માં ઉપ પ્રમુખ તરીકે સ્થાન મળ્યું મારા મિત્ર સુનિલ મહેતા ની આગેવાની માં "સીટી યુથ કાઉન્સિલ " માં ઉપ પ્રમુખ તરીકે કાર્ય કરતો હતો એટલે બીજે વર્ષે અમારી સ્ટુડન્ટ પેનલ નો ભવ્ય વિજય થયો..



પેનલ
  • ગુણવંત ધોરડા ......જી. એસ. આર્ટ્સ
  • મનસુખ સાકરીયા ..જી. એસ. કોમર્સ
  • છગન વઘાસિયા.. ..જી. જી. એસ.
  • કમલેશ પંડ્યા... .....એફ.એસ.
  • ભુપેન્દ્ર અભાણી.....એમ. એસ.
  • સવજી કોઠારી...... એલ. એસ.
  • જ્યોત્સના પટેલ......એલ. આર..


યુનિયન લીડર તરીકે યુનિયન ભંડોળ માટે ચર્ચા કરવા પુરોહિત સાહેબ સાથે મિટિંગ કરી, પુરોહિત સાહેબે કહ્યું ટ્રસ્ટ પાસે જે ભંડોળ હતું તે ગત વર્ષ માં ઉપયોગ થઈ ગયો હાલ માં ભંડોળ શૂન્ય છે.. અમે ભંડોળ આપી શકવા ની સ્થિતિ માં નથી.. અમારી યુનિયન કામગીરી નિષ્ફળ જાય તે માટે નું આયોજન થતું દેખાયું અમે માત્ર દસહજાર નું બજેટ બનાવેલું.. પણ ફૂટી કોડી મળે તેમ ના હતી.. અમે નક્કી કર્યું કે ભંડોળ ના હોય તો અમે એકઠું કરીશું.. તે માટે અમે સૌરાષ્ટ્ર ની નામાંકિત મ્યુઝિકલ પાર્ટી "માર્શ ઓફ મ્યુઝિક" જેનું સંચાલન પંકજ ભટ્ટ (ગુજરાત રાજ્ય સંગીત અકાદમી અધ્યક્ષ અને મશહૂર ફિલ્મ મ્યુઝિક ડાયરેક્ટર) કરતા હતા તેમાં ફિમેલ વોઇસ માલા ભટ્ટ સૌરાષ્ટ્ર ની લતા મંગેશકર કહેવાતી કલાકાર હતી.. 15-20 દિવસ ની સખત મહેનત થી શોના દરેક પાસ વહેંચાય ગયા પ્રોગ્રામ જબરદસ્ત સફળ થયો 10 હજાર ના બજેટ સામે 21 હજાર અમે પ્રિન્સિપાલ પુરોહિત સાહેબ ને હાથમાં મુક્યા... પુરોહિત સાહેબ કહે ભંડોળ તમે સાચવો તમે ઉપયોગ કરો.. પુરોહિત સાહેબ ને વિનંતી કરી આ રકમ કોલેજની અને તમારી શાખ ઉપર એકઠી થઈ છે . તેની ઉપર તમારી વહીવટી નજર રહેવી જોઈએ..તમારી પાસે હશેતો ગેરરીતિ નો ડાઘ નહીં લાગે..પુરોહિત સાહેબે એ રકમ સ્વીકારી અને શરત મૂકી કે તારી મંજૂરી હશે તો જ રકમ ફાળવીશ, અમે બધાએ શરત મંજુર રાખી વિદ્યાર્થીઓ ના માનસિક ,બૌદ્ધિક , શારીરિક વિકાસ માટે જબરદસ્ત કહો કે શાનદાર આયોજન કર્યુ યુનિવર્સીટી લેવલ ની સ્પર્ધા ની યજમાન બોસમિયા કોલેજ ઇતિહાસ માં પહેલીવાર બની, કાનજી ભુટા બારોટ, પ્રખર રામાયણી ભજનિક અમરદાસ ખારાવાળા, મીઠાભાઈ પરસાણા જેવા લોક સાહિત્ય કારોએ કોલેજ નો સભાખંડ શોભવ્યો..અને ગૌરવ અપાવ્યું જગદીશ કોટડીયા, મગન બાવીસા, છગન વઘાસિયા એ યુનિવર્સીટી લેવલે રેકોર્ડબ્રેક દેખવો કર્યા હતા...

