યુ.પી.એસ.સી. ની આઇ એ.એસ.પરીક્ષા એ તપ છે
તેનો તપસ્વી
જેતપુર નવાગઢ નો "વ્રજ પટેલ"
-----------------------------------------------------------------
ઇ.સ.1865 માં નવાગઢ ની સ્થાપના નવાબ મહાબતખાનજી ત્રીજા એ કરેલી, નવાબ ને ત્યાં 16 ફેબ્રુઆરી 1924 માં નવાબ દિલાવર ખાનજી નો જન્મ થયો, નવાગઢ નું નામ બદલી "દિલાવર ગાઢ "રાખવામાં આવ્યું, થોડો સમય "દિલાવરગઢ" રહ્યું પણ કાળક્રમે પાછું નવાગઢ જ રહ્યું.
અંગ્રેજો એ બનાવેલ કાયદો "ઇન્ડિયન ઇન્ડિપેંડન્સ એક્ટ 1947" લાગુ કર્યો, તે અન્યવે "લેપ્સ ઓફ પેરામાઉન્સિ"ની જોગવાઈ હતી, તે મુજબ અંગ્રેજ સરકારે ત્રણ વિકલ્પ આપ્યા હતા.
- સ્વતંત્ર રહેવું..
- ભારત સાથે જોડાવવું..
- નવા રાષ્ટ્ર પાકિસ્તાન સાથે જોડાવવું..
તે સમયે નવાબ મહાબત ખાનજી વિદેશ હતા.મહમદ અલી જિનહા એ પોતાના ખાસ માણસ શાહ નવાઝ ભુટો ને જૂનાગઢ ના દીવાન તરીકે મોકલ્યા.નવાબ મહાબત ખાનજી ની ગેરહાજરીમાં પાકિસ્તાન સાથે જોડાવા નો નિર્ણય લીધો..જૂનાગઢ ના કબ્જા માટે "આરઝી હકુમત" ની સ્થાપના થઇ , 24 ઓક્ટોમ્બર 1947 ના રોજ આરઝીહકુમતે જૂનાગઢ નવાબ તાબા ના નવાગઢ, અમરપુર,ગઢકડા નો કબજો લીધો 2 નવેમ્બર સુધી માં બીજા 36ગામડા નો કબજો લઇ લીધો પરિણામે કમને શાહનવાઝ ભુટો એ ભારત સાથે જોડાવા ના દસ્તાવેજ પર સહી કરી. ભરાત ની આઝાદી ના 77 દિવસ પછી 9 નવેમ્બર 1947 ના દિવસે નવાગઢ જૂનાગઢ સાથે ખરેખર આઝાદ થયું કહેવાય..20 ફેબ્રુઆરી 1948 ની આઝાદ ભારત ની પહેલી ચૂંટણી (જૂનાગઢ ના પ્રજામત માટે)નું સાક્ષી નવાગઢ બન્યું હતું.. 24 ઓક્ટોબર ના રોજ નવાબ મહાબત ખાનજી પોતાના પરિવાર સાથીદારો અને અબજો ની કિંમત જર ઝવેરાત હીરા મોતી માણેક સહિત કેશોદ એર પોર્ટ પરથી પોતાના ખાનગી વિમાન માં કરાચી પાકિસ્તાન જવા નીકળી ગયા.. ત્યાં તમને પુરા માન પાન આપવામાં આવ્યા હતા..ઝુલ્ફીકાર ભુટો ના સમય માં નવાબ ઓફ જૂનાગઢ દિલાવર ખાનજી ને સિંધ પ્રાંત ના ગવર્નર બનાવી બહુમાન કરવામાં આવ્યું હતું..
આવા નવાગઢ ની એક તાસીર રહી કે નવાગઢ ની નામી શખ્સયત નો મળવો જોઈએ તેવા લાભ નવાગઢ ને મળી ન શક્યો કે તે લાભ નવાગઢ ની પ્રજા લઈ ના શકી, પછી તે વસ્તુ અભરામ ભગત કે દિલાવર ખાનજી ની જેમ સજીવ હોય કે નવાગઢ માં સ્થપાયેલ સૌરાષ્ટ્ર ની નામી શિક્ષણ સંસ્થા "સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ" જેવી ઈંટ, રેતી ,સિમેન્ટ થી બનેલ નિર્જીવ ઇમારત હોય..
********** ********* **********
આજથી બરાબર 20 વરસ પહેલાં હું મારા વ્યવસાયિક કામ સબબ વરસ માં ચારેક વાર મુંબઈ જતો આવતો.. મારા મોટાબેન સ્વ. વિજયાબેન ને ત્યાં મારો ઉતારો રહેતો હતો મારો સુપુત્ર સિદ્ધાર્થ તે સમયે 12માં ધોરણ માં ભણતો હતો એટલે 12 ધોરણ પછી કેવી રીતે તેમની કારકિર્દી બનાવવી તેની તપાસ કરતો રહેતો હતો , ઘણી જાણકારી મેળવી હતી છતાં વધુ જાણકારી માટે સતત પ્રયત્નશીલ રહેતો, તેવામાં એક દિવસ મુંબઈ ની મુલાકાત દરમ્યાન " જન્મભૂમિ પ્રવાસી" માં કારકિર્દી અનુસંધાને એક લેખ ધ્યાન માં આવ્યો નીચે નામ વ્રજ પટેલ અને ટેલિફોન નંબર હતા ત્યારે હજી મોબાઈલ હાથવગા નહોતા થયા,લેન્ડ લાઇન માં ફોન પર વાત કરી સરનામું લીધું, વાત નો લહેકો કાઠિયાવાડી લાગ્યો, મેં મારા બેન વિજયાબેન ને કહ્યું આ વ્રજ પટેલ આપણા બાજુ નો જણ લાગે છે, વિજયાબેને કહ્યું ,આવા કામ માં આપણી બાજુ નો હોય તો વેપાર માં હોય, નોકરીમાં હોય, ડોક્ટર હોય, વકીલ હોય, કારીગર હોય પણ આવા કામમાં આપણી બાજુ નો જણ ના હોય, જરૂર વ્રજ પાટીલ ને બદલે વ્રજ પટેલ છપાયું હશે..મેં વિજયબેન ને કહ્યું પણ તેની હિન્દી ભાષા ની લઢણ ગુજરાતી છે, હું ચાપાણી નાસ્તો કરી નિર્ધારિત સમયે દાદર પાલ્મવ્યુ પહોંચ્યો..
તેમની ઓફીસ ના દરવાજે પોહચ્યો, કોઈ આડમ્બર નહીં, સાદી લાકડાની ખુરશી ટેબલ ચારે બાજુ પુસ્તકો ના અંબાર આવી લાઈબ્રેરી આટલા પુસ્તકો પહેલી વાર જોયા, સામે બેઠેલ વ્યક્તિ સામે જોયું એક અનોખી આભા ઉપસી આવી, સીધુ સાદું વ્યક્તિત્વ અર્ધીબાંયનું શર્ટ પેન્ટ, સામન્ય કદ કાઠી છતાં કસાયેલું શરીર, કાઈ વિશિષ્ઠ નહીં, છતાં કંઈક અલગ હોવાનો ભાસ જરૂર લાગે તેવું, બિલકુલ એક બીજા થી અજાણ્યા છતાં પોતાનાપણું ઉપસતુ દેખાય, આમતો બધા જેવોજ લાગે છતાં બધાથી અલગ વ્યક્તિત્વ..બન્ને ની નજર મળી, મેં નમસ્કાર કર્યા,તેમણે કહ્યું આવો..આવો.. ઉભા થઇ મને સંન્માન આપ્યું, મેં કહ્યું હું ગુણવંત ધોરડા, મારી ઓળખાણ માટે મારુ વિઝીટિંગ કાર્ડ આપ્યું , મેં કહ્યું વ્રજ પટેલ આપ? તેણે કહ્યું હા જી.. મને આશ્ચર્ય અને તાજુબ તો ત્યારે થયું કે મારું કાર્ડ હાથમાં રમાડતા રમાડતા મારા સામું જોવે મરક મરક હસતા જાય!!!, ચહેરા પર કોઈ ભાવ નહીં ....નહીં ધિક્કાર,નહીં ઘૃણા.. . નહીં આનંદ ,નહીં ઉત્સાહ... નહીં ધરાર, નહીં ઉલાડ.. હું તેના મરક મરક હાસ્ય ને પારખી ના શક્યો ,એટલે પૂછી નાખ્યું કેમ ? આમ કાર્ડ જોઈ ને હસવું આવ્યું ?કાર્ડ માં કાઈ વિશિષ્ઠ તો છે નહીં..? કાર્ડ જેવું કાર્ડ છે..તેમના ચહેરા માં આછેરી સાવ નજીવી પોતાનાપણા ની રેખા ઉપસતી દેખાઈ, !!! વ્રજ પટેલે કહ્યું તમારી વાત સાચી કાર્ડ માં કાંઈ વિશિષ્ઠ નથી એ તમારા માટે...પણ મારા માટે આ કાર્ડ વિશિષ્ઠ એટલા માટે છે કે આમાં ગામનું નામ જેતપુર લખેલું છે,મેં કહ્યું હું જેતપુર નો છું તો જેતપુર જ લખું એમ નવાઈ ક્યાં રહી!!! નવાઈ એટલા માટે કે હું પણ જેતપુર માં નાનો મોટો થયો છું , જેતપુર નવાગઢ નો જ છું , જિંદગીમાં પહેલી વખત મારા ગામની કોઈ વ્યક્તિ આવા શૌક્ષણિક કામ માટે મળવા આવી હોય..!!!
