Sunday, October 4, 2020

"સત્ય ને ઓપ ચડાવવાની જરૂર હોતી નથી."

  "સત્ય ને ઓપ ચડાવવાની જરૂર હોતી નથી."

ગાંધીજી એ જેના માટે કહ્યું
એવા આપણાં નવગઢના..
"અભરામ ભગત"
-------------------------------------------------------------------

નવાગઢ રેલવે સ્ટેશને મુંબઈ જાવા માટે ના મુસાફરો ગણ્યા ગાઠીયા પણ રાજકોટ ગોંડલ નામુસાફરો ની ભીડ થોડી ઘણી ખરી, અમે પતિ-પત્નિ પણ આ મુંબઈ જવાના મુસાફરો નો હિસ્સો હતા.. ટ્રેન આવી અમે ટ્રેન માં ચડ્યા અમારી સીટ લીધી, બાજુ માં એક સહપ્રવાસી ઉજળો વાન, સફેદ વાળ ઉંમર ની ચડી ખાય, સફેદ ચકચકિત ધોતિયું અને એવોજ ચકચકિત ઝભો, આંખ પર સોનેરીફ્રેમ ના ચશ્મા,ના ડોક્ટર લાગે,ના વકીલ લાગે,ના વેપારી લાગે, કે ના કોઈ મોટો સરકારી હોદ્દેદાર લાગે છતાં એક પ્રભાવ શાળી વ્યક્તિત્વ તો ખરું જ !!!. તેમની સીટ મારી બાજુ માં જ હતી, ટ્રેને નવાગઢ સ્ટેશન છોડ્યું એટલે તેમની સાથે ના તેમના પૌત્ર જેવડી બાર તેર વરસ ની ઉંમરના દિકરા ને ધીમે ચાલતી ટ્રેન માં બારી બહાર આંગળી ચીંધી કહ્યું, જો..જો..આ ખંડેર છે તે જૂનું નવાગઢ સ્ટેશન બાજુમાં રામૈયા હનુંમાન મંદિર ત્યાંજ ભાદર નો પુલ ચાલુ થયો.. પૌત્ર આ ખંડેર જોઈ બોલ્યો દાદા તમે આ સ્ટેશને થી દાદી ને લઇ પહેલીવાર મુંબઈ ગયા હતા... દાદા ભૂતકાળ માં સરી ગયા..અમારી પતિ-પત્નિ (ઉમર 28 -25)સામે જોઈ તેમણે કહ્યું મારી ઉંમર તમારાથી પણ કદાચ નાની હશે ત્યારે તમારી દાદી ને લઇ હું નવાગઢ છોડી મુંબઈ રોજી રોટી માટે ગયો હતો...
મારા ધર્મપત્નિ સ્વાતિ એ કહ્યું દાદા જેતપુર નવાગઢ માં આજે તો ખુબજ તક છે તો તે સમયે પણ હશે જ?


દાદા એ કહ્યું સંભાળ બેટા.. તે સમય ની વાત નવાગઢ નો ઇતિહાસ, બધાના કાન સરવા થયા. બધાનું ધ્યાન નજર દાદા ભણી સ્થિર થઈ..અમે જન્મે કર્મ કાંડી બ્રાહ્મણ, નવાગઢ ગામ મોટું પણ બાજુમાં જેતપુર નું રજવાડું એટલે વિકાસ જોઈએ તેવો નહીં.. એટલે બે પાંદડે થવા મુંબઈ ની વાટ પકડી.. બે પાંદડે પણ થયો.. સુખી છુ.. દિકરાપણ સુખી છે ,પરિવાર હર્યો ભર્યો છે.. સ્વાતિ એ કહ્યું દાદા નવાગઢ નો ઇતિહાસ કહો..


દાદા એ વાતનો દોર સાંધતા કહ્યું આજથી લગભગ 120 વરસ પહેલાની વાત છે. જેતપુર ની જાહોજલાલી દેશ વિદેશ માં નામ , જેતપુર નો વેપાર વાણિજ્ય જાપાન , બર્મા, જાવા,સુમારતાં, આફ્રિકા ના દેશો સાથે દરિયાઈ માર્ગે સંકળાયેલ. આ જોઈ જૂનાગઢ નવાબ ની નજર માં જેતપુર ખટકે, જેતપુર ની જાહોજલાલી માં ભાગ પડાવવા જેતપુર ની બાજુ માં એક નવું ગામ વસાવવું અને જેતપુર ની જાહોજલાલી નવાગઢ ખેંચી લાવવી. તે માટે જૂનાગઢ ના નવાબ મહાબત ખાન 3જા એ રાજ જ્યોતિષ પાસે શ્રેષ્ઠ ઉત્તમોત્તમ મુહરત કાઢવી નવાગઢ નું ખાત મુહરત (ખીલો ઠોકવાનું મુહરત) કરવાનું નક્કી કર્યું, પરંપરા મુજબ બધા રાજવી ઓ ને આ શુભ કાર્ય માં હાજર રહેવા આમંત્રણ પાઠવ્યું જેતપુર દરબાર ને પણ નિમંત્રણ પાઠવ્યું, જેતપુર દરબારે વિચાર્યું કે નવાબ વગર વિચારે કાઈ નવા ગામ ના વસાવે, !!! કાંઈક વાત હશે જ..!!! જેતપુર ના રાજ જ્યોતિષ ને વાત કરી આમંત્રણ પત્રિકા પણ આપી સમય મુહરત જોયું.. જેતપુર ના રાજ જ્યોતિષએ કહ્યું ઉત્તમોત્તમ મુહરત છે, જો આમુહરત સચવાયું તો જેતપુર ની બાજુ માં એક બીજું જેતપુર કે જેતપુર થી સવાયું જેતપુર વસી જશે... રાજ જ્યોતિષએ પોતાનો પક્ષ મુકી દીધો, દરબાર વિચાર માં પડ્યા, રાજ જ્યોતિષ ને દરબાર કહે, આનો કોઈ ઉપાય બતાવો...,આતો આપણા જેતપુર માટે અનર્થ સર્જાય....!!! જ્યોતિષ કહે , આ મુહરત આપણી પૃથ્વી શેષનાગ ના શીર્ષથ ભાગ માં આવે છે .. ત્યારનો તે ઉત્તમ સમય છે ઉત્તમ મુહરતનો છે...આવો સમય 100 વર્ષે એક વાર આવે તેવું મુહરત છે, જો આમુહરત માં આ સમય માં નવાગઢ ની સ્થાપના થઇ તો ... આ મુહરત સમય નવાગઢ ને વિશ્વ શાખ અપાવનારો છે , નવાગઢ વિશ્વ ના નકશામાં સ્થાન પામે...પણ..પણ ....દરબાર વચ્ચે બોલ્યા ભુદેવ જી પણ પણ એટલે શું..? જો ચુકાય જાય તો નવાગઢ ની ખ્યાતિ ને 100 વરસ રાહ જોવી પડે...પણ આ વાત શક્ય નથી... જ્યોતિષ બોલ્યા, નવાબ ને રોકવા કઈ રીતે..? દરબારે ખાતરી કરવા રાજ જ્યોતિષ ને પૂછ્યું સમય ફેર થાય તો મારું જેતપુર સલામત રહે ને..?જ્યોતિષ કહે દરબાર સાહેબ જેતપુર સલામત રહે જરૂર ..પણ 100 વરસ પછી કોઈ ને કોઈ કારણ થી નવાગઢ ની શાખ વિશ્વમાં બનશે... પછી તે ધાર્મિક, સાંસ્કૃતિક, કે. કોઈ ખાસ કારણ વશ બને પણ જેતપુર ને અસર કરતા ના રહે..દરબાર ના ચહેરા પર રાહત ની રેખા દેખાઈ.. અને બોલ્યા મારા જેતપુર ને ઉની આંચ નહીં આવવા દવ..!!!