વિદ્યાર્થી પ્રવૃત્તિ સાથે જેતપુર ની સમશ્યા ના ઉકેલ પણ વિદ્યાર્થી સંગઠન ની તાકાત થી ઉકેલતાં હતા..જેતપુર ની સરકારી હોસ્પિટલમાં એકાદ વર્ષ થી જોશી સાહેબ ના રાજીનામાંથી ખાલી રહેલી સર્જન ની પોસ્ટ ઉપર નિમણૂક થતી ના હતી અમે યુવા આગેવાન તરીકે ધારાસભ્ય રામણિકભાઈ ને રજુઆત કરી જવાબ માં કહ્યું ગુણવંત મેં કેટલી રજુઆત કરી તેની આ ફાઇલ છે.. આરોગ્ય મંત્રી હેમા બેન આચાર્ય કાનસુરો દેતા નથી.. કારણ પણ જણાવતા નથી તું યુવા ડેલીગેશન ની આગેવાની લઇ ગાંધીનગર આવ અમે સાતેક યુવા અગ્રણી ત્યાં ગયા , રામણિકભાઈ એ ધારાસભા ની કાર્યવાહી બતાવી હેમાબેન નો સમય લેવા પ્રયત્ન કર્યો , હેમા બેને કોઈ કારણોસર સમય ન ફળવ્યો.. રામણિકભાઈ ને મેં કહ્યું હું પ્રયત્ન કરું રામણિકભાઈ એ કહ્યું સમય ના ફાળવાવનું કારણ માં ગંદુ રાજકારણ હોઈ શકે ... તું એક વિદ્યાર્થી નેતા તરીકે પ્રયત્ન કર...મને લાગે છે કે તું સફળ થઈશ.. હેમાબેન જેવા ગૃહ ની બહાર આવ્યા તેમની સાથે ચાલતા ચાલતા મારી ઓળખાણ આપી મારુ કોલેજ નું જી.એસ. તરીકેનું ઓળખ કાર્ડ આપ્યું.. મને પાંચ મિનિટ ફાળવી.

