![]() |
| Kamri-Bai |
દરબાર શ્રી મુળુંવાળા સુરગવાળા શ્રી ને બે રાણી હતા, એક કમરીબાઈ સાહેબા, બીજા સોમબાઈ સાહેબા બંને ની યાદ માં આજે પણ ધારેશ્વર મંદિર પાસે ,સોમેશ્વર મહાદેવ અને બીજા કમરેશ્વર મહાદેવ ના મંદિર હયાત છે બન્ને બહેનો હતી..
રાણી સાહેબા સોમબાઈની સ્મૃતિમાં પીઠડીયા માં "સોમબાઈ પ્રાથમિક સ્કૂલ"બાંધી લોકાર્પણ કરવમાં આવી,
મહારાણી કમરીબાઈ શિક્ષણ પ્રેમી અને શિક્ષણ ના હિમાયતી હતા. તેમને કરિયાવર માં બે હજાર સોનાની ગીની મળેલ , તેનો સદ્ ઉપયોગ હેતુ થી તેઓશ્રી એ ઇ.સ. 1884 માં તે સમય ન લગભગ પાંત્રીસ હજાર માં કમરીબાઈ હાઈસ્કૂલ નું નિર્માણ કરી. તે સમય ન પશ્ચિમ પ્રાંતના પોલિટિકલ એજન્ટ શ્રી મિક સાહેબ ના વરદ હસ્તે લોકાર્પણ થયેલ, તે સમય આજુબાજુ ના પરાગણ માં એક માત્ર હાઈસ્કૂલ હતી દુરદુર થી આ હાઈસ્કૂલ માં વિદ્યાર્થી ભણવા આવતા હતા. આ સ્કૂલ શરૂઆત માં મિડલ સ્કૂલ તરીકે ઓળખાતી, આ સ્કૂલ માં કો-એજ્યુકેશન હતું
![]() |
| Kamri Bai School-Jetpur |
સ્કૂલ ના પ્રથમ બાહોશ, તજજ્ઞ હેડ માસ્ટર શ્રી બી. કે. કેઠેગ્રી હતા, તેઓ શ્રી એ ખુબજ મહેનત કરી સ્કૂલ ને શનો શૌકત બક્ષી , સતત 49 વરસ ,1933 સુધીઆ હોદા ને શોભવ્યો..
ત્યારબાદ ક્રમશઃ
બી. ડી. વ્યાસ 1935 થી 1940
આર. એલ. દવે 1940 થી 1947
આર. એલ. સીતુત1947 થી 1955
એમ. યુ. મૂળિયાં 1955 થી 1958
જે. પી. પારેખ 1958 થી 1961
ડી. એલ. અંતાણી 1961 થી 1965
સી. બી. જોશી 1965 થી 1981
1955 ના અરસામાં કુંભાણી ગર્લ્સ હાઈસ્કૂલ શરૂ થઈ સીતૂત સાહેબ ની હેડમાસ્તર તરીકે નિમણૂક થયેલી..
આવી ગૌરવવંતી સ્કૂલ માં મેં પંડ્યા પ્રાઇમરી સ્કૂલ માં ધોરણ સાત પાસ કરી ઇ.સ.1968 માં પ્રવેશ મેળવ્યો . ત્યારે મારી મન ની સ્થિતિ કંઈક અલગ હતી, પંડ્યા સ્કૂલ થોડે ઘણે અંશે ગામઠી શાળા જેવી હતી તેમાં પાટલી ઉપર પલોઠી મારી બેસવાનું હતું, કમરીબાઈ હાઈસ્કૂલ માં બેન્ચ હતી તેમ બેસી ભણવાનું , ઘેર જઇ નવી સ્કૂલ ની વાતો કરવાની તે સમયે ગમતી,
કમરીબાઈ હાઈસ્કૂલ માં સૌ પ્રથમ વાર મારી બેન હેમલતા તેમની બહેનપણી કુમુદ પટેલ સાથે આંગળીએ રોઈ ને ગયો હતો, તે બનાવ એક વિધાર્થીએ બીજા વિધાર્થી નું નજીવી તકરાર માં ખૂન કરી નાખેલ, ત્યાં મેં જમીન ઉપર લોહી નું પાટોળુ ભરેલ જોયું હતું. તેજ ક્લાસમાં મારો આઠમા ધોરણ નો કલાસ હતો અમારા વર્ગ શિક્ષક ગટુ પરમાર સાહેબ હતા.