ત્યારબાદ ઔપચારિક વાતો કરી જેતપુર ના ખબર અંતર પૂછ્યા અમે બન્ને પંડ્યા પ્રાઇમરી સ્કૂલ અને કમરીબાઈ હાઇ સ્કૂલ ના વિદ્યાર્થી વ્રજ પટેલ મારાથી બે વરસ જુનિયર હતા.. તે સમય ન શિક્ષણ ની વાતો શિક્ષક ની વાતો અમે બન્ને એ પંડ્યા સ્કૂલ ના હબીબ સાહેબ,હિંગુ સાહેબ, અ'બાસ સાહેબ, પઠાણ સાહેબ ,જ્યોત્સના બેન મધુ બેન, વર્ષા બેન પંડ્યા, મ્યાનુર સાહેબ,જીતુ સાહેબ, બબલા સાહેબ(નરોત્તમ સાહેબ ઉર્ફે નાના સાહેબ) મોટા સાહેબ (જે સ્કૂલ ના મલિક હેડ માસ્તર હતા ત્રિભુવન પંડ્યા સાહેબ).
કમરીબાઈ હાઇ સ્કૂલ માં સી. બી. જોશી સાહેબ, આર. એલ. જોશી સાહેબ, પન્નાપા સાહેબ,ખોખર સાહેબ,જાની સાહેબ ,પારેખ સાહેબ ,શીંગાળા સાહેબ. પરમાર સાહેબ રઘુપ્રસાદ દવે સાહેબ,ટીલાળા સાહેબ..
કમરીબાઈ હાઈસ્કૂલ માંથી છૂટી મળતા ,રખડતા ભટકતા ઘેર જતા રસ્તામાં ખેલ જોવા ઉભા રહી જતા જેલના મેદાન માં કે ગર્લ્સ સ્કૂલ પાસે ના મેદાન માં નિત નવા કરતબો થતા કોઈવાર એટલે કે લગભગ વરસ માં એક વાર એમ. કે.કે.એમ. પેરૂમલ દક્ષિણ ભારતીય સાઇકલ વીર સતત સાત દિવસ ચોવીસે ચોવીસ કલાક લગાતાર સાયકલ ઉપર રહેતો સાયકલ ના કરતબ પણ કરતો ,સાયકલ ઉપર જ દરેક દૈનિક ક્રિયા કરતો ખવું પીવું, નાહવું ધોવું, સૂવું જાગવું, કપડાં પહેરવા બદલાવવા, દાઢી કરવી બાલ ઓળવા, કરતબ માં જમીન પર રાખેલ નોટ મોઢાથી કે આંખ ની પાંપણ થી ઉપાડી લેવી, પગ ઊંચા લઇ હાથે થી સાયકલ ચલાવવી ,ઊંધા મોઢે બેસી સાયકલ ચલાવવી ત્યારે ખુબ અજાયબ લાગતું પેરૂમલ બાળ માનસ માં હીરો ની છાપ પાડતો.. ઘણા વર્ષો પછી મનોજ કુમાર ને શોર ફિલ્મ માં પેરૂમલ ની ભૂમિકા માં જોયેલ.. આમ નાનપણ માં સંઘર્ષ મય જીવન જીવતા માનવી હીરો લાગતા તેના આવા સંઘર્ષ ની મગજ માં ઊંડી છાપ પડતી જે જીવન જીવવા માટે ઉપયોગી થતી હતી...
એક ગદર્ભ રાજ નામે ભોલા રામ પણ ગર્લ્સ સ્કૂલની સામે ખેલ કરતો તે ગદર્ભ સૂચવેલ કે પુછેલ વ્યક્તિ ને શોધી આપતો હતો, દાખલા તરીકે સ્કૂલ માં તોફાની છોકરો કોણ? મલિક પૂછે એટલે તરત જ ગદર્ભ બે ત્રણ ચક્કર મારી તોફાની છોકરા પાસે ઉભો રહે... મલિક પૂછે કે વધારે મા વધારે "ગઠી" (બંક)કરતો છોકરો કોણ? એટલે વારંવાર "ગઠી" કરતા છોકરા પાસે ઉભો રહી જતો.. એક દિવસ ગામ આખા ને જોવા જેવું થયું ગદર્ભ માલિકે ભોલા રામ ને પૂછ્યું ગામ માં મોટામાં મોટો જુગારી કોણ ? તે સમયે ગામ માં પ્રતિષ્ઠિત અને પ્રખ્યાત જુગારી "મોજે" પણ ખેલ જોવા ઉભા હતા, તેની સાથે પાંચ સાત બીજા જુગારી પણ હતા, બધા જુગરીઓ એ ચાલતી પકડી ભોલારામ તેની પાછળ જઈ "મોજે "આગળ ઉભો રહી ગયો, છોકરાવ ને મજાક અને ગમત સુજી છોકરાવે તાળીઓ પડી , વાયુ વેગે ગામ આખા માં વાત ફેલાઈ , તે દિવસ થી અમે તે ગદર્ભ નું નામ બદલી" પોલખોલ રામ" રાખ્યું...
*********** ********** *********
પુંજા પાદરિયા એ કર્મ સંજોગે મંડલીકપુર મૂક્યું અને નવાગઢ ગામે નસીબ અજમાવવા આવ્યા, મંડલીકપુર ભૂલી નવાગઢ માં " નવી ઘોડી નવો દાવ "અજમાવવા સખત પરિશ્રમ અને પરસર્વો પાડવા મંડ્યા પુંજા પાદરિયા મહેનતુ ગરીબડા છતાં મનથી ગરવા અને નરવા જેતલસર જક્શન માં મજૂરી કામ કરવા વહેલી સવારે નીકળી જાય સાંજ પડે રૂપિયો રોડો મળ્યો હોય તેમાંથી નવાગઢ સ્ટેશને થી ઘેર આવતા બે ચાર આના ગરીબ ગુરબા ને આપતા આવે કણબી હતા પણ ખેતી વાડી ન હતા ઉભડ કણબી હતા, મજૂરી અને પરસેવા સીવાય કોઈ મૂડી કે વિકલ્પ હતો નહીં.ધીરે ધીરે થોડા પૈસા બચાવી ગાય ભેંશ લીધા કરકસર ત્રીજો ભાઈ ગણી જીવન જીવતા ગયા ધર્મપત્ની વનાઈ નો પણ એટલોજ ટેકો..
વનાઈ ખુબજ કોઠા સુજવાળી મહિલા પાંચ દીકરા અને બે દીકરી બે માણસ પોતે આમ નવ માણસ નો પરિવાર માત્ર " પંડ કમાય અને પેટ ખાય " તેમાં છોકરાવ ને ક્યાં ભણાવવા અને ક્યાં ગણાવવા , દીકરો સમજણો થાય ને બાપ ભેગો મજૂરીએ જાય,જે..તે ..સમયે મોટા ભાગ ના સમાજ નો વણ લખ્યો કાયદો કહો કે નિયમ બધા સ્વેચ્છા એ પાળતા, આ ચીલો અમુક લોકો ચાતરતા પતિ ની કાયમી ગેરહાજરી પછી વનાઈ ના મનમાં કીડો સળવળે ચીલો તો ચાતરવો જ પડશે..
મોટા દીકરા રામજી એ બાપનો ભાર પોતાના ખભે લઇ લીધો હતો, મહામહેનતે ખેતી ની જમીન લીધી , બળદ ગાડું વસાવ્યા .. માધવ , બાબુ, લાલજી, મોટાભાઈ ના હાથ પગ બની સતત મહેનત કરતા ઘરના મકાન લેવાની ગણતરી કરી નવાગઢ ના વિખ્યાત ભજનિક અભરામ ભગત નું મકાન ખરીદ્યું, વનાઈ માં ના મન માં સડવળતા કીડા એ જોર પકડ્યું બધા ભાઈ ને બોલાવી કહ્યું તમારા માંથી કોઈ નિશળે નથી ગયા...!!! કે હું નિશળે મોકલી નથી શકી ...!!! પણ આ ...આ.. "નાનકા વજુ "ને તો આપણે ભણાવવો જ છે.. મારુ માનવું છે કે "ભણે ઇ કાંઈક બને " આતા ની ગેરહાજરીમાં માં એ જ તો આતાની (બાપની) સવાઈ જવાબદારી નિભાવી જ છે...!!! બધા ભાઈ ઓ "બા "ને કહ્યું ભલે "બા" અમારે તમને જે કહેવું હતું ઇ તમે કહ્યું, બા અમે તનતોડ મહેનત કરીશું અને વજુ ને ભણાવી ગણાવી "લાટસાબ" બનાવીશું..