નવાબ નો રાસલો જુનાગઢ થી રવાના થયો ,જેતપુર ના પાદર માં પોહચ્યો જેતપુર દરબાર ઓચિંતા અચાનક પોતાના સમગ્ર દરબારી ઓ સાથે સ્વાગત કરવા માટે સામે સામૌયા કરવા પોહચ્યા, નવાબ નું પરંપરા પ્રમાણે શ્રેષ્ઠ સ્વાગત કર્યું, ભેટ સોંગતો આપી, સાથે રહેલા સૌ નું પણ સ્વાગત કર્યું તેમને યોગ્ય ભેટ સોગાદ આપી જેતપુર દરબારે ઈરાદા પૂર્વક સમય ખેંચ્યો.. નવાબ ને તેમના રસાલા સહિત ભોજન માટે નો આગ્રહ કરી આમંત્રણ આપ્યું.. નવાબ કહે , દરબાર સાહેબ મારુ મુહરત ચુકાશે.. મુહરત ને હજી ઘણો સમય છે .. દરબાર સાહેબે કહ્યું ,તમને સમય સર વિદાય આપીશ, ધરપત રાખો પણ જો આપ જેતપુર ના પાદર માંથી" મો એઠું કર્યા વગર જાવ તો" નવાબ સાહેબ જેતપુર અને જૂનાગઢ ની આબરૂ જાય.. મારે જીવતે જીવ એ અશક્ય છે.. જો આપ મારુ આટલું વેણ ના રાખો તો મારે મરવા જોણું થાય.!!!. નવાબ મહાબત ખાનજી આમંત્રણ ના ઠુકરાવી શક્યા.. દરબારે રસોયાને કહ્યા મુજબ આયોજન મુજબ રસોઈ મોડી મોડી પીરસી સમય બરબાદ કર્યો.. નવાબ ના જ્યોતિષ સમજી ગયા કુનેહ પૂર્વક જેતપુર દરબારે પોતાનું કામ પાર પાડ્યું.. જ્યોતિષએ નવાબ ને કહ્યું નવાબ સાહેબ..આપણે..મુહરત ચુકી ગયા,..મને ખ્યાલ હતો જ.. પણ મોટા રાજવીએ નાના રાજવી ના આમંત્રણ નો અનાદર ના કરાય એ જૂનાગઢ ની પરંપરા છે.. એ મેં સાચવી છે.. અને એક રાજવી તરીકે મારે સાચવવી પણ પડે.. અને તે માટે મેં મારા નવાગઢ ની જાહોજલાલી ગુમાવી ને બાબી વંશ ની પરંપરા જાળવી ઉજળી કરી છે..ચાલો જેતપુર દરબારે તેનું કામ કર્યું ..આપણે આપણું કામ કરીએ ...આમ ઇસવીસન 1864- 16 ડિસેમ્બર ના રોજ ખાતમુહરત કરી લગભગ એક વર્ષે ડિસેમ્બર1865 માં મહાબત ખાનજી ત્રીજા ના સમય માં નવાગઢ ની સ્થાપના થઇ અને ફરતો કિલ્લો પણ બનાવ્યો... મહાબત ખાનજી ને ત્યાં 1924 માં દિલાવર ખાનજી નો જન્મ થયો તેની યાદ માં નવાગઢ નું નવું નામાંભીધાન "દિલવારગઢ"કરવામાં આવ્યું...

(દાદા ને પૂછતાં ,ઉપરોક્ત વાત ના કોઈ દસ્તાવેજી પુરાવા નથી... આબધી લોકવાયકા છે..નવાગઢ ની સ્થાપના અમુક સમય દિલવારગઢ નામ રહ્યું તે બધી વાતના દસ્તાવેજી પુરાવા ઉપલબ્ધ છે)
*********** ************ *********
નવાબ મહાબત ખાનના ઘેર 1924 માં દિલાવર ખાન નો જન્મ થયો એજ વરસ માં કરીમખાન સુમરાને ત્યાં ઇબ્રાહીમ કરીમ ખાન સુમરા નો જન્મ થયો ,એક ના નામ પરથી નવાગઢ નું નામ પાડવામાં આવ્યું દિલવારગઢ, અને બીજા ના નામથી ગામ ઓળખવવા નું હતું આમાત્ર યોગનું યોગ હતો..