અમે બધા તેની ઓફીસ બહાર રાહ જોઈ ને બેઠા.. થોડીવાર પછી ઓફીસ માંથી મળવા માટે મને બોલાવ્યો અમે ત્રણ મિત્રો ગયા.. વિવેક થી બેસવા માટે કહ્યું.. મેં રજુઆત કરતા પહેલા કહ્યું અમારા ધારા સભ્ય પણ સાથે જ છે તેમને અને સાથે બીજા બધા ને બોલાવવા કહ્યું રમણિકભાઈ ને પોતાની બાજુમાં સ્થાન આપ્યું.. મે અમારી રજુઆત કરતા કહ્યું કે અમારી હોસ્પીટલ લગભગ એકાદ વર્ષ થી સર્જન વિહોણી છે રમણિકભાઈ એ રજુઆત ની દસ્તાવેજી ફાઇલ મૂકી.. હેમાબેને મને પુછ્યું શુ નામ તારું મેં કહ્યું ગુણવંત ધોરડા, જો ગુણવંત તારા જેતપુર ગામ માં કોઈ સર્જન આવવા તૈયાર નથી મેં વિવેક પૂર્વક કહ્યું કારણ બતાવી શકો...!!! તમારા ભુતપૂર્વ સર્જન ક્વાર્ટર ખાલી કરતા નથી.. મેં કહ્યું તો અમે શુ મદદ કરી શકીએ..? તમારે નથી કરવાનું જે કરવાનું છે એ હવે મારે કરવાનું છે.. તમારે માત્ર ને માત્ર વાંકાનેર હોસ્પિટલ ના સર્જન ડો . પારવાણી ની નિમણૂક કરુછું તેમની માગણી જૂનાગઢ હતી, તમે રજુઆત કરશો, તે વાત સ્વીકારશે બહુજ ભલા માણસ છે..આકામ તાત્કાલિક અસર થી થશે.. આવતા રવિવારે સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ ના એન્યુઅલ ફંક્શન માં આવું છું ત્યારે મળશું 5 મિનિટ ને બદલે 30 મિનિટ ફાળવી તે માત્ર વિદ્યાર્થી આગેવાન ની ઓળખ ને લઇ એકાદ વર્ષથી અટકેલું કામ કલાકમાં પાર પડયું... સેન્ટ ફાંસીસ સ્કૂલ ના ફંક્શન માં હેમાબેને પોતના પ્રવચન કરતા કહ્યું કે જેતપુર હોસ્પિટલ ની રજુઆત માટે ગુણવંત ધોરડા ની આગેવાનીમાં એક ડેલીગેશન ની રજુઆત હતી જેતપુર ની મુશ્કેલી દૂર થઈ છે ...ડો. પારવાની ની નિમણૂક થઈ ગઈ છે અને ભુતપૂર્વ સર્જન ને વિનંતી કહો કે ધમકી કે ચેતવણી કહો ત્રણ દિવસ માં ક્વાર્ટર ખાલી નહીં કરે તો તેનો સરસામાન ગાભા ગોદડા સરકારી માણસો આવી ઘર ની બહાર ફેકી દેશે.. ભૂતપૂર્વ , સર્જન શાન માં સમજી જાય.. તો સારું...ભૂતપૂર્વ સર્જને ચોવીસ કલાકમાં ક્વાર્ટર ખાલી કરી નાખ્યું...આ હતો બોસમિયા કોલેજ ની વિધાર્થી સંગઠન ની તાકાત નો પરચો..
બીજો બનાવ એક એવો બન્યો કે સલિમ નામનો એક કુખ્યાત શખ્સ તેની દાદાગીરી માટે પંકાયેલો હતો તેમણે શાલીમાર સિનેમામાં ચાલુ ફિલ્મે ખૂન કરેલું .. તેણે ચાંદની ચોક ની ગરબી સળગાવી લોકો નો આક્રોશ હતો પોલીસ તેને પકડતી નાહતી...!!! કે પકડાતો નહતો...!!! વિદ્યાર્થી આલમે બોસમિયા કોલેજ ના વિદ્યાર્થી ની આગેવાની માં જેતપુર બંધ નું એલાન આપ્યું.. પોલીસ ડિપાર્ટમેન્ટ ને ચોવીસ કલાક ની મહેતલ આપી.. વિદ્યાર્થીનો આક્રોશ ચરમસીમાએ હતો 700 ..800 વિદ્યાર્થીઓ એ પોલીસ સ્ટેશન ને ઘેરાવ કર્યો.. અમે પાંચ આગેવાન વિદ્યર્થી મિત્રો ઇન્સ્પેક્ટર ને આવેદન આપવા ગયા , અમને શાંતિ થી બેસાડ્યા આવેદન આપ્યું, પોલીસ ઓફિસરે મને કહ્યું કે ધોરડા તારી વાત સાચી તમારો આક્રોશ ખોટો નથી તું બધા ને શાંત પાડી સમજાવ સલીમ હાથવેંત મા જ છે.. પોલીસ ઓફિસર ને મેં કહ્યું આ આક્રોશ ભર્યા વિદ્યાર્થી ના ટોળા મારીવાત માનશે ખરા..? પોલીસ ઓફિસરે કહ્યું પ્રયત્ન તો કર...!!!