બીજું બિલ્ડીંગ બે માળ નું હતું આઠેક રૂમ નીચે ઉપર ઓફીસ વિભાગ બે રૂમ વધારાના અને એ મદયસ્થ ખંડ. આબન્ને બિલ્ડીંગ કાઠી સ્થાપત્ય ને અનુલક્ષી બનાવેલ હતા જ્યારે ત્રીજું બિલ્ડીંગ પાછળ થી જરૂરત પ્રમાણે આઠ દસ રૂમ ,એક લેબોરેટરી વાળું જુના બિલ્ડીંગ થી અતળું લગે તેવું બનેલું.. આમ અમે ભણતા ત્યાંરે 25 થી 30 કલાસ હતા શરૂ આત માં અમે ફૂલ ટાઈમ સવારે 10 થી 5 અભ્યાસ કરતા, બાદમાં સંખ્યા વધતા બે શિફ્ટ માં સ્કૂલ ચાલતી 1800 થઈ 2000 વિદ્યાર્થી ભણતા.
અમારા સમય માં અભ્યાસ ક્રમ સર્વાંગી વિકાસ ને નજર માં રાખી તૈયાર કરવામાં આવતો, દરિક કલાસ રૂમ બહાર નોટિસ બોર્ડ હતું તેમાં વિદ્યાર્થી એ બનાવેલ કૃતિ રાખવા માં આવતી તેની ચર્ચા દર શનિવારે કરવામાં આવતી.
વિદ્યાર્થી પોતે વહીવટ કરે તે માટે વિધાર્થી પુસ્તક ભંડાર વિદ્યાર્થી ના સહયોગ અને સહકારથી ચાલતો તે માટે તેની ઓરડી જેવા રૂમ ફાળવવામાં આવેલ, તેમાં નોટબુક ,કંપાસ, પેન શાહી જેવી વસ્તુ મળતી, ફરેક કલાસ ની અલગ લાઈબ્રેરી હતી, એ મધયસ્થ લાઈબ્રેરી હતી, જે વિશાળ હતી. રમત ગમત ના સાધનો માટે એક અલગ થઈ સ્પોર્ટ્સ રૂમ હતો,આબધી વ્યવસ્થા નિઃશુલ્ક રહેતી. દર વર્ષે વિદ્યાર્થી માં સાહિત્ય લેખન માં રસ, રુચિ વધે તે માટે એક વાર્ષિક મેગેઝીન પ્રસિદ્ધ કરવામાં આવતું હતું.
વકૃત્વ સ્પર્ધા યોજાતી, એક દિવસ "વાર્ષિક દિવસ"પણ ઉજવાતો તેમાં નાટક ,સંગીત મિમિક્રી જેવી આઈટમ રાજુ થતી, અમારા સમય માં વર્ગે વર્ગે ઇન્ટર કોમ ની વ્યવસ્થા ગોઠવાઈ હતી, પ્રાર્થના કલાસ રૂમ માં જ બોલતી, ઇન્ટર કોમ માં પહેલા હેડમાસ્તર સી.બી.જોશી સુવિચાર રાજુ કરે પછી ટેપ રેકોર્ડ ઉપર સમૂહ પ્રાર્થના ગવાય..ત્યારબાફ કલાસ ચાલુ થાય.
