Saturday, May 16, 2020

મારવો હોત તો હું..જ ના મારત...

આ વાત 1964-65 ના વર્ષ ની આસપાસ ની હજી હું  પંડ્યા પ્રાઇમરી સ્કૂલ માં 5 માં 6 ઠા ધોરણ માં હોઈશ ત્યારની છે..આમતો હો નાનપણ માં એટલો ખાસ શાંત કે સીધો કહી શકાય તેવો તો નહીં જ તોફાની કે અવળચંડો ખરો બધા તોફાનો કે ટીખળ કિશોર અવસ્થાની સહજ પણ  હું અમુક છોકરા જેવો ભારડી તો નહિજ...
                   અમારા વિસ્તાર  ખોડપરા બાલચોક રમાંવાડી કે જુના પાવર હાઉસ પાસેનો વિસ્તાર.. અમારો પરિવાર 1947 માં કરાચી થી આવ્યા બાદ જેતપુર માં સ્થાઈ થયો શરૂઆત  ના વરસો અમે ગોવિંદ નિવાસ માં રહ્યા ત્યારબાદ અમારા પરિવારે તેની સામે રામજીભાઈ પટેલ જેઓ કોન્ટ્રાક્ટર હતા અને રામજી ઘોડા ના નામે ઓળખાતા હતા.. તેઓ ગોપાવાડી પાસે રહેતા.. તેનું ચાર રૂમ અસરી બે રસોડા મોટું પાંચસો વાર ફળિયું ડેલીબંધ મકાન અમે  ખરીદીલીધું તેનું નામ "અશોક- નિવાસ" અમારા ભત્રીજા અશોક ના નામ પરથી રાખ્યું..
                   મારા બા મોંઘીબેન નો સ્વાભાવ ખુબજ માળતાવડો કોઈક ને ક્યાંક ને ક્યાંક ઉપયોગી થવાનો..તેમના બેનપણી વનાઈ ફઈબા,રામકુંવર માસી, ગગુમા, હુરબાઈ માસી,અમૃતમાસી નની માસી  બેલીમ ખાસ હતા..
                    અમારો પડોશ આમ જુનોજ કહેવાય પણ અમુક અંશે મારા માટે નવો પણ ગણી શકાય...શિયાળા ની સવારે અમે રામજીબાપા પાઘડાળ ના ખૂણે બધા છોકરા ભેળા થઈ રમીએ... બપોરે બધા ચાર વાગ્યે ભેળા થઈ રમીએ મને બપોરે નિંદર ના આવે એટલે હું ત્રણ વાગ્યા નો બધાની રાહજોતો રામજીબાપા ના ખુણે પોહચી જાવ,તે સમયે બધાના બકરા બકરી સીમ માંથી પાછા ફરે તેમાં અમારી પાછળ બલોચના ઘર તેઓ બકરી પાળતા.. તેની બકરી પણ રહેતી,બકરી ચરાવવા વળી એક છોકરી રમાવડી પાસે મૂકી દયે બકરી પોતપોતાની રીતે પોત પોતાની ઘેર વહી જાય...
                 મારો પડોશ કણબી નો પડોશ બધાને ઘેર દુઝાણા..  ઢોર ..દરરોજ સવાર સાંજ  ગાય-ભેંસ દોહવાય હું જોઈ એ રાખું મને બોધરા માં દુધ ની શેડ જાય તેનો જે અવાજ આવે તે મને બહુજ ગમે બોધરા માં ફીણ થાય તે જોવા ગમે મનમાં થાય કે અમારે ભેંસ કે  ગાય હોય તો  દોહવાની કેવી મજા પડે તે સપનું કહો કે ખ્વાબ પણ તે મૂંગેરીલાલ કે હસીન સપને આ બકરીમાં પુરા થશે તેવું મનો મન વિચારવા લાગ્યો. ખુબજ પ્રયત્નો કર્યા પણ પારકી બકરી આપણા થી કેમ દોહવાય ? મગજ સારા નરસા વિચારે ચડે.. અંતે મગજ હા પાડે,  તો ..મન ના પાડે. એકદિવસ મન ઉપર  મગજે કબજો લીધો.. બકરીની રાહજોતા જોતા બકરી દેખાણી જાણે  ચૌદ ચૌદ વર્ષે અયોધ્યા માં રામ પધાર્યા.. અયોધ્યા વાસી જેવો આનંદ મારા મન માં વ્યાપી ગયો બકરી ઉભી રાખી ધીરેથી પુચકારી દોહન અભિયાન નો પ્રારંભ કર્યો થોડા પ્રયત્નો પછી દૂધ ની શેડ ફૂટી મોઢાઉપર પરમ સુખ ની પ્રાપ્તિ થઇ..