તે સમયે વજુ આઠ નવ વરસ નો હશે નવાગઢ માં ત્રીજી ચોપડી માં હતો..વજુ ને સમજાયું કે ભાઈ અને બા જે વાત કરેછે ઇ વાત મારા માટે છે મારે મહેનત કરી ભણવાનું એટલે ભણવાનું જ , મારે ભણવાનું જ છે ...!!! એ ગાંઠ મનમાં બંધાઈ ગઈ.. જે આજીવન નથી છૂટવાની.. વનાઈ માં માટે આમ પણ પાંચે ભાઈ માં વજુ થોડો લાડકો ખરો.. નવાગઢ થી પાટી ગરજાલો (ચુનાની સ્લેટ પેન) ખંભે નાખી બા અને બધાભાઈ ને પગે લાગ્યો... બા એ શુકન ના દહીં ગોળ ખવડાવ્યા પંડ્યા પ્રાયમરી સ્કૂલ માં દાખલ કર્યો... દરરોજ પાંચ સાત કી.મી. જાવાના અને તેટલાજ આવવાના આમ બાર પંદર કી. મી. ચાલી ને સ્કૂલે જતો વજુ ખુશ ખુશહાલ રહેતો જેતપુર પરગણા પંડ્યા સ્કૂલ નામી સ્કૂલ હતી તેવું જ ઉમદા શિક્ષણ હતું.
વજુ નો રસ ધીમે ધીમે ભણવા માં વધતો જતો હતો, બાના શબ્દો મગજ માં ઘર કરી ગયા હતા "ભણે ઇ કાંઈક બને"વજુ ને "કાંઈક "બનવું હતું સાત ધોરણ ખુબજ સારા માર્કસ થી પાસ કરી કમરીબાઈ હાઇસ્કૂલ માં પ્રવેશ લીધો કમરીબાઈ હાઈસ્કૂલ દરમ્યાન નારાણ ગોંડલીયા, જયસુખ લીંબસિયા, ત્રણે જણ નવાગઢ થી સાથે નીકળે એ નક્કી પણ પરત ફરવાનું નક્કી નહીં નારણ અને જયસુખ ગઠી બાજ . વજુ નો મંત્ર " ભણે ઇ કાંઈક બને" જયારે નાયણ અને જેસકા નો ગુરુ મંત્ર "રખડે ઇ રાજા ભણે ઇ ભિખારી" આમ વજુ ને ભણતર નો રંગ ચડતો ગયો અને નાયણ ને જેસકા ને ઉતરતો ગયો નાયણ ગઠી કરી ગઠીબાજો સાથે નવી નવી ફિલ્મો જોવા ગોંડલ અને જૂનાગઢ જતો થયો આઠમા માં ના પાસ થયો ભણતો ઉઠી ગયો , ખેતી માં લાગી ગયો પણ વાંચન નો સંગરંગ નારણ ને વજુ નો એવો તે લાગ્યો કે પોતાની વાડીએ અંગત લાઈબ્રેરી વિકસાવી લખતો થયો આજે સત્તર વરસ થી ફૂલછાબ માં "વટેમાર્ગુ " કોલમ છેલ્લા સતત 17 વરસ થી લખે છે, જે કદાચ એક માત્ર વર્તમાન પત્ર માં લખતા રહેવાનો એક માત્ર સંયોગ હશે..જેસકો (જયસુખ ) પોતાના પિતાશ્રી ના સાડી ઉદ્યોગ માં જોડાઈ ગયો , જે બન્ને પોતાની રીતે શ્રેષ્ઠ જીવન જીવે છે.
વજુ સારા પરિણામો મેળવતા મેળવતા મેટ્રિક માં આવી ગયી બોર્ડ ની પરીક્ષા માં વજુ જરા પણ ઓછો ના ઉતર્યો.વનાઈ માં ના હરખ નો પાર નથી, ભાઈ રામજી ભાઈ તો ચોરે બેસી વજુ ની જ વાતો કરે જો જો અમારો વજુ રેકોર્ડ તોડવા નો રેકોર્ડ નવાગઢ માં પહેલો મેટ્રિક પાસ થવાનો.. આગળ ભણી દાક્તર બનવાનો હું પછી દાક્તર ના મોટાભાઈ કહેવાઈશ , મેટ્રિક ના પરિણામ ની તારીખ આવી, વનાઈ માં એ આખી રાત જાગતા સપના જોયા મનો મન છોકરા ના "આતા "સાથે વાતો કરી કાંઈક અરમાનો જોયા છોકરાવ ના આતા સાથે વાત કરતા કરતા બબડે..., જોવો કાલે આપણા વજુ નું પરિણામ છે, આપણે એને "કાંઈક " બનાવવો છે, તમે આશીર્વાદ આપજો ,પરિણામ આવ્યું વજુ સ્કૂલ બીજો આવ્યો પાદરિયા પરિવાર માં" લાપસી ના આંધણ મુકાયા ".
વજુ જેતપુર ના તેમના સ્કૂલ મિત્રો કનૈયાલાલ ધનવાની, ( જે હોમિયોપેથી નો અભ્યાસ કરી જેતપુર માં પ્રેક્ટિસ કરેછે ) અને જગદીશ વસોયા (જે બાદમાં વલ્લભ વિદ્યાનગર છોડી જેતપુર આવી કોમર્સ કરી બી. એડ. થઈ શિક્ષક બની નિવૃત છે )સાથે વલ્લભવિદ્યાનગર પ્રિસાયન્સ માં એડમિશન લીધું.
કનૈયાલાલ ધનવાની અને વ્રજલાલ પાદરિયા રૂમ પાર્ટનર હતા, વ્રજલાલ પાદરિયા ની જીવન શૈલી સરળ અને ગ્રામ્ય જીવન માંથી આવેલ એટલે રીતભાત ધનવાણી થી અલગ બન્ને વચ્ચે સતત સંઘર્ષ રહેતો એક સમયે બન્યું એવું કે વ્રજલાલ નો સ્વભાવ શાંત સાલસ ,કોઈ ને નડવું નહીં, અને નડે તો મારગ દઈ દેવો ,મરતા ને મર પણ ના કહે, પરંતુ એક દિવસ કોઈ બીજા વિચાર માં કે કાઈ પણ કારણનું બનવું વ્રજલાલ ને ઉતાવળે ધબ ધબ અવાજ કરતું આવવું અને ધનવાણી નું વ્રજલાલ ને ટોકવું વ્રજલાલ નો ગુસ્સો સાતમા આસમાને ધનવાણી ને ઉપાડી ને પછાડ્યો કાયમી નું ઘર્ષણ મારામારી સુધી પોહચી ગયું કનૈયાલાલ હેબત ખાઈ ગયો ..!!! આટલા આટલા વર્ષો સાથે રહ્યા..!!! પોતાનામાં મસ્ત રહેનાર છોકરો...!!!ક્યારેય કોઈ સાથે ઊંચા અવાજે વાત પણ ના કરે અને આવું વર્તન...!!! બન્ને ને પસ્તાવો થયો, બન્ને ને એક સાથે વિચાર આવ્યો.. બન્ને પોતાની જાત ને દોષિત માનવા લાગ્યા, બીજે દિવસે ભૂલ નું પ્રાયશ્ચિત કરી એક બીજાની માફી માંગી એક બીજા નું હોસ્ટેલ માં ગૌરવ વધાર્યું...
પ્રિસાયન્સ નું પરિણામ આવ્યું ડોક્ટર બનવાના માર્ક્સ થોડા ખૂટયા , સરદાર વલ્લભભાઈ પટેલ યુની. ની પોતાની મેડિકલ કોલેજ ના હતી તેથી એસ.વી. પી. યુની. ના અમુક ક્વોટા એમ. એસ. યુની. માં હતા તેમાં અમુક માર્ક્સ થી વારો ના આવ્યો.. નિરાશા વ્યાપી ગઈ, મોટાભાઈ રામજીભાઈ ના સપના તૂટતા દેખાયા...અરે દેખાયા શુ ... !!! ચકનાચૂર ભાંગીને ભૂકો થઇ ગયા..!!!