ઇબ્રાહીમ બાળોત્યા નો બળેલ હતો, સગીમાં લાડુ માં નાનપણ માં મરી ગયેલ .બાપ પેઢલા માં પોલીસપટેલ પદુ કરે , ઘર રેઢું રહે કરિમ સુમરા એ બીજા લગ્ન કર્યા.. નવી માં અપરમા જ બની રહી સગી માં બની જ ન શકી ઇબ્રાહીમ ને પોતાનો જણ્યો માનીના શકી તે ના જ માની શકી..કાયમ પારકો જણ્યો જ માન્યો અપમાન અને ગાળો થી ઉઠાડે અને ગાળો થી બેસાડે.. ઇબ્રાહીમ ને ભણવું હતું ભણી ને મોટા માણસ બનવું હતું બાપુજી પોલીસ પટેલ હતા તેનો રુઆબ અને રૂત્વો બધાથી અલગ હતો સમાજ માં રોફ હતો.. તેનાથી ચડિયાતું બનવું હતું પણ અપરમાં એ ભણવા ના દીધો...!!! અણમાનીતા ઇબ્રાહીમ ઢોર ઢાંખર બકરા ગાય ભેંશ ચરાવતો કરી દીધો..!!! ઇબ્રાહીમ એમાં પણ સંતોષ માનતો.. ઢોર ચરાવતા ચરાવતા સાંભળેલા ભજનો ગાવા મંડયો.. સાથીદાર છોકરા સાંભળે અને ઢોર ચરે.... ઢોર ચરાવતા છોકરા સાથે આનંદ કિલ્લોલ કરે.. પણ અપરમાં ને આંખ માં કણા ની જેમ ખટકે... અપર માં કાયમ મેણા મારે કે "સાંઢિયા જેવડો થયો પણ હજી કામવાની તેવડ નથી અને ખાવાનું ચાર માણસ નું ગડચી જાય છે" કાયમ ઇબ્રાહીમ જમવા બેસે અને આ વેણ સાંભળવા ના.. ઇબ્રાહિમ નો એક મિત્ર નવાગઢ ની ઓઇલ મિલ "સૌરાષ્ટ્ર ઓઇલ મિલ"જેના મલિક ગુલામ હુસેન માવજી હતા તેમાં મજૂર તરીકે રોજમદાર કામ કરતો, તેની ભલામણ થી ઇબ્રાહીમ પણ રોજમદાર તરીકે મજૂરી કામ માટે જોડાયો કામ કરવાંની નિષ્ઠા, ઉત્સાહ,ધગશ, નીતિમત્તા એની રગે રાગ માં વ્યાપેલી.. એક ધારા જોશ અને ઉમંગ થી કામ કરતો જોઈ શેઠે શિરપાવ ના ચાર આના રોજ વધારી દીધું. હજી કામે ચડ્યા નો ત્રીજો દિવસ જ હતો.. બન્ને મિત્રો જુસ્સાભેર મશીન ના" એક્સપેલર " માં દોરડે લટકી પગે થી મગફળી ઓરતા હતા નવા નવા કામનોજોશ અને ઉમંગ તેની ચરમસીમાએ હતો.. એક એક દોરડું છટક્યું અને ઇબ્રાહીમ નો પગ વરમ માં અટવાયો.. તીવ્ર મરણ ચીસ નીકળી ગઈ..મોટાભાગ ના નવાગઢ માં સંભળાઈ ગામ મિલ તરફ દોડ્યું.. ગામ આખા માં એકજ વાત કરીમ ભાઈ ના ઇબ્રાહીમ નો પગ પીલાઈ ગયો.!!!. ગામ આખામાં અરેરાટી ફેલાઈ ગઈ.. !!! કોઈ ના વાહન માં તે સમયે સૌરાષ્ટ્ર માં મોટામાં મોટી હાજી દાઉદ હોસ્પિટલ માં લઇ જવામાં આવ્યો, લોહી ના પાટોડાં ભરાયા, પગ સુન થઈ ગયો, મગજ માં અસર થઈ, ઇબ્રાહીમ બેહોશી તરફ સરવા માંડ્યો ઈબ્રાહીમ કણસતો ધીમે ધીમે બંધ થઈ ગયો. ઇબ્રાહીમ નામે જાણે લાકડું !!! માત્ર શ્વાસ ચાલે પણ ઈબ્રાહીમ ના હાલે કે ચાલે...!!! લોકો ના મનમાં એક લખલખું પ્રસરી ગયું.. હવે આ નમાયા ઇબ્રાહિમ નું કોણ.. ?

નવા નવા જોડાયેલા નાગર ડો. આર. બી. વછરાજાની ફરજ પર હતા. તેમણે તાકીદ ની સારવાર શરૂ કરી પણ કારગત ના નીવડી તરતજ સર્જયન બંગાળ કલકત્તાથી આવેલ ડો. પોલ ને તાકીદ નો સંદેશ મોકલ્યો ,ડો પોલ તુરત જ આવ્યા, પગ માં ઝેર ચડતું હતું, દર્દી ને બચાવવો જરૂરી હતું , તાકીદ ના સમયે રાતે ને રાતે ઇમરજન્સી ઓપરેશન કરી પગ કાપવાનો નિર્ણય લેવાયો, જીવ બચ્યો પણ પગ ગયો.. તલવાર નો ઘા સોઈ થી ગયો..ઇબ્રાહીમ નો જીવ બચી ગયો આબધી ઘટના ઈબ્રાહીમ ની બેહોશી માં બની.

હાજી દાઉદ હોસ્પિટલ ની ખુશનુમા હવા અને નીરવ વાતાવરણ માં માત્ર પક્ષી ના કલબલાટ વચ્ચે ઇબ્રાહીમેં ધીમે ધીમે પોતાની જાત ને સંકોરી, આંખો ખોલી મનો મન મલિક નો આભર માની ભાનમાં આવ્યો ત્યાંજ જેતપુર ની બહાર પુરા મસ્જિદ માંથી ખજર ની બાંગ નો પાક અવાજ સંભળાયો.. ઇબ્રાહીમે બે હથેળી ખુલ્લી કરી મલિક ને બદગી કરી, પોતાના ઘાયલ પગ તરફ નજર કરી... અરે.. રે.. આ... શુ...? મારા પગની જગ્યા એ ખાલી જગ્યા, શૂન્યાવકાશ ...ઈબ્રાહીમ ની કારમી મરણ ચીસ થી પણ આકરી ચીસે હોસ્પિટલ ની શાંતિ ડોહળી નાખી કારમી ચીસ થી પક્ષી નો કલરવ પણ શાંત થઈ ગયો.. સ્ટાફ સૌ ઈબ્રાહીમ ના વોર્ડ તરફ દોડ્યા... ઇબ્રાહીમ ચોધાર આંસુ એ રડે છે.. રડતો જાય ને બબડતો જાય.. મારા મલિક, મારા પરિવાર દિગાર, મારા ખુદા તે મારી સાથે આ શું કર્યું..? મેં તારું કે દુનિયા નું શુ બગાડ્યું કે મારી સાથે.. ? મારી સાથેજ આવું કેમ..? તે મારી મા છીનવી લીધી મેં ફરિયાદ ના કરી.. ? તે મને ગરીબાઈ આપી મેં સ્વીકારી એક હરફ પણ ના ઉચ્ચારીયો... મારી અપરમાં ના મેણા ટોણા.. માર..અન્યાય સહન કર્યો તને ફરિયાદ ના કરી.. બોલ કરી ? તારા વિરુદ્ધ કે કોઈના વિરુદ્ધ હરફ પણ ના ઉચાર્યો...? તે મને ભણતો ઉઠાડ્યો.. અભણ રાખ્યો મેં ફરિયાદ કરી? ખુદા, મને એમ હતું કે તું ,નમાયા નો આધાર છે પણ તું.. તું.. તો મારી અપર માં ..થી પણ બદતર નીકળ્યો અપરમાં મને અપમાનિત કરતી.. તારા જેવી કે જેટલી ક્રૂર તે નથી , તારા જેવું તો નથી કર્યું ? ઇબ્રાહીમ નો પરવાદીગર સાથે નો આ વાર્તાલાપ વેદના આર્તનાદ , હૈયા નો વલોપાત આ છાતીફાટ આક્રંદ... આ સંવાદે આખી હોસ્પિટલ ને ગમગીન કરી ભલ ભલાની આંખ માં આંસુ લાવી દીધા હતા... આ દ્રશ્ય જોઈ પરવરદિગાર પણ પસ્તાયો હશે અને મનોમન બબડયો પણ હશે. ...ખોટું થઈ ગયું..!!! પોતાની ભૂલ સુધારવા ના વિચાર કરતો હશે..