પોલીસ સ્ટેશન ના પગથિએ ઉભા રહી મેં ભાષણ કર્યું "આપણો એટલેકે સમાજ નો ગુનેગાર સલીમ છે, પોલીસ નહીં.. પોલીસ સમાજ નું એક અંગ છે... પોલીસ સમાજ ની દુશ્મન નથી, પોલીસ ને પોલીસ નું કામ કરવા દેવુ એ આપણી ફરજ છે, આપણા આક્રોશ ભર્યા વર્તન થી પોલીસનું ઉલટાનું ભારણ વધે છે. પોલીસ વિભાગ ને આપણી શુભેચ્છા ની જરૂર છે.આવી પરિસ્થિતિ માં પોલીસ ને સહયોગ આપવો આપણી ફરજ બને.. હું ઈચ્છું છું કે આપણે આવા સંજોગોમાં વિવેક ચૂકવો ના જોઈએ.." આ ભાષણ ની જાદુઈ અસર થઈ.. આક્રોશ શાંત થયો.. પોલીસે તેનું કામ ગણતરી ના કલાકો માં પાર પાડ્યું.. "ઘીના ઠામ માં ઘી પડી ગયું" આવી બોસમિયા કોલેજ ની વિદ્યાર્થી સંગઠન ની તાકાત હતી..

અમારા યુનિયન અને પ્રિન્સિપાલ વચ્ચે સતત ઘર્ષણ થતું પ્રિન્સિપાલ નું પોતાનુ સત્ય અને તેની સામે અમારું સત્ય બન્ને પોતાની રીતે અને વિચારો થી સાચા જ હતા..જે તે સમયે અમે વિદ્યાર્થીઓ ના હિત માં વાત કરીએ. તો પુરોહિત સાહેબ સમગ્ર કોલેજ ના હિત માં વાત કરે.. ફાઇનલ બી. એ... બી.કોમ. ની યુનિવર્સીટી ની પરીક્ષા સમયે કડક રહે ...અમે ગેરરીતિ ના પક્ષમાં...અમારી દલીલ એવી હતી કે યુનિવર્સીટી સંલગ્ન કોલેજો માં ગેરરીતિ થી વિદ્યાર્થીઓ ના સારા પરિણામો આવે તેની સામે બોસમિયા કોલેજ નું પરિણામ નબળું આવે અને પોસ્ટ ગ્રેજ્યુએશન માં એડમિશન ના મળે નોકરીમાં આપણા વિદ્યાર્થી ને ઓછા માર્ક હોવાને લઇ ભોગવવું પડે તેની જવાબદારી કોની...? સાહેબ તમે યુનિવર્સીટી માં કહી શકશો કે અમારી કોલેજ માં ઈમાનદારી થી પરીક્ષા લેવાય છે અમારા વિદ્યાર્થી ને અન્યાય થાય છે.. માટે તેમના 5...6 પરસનટેજ વધારી આપો જો આપની વાત માન્ય રહે તો અમે તમારી સાથે સહમત છીએ....અમારી આદલીલ નો કોઈ જવાબ પુરોહિત સાહેબ પાસે નહતો... મોટભગે ના વિદ્યાર્થી આરીતે પરીક્ષા આપી સારા માર્કે ઉત્તીર્ણ થયા.... અને ઊચ્ચ સ્થાને બિરાજ માન છે..અમારી વાત મુજબ રતિલાલ લુખેલ એલ. આઈ. સી. માં પટાવાળા હતા.. અમે તેને આરીતે બી. એ. કરાવ્યા બીજે વર્ષે તેને પટાવાળા માંથી અફીસર ની પોસ્ટ મળી, બીજો બારોટ ભીમજી સોનરાત નામનો વિદ્યાર્થી ...હું અને રોહિત પટેલ "જાનકી ડાઇંગ એન્ડ પ્રોસેસર્સ " સાથે ચલાવતા તેમાં માં ઘડી ઈસ્ત્રી નું કામ કરવા આવતો તેને 62 ટાકા હતા, શારદા પીઠ બી એડ કોલેજ દ્વારકા માં ત્યાંના જી.એસ ઉપર મેં મારા લેટર હેડ પર ભલામણ પત્ર લખ્યો જાણવા મળ્યું કે તેને ફર્સ્ટ કલાસ ના હોત તો એડમિશન ના જ મળત.. આમ ગેરરીતિ ના થોડા પણ વધારે માર્ક ને હિસાબે તે શિક્ષક બની શક્યો આચાર્ય તરીકે નિવૃત થઈ સુખી જીવન ગાળે છે.. આજે જ્યારે પણ મળે ત્યારે આભાર વશ નમી ને સન્નમાન આપે છે અને કહે પણ ખરો કે તારે હિસાબે સુખી છું...