                 આ ક્રમ ,અભિયાન દરરોજ નું થયું ત્રણ વાગે અને બાપુ પોહચી જાય રામજી બાપા ને ખૂણે પાંચ સાત દિવસ  માંડ આ અભિયાન ચાલ્યું ત્યાંતો...મારી ઉપર બકરી માલિક ની નજર મંડણી
હું ગુનેગાર રૂપે રાણી માં ના હાથે રંગે હાથ પકડાયો, મારુ બાવડું પકડી ઘચઘચાવી ધમકાવતા ધમકાવતા મારી ઘેર ડેલી ખોલી મારી બાને ફરિયાદ કરતા કરતા કહે એ મોંઘીબેન આ... આ. .તમારો ગુણો એના લખણ જોવો..
મારી બાએ ચા મુકતા મુકતા હાંફળા ફાંફાળા બહાર આવી જોયું તો હું અને રાણી માં મને રાણીમાં એ ઘચકાવી ને પકડ્યો હતો,મારુ ગુનાહિત મોઢું,તેનાપર ના ભાવ જોઈ મારી બા એ રાણી માં ને પૂછ્યું કે શું થયું?  રાણીમાં એ કહ્યું પૂછો આ ગુણાને. મારી બાએ મને પુછયુ કે શું કર્યું તે...? મેં દબાતા અને દોષભાવે કહ્યું મેં રાણી માં ની બકરી દોહી લીધી.. રાણીમાં બોલ્યા કે ..કે. કેટલા દિવસો થી દોહે છે, રાણીમાં સતત મારી ફરિયાદ કરતા જાય અને કહેતા જાય કે દરરોજ હું અને છોકરાના બાપા રોઢા ની ચા માટે બકરીની રાહ જોઈએ, બકરી ચરી ને આવી તો  ચા બનાવીએ  છેલ્લા ઘણા  દીવસ થી બકરી આવે પણ દૂધ ના દીએ, એટલે અમે તાપસ કરીતો આ તમારો ગુણો અમારી બકરી ને દોહતો પકડાયો, મારી બા કહે કોઈ દિવસ દૂધ ઘરે નથી લાવ્યો,રાણીમાં ફરીથી ફરિયાદ ના સુરમાં બોલ્યા પૂછો એનેે પૂછો..? મેં કીધું નીચે જમીનમાં જતું રાણીમાં મારુ મોઢું ઊંચું કરી મને કહે તને તેમાં શુ મળતું મેં સહજ ભાવે કીધું "મજા".. અને મારી બા નો ગુસ્સો સાતમા આસમાને ....ને... મારી ઉપર મારવા હાથ ઉગામ્યો તરતજ રાણી માં એ હ..હ..હ..મોંઘી બેન તમે આ...આ.. શું કરો છે ? મારવો હોત તો  હુંજ મારી ને તમારી પાસે લઈ ને ના આવત..? છોકરા તોફાન નકરે તો કોણ  કરે..? આઉમરે આપણે થોડા તોફાન કરશું ? હે...!!!રાણીમાં એ મારી બા નો ગુસ્સો શાંત પાડ્યો.. મારી બાએ પરાણે રાણી માં ને ચા પીવા રોક્યા બન્ને પડોશણ સાથે ચા પી અલક મલક ની વાતોએ વળગ્યા અને બાપુ છું મંતર....!!!
આજે આટલા વર્ષે પણ રાણીમાં ના શબ્દો યાદ છે કે
"મારવો હોત તો હું ના મારત" આજ પર્યન્ત મેં.. રાણીમાં ની શિખામણ યાદ રાખી છે.. સજા દેવા વાળા આપણે કોણ..?

No comments:

Post a Comment