હોસ્પિટલ માંથી રજા મળી, ઘેર આવ્યો, થોડા દિવસ સમાજ ની બીકે ,આબરૂ રાખવા ઘરમાં ,અપમાનિતઆશરો મળ્યો , પોતાના જ ઘરમાં પરાઇપણા ની લાગણી, પોતા પણ નો અભાવ ,અંતે નવી માં એ હડધૂત કરી જાકારો આપ્યો, અપાહીજ, ઇબ્રાહીમ કરગર્યો માં આપણા ગામના કણબી પણ પોતાના" ખડાવ "ઢોર ને રઝળતા રખડતા નથી મુકતા, માં હું તો આ કુટુંબ નું લોહી છું, !!! માં ..માં મારી ઉપર રહેમ કર !!! માં હું આપરિવાર નું ફરજંદ છું...!!!હું લંગડો એકલો આદુનિયામાં કેવી રીતે જીવીશ માં ..એ ..માં, ઇબ્રાહીમ પોતાની સગી મને યાદ કરી ધ્રુસકે ધ્રુસકે રોયો પણ અપર માં એકની બે ના થઇ...કુદરત નો ન્યાય છે કે "જ્યારે કોઈ માણસ ને ઠોકર મારી તરછોડવા માં આવે છે ત્યારે ઠોકર મારનારતો એમજ વિચારે છે કે હું તેને નર્ક ના દરવાજે પોહચડીશ પણ કુદરત તેને સ્વર્ગ ના દરવજે પોહચાડે છે" આવું જ કંઈક ઇબ્રાહીમ ના જીવન માં બનતું હોય તેવું લાગેછે..
**************** ********* *******
ઇબ્રાહીમ માટે કુદરતે કઈક જુદું જ વિચાર્યું, કુદરત પોતાની ભૂલ સુધારતી હોય તેવી ઘટના ઘટવા માંડી .
ઘરથી તરછોડાયેલ ઈબ્રાહીમ શરૂઆત ના ત્રણ મહિના પોતાના કાકા ફલજી ભાઈ જેઓ પોલીસ પટેલ હતા તેને ને ત્યાં ખીરસરા રોકયો , ફલજી ભાઈ ભજન ના શોખીન હતા દરરોજ ક્યાંક ને ક્યાંક કાર્યક્રમ હોય, ઇબ્રાહીમ પણ ભજન માં ભાગ લેવા મંડયો ગળું કેળવવા માંડ્યું, ભજન ગવાનો શોખ સોળે કળાએ કળાવા માંડ્યો.. , ત્રણ મહિના પછી નવાગઢ આવી મસ્જિદ સામે પાનની દુકાન કરી, આદરમ્યાન એક અમતીમાં મૂળ નામ અમૃતમાં (તેમને એક દીકરો બાબુભાઇ બચુભાઇ ધડુક પરિવાર હાલ રાજકોટ) ધડુક પરિવાર ના વૃદ્ધ માજી હતા તેમણે ઇબ્રાહીમ ને માતા નો પ્રેમ ,હૂંફ અને લાગણી આપી, અમતીમાં પોતાના દીકરા સમાન માનતા લોકો ને કહેતા બાબુ મારો પેટ જણ્યો , અને આ અભરામ મને ભગવાને લટકામાં આપ્યો છે.. લટકા માં મળેલ વસ્તુ બહુજ વહાલી લાગે,એટલેજ મને મારો અભરામ વહાલો લાગે છે..અમતીમાં, ઈબ્રાહીમ ને બદલે અભરામ કહેતા, એક દિવસ અમતીમાં અને ઇબ્રાહીમ બન્ને સાંજ નું વાળું કરી ઓસરીમા બેઠા છે , અમતીમાં ખાટલે અને એના પગ પાસે ઈબ્રાહીમ બેઠો છે અલક મલક ની વાતો કરે છે. અમતીમાં કહે હે.. એલા..અભરામ હું તને અભરામ કહું તો દુઃખ તો નથી લાગતું ને મને અભરામ નામ ખૂબ વહાલું લાગે છે એટલે તને અભરામ કહી બોલવું છું ,ઇબ્રાહીંમ બોલ્યો અરે મારી જશોદા માં તું મને ગમે તે નામે બોલાવ તને ગમે ઇ મને ગમે જ. તું મને ઇભુ, ઇભલો, ઇભ્રામ કે લંગડો કહેતો પણ મને ગમે.. તું મને લંગડો કહીશ તો , હું કોઈ મને પૂછશે કે તારું નામ શું ? તો કહીશ મારુ નામ લંગડો બસ રાજી.... અમતીમાં બોલ્યા ના ...ના મારો દીકરો લંગડો નહીં અભરામ... અભરામ ...અભરામ એટલે અભરામ...તો મારું નામ આજથી અભરામ.. આમ ઇબ્રાહીમ થી અભરામ ની યાત્રા ચાલુ થઈ...