બા ના શબ્દો યાદ આવ્યાં "ભણે ઇ કાંઈક બને " આશબ્દો એ હિંમત આપી ડોકટર નહીં બન્યા તો શું થઈ ગયું.. ભણી ને કાંઈક તો બનીશ જ.
આવી ને મોટાભાઈ રામજીભાઈ ને બધી વાત કરી વજુ, મારા ભાઈ તું મૂંઝાઈશ નહીં હું બેઠો છું રામજીભાઈ ને કાસમ અલી કૌશર અલી ની દરગાહ જે ઘેટાવાળા પ્લોટ માં હાજર હજુર છે તેમ પુરી શ્રદ્ધા વરસો થી ત્યાં પાણી ભારે તેની તિથિએ ત્યાં ઉર્ષ ભરાય તેમાં રામજીભાઈ પોતાના બળદ લઈ જઈ ત્રણ દિવસ પાણી ની સેવા કરે ચોવીસ કલાક ત્યાંજ રહે. ઉર્ષ માં કોડીનાર થી એક મુસ્લિમ સુખી સમૃદ્ધ સદગૃહસ્થ સતારભાઈ દર વર્ષે ઉર્ષ માં આવે ખુબજ સમૃદ્ધ હોવાથી ઉર્ષ નો તમામ ખર્ચ તેઓ આપતા તેમને રામજીભાઈ ઉપર ખુબજ મન અને આદર ક્યારેક ક્યારેક વ્રજલાલ પણ મોટાભાઈ ની સાથે જતો આવતો રામજીભાઈ સાથે સતારભાઈઘરે પણ આવતા વનાઈમાં ના હાથ ના રોટલા પણ આવે ત્યારે એકવાર તો ખાતાજ હતા..
દર વરસ ની જેમ કાસમ અલી કૈશર અલી નો ઉર્ષ ભરાણો શેઠ સતારભાઈ પણ મુંબઈ થી આવ્યા, રામજીભાઈ ને ઉર્ષ માં મળ્યા બધા ના સમાચાર પૂછ્યા, વ્રજલાલ ના પણ સમાચાર પૂછયા રામજીભાઈ માંડી ને વાત કરી..રામજીભાઈ એ કહ્યું છોકરો થોડો નિરાશ છે આગળ ભણશે કે કેમ..? સતારભાઈ બોલ્યા અરે રામજીભાઈ કાસમ અલી કૌશર અલી પર વિશ્વાસ રાખો, સૌ સારા વાના થઈ રહેશે. આટલા વર્ષો તમે કોઈ પણ આશા વગર પાક ઈરાદા થી સેવા કરી તે એળેનહીં જાય...!!! આશ્વાસન તો બધા આપે પણ સાથે ક્યાં કોઈ કોઈની ચાલે છે!!! . આશ્વાસન હિંમત આપી તે પોતાના માર્ગે જતો રહે, પાછું વળી જોતો પણ નથી.. રામજીભાઈ, વ્રજલાલ તમારો ભાઈ છે તેમ મારોભાઈ પણ ભાઈ છે જ એક માં ના ઉદર માં નથી રમ્યા ફેર તો એટલોજ કે બીજો કાઈ ? કાસમ અલી કૌશર અલી ની દરગાહ ની ચૌકટ માં તો રમ્યા એનો કોઈ સબંધ નહીં ...હે. હે.. !!! આ ચૌકટ ને સબધે આપણે ભાઈ નહીં...? સતાર શેઠ બોલ્યા.. રામજીભાઈ, કેમ કાઈ બોલતા નથી ...? રામજીભાઈ બોલ્યા શુ બોલું તમે તો મારું મોઢું સીવી લીધું. વ્રજલાલ ને મુંબઈ મોકલી દયો મારે ત્યાં ભણશે તમામ જવાબદારી મારી, રામજીભાઈ સતાર શેઠ ને કહ્યું મારે ઘેર બધાને પૂછવું પડે, મારી બા એટલે દૂર મુંબઈ વજુ ને મોકલે ખરી!!! આણંદ પણ માંડ માંડ માની હતી !!!
ઘરના ને ભણતર માં માત્ર એટલીજ ગડ પડે પાસ થયો કે નાપાસ , પાસ થાય તો આગલા ધોરણ માં નહીતો હતા ત્યાં ના ત્યાં ભણવાનું આથી વિશેષ કોઈ જ્ઞાન નહોતું.. તે જમાનામાં છોકરા વન વગડા ના અડબાવ છોડ જેવા , ઉગે તો ઉગે નહીતો મુરજાય પણ જાય .... તે સમયે ભણવું એટલે જ ભણવું...ભણવાનો કે પરિણામ નો કોઈ ભાર નહીં, મોકળા મને ભણવું ઉત્તમ પરિણામ મળે તો "ભયોભયો " અને અપેક્ષિત પરિણામ ના મળે તો કોઈ હરખ શોક કે બીલકુલ વસવસો નહીં ..જ્યારે આજના છોકરા પાછળ માં બાપ એટલી બધી મહેનત કરે છે કે આજનો બાળક કલમી છોડ ની જેમ ઉજરે અને ઉછરે છે.. અને પરિણામલક્ષી અભિગમ આવી ગયો.
રામજીભાઈ એ ઘેરે જઇ બધાને વાત કરી, વજુ તો તૈયાર જ હતો સમજાવાની તો બા ને જ હતી, બા એ કહ્યું વજુ નું શુ મન છે ? રામજીભાઈ એ બા સામે જોઈ કહ્યું તમે હા પાડો પછી આપણે વજુ ને પૂછી એ, વનાઈ માં એ કહ્યું, અરે હું ક્યાં વજુ ને ભણવા આડે આવવાની વજુ ની હા હોય તો મારી હા એ હા... રામજીભાઈ એ કહ્યું , ઇતો બા , ઓલી વખતે તું વજુ ને આણંદ મોકલતી વખતે કોચવાતી હતી એટલે પૂછ્યું, તમારા બધા માટે અને મારા નાનકા વજુ માટે તો આજે પણ કોચવાઈશ, આમ વનાઈ માં એ વજુ ને બોલાવ્યો, વજુ આવ્યો, અને બોલ્યો શુ કામ છે બા ? વનાઈ માં ભારે મને બોલ્યા વજુ તારે મુંબઈ ભણવા જાવું છે ? વજુ બોલ્યો હા , પણ બા કેવી રીતે? બા એ કહ્યું મોટાભાઈ અને સતાર શેઠ ને ખબર, વજુ ને તો ભણવું જ હતું, ડોક્ટર બનવું જ હતું, સરદાર વલ્લભભાઈ પટેલ યુનિ. માં તો ડોક્ટર બનવા ના દરવાજા બંધ હતા, વજુ ને મુંબઈ યુનિ. જેવી માતબર યુનિ. માંથી યોગ્ય રીતે સખત મહેનત કરી ડોક્ટર બનવાનો રસ્તો દેખાયો, વજુ ને તો "દોડવું હતું અને ઢાળ મળી ગયો" ઘર પરિયાણ થયું કે વજુ ને મુંબઈ ભણવા મોકલવો છે, પણ વ્યવસ્થા કેમ કરવી ? ઉપરા છાપરી વરસ નબળા જાય છે,!!!આગલા દેણા હજી માથે ચડેલા છે !!! વનાઈ માં મોટા દીકરા રામજી ના ચહેરા પર ની રેખા વાંચી લે છે,રામજી ને બોલાવે છે , પૂછે છે, વજુ ને મુંબઈ જવાની વ્યવસ્થા થઈ ગઈ ? રામજી નીચું જોઈ કહે છે... હા...બા...કરું જ છું ,પ...ણ ..વનાઈ માં એ..એ.. પ...ણ.. નો જવાબ ક્ષણ માં ઉકેલી દીધો, પોતાના સાચવેલા ડબરા માંથી "મગમાળા" કાઢી આપી કહે ઉપરા ઉપરી વરસ સારા થયા ત્યારે તારા આતા એ બનાવી દીધીતી, હું ...તો...ના પાડતી રહી એટલે તારા આતા એ ..તે દિ'કીધું કે હશે તો કોક દિ' કામ આવશે....!!! આજે નહીં કામ આવે તો કે દિ' કામ આવશે...મોટા દીકરા રામજી ના હાથ માં મગમાળા મૂકી વનાઈમાં બોલ્યા આ તારા આતા ની પ્રસાદી છે...સોની મહાજન ની દુકાને જા અને ભંગાવી (વેચી ) આવ, રામજી બોલ્યો ના... ના.. બા ,મારા આતાની પ્રસાદી વેચવી નથી... તો ગીરવે મૂકી નાણાં ઉપાડી લે પણ વજુ ને મુંબઈ મોકલવો જ છે, રામજી એ મગ માળા ગીરવે મૂકી 200 રૂપિયા વ્યાજે લીધા.. 4, જુલાઈ 1974 નો દિવસ વજુ ને મુંબઈ જાવાનો નક્કી થયો, પરિવાર માં દિવાળી નો માહોલ હતો ચારે બાજુ આનંદ હતો, ખોબા જેવડા ગામ માં વાત વાયુ વેગે ફેલાઈ ગઈ વનાઈ માં નો વજુ હવે મુંબઇ ભણવા જવાનો , વનાઈ માં ને કાને વાત આવવા મંડી કે મુંબઈ જાય ઇ છોકરા વંઠી જાય, વટલાઈ જાય, ધર્મ ભ્રષ્ટ થઈ જાય, અનીતિ આચરતો થઈ જાય, વનાઈ માં એ વજુ ને બોલાવી પોતાની મન ની વાત કરી, દીકરા તું મુંબઈ જઈ વટલાઈ તો નહીં જાને...!!! દીકરા મારુ કહ્યું માનીશ, વજુ કહે હા...બા તું કહે તે બધું માંનુ તો છું જ, ના... ના. ..એ એમ નહીં આ ...તો.. તું એકલો મુંબઇ જાશ ને એટલે કહું છું કે તું વંઠી નહીં જાતો, વટલાઈ ના જાતો, દીકરા " તું ધર્મ અને નીતિ ક્યારેય ના ચુકતો "તારા આતા એ દીધેલ આજ તો મૂડી છે આપણી પાસે આ મૂડી જીવનભર સાચવજે, એટલું કહી વનાઈ માં વજુ ને માથે હાથ મૂકી ગળગળા થઈ ગયા, વજુ એ આટલી ઉમર માં પહેલી વાર બા ની આંખ માં આંસુ જોયા, વજુ ની આંખ માં પણ ભીનાશ આવી, વજુ બોલ્યો બા તું હૈયે ધરપત રાખ હું તારું અને આતા નું નામ ઉજાળીશ.. ક્ષણ ભર મૌન છવાઈ ગયું...બા... એ ..બા તું આમ ચૂપ કા થઈ ગઈ..!!! કાઈ નહીં...કાં... ઇ..નહીં ઇ..તો... હું ...તો..તારા ..આતા.. ને કહેતી હતી કે આપણો વજુ મુંબઈ ભણવા જાય છે... ખુ...બ.. ખૂબ મોટો માણસ બને તેવા આશીર્વાદ આપજો.. વજુ ,બા ના ખોળા માં માથું નાખી પડ્યો રહ્યો.. વનાઈ મા એ પોતાના સાડલા નો છેડો વજુ માથે ઓઢાડી દીધો.. વજુ ને શાતા વળી.. અને વનાઈ માં ને હૈયે ધરપત થઈ..