આઠમા ધોરણ માં હું મોનીટર હતો 26 જાન્યુઆરી નિમિતે પ્રદર્શન નું આયોજન કર્યું, અમારા કલાસે ભાદર ડેમ નું મોડેલ બનાવવાનું નક્કી કર્યું બીજા થોડા પ્લાન માં માં પવનચક્કી, , ગામડાના દ્રશ્યો નક્કી કર્યા, ભફર ડેમ ગારા માટી પથ્થર નો બનાવ્યો સાંજે પ્રોજેકટ પૂરો કરી ડેમ માં પાણી ભરી સૌ સૌ ના ઘેર ગયા, સાવરે 10 વાગ્યે પ્રદર્શન ખીલું મુકવાનું હતું, 8 વાગ્યે અમે કલાસ માં ગયા તો ભાદર ડેમ નું પાણી નીતરી બધું બહાર ડેમ ના પાળા તૂટેલા પાણી સુકાઈ ને તળિયા પડી ગયેલા , અમે બધા અવાચક થઈ ગયા કે હવે છેલ્લી ઘડીએ શુ કરીએ અમે સ્પર્ધા માંથી બહાર નીકળી જશું, હવે કશું થઈ શકે તેમ નહતું, બાજી અમારા હાથ માં ના હતી, અમને એક એક વિચાર આવ્યો તે સમયે મહારાષ્ટ્ર માં ભૂકંપ આવેલો જે "કોઈના ભૂકંપ "તરીકે ઓળખાયો હતો . અમે માત્ર અમારા પ્રોજેકટ નું શીર્ષક બદલ્યું "ભાદર ડેમ"નું પાટિયું ઉતારી લખી નાખ્યું "કોઈના ભૂકંપ' અમારા કોઈના ભૂકંપ ને પ્રથમ ઇનામ મળ્યું . અમને એક નવો પાઠ શીખવા મળ્યો કે હિંમત હાર્યા વગર અંતિમ ક્ષણ સુધી સ્પર્ધા મા ટકી રહો , આજ સફળતા નો ગુરુ મંત્ર ...હજી પણ આ ગુરુમંત્ર એટલોજ કામ આવેછે...
સાહિત્ય પ્રવૃત્તિને વેગ આપવા અમારી સ્કૂલ માં 1961 થી રેગ્યુલર "જ્યોતિર્ધર" વાર્ષિક મેગેઝીન પ્રસિદ્ધ થતું નવમા ધોરણ માં અમારા ક્લાસટીચર આર.. ડી. ચૌહાણ સાહેબ હતા તેઓ એ મને ભાર પૂર્વક આગ્રહ કર્યા ,કે તું મેગેઝીન માટે વાર્તા લાખ મેં કહ્યું મેં ક્યારેય પણ લખી નથી ,તો મને સમજાવ્યું કે તું મુદ્દા ઉપરથી વાર્તા સરસ લખી શકે છે.. અમારા કોર્સ માં નીચેના મુદ્દા ઉપર વાર્તા લાખો એવો એક પ્રશ્ન ગુજરાતી ના પેપર માં આવતો તે મારો ગમતો પ્રશ્ન રહેતો તેના પરથી હું સરસ વાર્તા લેખન કરતો. મને સૌ પ્રથમ ચૌહાણ સાહેબે મુદ્દા આપ્યા અને મારી પહેલી વાર્તા લખાઈ "ચબરખી" જે "જ્યોતિર્ધર "માં પસંદગી પામી , મને તો આનંદ થયો, પણ મારા કરતાં વધારે આનંદ ચૌહાણ સાહેબ ને થયો આ અંક મને મારા મિત્ર ભુપેન્દ્ર સિંહ અભાણી એ ગઈ કાલેજ પોતાની લાઈબ્રેરી માં મોકલ્યો તેનો ફોટો ગ્રાફ અને મારી વાર્તા "ચબરખી "ના બે પેઈજ ના ફોટા લેખની નીચે મુક્યા છે ...
![]() |
| Kambri Bai-Magazine |
કમરીબાઈ હાઈસ્કૂલ માં મોટા મોટા કવિ લેખકો સાહિત્ય કરો પોતાના વિચારો અને વક્તવ્ય રજૂ કરી ગયા છે તેમના અમુક નામ મને યાદ છે, હાસ્ય લેખક શ્રી જ્યોતિદ્ર દવે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ના પ્રથમ કુલપતિ શિક્ષણવીદ ડોલરરાય માંકડ, જજશ્રી ખરાદી સાહેબ.. પધારી ચુક્યા છે..સંગીત અને ગાયન ક્ષેત્ર વિદ્યાર્થી ને પ્રોત્સાહિત કરવા ડી. એસ. પી. (ધીરેન્દ્ર શાંતિલાલ પારેખ) એન્ડ પાર્ટી નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો..