અભરામ પાંચ પચીસ માણસો ભેગા કરી ભજન ચાલુ કરી દે.. ધીમે ધીમે એક ઢોલ લીધો ઢોલ ના તાલે અને એક હરિભાઈ પાદરિયા તેમના મિત્ર તે "કડી" વગાડે હરિભાઈ ની "કડી"વગાડવા માં નિપુણતા કડી એક એવુ વાજિંત્ર તે ત્રિકોણ આકાર ની ધાતુ ની કડી ઉપર એક હુક જેવી રિંગ હોય તે હાથમાં લટકાવી એક સળિયાથી મધુર કર્ણ પ્રિય અવાજ ઉતપન્ન થાય આ બે વાજિંત્ર તેમના સંગીત ના સાધનો આવા ટાંચા સાધનો થી બંને મિત્રો ભજન ની જમાવટ કરતા હતા..

અભરામે પરિક્રમા ની વાતો ખૂબ સાંભળી કે ત્યાં ભજન ની રમઝટ બોલતી હોય, તે સાંભળવાની અંતરની મનોકામના પણ પગ વગર લંગડા માણસને પરિક્રમામાંસાથે લઈ કોણ જાય...? એક દિવસ રાજકોટ થી કોઈ ભક્તો નું મંડળ સેવા અર્થે પરિક્રમામાં જતા તેની પાન ની દુકાને પાન ખાવા ઉભા રહ્યા વાતો માં કોઈ કહ્યું આવવું છે પરિક્રમા માં ? અભરામ ને તો દોડવું હતું ને ઢાળ મળ્યો.. અભરામે હા પાડી.. અને રાજકોટ ની મંડળી સાથે પોહચ્યો પરિક્રમા માં રાજકોટ ની જ એક બીજી મંડળી જે ના આગેવાન જુઠા ભાઈ કંદોઇ અને નરભેરામ કંદોઇ બન્ને લોકો ને ભોજન કરાવે પણ ભજન ની વ્યવસ્થા નહીં કોઈએ કહ્યું કે નવાગઢ નો મુસ્લિમ છોકરો બહુ સારા ભજન ગાય છે.. અભરામ પાસે આવ્યા વાત કરી તમે અમારા ઉતારા માં આવો અને ભજન ગાવ તમને તમારું મહેનતાણું મળી જશે, અભરામે પૂછ્યું મહેનતાણું એટલે.. ? નરભેરમ કંદોઇ કહે તમારો ચાર્જ કે ફી અભરામ કહે ભજન તો ભક્તિ કહેવાય, બંદગી કહેવાય, પ્રાર્થના કહેવાય તેના તો કાઈ પૈસા લેવાતા હશે.. મગાવો તબલા પેટી અને સાજીંદા.. કારતક ની સુંવાળી ઠંડી , મેળવેલા નું પવિત્ર વાતાવરણ ગિરનાર ની વનરાઈ અને કંદરા માં રાતે બાર વાગ્યે સેંકડો માણસો ની મેદની માં અભરામે પહલીજ વાર હિમાલય ના પ્રપિતામહ ગિરનાર ની ગોદમાં ભજન ચાલુ કર્યું પહેલું ભજન ઉપાડ્યું...

"હાથ ચક્ર, ત્રિશુલ, સદાશિવ, અહાલેક જગાતે નગરી મેં, શ્રીકૃષ્ણ કે દર્શન કારન, અયે સદા શિવ ગોકુલ મેં"

ભજન ખૂબ લાબું ચાલ્યું પક્કડ પણ એવી લીધી કે મેદની સ્થિર થઈ ગઈ, રાત થંભી ગઈ જાણે ગિરનાર માં આકરું તપ કરતા જતી જોગી ,ઋષિ મુનિ ,સંતો સ્થિર થઈ ગયા.. બે મૂર્તિ નાગા બાવા અચાનક ત્યાં આવી પહોંચ્યા તે પણ ભરી સભામાં સૌ સાથે બીરાજમાન થયા સવારો સવાર ભજન સાંભળ્યા, અભરામ બધાની વચ્ચે થઈ રસ્તો કરી તેની પાસે પોહચવા ગયો પણ તે મળી શક્યો નહીં તે દિવસથી તેને લાગ્યું કે કોઈ ગેબી શક્તિ તેની પાસે ગાવડાવે છે નહીતો એક ચોપડી ભણેલો જે ને લખતા વાંચતા પણ મંડ માંડ આવડે છે, જેને કોઈ સંગીત ની તાલીમ પણ નથી ...નથી કોઈ ગુરુ કે નથી કોઈ ભજન નો વારસો એવા લંગડા માણસ ને સાંભળવા આવા સંતો થોડા આવે. તે આશીર્વાદ આપવા આવેલ જતી,જોગી જે ક્યારેય દર્શન આપતા નથી , આનાગા બાવા તેના પ્રતિનિધિ હશે ,ચોક્કસ હશે નહીતો આમ ક્ષણ ભર માં અદ્રશ્ય કેવી રીતે થાય.. કોઈ માને કે નહીં અભરામ પર દૈવી કે ગેબી શક્તિ નો હાથ છે જ...!!!

************** ********** ***********

અમદાવાદ માં કોમી તોફાનો વચ્ચે ગાવાની શક્તિ જો ગેબી હાથ હોય તો જ શક્ય બંને ... નહીતો એક બીજાને જોતાવેંત મારો કાપો ની રીડીયા રમણ વચ્ચે ભજન એક પછી એક ગવાય અને કૂકડો બોલે ત્યારે સમાપન થાય.. અશક્ય ને શક્ય અભરામ ભગત કરી શકે ખરો? અભરામ ભગત ની ઓળખાણ અમદાવાદ ના મિત્રો એ વડિયા દરબાર શ્રી સુરગ વાળા સાથે કરાવી, સુરગવાળા મોટાભાગે મુંબઈ પોતાના નેપ્યન્સી રોડ ના વડિયા હાઉસ માં રહે.. મુંબઈ માં પહેલો પ્રોગ્રામ સુરગવાળા સાહેબ ની સમક્ષ કર્યો, સુરગ વાળા ભજન સંગીત કલા ના જાણકાર અને પ્રોત્સાહક અભરામ ભગત થી પ્રભાવીત થઈ ,તેમણે અભરામ ભગત ને વડીયા નિવાસ કરવાનું આમંત્રણ આપ્યું.. સુરગ વાળા એ રહેવાની વ્યવસ્થા કરી આપી,રોજી રોટી ની પણ વ્યવસ્થા કરી આપી.. અભરામ ભગત નો હાથ દરબાર સુરગવાળા એ ઝાલ્યો.