4 જુલાઈ 1974 ના દિવસે વ્રજલાલ પાદરિયા સૌરાષ્ટ્ર મેલ માં મીટરગેજ લાઇન ના નવાગઢ સ્ટેશન થી વાયા વિરમગામ બ્રોડગેજ લાઇન સ્ટેશન થઈ મુંબઈ જાવા પહલીજ વાર બેઠો , મોટાભાઈ રામજી ભાઈ એ આપેલ બસોહ રૂપિયા અને સતારભાઈ શેઠ ના સરનામાં ની ચીઠી માત્ર નવી જગ્યા નો આધાર કે સધિયારો જે કહો તે લઈ ચાલી નીકળ્યો... મનમાં આનંદ , ઉમંગ, ઉત્સાહ સાથે ફરી કંઈક બનવાની દુનિયા ને "મૈં ભી કિસીસે કમ નહીં" દેખાડવાની ખેવના સાથે બા સહિત પરિવાર દોસ્ત નારણ, જયસુખ રેલવે સ્ટેશન વળાવવા આવ્યા, બા એ રેલવે માં બેસતા બેસતા શિખામણ આપી, જાળવી ને રહેજે, અજાણ્યા માણસ નો વિશ્વાસ કરતો નહીં , મુંબઈ માં તો ખાસ... માણસો છેતરામણા હોઈ, ગમેત્યારે ગમે ત્યાં ભોળવી જાય અને આપણો માલ ઓળવી જાય.. ભય અને આનંદ ની મિશ્રિત લાગણી સાથે વજુ ડાબા માં બેઠો અને જાણે વરસાદે પણ વનાઈમાં ના વજુ ને આશીર્વાદ આપવાના હોય તેમ અનરાધાર તૂટી પડ્યો.. ટ્રેન ચાલુ થઈ ડબા માં બધા ગોઠવાયા વજુ એ નિરાશા, હતાશા, ભય, ડર, અનિશ્ચિતતા, આશકા, નિર્બળતા,દુર્બળતા બધા નું એકસામટુ મસમોટું પડીકું વળી ભાદર ના પુલ પરથી ભાદર નદી ના પાણી માં પધરાવી દીધું, જાય સીધું દરિયામાં, નવી આશા નવા ઉમંગ, નવા તરંગો વજુ ના મન માં દોડતા જાય સાથોસાથ ગાડી મુંબઈ ભણી દોડતી જાય, તે દિવસે રસ્તામાં અનરાધાર વરસાદ ને લીધે નદી નાળા છલો છલ વહેતા જાય તેમ વજુ ના મનમાં પણ છલો છલ આશા અરમાન દોડતા જાય અને છલકાતા જાય, પણ વરસાદ ને લઇ ટ્રેન ધીમી ચાલે, મુસાફરો માં અંદરો અંદર વાત થાય કે ટ્રેન મુંબઈ ના પણ જાય અધવચ્ચે રોકવી પણ પડે,આગળ ખુબજ વરસાદ છે, વજુ ના મનમાં ઉચાટ અને ગભરાટ થાય, શુ થશે..? રસ્તા માં આપણું તો કોઈ જાણીતું નથી, ક્યાં જવું, કેમ જવું તેવા નબળા વિચાર દૂર દૂર ફેંકી દીધા "આગે આગે ગોરખ જાગે... જો હોગા વો દેખા જાયેગા " ની ઉક્તિ મનમાં ઠાસવી દીધી, જે ટ્રેન સવારે સાત વાગ્યે દાદર પોહચવાની હતી તે સવારે સાત વાગે હજી દાહણું પડી હતી , મનમાં ચિંતા થતી હતી હવે શુ થશે.. ? ટ્રેન આગળ જશે કે નહીં તે પણ નક્કી ન હતું, એક વાગ્યે જાહેર થયું કે મુંબઈ માં 94 વરસ નો રેકોર્ડબ્રેક વરસાદ પડ્યો છે, મુંબઈ આખું પાણી માં ગરક છે ટ્રેન આગળ નહીં જાય, દાહણું બેસી રહેવું કે બધા ની જેમ મળે તે વાહન માં આગળ વધવું, મનોમન નક્કી કર્યું ... "વહેતી ગધેડી વીસ ગાવ જાય " બધાની સાથે એક ટ્રક માં જે દાદર સુધી જતો હતો તેમાં 50 રૂપિયા નક્કી કરી આગળ વધ્યો તેમને દાદર સ્ટેશન બહાર છેલ્લા સ્ટોપે ઉતર્યો ત્યારે સાંજના 5 વાગ્યા હતા..
શિવડી સતારભાઈ નું સરનામું રિક્ષા વાળા ને કહી રીક્ષા કરી શિવડી વેસ્ટ માં પોહચ્યો એકબાજુ વરસતો વરસાદ અજાણી જગ્યા માણસ તો ઠીક ચકલુએ ના ફરકે તેવું ડરામણો માહોલ માથા ઉપર પોતાનો પતરા નો ટ્રંક રાખી વરસાદ થી બચતો બચતો 18 વરસ નો લવરમુછીયો કિશોર પોતાના સપના પુરા કરવા જાણે રઘવાયો થયો અજાણ્યો અને આંધળો સરખા એકલ દોકલ માણસ ને પૂછતો પૂછતો વેસ્ટ ને બદલે ઇસ્ટ માં પોહચ્યો ત્યાં કોઈ સજ્જન માણસે ફરી જ્યાંથી આવ્યો હતો ત્યાં મોકલ્યો, ત્યાં પોહચ્યા પછી સજ્જને આપેલ નિશાની શોધતા શોધતા યોગ્ય સરનામે પોહચ્યો, પણ સતારભાઈ ની ઓફીસ વરસાદ ની લીધે ખુલ્લી જ નહોતી, આગળ નજર દોડાવતા એક ભાઈ પોતાની દુકાન વધાવતા હતા,વજુ ઝડપથી તેની પાસે ગયો, અને કહ્યું હું જેતપુર થી આવું છું, સતારભાઈ નું કામ છે ક્યાં મળે..?