અમારા વખત માં અમારી સ્કૂલ માં કોમર્સ વિષય ચાલુ થયો મેં કોમર્સ સંસ્કૃત ની અવેજીમાં પસંદ કર્યું.સંસ્કૃત ના શીખ્યા નો રંજ આજે પણ છે.. કોમર્સ માં ટાઈપ વિષય પણ શીખવાડવામાં આવતો, જે આજે આલખવામાં કામ આવેછે અમારા કોમર્સ ના શિક્ષક પી. બી . ગુજરાતી હતા પારિવારિક નામ નાનુભાઈ હતું, ટાઈપ અમને ગોંડલીયા સાહેબ શીખવાડતા હાલ તે પટેલ ટાઈપ ઇન્સ્ટિટ્યૂટ સ્કૂલ ની બાજુ માં ચલાવે છે.
![]() |
| My first ever published story-Inspiration |
અમારા શિક્ષકોની વાત કરું તો , સી.બી. જોશી સાહેબ,આર. એલ .જોશી સાહેબ એલ.બી. જાણી સાહેબ, ડી.ડી. જોશી સાહેબ, રઘુપ્રસાદ સાહેબ ,બી.એમ વ્યાસ સાહેબ, એમ. એમ. પન્નાપા સાહેબ,જે. કે માયાણી સાહેબ, આર. સી. વ્યાસ સાહેબ, ડી. સી. પારેખ સાહેબ, એચ. વી. સિંગાલાં સાહેબ, એમ. એલ. જોગણી, જી. એચ. ટાટામિયા સાહેબ, એફ. એ. ઝાલા, એ. એમ મકવાણા, બી. પી. સોલંકી, બી. જે. જાખરીયા સાહેબ, એમ, એમ. વ્યાસ સાહેબ, ડી. એસ. ટીલાળા સાહેબ, વી. એસ. ભીમજીયાણી સાહેબ, શિવશંકર દવે સાહેબ આ ઉંમરે પણ યાદ આવે દરેક ની કંઈક ને કંઈક ખાસિયત હતી જે બીજા શિક્ષકો થી વિદ્યાર્થી ઉપર અલગ છાપ છોડી ગયા એટલેજ આપણે કહી શકીએ કે અમારા સમય ના શિક્ષકો આજના શિક્ષકો થી મુઠી ઉંચેરા હતા... વહીવટી વિભાગ માં રાજેન્દ્ર દવે સિનિયર ક્લાર્ક, અમુભાઈ જુ. ક્લાર્ક, પટાવાળા ગોરધન ભાઈ, ઝીણાંભાઈ, પગી સેવરામ ભાઈ હતા..
અમારા કલાસ માં રોહિત પટેલ. મહેન્દ્ર દોમડિયા રમેશ પટેલિયા, પ્રદીપ ધોરડા, હું (ગુણવંત ધોરડા) બાબુલાલ મકવાણા ,ધીરજ ધાનક. અશોક થડેશ્વર બધા બાલચોક ના , મોટાચોક વિસ્તાર માંથી. રાજુ પારેખ (વાસ્તુ શાસ્ત્ર નિષ્ણાત) વિજય પારેખ (હાલ ડો. વિજય પારેખ અમેરિકા સ્થિત) નયનેશ શાહ જે મેટ્રિકમાં સ્કૂલ પ્રથમ હતો હાલ દિલ્હી , પંકજ રાઠોડ, નરેન્દ્ર કલ્યાણી વગેરે હતા, ફૂલવાડી માંથી સુધીર બોસમિયા, કિશોર વીંછી, ગિરીશ બોસમિયા વગેરે હતા. ડેડરવા થી સુરેશ વઘાસિયા, બાવવાળા પરા માંથી વલ્લભ વેકરીયા, હર્ષદ વ્યાસ,પરસોતમ કાપડિયા, પરસોતમ વેકરીયા વગેરે હતા,ધરમવાડી માંથી શામજી કાપડી, સરકારી નોકરિયાત પરિવાર માંથી એમ એ ખરાદી (ન્યાયાધીશ ના દીકરા હતા) ભાઈ ચંદ પટેલ (મેલેરિયા દાક્તર ના ભાઈ), વીરેન્દ્ર શાહ (એ્ક્સસાઈઝ ઓફિસર ના દીકરા) આબધાં બદલી થતા શાળા છોડી ગયા એમ.એ. ખરાદી હું ડી .કે .વી. કોલેજ માં હતો અને એ એમ. પી. શાહ કોમર્સ કોલેજ માં હતો ત્યારે આવરો જાવરો અમુક સમય રહ્યો પછી આ ત્રણમાંથી ક્યારેય કોઈ મળ્યું નથી.. અમારું કલાસ નું જગત હતું અમુક મિત્રો ભુલાયા પણ હશે જ ..