આમ ને આમ કોલેજ છોડવાનો સમય નજીક આવ્યો..

અમારો વિદાય સમારંભ યોજાયો ..બધાનો આભાર માન્યો.. ખાસ પ્રિ.પુરોહિત સાહેબ જેણે મોટું મન રાખી ક્યારેય પણ દ્વેષ ભાવના ના રાખી..વડીલ ને છાજે તેવો પ્રેમ હંમેશા વરસાવ્યો.. પ્રો. ડી. વી. ગોંડલીયા સાહેબે હંમેશા અમારી ઉપર શ્રદ્ધા રાખી અને હંમેશા કહેતા કે તમે સાચા છો પણ તમારી મનાવવાની રીત યોગ્ય હોવી જોઈએ.. પ્રો.એમ . ડી. ચરાડવા, પ્રો.જે.વી. જીવરાજની હરતી ફરતી યુનિવર્સીટી હતી, પ્રો.એ .સી. રાવલ સાહેબે કાયમ અમને તોફાની તોખાર જ કહેતા કોઈ પ્રોફેસર કહેતા કે આબધાં નક્કામાં છે.. ત્યારે રાવલ સાહેબ કહેતા આબધાં તોફાની તોખાર ના જીવન ભવિષ્ય માં જોજો આબધાં લાંબી રેસ ના ઘોડા છે.. રાવલ સાહેબ ની વાણી સાચી પડી... બધા પોત પોતાના ક્ષેત્રમાં અવલ દરરજે છે,

પ્રૉ.એમ.એમ. વ્યાસ સાહેબ ના શુદ્ધ હિન્દી ઉચ્ચાર આજે પણ યાદ છે તે એટલા બધા ઋજુ હૃદય ના હતા કે ક્યારેય કોઈ ને દુઃખી ના જોઈ શકતા..તેમની ઋજુતા મનમોહક હતી...પ્રૉ.જે. ડી. ગોસ્વામી..સાહેબ ની અમારી સાથે ની આત્મીયતા અને દરેક વિદ્યાર્થી ને પ્રોત્સાહિત કરવા માટે નું તકયા કલમ જેવું વાક્ય"અ...રે.. વાહ..વા..હ !!!..હો...ય ન..હી..એમ..સરસ ..હજી તરોતાજા લાગે છે.... સુજ્ઞ શ્રીઉષાબેન દેસાઈ નું સ્નેહ નીતરતું વ્યક્તિત્વ નો પ્રભાવ આજે પણ નજરે તરવરે છે

ઓફીસ વિભાગ માં પ્રફુલ પંડ્યા, ગોંડલીયા ભાઈ, ભૂરાભાઈ ઠુમર, પુસ્તકાલાય માં વસંત પાઠક ની મહેનત અને પટાવાળા શ્રી નાથાભાઈ એસ. મહેતા, શ્રીએમ. એન. ત્રિવેદી, શ્રી નવલ શંકર ભટ્ટ, શ્રી બાબુલાલ અજમેરા, આખી કોલેજ ના રખેવાળ શ્રી જયતાભાઈ સામતભાઈ પગી નીસંસ્થા પ્રત્યે નિષ્ઠા કાબિલે દાદ રહી...આટલા વર્ષે પણ યાદ આવે તેજ તેમના પ્રત્યે પ્રેમ, શ્રદ્ધ, અને લાગણી ના પુરાવા છે..