વજુ નો દેખાવ જોઈ વિખરાયેલા વાળ થાકેલો ચહેરો, સતારભાઈ પાસે પોહચવાની ચિંતા, 25 કલાક ઉપર ની મુસાફરી થી ચોળાયેલા મેલા ઘાણ કપડાં જોઈ સામેવાળા માણસે કહ્યું ખોટું બોલમાં ટ્રેન જ આજે નથી આવી અને તું કહે જેતપુર થી આવ્યો, સાચું બોલ કોણ છે તું..? મહામહેનતે વજુ એ પોતાની આપવીતી વર્ણવી તેને વાત ગળે ઉતરી, હાલ મારી સાથે, સતારભાઈ તો અંધેરી રહેછે હું તને તેના ઘેર મૂકી મારે ઘેર જઈશ.... હવે શંકા કરવાનો વારો વજુ નો હતો પાંચ હાથ પૂરો મુલ્લા જેવી દાઢી માથે ફર ની ટોપી, વજુ ને પોતાની બા ના શબ્દો યાદ આવ્યાં મુંબઇ માં કોઈ અજાણ્યા નો વિશ્વાસ ન કરવો આ માણસ મને ભોળવી તો નહીં જાય ને.. !!! ઉપાડી તો નહીં જાય ને..!!! મોટાભાઈ એ આપેલા રૂપિયા કપડાં લૂંટી લે તો, અજાણી જગ્યા માં આપણું કોણ...? વજુ એ વિચાર્યું કે આ વ્યક્તિ ઉપર વિશ્વાસ કરવા સીવાય બીજો રસ્તો જ નથી ..વજુ બોલ્યો ભલે તેમની સાથે હાલતો થયો રસ્તા માં સતત શ્રી કૃષ્ણ શરણમ મમઃ બોલતો જાય ચાર પાંચ વાહન બદલાવી રાત્રે અઢી વાગ્યે સતારભાઈ ની ઘેરે પહોચાડયો , સતારભાઈ ને આશ્ચર્ય થયું કે બધું બંધ છે અને તું પહોંચ્યો કેવી રીતે, સતારભાઈ ના ધર્મપત્નીએ રાત્રે ગરમાં ગરમ જમાડ્યો . વજુ ને સુવાની વ્યવસ્થા કરી, વજુ ને પથારીમાં પડ્યા ભેગી ઊંઘ આવી ગઈ...
સતારભાઈ એ વજુ ને બેચાર દિવસ મુંબઇ માં હેરવ્યો ફેરવ્યો સિદ્ધાર્થ આર્ટસ & સયન્સ કોલેજ માં ફોર્ટ માં પ્રવેશ અપાવ્યો સાથો સાથ છાત્રલય માં પણ પ્રવેશ અપાવ્યો, ખુબજ મહેનત કરી પણ હું અંગ્રેજી માધ્યમ વજુ અત્યાર સુધી ગુજરાતી માધ્યમ માં ભણ્યો હતો પરિણામ અપેક્ષા થી થોડું નીચું આવ્યું ડોક્ટર થવાનું સપનું ફરીવાર ભાંગી ને ભુક્કો થયું, વિચારે ચડ્યો મોટાભાઈ રામજીભાઈ એ નવાગઢ ના ચોરે બધા ની વચ્ચે જાગતા જોયેલા સપનાં નું શુ.. ? ત્યારે અભણ પણ કોઠાસૂઝ વાળી વનાઈ માં ના શબ્દો યાદ આવ્યાં "ભણે ઇ કાંઈક બને" વજુ એ મનો મન નક્કી કર્યું કે ડોક્ટર ના બની શક્યા તો કાંઈ નહીં તેનાથી ચડિયાતું કલેક્ટર કે તેની સમક્ષ બનવાનું નવું સપનું જોવા માંડ્યું, સિદ્ધાર્થ કોલેજ માંથી વિલ્સન આર્ટ્સ & સાયન્સ કોલેજ માં પ્રવેશ લઇ બી. એસસી. પૂરું કર્યું તે ત્રણ વરસ દરમ્યાન યુ.પી.એસ.સી. ની તનતોડ મહેનત કરી પણ કોઈ નું માર્ગદર્શન નહીં.. માત્ર નરી મહેનત, સતત વાંચવું, સતત લખવું, નહીં શરીર ની ખેવના , નહીં સરખું ખાવું કે પીવું, માત્ર ને માત્ર આયોજન વગર ની નિરર્થક મહેનત,આંધળી મહેનત,આયોજન નો બીલકુલ અનુભવ નહીં એક પછી એક પ્રયત્ન કરતો જાય અને નિષ્ફળ થતો જાય, દરેક પ્રયત્ને નાસીપાસ , નિરાશ થાય, કોઈ હિંમત આપવા વાળું તો હતું નહીં...!!! પોતે જ પોતાની જાત ને ફિનિક્સ પંખી ની જેમ ઉભી કરે, પોતેજ શિક્ષક,પોતેજ વિદ્યાર્થી, પોતેજ વાલી, પોતેજ સંતાન... ફરી થી પોતાની જાત ને સંકોરી હિંમત ,હોશલનો, જોશ, અને હોશ નો અગ્નિ પ્રગટાવી યુ.પી.એસ.સી. ની આઈ. એ. એસ. કસોટી નું ઉપડેલું બીડું છેલ્લી વાર હોમવા ની તૈયારી આરંભી નખશીખ નિષ્ઠા, પોતાનું સમગ્ર જ્ઞાન, પોતાનું સમગ્ર અસ્તિત્વ,આટલા વર્ષો નું પોતાનું તપ હોડ માં મૂક્યું છતાં અંતે પરિણામ છેલ્લે બે પોઇન્ટ માટે ચુકાયું. વય અને પ્રયત્ન ની નક્કી કરેલી મર્યાદા પુરી થઈ...
કુદરત એક દરવાજો બંધ કરે એનો મતલબ એમ નથી કે બીજા દરવાજા બધા બંધ છે, પણ આપણે તે દરવાજા તરફ નજર જ નથી નાખતા જ્યારે આપણે જવું છે તે દરવાજો બંધ થાય ત્યારે બાદ બીજા દરવાજા દેખાય છે , એવું જ કંઈક વ્રજ પટેલ સાથે બન્યું વ્રજ પટેલે "સેન્ટ્રલ એક્સસાઈઝ એન્ડ કસ્ટમ ઇન્સ્પેક્ટર "ની કસોટી પ્રથમ પ્રયાસે સર્વ શ્રેષ્ઠ પરિણામ થી પાસ કરી ઇન્સ્પેક્ટર તરીકે શ્રેષ્ઠ કામગીરી ના એવોર્ડ પણ મેળવ્યા,અને કારકિર્દી ને અંતે સુપરિટેન્ડન ના હોદા ઉપર નિવૃત થયા, ડેપ્યુટી કમિશ્નર નું પદ તેમને મળ્યું હતું પણ તે પદ માત્ર તેના ભરોસે જે વિદ્યાર્થી હતા તેના હિત માટે ના સ્વીકાર્યું તેમાં જ પોતાના વિદ્યાર્થી નું હિત હતું તેમના દ્વારા ચલાવવા માં આવતી યુ. પી.એસ. સી, અને તેના જેવી અનેક સ્પર્ધાત્મક પરીક્ષા નું કેન્દ્ર માત્ર હતું...
વ્રજ પટેલ ની સાહિત્ય નો ખુબ શોખ ,પોતાના ઘરે યુવા સાહિત્યકારો ને આમંત્રણ આપે મહેફિલ જામે, અચાનક એક આમંત્રીત ની નજર વ્રજ પટેલ નો આઈ. એ.એસ. ના પુસ્તકો પાર પડી તેને કહ્યું આબધાં પુસ્તકો સાહિત્ય ના છે વ્રજ પટેલે કહ્યું યુ. પી.એસ. સી. ની તૈયારી માટે ના છે. કોઈ ને કામ આવે તો વાંચવા આપવા છે, તે આમંત્રિત કોઈ પેપર માં કોલમ લખતા તેને પોતાની કોલમ માં વિગતે વાત લખી આમ લાઈબ્રેરી ની વ્યવસ્થા નો પ્રારંભ થયો..