એક દિવસ ઇબ્રાહિમ ના સાગા મામા કાળુભાઇ ધંધુકિયા મામો ભાણેજ સુવાણે બેઠાછે ઘર પરિવાર ની વાતો કરે છે.મામા કહેછે ઇબ્રાહીમ હોવી તારી ઉમર ત્રીસ આસપાસ પોહચી ,તારે હવે તારા ઘર પરિવાર અંગે તારા નિકાહ વિશે વિચારવું જોઈએ.. ઈબ્રાહીમ દર્દીલું હસ્યો મામા મને લંગડા ને કોણ દીકરી દેશે.. તમે તમારું જ વિચારો તમે તમારી હલીમાં ના નિકાહ કોઈ લંગડા સાથે કરો ખરા.. ? મામા બોલ્યા કરું શુ કામ ન કરું..?તારા જેવો શરીફ ,ઈમાનદાર નીતિમતા વાળો, મહેનતુ છોકરો હોય તો કોણ નાપાડે ? તારી ઈચ્છા હોય તો મને કબૂલ છે... ઇબ્રાહીમે સામું પૂછ્યું પણ મામા હલીમાં ને કાબુલ છે ? કાળું મામા એ કહ્યું તેને પણ કબુલ છે.. આમ ઈબ્રાહીમ ના નિકાહ તેમની મામા ની દીકરી હલીમાં સાથે થઈ ગયા.

નિરાંત ની પળો માં એકદિવસ હલીમાં એ કહ્યું ભગત છ.. છ.. દિકરિયાળુ ઘર માત્ર ખેતી ઉપર કેમ નભશે ? એક પછી એક" વરા-પ્રસંગ"માથે ગીધ ની જેમ મંડશે ફરવા એક ને એક દીકરા મહિર ને ભણાવવાનો ખર્ચ ...હવે કાર્યક્રમ ના બધાની જેમ ચાર્જ વસુલો.. તારી વાત સાચી "બેરી".. (અભરામ ભગત હલીમબીબી ને પ્રેમ થી બેરી કહેતા.. તે સંબોધન હલીમાં એ સ્વીકારી લીધું હતું) ભગત બોલ્યા, અત્યાર સુધી મેં ભજન ને ઈબાદત, બંદગી ભક્તિ માની છે મારો હાથ કેમ લાંબો કરું.. બેરી (હલુ) મલિક જે કરાવે તે ખરું.!!! મલિક ની મરજી હશે તેમ થશે...!!! મલિક નરસિંહ ના કામ પુરા કરે તો આપણા અધૂરા થોડા રાખશે.. "ગણેશ ના કામ ગણેશ પુરા કરશે... " અરે મારી બેરી હલુ તને એક વાત કહી દવ આપણા મહિર ( "મહિર "હિન્દૂ નામ તેને ઊલટું વાંચીએ તો "રહીમ" વંચાય ) ને રાજકુમાર ની જેમ મોટો કરીશ જ્યાં રાજકુમારો અભ્યાસ કરે તે.. "રાજકુમાર કોલેજ"માજ ભણાવશું. આવતા વર્ષે દાખલ કરાવશું ફોર્મ ભરી દીધું છે.. દરબાર સાહેબે ભલામણ પણ કરી દીધી છે.. આમ ભગત કરતા હલીમાં ને પરિવાર ની વધારે ચિંતા રહેતી

અભરામ ભગત ની શાખ, પ્રસિદ્ધિ સૌરાષ્ટ્ર કચ્છ ના સીમાડા પાર કરી દેશ વિદેશ માં પ્રસરવા માંડી.. જ્યારે ઇબ્રાહીમ નો પગ કાપ્યો ત્યારે જેતપુર નું 2 કી.મી. અંતર કેમ કપાશે ? તેવું વિચારનારો ..માણસ... જોજનો માઇલ દૂર, અનેક નદીઓ પાર, સમુદ્ર ને પેલેપાર, હિમાલય આલ્પ્સ જેવી વિશ્વ ની અનેક ગિરિમાળા વીંધી, લંગડાતી ચાલે જઇ શકે ખરો... હા.. હા.. જરૂર જઇ શકે.. પરવરદિગાર, ખુદા, માલિકે, પરમેશ્વરે પોતાની ભૂલ સુધારી અભરામ ના પગ લઈ લીધો પણ...સવાઈ તાકાત આપી તેના ગળે (સ્વર) ગરુડ બેસાડી દીધું અને સ્વર રૂપી ગરુડ ની પાંખે વિદેશ માં પોતાનું કૌવત બતાવવા ની મોકળાશ કરી આપી..

ગળા ના ગરૂડે ઊંચી ઉડાન ભરી કેન્યા, યુગાન્ડા એક આખું વરસ રોકાવાનું થયું પાછા વડીયા દેવડી આવી ગયા ખેતી સાંભળી ત્યારબાદ મિત્ર પ્રસંશકોએ ફરીથી 1958 માં બોલાવ્યો ઝાઝીબાર, ટાંગાનીકા લાબું રોકયો.. ખૂબ માન મળ્યું ત્યાંના આપણા લોકો એ ખૂબ સાચવ્યો..

ત્યારબાદ એક ચાહક પારિવારિક મિત્ર હસમુખ ભાઈ પાવાવાળા જેઓ "મીના વર્લ્ડ ટુર" ચલાવતા અને કે. એલ. એર લાઇન્સ માં હતા તેઓ એ 1973 માં અમેરિકા મોકલ્યા, ચાર મહિના અમેરિકા રોકાણ કરી, કેનેડા ઇંગ્લેન્ડ સાત મહિના રોકાણ કર્યું આમ અગીયાર મહિને દેશમાં પરત આવ્યો ફરી તરતજ સાઉથ આફ્રિકા ના વિઝા મળતા ડરબન, પ્રિટોરિયા, ગાંધીજી એ સ્થાપેલ ફિનિક્સ આશ્રમ ગયા તેની રજ માથે ચડાવી ગાંધીજી ને ગમતું ભજન

"વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડપરાઇ જાણે રે"

અને બીજા ઘણા ભજન ગઈ સંતોષ મેળવ્યો. ત્યાંથી મોરેશિયસ ગયા ત્યાં પણ ચાહકો નો પ્રેમ મેળવી ભારત આવ્યા આ છેલ્લી વિદેશ સફર હતી... સંગીત ની દુનિયા માં જેનું નામ ગૌરવ થી લેવાતું હોય તેવી આંતરરાષ્ટ્રી કંપની કોલમ્બિયા કંપની અભરામ ભગત સાથે કરાર કરે, જેના નામ પર શ્રોતાઓ પાગલ હોય અભરામ ભગત ની સેંકડો કેસેટ બને તે ચપો ચપ વેચાય જાય.. રેડિયો સિલોન સાથે કરાર થાય તેના પર દરરોજ સવારે સાત વાગ્યે એક ભજન થી રેડ્યો સ્ટેશન ખુલ્લે..