કિશોર અવસ્થા હોય.. !!! અને ધીંગા મસ્તી ના હોય તેવું બને ખરું...!!! .સ્કૂલ પાસે પોતાનું 16 એમ. એમ. પ્રોજેક્ટર હતું સ્ક્રીન પણ હતો, આપ્રોજેક્ટર થી એક ટૂંકી ફિલ્મ બતાવવાનો કાર્ય ક્રમ હતો તેમ એક સીન એવો હતો કે તેમાં આદિવાસી એક પંગત માં બેસી બધા આદિવાસી સમૂહ ભોજન કરી છે.. બાજુમાં ઘોડા લાદ કરેછે.. તેવુંમારો મિત્ર યુનુસ મેમણ ફિલ્મ પ્રોજેક્ટર નો જાણકાર તેને પ્રોજકટર .. ચાલુ બંધ કરતા આવડે અને જાણકાર પણ ખરો મને કહે આફિલ્મ ની પટી (રીલ) ઊંધીએ ઊંઘી એમનમ ચાલુ કરીએ એટલે બધી પ્રક્રિયા ઊંઘી ચાલે ખાલી થાળી માં મોઢા માંથી ધીમે ધીમે કોળિયા મદારી ના ગોળા ની જેમ બહાર નીકળે અને થાળી માં ફરી થી ગોઠવતા જશે ,આખી થાળી ફરીથી હતીએવીને એવી તૈયાર થઈ જશે.. બધા ને આ જોવાની મજા પડશે.. સાહેબ ચાલુ કરીને ઓફીસ માં ચાલ્યા ગયા હતા ફિલ્મ પુરી થઈ. યુનુસે મારી મંજૂરી થી જાદુગીરી ચાલુ કરી.. આદિવાસી બધા પોતાના મોઢા માંથી કોળિયા કાઢતા જાય થાળી માં મુક્તા જાય થાળી ભરાતી જાય છોકરાવ દિગમૂઢ થઈ જોવે.. ચરમ સીમા તો ત્યારે આવી કે ઘોડાની લાદ ના ઢગલામાંથી ક્રમ બદ્ધ એક પછી એક લાદ ઘોડા ના શરીરમાં પ્રવેશવા મોંડી, છોકરાવ ની એકી સાથે ચિચિયારી ઓફિસમાં પોહચી ઓફિસમાંથી સી. બી. જોશીસાહેબે દોડતાં આવ્યા અમારી તરકીબ જોઈ પ્રોજેક્ટર બંધ કર્યું .. ગુસ્સામાં અમારા બંને સામે જોયું , અમે પ્રોજેક્ટર પાસે જ હતા, પણ અમે બન્ને મક્કમ રહ્યા કોઈ કોઈનું નામ ના આપ્યું, સી. બી. જોશી સાહેબ નવી ફિલ્મ ચાલુ કરી ચાલ્યા ગયા, અમે બન્ને બચી ગયા નો સંતોષ લઇ ફિલ્મ જોવા મંડ્યા.. બીજે દિવસે મને અને યુનુસ ને લોબીમાં મળ્યા ત્યારે હળવાશ થી કહ્યું, હવે બીજી વાર આવું કરતા નહીં... સી. બી. જોશી સાહેબ જેવા કડક હેડમાસ્તર પાસે થી અમને આવી અપેક્ષા ન હતી...!!! આવા ઘણા પ્રસંગો સ્કૂલકાળ દરમ્યાન બન્યા હતા.