કોલેજ ના છેલ્લા દિવસે જયારે અમે પ્રિ. પુરોહિત સાહેબ ને મળવા અને આશીર્વાદ લેવા માટે સમૂહ માં ગયા ...પગે લાગી આશીર્વાદ માગ્યા ત્યારે ધબો મારી આશીર્વાદ આપ્યા ,તેમની આંખ માં હંમેશા કડપ નીતરતી જોઈ હતી, આજે તેમની આંખો માં ભીનાશ છુપાવવાનો પ્રયાસ કર્યો..અમે તેની આંખમાં ભીનાશ પારખી લીધી.. અમને બધા ને ઓફીસ માં બેસાડી ચા મગાવી સાથે પીધી.. વાતો કરતા કહ્યું મેં મારી આટલી કારકિર્દી માં તમારા જેવા વિદ્યાર્થી નથી જોયા તમારા મા ખૂબ શક્તિ, તાકાત ,તમારા પોતાના સત્ય માટે લડવાનું ઝનૂન છે જ.. ..તેનો યોગ્ય, ઉપયોગ કરજો ચોક્કસ સફળ થશો જ.. અમે વિદાય લીધી..વિદાય સમયે મને કહયું ધોરડા મને એકલો મળજે મારે તારું કામ છે.એ કામે જ મારો ઉત્સાહ વધાર્યો.

તેની વાત કઈક આમ હતી.. મારા મનમાં એક કસક હતી કે મેં પુરોહિત સાહેબ ને ખૂબ દુભવ્યા છે.. હું એ વાત ભૂલી ગયો.. હતો કે મારે પુરોહિત સાહેબ ને મળવાનું હતું...બે ત્રણ દિવસ પછી પુરોહિત સાહેબ મારા કાકા પાસે આવ્યા મને બોલાવ્યો , બાજુમાં બેસાડ્યો મારા કાકાને કહ્યુ મેં મારા માધુપુર ના ખાસ મિત્ર અને ખાનદાન સંસ્કારી પરિવાર ની પોરબંદર ગુરુકુળ માં ભણેલી દીકરી ની વાત ગુણવંત માટે મારા મિત્ર ને કરી હતી તમારા પરિવાર ને તે કરાચી થી ઓળખે છે તેની ઈચ્છા છે , જો ગુણવંત એને તમારી ઈચ્છા હોય અને હા હોય તો વાત આગળ વધારું...સાંભળી મેં પુરોહિત સાહેબ ને કહ્યુ હજુ મારુ ઠેકાણું નથી, પગભર થાવ પછી વિચારી શકાય.. મારે હજી વાર છે..પુરોહિત સાહેબ ચા પાણી લઈ વિદાય થયા..મનમાં એક હાશકારો મુકતા ગયા કે તેના મનમાં મારા પ્રત્યે રાગ કે દ્વેષ કે કસક બિલકુલ નથી ....



ફોટોગ્રાફ સૌજન્ય..
બાળ મિત્ર.. ડો. ભુપેન્દ્ર સિંહ અભાણી..જેતપુર
સેતુ મિત્ર.. પ્રો ભીમજી ખચરીયા..
ફોટો ગ્રાફ પરિચય...

1... ડો. નરેન્દ્ર વસાવડા. સાહેબ જેતપુર સુરત...
2 પ્રિ. જી. જે પુરોહિત સાહેબ...
3 ગુણવંત ધોરડા..કોલેજ ના રમતોસ્તવ માં જી.એસ તરીકે પ્રવચન આપતા...
4 સર આદમજી હાજી દાઉદ...
5 ગોરધનદાસ કરસનજી બોસમિયા.. (બચુભાઇ શેઠ)
6 ચુનીલાલ કરસનજી બોસમિયા...
7 કોલેજ નું દિપ પ્રાગટ્ય કરી સનત મહેતા ને વરદ હસ્તે લોકાર્પણ સમય ની..
8 અમારા યુનિયન નું તે સમય નું લેટર હેડ .....
9 અમારી સ્ટુડન્ટ પેનલ નું પ્રચાર સાહિત્ય....
10..11..12.. સ્પોર્ટ પ્રતિનિધિ કોલેજ ટીમ..
13..14 કોલેજ બિલ્ડીંગ
15...અમારા સમય માં પ્રકાશિત બોસમીયા કોલેજ નું મુખપત્ર "અભ્યુદય"...

No comments:

Post a Comment