આ કેન્દ્ર ની શરૂઆત ખુબજ નાના પાયા ઉપર પોતાના ઘર ના એક ખૂણા થી થઇ હતી, પોતે જે પોતાની ઉણપ થી પોતાના મનગમતા ધ્યેય સુધી પોહચી ના શક્યા તેવી મુશ્કેલી, ખામી પોતાના જેવા બીજા યુવાનોના જીવન માં ના આવે, તેમના જીવન માં અને રસ્તામાં આવતા અવરોધો દૂર થાય તે ધ્યેય માત્ર થી એકલ પંડે "મહર્ષિ દયાનંદ ફાઉન્ડેશન આઇ. એ.એસ" સ્પર્ધાત્મક અને પ્રશિક્ષણ કેન્દ્ર ની શરૂ આત કરી.. તેમના આ શુભ અને ઉમદા કાર્ય માં અનેક લોકો જોડાતા ગયા આઇ. એ.એસ. ની સ્પર્ધાત્મક કસોટી માં વિષય પસંદગીથી લઇ પેપર કેમ લખવા, ઇન્ટરવું માં કેવીરીતે જવું , કેવો ડ્રેસ પહેરવો, ઇન્ટરવ્યૂ ઓફીસ માં પ્રવેશ થી લઇ બેસવા સુધી નું પ્રશિક્ષણ વ્રજ પટેલ અને તેના તજજ્ઞ ની ટીમ, આપે છે તેમની ટીમ સદસ્ય ડો. રમેશ ત્રમ્બક શાને જેઓ રુઇયા કોલેજ ના પૂર્વ પ્રિન્સિપાલ છે તેઓએ રુઇયા કોલેજ નું બિલ્ડીંગ પ્રશિક્ષણ માટે નિઃશુલ્ક ઉપયોગ કરવાની વ્યવસ્થા કરી આપી..આમ નિસ્વાર્થ ભાવે શરૂ થયેલ સંસ્થા વટ વૃક્ષ બની સારા ભારત માં ખ્યાતિ પામી તેમનું સંપૂર્ણ શ્રેય માત્ર વ્રજ પટેલ ને જાય છે ઊચ્ચ કારકિર્દી ગાઈડન્સ ના 1500 થી વધારે સેમિનારો વ્રજ પટેલે કર્યા છે. રિલાયન્સ એજ્યુકેશન ફાઉન્ડેશન ને પણ વ્રજ પટેલ ના આ કાર્ય માં રસ પડ્યો છે રિલાયન્સ ના ખાસ પ્રતિનિધિ સમયાંતરે વ્રજ પટેલ ની મુલાકાત કરતા રહે છે..
તેમના પુસ્તકાલય માં ચાર લાખ ઉપરાંત પુસ્તકો હાલમાં છે.જેમાં દરેકે દરેક વિષય ના પુસ્તકો છે, સમાજ શાસ્ત્ર, અર્થ શાસ્ત્ર ,આરોગ્ય વિદ્યા ને લાગતા હોમીઓપેથી એલોપેથી,આયુર્વેદ , કુદરતી ઉપચાર, એંથ્રોપોલોજી, પશુ ચિકિત્સા વિજ્ઞાન, ઉપવેદ ગણાતા ધનુર્વેદ નું પુસ્તક પણ અહીં મળે આમ દસ મોટા મોટા ટ્રક ભરાય તેટલા પુસ્તકો અહીં છે
આવા ઉમદા કાર્ય ની નોંધ વિશ્વ ના સર્વ શ્રેષ્ઠ આંતર રાષ્ટ્રીય મેગેઝીન જે વિશ્વની મોટાભાગની માન્ય ભાષમાં પ્રસિદ્ધ થાય છે તેની વિશ્વનિયતા જગ મશહૂર છે તે ખુબજ ચકાસણી કરી આકરા પરીક્ષણ બાદ ઇન્ટરવ્યૂ છાપે છે તેવા" રીડર ડાયજેસ્ટ" આંતરરાષ્ટ્રીય મેગેઝીને તેમને પ્રતિષ્ઠિત એવોર્ડ "હીરોઝ ફોર ટુડે " થી નવાજેલ અને વિસ્તૃત કલર તસ્વીર સાથે ઇન્ટરવ્યૂ છપાયો ઇન્ટરવ્યૂ ની કેવી લાંબી અને વિશ્વસનીય પ્રણાલી છે , તે કાબિલે દાદ વ્યવસ્થા છે. વ્રજ પટેલ ને પૂછવામાં આવ્યુકે તમારી લાઈબ્રેરી નો ઉપયોગ કરી તાજેતર માં યુ.પી.એસ.સી. ક્રેક કરી હોય તેવો તમારો કોઈ એક મેમ્બર કહો...વ્રજ પેટલે કહ્યું વિશ્વાસ નાગરે પાટીલ જેઓ હાલ મસુરી મુકામે આઈ. પી.એસ. અને આઈ. એ. એસ. ની સંયુક્ત તાલીમ કેન્દ્ર માં તાલીમી છે તેઓની ટીમ મુંબઈ થી દિલ્હી થઈ મસુરી ગયા પણ બન્યું એવું કે મસુરીમાં આઇ. એ. એસ. ની એક વરસ ની તાલીમ હોય છે પણ આઇ .પી. એસ. ની બે તબક્કા માં હોય છે છ મહિના મસૂરી અને છ મહિના હૈદરાબાદ એટલે તેજ દિવસે વિશ્વાસ પાટીલ પોતાના બીજા તબક્કા માટે હૈદરાબાદ "સરદાર વલ્લભભાઈ પોલીસ એકેડેમી " માં જાવા નીકળી ગયા, ટીમ પરત મુંબઈ ફરી પાછી હૈદરાબાદ વિશ્વાસ નાગરે પાટીલ ને મળી વ્રજ પટેલ ની વાત ની ખરાઈ કરી પછી વ્રજ પટેલ ને ખાત્રી આપી કે તમારો આ ઇન્ટરવ્યૂ મેં 1999 ના અંક માં પ્રસિદ્ધ થશે અને વ્રજ પટેલ ને મજાક માં કહ્યું કે તમારો ઇન્ટરવ્યુ ખરાઈ કરવા જતાં અમને 5 લાખ ના વધારા ના ખર્ચમાં પડ્યો પણ આ ખર્ચ અમારી વિશ્વનિયતા નો ખર્ચ છે..
વિશ્વાસ નાગરે પાટીલ હાલ નાસિક મુકામે પોલીસ કમીશ્નર તરીકે ફરજ બજાવે છે..26 -11-2008 ના આતંકવાદી હુમલા માં 166 નાગરિક નો ભોગ લેવાયો, કુલ દસ માંથી નવ ત્રાસવાદી ઓ નો મુઠભેડ માં સફાયો થયો 300 થી વધુ નાગરિકો ઘાયલ થયા, તે હુમલા સમયે સમયસૂચકતા વાપરી મુંબઇ પોલીસ નો મોરચો તત્કાલીન પોલીસ કમિશ્નર વિશ્વાસ નાગરે પાટીલે બખૂબી નિભાવ્યો હતો, તેમની મદદમાં નેશનલ સિકયુરિટી ગાર્ડ (એન.એસ.જી.)હતું ઓપરેશન બ્લેક ટોર્નાડો ની સંયુક્ત ભૂમિકા રહી હતી. વિશ્વાસ નાગરે પાટીલ ને તેની શ્રેષ્ઠસેવા બાદલ
"પ્રેસિડેન્ટીયલ મેડલ " થી નવાજવામાં આવેલ...
2015 માં ગુજરાતી પ્રતિષ્ઠિત સાપ્તાહિક "ચિત્રલેખ " એ વિશ્વ કક્ષા ના શ્રેષ્ઠ ગુજરાતી કે જેઓએ સમાજ માટે કંઈક અલગ ચીલોચાતરી સમગ્ર માનવ સમાજ ના ઉત્થાન માટે કાર્ય કર્યું હોય તેવા વિશ્વ આખા માંથી 65 ગુજરાતી ને પસંદ કરવા માં આવ્યા હોય તેમાં આપણા જેતપુર ના બે વ્યક્તિ માં એક પ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી રજનીકુમાર પડ્યા અને બીજા વ્રજ પટેલ...
આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે 1945 માં બીજા વિશ્વ યુદ્ધ પછી સ્થપાયેલ" સંયુક્ત રાષ્ટ્રસંઘ " યુ.એન.ઓ. એ 2001 નું વરસ "ઇન્ટરનેશનલ યર ઓફ વોલિયન્ટર્સ " (સ્વયંમસેવક વર્ષ )તરીકે જાહેર કરેલ તેમાં ભારત માંથી એક માત્ર વ્રજ પટેલ પસંદ થયેલ અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર ભારત નું પ્રતિનિધિત્વ કરેલ તેમની અત્યાર સુધી ની માનવ સેવાની એકલપંડે જે કામગીરી કરી તેમની સંયુક્ત રાષ્ટ્રસંઘ ના મુખ પત્ર" કલર્સ " માં નોંધ લઇ આંતર રાષ્ટ્રીય ક્ષેત્ર વ્રજ પટેલ ને પ્રસિદ્ધિ અપાવી...