ગુજરાત માં નવનિર્મિત સોમનાથ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા સમયે અભરામભગત ને શિવસ્તુતિ નું સૌભાગ્ય સાંપડે આમ અભરામ ભગતે નવાગઢ ના નામ ને સો વર્ષે દેશ વિદેશ માં ખ્યાતિ અપાવી જ્યોતિષ ની આગાહી સાચી પડી હોય તેમ લાગવા માંડયુ

ઇસવીસન 1960 એટલે ઉગતા ભારત નો યુગ ,દિલ્હી માં અખિલ ભારત કિસાન સંમેલન માં ભાગ લેવાનું આમંત્રણ મળ્યું , ગુજરાત ની નવી નવી સ્થાપના થઇ હતી અભરામ ભગત ની આગેવાનીમાં એક ખેડૂત પ્રતિનિધિ મંડળ દિલ્હી ગયું અભરામ ભગત ભજનિક ની સાથો સાથ પ્રગતિ શીલ ખેડૂત આગેવાન પણ હતા વૈજ્ઞાનિક પદ્ધતિ થી ખેતી કરવાના આગ્રહી પણ હતા તે સમય માં વાડિયા પંથક માં "ટરબાઇડ " પમ્પનું પોતાની જમીન માં સિંચાઈ માટે બાબુભાઇ જશભાઈ પટેલ ના હસ્તે પોતાની જમીન માં લોક જાગૃતિ માટે ઉદ્ધઘટન પણ કરાવેલું હતું ખેડૂતો ના પ્રશ્ને ચર્ચા વિમર્શ કરવાના હેતુ થી તેમને આગેવાની સોંપવામાં આવેલી આસમેલન માં બન્યું એવું કે વડા પ્રધાન શ્રી જવાહરલાલ નહેરુ ને આમંત્રણ અપાયેલ નહેરુ એ દસ મિનિટ નો સમય આપેલ , નહેરુ સંમેલન માં પધાર્યા સાથે ઇન્દિરા ગાંધી પણ હતા.. અભરામ ભગત અને નહેરુ ની પહેલી અને છેલ્લી મુલાકાત થઈ કોઈ એ કહ્યું કે અભરામ ભગત સૂફી ગાયક છે. અભરામ ભગત ને એક ભજન સંભળાવવા કહ્યું.. અભરામ ભગતે ભજન નો ઉપડ કર્યો
"રામ તેરે નામ કા
મુજે હૈ આધાર"
ભજન પૂરું થયું ને તરત બીજું ભજન ઉપાડ્યું
"બાલાજોગી આ...આ...આયો.. બાલાજોગી..
આ.....આ....યો ...આયો..

હાજરોની મેદની સ્તબ્ધ થઈ ગયેલી.. લોકો વિચારે કે તેના હાર્મોનિયમ ના વખાણ કરવા કે પછી અભરામ ભગત ના ગાળા ના વખાણ કરવા હાર્મોનિયમ અને ગળા ની બેનમૂન અદભુત જુગલ બંધી જોઈ નહેરુ જી એક કલાક અને ત્રીસ મિનિટ અભરામ ભગત ની ગાયકી સાંભળી અભીભૂત થયા અને તેનાથી અભરામ ભગત ને પુછાઇ ગયું

ભગતજી...,"એક મુસ્લિમ હોને કે બાવજુદ ઇતની ઉત્ક્ટતા સે વૈષ્ણવ કે ભજન કૈસે ગા લેતે હો..?"

ભગતે જવાબ આપ્યો પંડિતજી " યે સીર્ફ ભજન નહીં હૈ મેરી બંદગી ભી હૈ ઔર ઈબાદત ભી યહી હૈ "
************** ******* *******
એ દિવસ અભરામ ભગત માટે છેલ્લો દિવસ હતો વડીયા ની ધર્મશાળા માં રામાયણ સાહેબ વરસો થી રામાયણ ના પાઠ વાંચે વડીયા ભર ના શ્રોતા સાંભળવા ભેગા થાય..તેમાં અભરામ ભગત વડીયા માં હોય તો બે ચાર ભજન ગાય આપરંપરા વરસો સુધી જળવાઈ રહી. આજનો દિવસ અભરામ ભગત માટે ખાસ હતો

Add caption


ભજન શરૂ કરતાં પહેલાં કહ્યું, મને આકાશવાણી તરફ થી પસંદ કરવા માં આવ્યો છે કાલે હું રેકોર્ડિંગ માટે જવાનો છું કાલથી મારી ગાયકી, વ્યવસાયિક ગાયકી બનવાની છે આજે હું જે ગાઈશ તેમાં મારુ સમગ્ર અસ્તિત્વ નીચોવી ને ગાઈશ આજે મારી ભજન રૂપે છેલ્લી બદગી કે ઈબાદત રહેશે.. અને ઉપાડ કર્યો...

"વેલા ના વછૂટ્યા રે...
ઇ ભાવ માં ભેળા ન થાય"
"કર્મ ના સંગાથી રાણા મારુ કાઈ નથી"
"વડલો કહે છે વનરાયું સળગે...
ઉડી જાઓ પંખી પાંખો વાળા રે.."
" કાનજી તારી મા કહેશે, અમે કાનુડો કહેશું
એટલું કહેતા નહીં મને તો ગોકુળ મેલી દેશું રે"
"હેજી કહે શ્રીકૃષ્ણ, સુણો દુર્યોધન, અબ તુમ ક્રોધ્ધ નિવારો માનીલે બચન હમારો તું દુર્યોધનમાં ની લે બચન હમારો હે રાજા માની લે બચન હમારો.. હે રાજા "
આગળ શ્રીકૃષ્ણ પાંડવો ને યુદ્ધ કરવા ની સલાહ આપેછે ત્યારે યુધિષ્ઠિર કહે છે..
" હે જી આદુનિયામાં અમર નથી કોઈ, સાધુ, રાજા, કે સંસારી ગોતરગરદન જો અમે કરીએ તો શી ગત થાય અમારી હે કૃષ્ણ ભલે જાય ભોમિ અમારી"



આમ એક પછી એક ભજન ગાતા જાય અને જાણે નરસિંહ, મીરા. સુરદાસ,પાનબાઈ તેના શરીર માં પ્રવેશતા જાય એક અદભુત વાતાવરણ છવાઈ ગયું.. શ્રોતા મંત્ર મુગ્ધ અભરામ ભગત ભજન ગાતા જાય અને તેની આંખ અશ્રુ થી ભીંજાતી જાય... કાર્યક્રમ પૂરો થયો અને ભગતે બીજી જાહેરાત કરી મારી જન્મ ભૂમિ નવાગઢ અને કર્મ ભૂમિ વડીયા માં સારા માઠા કોઈ પણ પ્રસંગે ભજન આવી રીતે જ ની શુલ્ક મન નીચોવી ગાઈશ અને આ પ્રસંગે અભરામ ભગત તરફથી 1100 રૂપિયા સારા કામ માટે ફાળા માં આપીશ આમારી પ્રતિજ્ઞા છે જે હું મૃત્યુ પર્યત પાડીશ.. અને તેમણે પ્રણ પાડ્યું પણ ખરું...