કમરીબાઈ હાઈસ્કૂલ બહાર પણ એક અદભૂત દુનિયા હતી, અહમદ કસમ ગાભાની ટોકર કાકા ની હાટડી જેવી દુકાન તેમાં કાગળ , પે ન, નિબ,શાહી પેન્સિલ રબ્બર જેવી ચીજો સિંગ દાળિયા,વટાણા પીપરમેન્ટ ચોકલેટ બિસ્કુટ બોર કર્મદા, રાયણ ટીમબરુ, આંબળા મીઠીઆંબલી દેશી આંબલી બદામ જેવી અનેક જણસ, તેની બહાર પણ ગરીબ સ્ત્રી આબધીવસ્તુ લઇ ને બેઠી હોય.. તો દરવાજા ની બાજુમાં તારભાઈ ની ગુલ્ફી તેની રેંકડી નું નામ તાજ ગુલ્ફી બાજુમાં જુસબ ની ગુલ્ફી તેની રેકડીનું નામ નાજ ગુલ્ફી. બન્ને ની ક્વોલિટી બેસ્ટ હતી કમરીબાઈ માં ભણેલ વિદ્યાર્થી એવો નહીં હોય કે જેણે આગુલ્ફી ખાધી નહીં હોય.. 1969 કે 1970 માં કોકકોલ નવી નવી આવી હતી 5 પૈસા માં અમને બધાને સૌરાષ્ટ્ર કોલડ્રિન્કસ હાઉસ માં મળતી પાંચ ઢાંકણ ભેગા કરીયે તો એક મફત ત્યારે સોડા ના પણ 5 પૈસા હતા, પણ બધાને કોકાકોલાના રવાડે ચડાવવા આ સ્કીમ હતી બીજે 10 કે 15 પૈસામાં મળતી અમે બધાએ પાંચ પૈસા માં ખૂબ લાભ લીધો, ગુલ્ફી ની રેંકડી પછી ગુલો (ગુલાબ) ચણાવાળો ઉભોરહેતો તે 5 પૈસામાં ચા ની રાકબી ભરી ગરમા ગરમ ચણા ખાટી મીઠી તીખી ચટણી ડુંગળી ની કચુંબર નાંખી આપતો આટેસ્ટ મને આટલા વર્ષે પણ યાદ છે. સામે "મયુર કુંજ" ની પારીએ અમે બેસતા, ધમાલ કરીએ તો ખીજાતા તો ક્યારેક ઠંડુ પાણી પણ પીવડાવતા એ બેન નું નામ અમે કયારેય પૂછ્યું નહીં અમને કોઈએ કીધું પણ નહીં, એ રૂપાળા નમણા બેન હજી પણ યાદ છે તેટલી ખબર હતી તેની સરનેમ ગાંધી હતી,જૈન ધર્મી હતા...
આમ જોત જોતા માં 1971 નું વરસ આવીગયુ, જેતપુ પરીક્ષા સેન્ટર ના હતું એટલે ધોરાજી સેન્ટર માં મેટ્રિક ની પરીક્ષા આપી પાસ થઈ બધા અલગ અલગ ફિલ્ડ માં જતા રહ્યા.. મોટાભાગ ના સુખી જીવન જીવ્યા.. આ કમરીબાઈ હઇસ્કૂલ માંથી કેટલાક ડોકટરો બન્યા કેટલાક એન્જીનીયર બન્યા કેટલાક વૈજ્ઞાનિક બન્યા કેટલાક ઉદ્યોગપતિ બન્યા મોટા વેપારી બન્યા...
કમરીબાઈ હાઈસ્કૂલ માં અભ્યાસ કરી પોતાની પ્રતિભાના જોરે અને કમરીબાઈ હાઈસ્કૂલ માં જેની પ્રતિભા પાંગરી હોય તેવી વ્યક્તિ ની પ્રથમ હરોળ માં લેખક સાહિત્ય કાર ધૂમકેતુ, પ્રસિદ્ધ સાહિત્યકાર લેખક રજનીકુમાર પંડયા, વાર્તાકાર બહાદુર ભાઈ વાંક, ગઝલ સમ્રાટ મનહર ઉધાસ પંકજ ઉધાસ યાદ કરવાજ પડે....
------ગુણવંત ધોરડા
જેતપુર
તા. 9-મેં-2020
નોંધ..પૂરક માહિતી તથા જ્યોતિર્ધર ફોટોગ્રાફ સૌજન્ય બાલ મિત્ર શ્રી ડો. ભુપેન્દ્ર સિંહ અભાણી જેતપુર હાઈસ્કૂલ નો ફોટોગ્રાફ મિત્ર જીતુભાઇ ધાધલ ના સૌજન્ય થી







No comments:
Post a Comment