આવું જ એક આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ "TEDX TED TALK" એ 2015 માં વ્રજ પટેલ નું જે કોઈ એવી વ્યક્તિ કે જે પોતાની રીતે, પોતાની વિશિષ્ઠ પ્રણાલી, માત્ર ને માત્ર સેવા ના ઉમદા હેતુ થી અગાવ કોઈએ ના કરેલું હોય, તેવા સામાજિક ઉત્થાન ના કાર્યક્રમ ને પ્રોત્સાહન આપવા ના ઉદ્દેશ થી વ્રજ પટેલ નો બેંગ્લોર મુકામે તેમનો વીસ મિનિટ નો ઇન્ટરવ્યૂ લઇ દેશ વિદેશ માં પ્રસિદ્ધ કરેલ આમ વ્રજ પટેલે આંતર રાષ્ટ્રીય ક્ષેત્રે ભારત નું પ્રતિનિધિત્વ કરેલ...
2001 માં "કૌન બનેગા કરોડપતિ" ની પ્રથમ સિઝન નો પ્રથમ કરોડપતિ હર્ષ વર્ધન નવાથે મહર્ષિ દયાનંદ ફાઉન્ડેશન આઇ. ઍ. એસ. એકેડેમી નો સદસ્ય હતો.. જે એક ઊચ્ચ પોલીસ અધિકારી નો પુત્ર હતો , યુ.પી.એસ. સી. ની તૈયારી કરતો હતો.. તેને ચાર લાઈફ લાઇન માંથી ફોનેફ્રેન્ડ માં જે એક કરોડ નો અંતિમ પ્રશ્ન પૂછ્યો હતો તે તેમના સર વ્રજ પટેલ ને પૂછ્યો હતો.. પ્રશ્ન એ હતો કે " ભારતીય સંસદ માં બંને ગૃહ ની કાર્ય વહી ચાલુ હોય ત્યારે ચાલુ સંસદ માં સંસદ ની કાર્યવાહી આ ચાર માં થી કોણ ભાગ લઈ શકે ?
A.. ભારત ના રાષ્ટ્રપતિ..
B...ભારત ના સર્વોચ્ચ ન્યાયાલય ના મુખ્ય ન્યાયાધીશ.
C....સોલિસીટર જનરલ ઓફ ઇન્ડિયા
D...એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા..
હર્ષ વર્ધન આસવાલ માં અટવાય છે બે જવાબ વચ્ચે અવઢવ છે વ્રજ પટેલ કહેછે ભરાતના રાષ્ટ્ર પતિ ને સંસદ આમંત્રણ આપે ત્યારે પધારે...
ભારતના સર્વોચ્ચ ન્યાયાલય ના ન્યાયાધીશ પણ ના હોઈ શકે..
સોલિસીટર જનરલ ઓફ ઇન્ડિયાને ખાસ ચર્ચામાં જરૂર હોય ત્યારે જ આમંત્રણ આપવામાં આવે. છે.
એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા ની કાયમી જગ્યા સંસદ માં ફળવેલી હોય છે..વ્રજ પટેલ જવાબ આપે તે પહેલાં સમય સમાપ્ત થયો..કૌન બનેગા કરોડ પતિ નું ઓડિયન્સ તથા ઘેર બેસી જોતા પ્રેક્ષકો સૌ ને થયું કે હર્ષવર્ધન કવીટ કરશે ...શો માં ખામોશી, સ્તબ્ધતા, હર્ષ વર્ધન શાંત છે.. અમીતાભબચ્ચન હર્ષ વર્ધન નો ચેહરો વાંચે છે..વ્રજ પટેલ ની એક એક વાત ઉપર હર્ષવર્ધન મનન કરે છેે પોતે કોઈ જગ્યા એ વાંચેલ તે યાદ આવ્યું.. મોટા ભાગ ના ઓડિયન્સ માં ચિંતા છે, હર્ષ વર્ધન કવીટ કરે તો સારું ..!!! ખૂબ વિચારી હર્ષ વર્ધન જવાબ આપે છે D એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા ...અમિતાભ બચ્ચન ,હર્ષ વર્ધન ને સલાહ આપે છે કે ચોક્કસ વિશ્વાસ હોય તોજ જવાબ આપશો ,પચાસ લાખ મામુલી રકમ ના કહેવાય જો જવાબ ખોટો હશે તો 3.20 લાખ પર આવી જશો ખૂબ સમજી વિચારી ને રમશો.. શુ કરવું.. છે ? હર્ષ વર્ધનજી તમે કહો તો લોક કરું..હર્ષ વર્ધન કહેછે લોક કરો... સૌ ના ચહેરા વંચાય છે ...સૌ ના મનમાં ચિંતા ના વાદળો ઘેરાયા .માત્ર એક વ્યક્તિ હતો કે જે ખુશ ખુશાલ હતો તે વ્રજ પટેલ હતો.. તેનો વિશ્વાસ હતો કે હર્ષ વર્ધન એક કરોડ જીતે છે...સન્નાટા ભરી શાંતિ માં અચાનક અમિતાભ નો આનંદ ઉત્સાહ ભેર ઘેઘુર અવાજ સભળ્યા છે "એક કરોડ" ચારે બાજુ આનંદ, ઉલહાસ ઉમંગ ભર્યું વતાવરણ છવાઈ જાય છે......
વ્રજ પટેલ નું 40 વર્ષ કરતા વધારે સમય નું તપ અત્યારે નવી યુવા પેઢી ને ખુબજ નિખારી તેની કારકિર્દી બનાવવા માટે સફળતા નું રાજમાર્ગ બની ચુકયો છે..

----------------------------------------------------------------
નોંધ.... વ્રજ પટેલ ની એક હૃદય પૂર્વક ની ઈચ્છા છે કે સૌરાષ્ટ્ર ના યુવાનો માટે આઈ. એ. એસ. - આઈ. પી
એસ. ઊચ્ચ શૈક્ષણિક એડમિશન માટે, નેની મોટી સ્પર્ધાત્મક પરીક્ષા માટે રાજકોટ, જેતપુર,ધોરાજી,ગોંડલ ઉપલેટા, જૂનાગઢ જેવા શહેરો માં કોઈ સામાજિક , શૈક્ષણિક સંસ્થા પોતાની જવબદારી પૂર્વક નિસ્વાર્થ ભાવે નિઃશુલ્ક માત્ર સેવાની ભાવના થી લાઈબ્રેરી સંભાળવા તૈયાર થાય તો તેને પોતાના એકાદ લાખ પુસ્તકો નિઃશરત આપવા માંગે છે, તદ્ ઊપરાંત લાભાર્થી વિદ્યાર્થી ને માર્ગ દર્શન અને પોતાની ટીમ દ્વારા શિક્ષણ આપવા ની પણ તૈયારી છે ..તો કોઈ સામાજિક સંસ્થા ને રસ હોય તો વ્રજ પટેલ નો તેમના સંપર્ક નંબર ઉપર સંપર્ક કરી શકે છે...
મો. નંબર...9867222210
------------------------------------------------------------------
ફોટો ની વિગત...
1..2..3..4..અલગ અલગ પ્રતિષ્ઠિત અખબાર મેગીઝીન માં છપાયેલ ઇન્ટરવ્યૂ...
5...મહર્ષિ દયાનંદ ફાઉન્ડેશન આઈ. એ. એસ.એકેડેમી નું માહિતી પત્ર..
6..7..8..9..મહર્ષિ દયાનંદ ફાઉન્ડેશન આઈ. એ. એસ. એકેડેમી નાશયોગ થી આઈ. પી. એસ. બનેલ વિશ્વાસ નાગરે પાટીલ ની વિવિધ મુદ્રા..
10 દિલાવર ખાનજી નવાબ ઓફ જુનાગઢ સિંધ પ્રોવિન્સ ના ગવર્નર (રાજ્યપાલ) અને તત્કાલીન પાકિસ્તાન ના પ્રમુખ ઝૂલફિકાર અલી ભુટો સાથે..
11..12 કૌન બનેગા કરોડપતિ ના પ્રથમ કરોડપતિ હર્ષ વર્ધન તેમના પત્ની ,અમિતાભ બચ્ચન સાથે..હર્ષ વર્ધન નો સિંગલ ફોટોગ્રાફ..
13.. દિલવારખાન નવાબ ઓફ જૂનાગઢ નો ફોટો
14.. હર્ષ વર્ધન નવાથે જ્યારે કૌન બનેગા કરોડપતિ ની સ્પર્ધા માં એક કરોડ જીતે છે ત્યારે અમીતાભ બચ્ચન તેમને ચેક આપે છે તે યાદગાર ક્ષણ
15.. આરઝી હકુમત ના સેનાની તારીખ 2 નવેમ્બર 1947 ના રોજ નવાગઢ નો કબજો લે છે ત્યારે કિલ્લા પાર ચઢાઈ કરે છે તે સમય નો ફોટોગ્રાફ
16...રાષ્ટ્ર સંઘ નો મુખપત્ર "કલર્સ "માં છપાયેલ એક માત્ર સ્વયંસેવક ના કલર ફોટો સાથે છપાયેલ પરીચય અને ઇન્ટરવ્યૂ....















No comments:
Post a Comment