ભારત ભાર માં હિંદુ મુસ્લિમ નું વૈમનસ્ય વધતું જતું હતું ભારત ભર માં ભારેલો અગ્નિ હતો આવા કપરા કાળ માં પત્રકાર અમૃતલાલ શેઠ ના ધ્યાને આવ્યું કે એક મુસ્લિમ નામે અભરામ ભગત નરસિંહ, મીરા ,સુરદાસ ના ભજનો ગાય છે રામ , કૃષ્ણ, શિવ ની બદગી કરતો હોય તેમ ગાય છે એટલે સાંપ્રત સમય ની માંગ મુજબ એક લેખ લખ્યો આલેખ મહાત્મા ગાંધી ને કોઈએ પોહચડયો ગાંધીજી એ લેખ વાંચ્યો અભરામ ભગત થી ખુબજ પ્રભાવિત થયા ગાંધીજી એ અભરામ ભગત ને પોતાના સ્વહસ્તે પોસ્ટ કાર્ડ લખ્યું તેમાં અભરામ ભગત ને આશીર્વાદ આપતા લખ્યું કે

"સત્ય ને ઓપ ચડાવવાની જરૂરત હોતી નથી એ આપો આપ જ પ્રકાશ માં આવે છે.."

આવો અસલી સોના ને પણ ટક્કર મારે તેવો એક કલાકાર શનિવાર તા. 27-2-1988 રાત્રે બે વાગ્યે આ ફાની દુનિયાને અલવિદા કહી ચાલી નીકળ્યો જાણે તંબુરા નો એક તાર વછૂટ્યો...

નોંધ... અભરામ ભગત નો પરિવાર હાલ વડીયા દેવડી જી. અમરેલી..સ્થિત છે તેમના પુત્ર મહિર સુમરા અને પૌત્ર પરવેઝ સુમરા વડીયા પરગણા માં પ્રખ્યાત "કમલ બેકરી" નામે વ્યવસાય કરે છે..

તેમના સંપર્ક...નંબર..9586268001 ... મહિર સુમરા
9825847864....પરવેઝ સુમરા
























અભરામ ભગત ની ત્રણ ભજન ની ઓડીયો -
પૂરક માહિતી...સૌજન્ય.
  1. સુપ્રસિદ્ધ સાહિત્યકાર મિત્ર લિખિત ઝબકાર શ્રેણી 3 માં લખેલ લેખ "ભગત ની ચિંતા અધ્યાહારમાં" આધારિત
  2. પ્રદ્યુમ્ન ખાચર સાહેબ જૂનાગઢ
  3. નારણ ભાઈ પટેલ (વટે માર્ગુ)નવાગઢ
  4. વૃજલાલ રાદડિયા નવાગઢ
ફોટોગ્રાફ ની માહિતી....

1. અભરામ ભગત નો પંડિત જવાહરલાલ નહેરુ સાથે દિલ્હી મુકામે 1960 ના અખિલ ભરાતીય કિસાન સંમેલન સમયે
2. અભરામ ભગત નો ફાઇલ ફોટોગ્રાફ
3. અભરામ ભગત ની કેસેટ નું કવર
4 -5. કોલમ્બિયા કંપની અને એંજલ કંપની એ બહાર પડેલી ગ્રામોફોન રેકોર્ડ..
6 થી 12. અભરામ ભગત ની કેસેટ ના કવર ફોટોગ્રાફ
13. હજારોની મેદની વચ્ચો વચ્ચ અભરામ ભગત, નહેરુ અને પાછળ ઇન્દિરા ગાંધી પણ દ્રષ્ટિગોચર થાય છે.
14 - 15. જે તે સમયે અભરામ ભગત ના કાર્યક્રમો ની વિગતો સમાચાર પત્રોમાં..
16. કોલમ્બિયા કંપની નું અભરામ ભગત સાથે નું કરાર દસ્તાવેજ..
17. પંડિત જવાહરલાલ નહેરુ અને ઇન્દિરા ગાંધી સાથે અભરામ ભગત...
18 થી 21. અભરામ ભગત ની ત્રણ ભજન ની ઓડીયો
18. વડીયા દરબાર શ્રી સુરગવાળા જેઓ શ્રી એ અભરામ ભગત ને પ્રોત્સાહિત કરી સન્માન ભેર વડીયા નિવાસી બનાવ્યા..
19. અભરામ ભગત અમેરિકા કેનેડા ના પ્રવાસે જાય છે ત્યારે સન્માન ની તસ્વીર
20 થી 22. અભરામ ભગત ના વિવિધ કાર્યક્રમો ની તસ્વીર
23. અભરામ ભગત નું સ્કૂલ લિવિંગ સર્ટી અને જ્ન્મ તારીખ નો દાખલો..
28. કેનેડા ખાતે ના અભરામ ભગત ના કાર્યક્રમ નું જાહેરાત નું ચોપાનયુ..
24. શ્રીદુલા ભાયા કાગ એ સ્વ હસ્તે પોતાના લખેલ ગીતો ગાવાની અભરામ ભગત ને આપેલ મંજૂરી પત્ર..
25 થી 32. અભરામ ભગત ની વિવિધ વર્તમાન પત્રો માં છપાયેલી નોંધ સુવાંચય છે..
33. અભરામ ભગત ના અવસાન પછી શિવકુમાર આચાર્યએ શ્રદ્ધાંજલિ રૂપે આપેલ જીવન ઝરમર
34. તત્કાલીન મુખ્યમંત્રી બાબુભાઇ જશભાઈ પટેલ અભરામ ભગત ની વાડીએ ટરબાઇન પમ્પ ના ઉદ્ધઘટન પ્રસંગે..
35. અભરામ ભગત ની ફાઇલ તસ્વીર.


No comments:

Post a Comment