Saturday, May 16, 2020

અમારા જેતપુર નું ડાયમંડ ટોકીઝ...

જેતપુર માં આઝાદી પહેલા લગભગ 40000 હજાર ની વસ્તી હતી, રાજકોટ થી લગભગ 7 થી 8 હજાર જ ઓછી હતી મોટભગે મેમણો ની વસ્તી હતી. જેતપુર માં તે સમયે ચાર સિનેમા હતા કેપિટોલ સિનેમા તાલુકા સ્કૂલ ની બાજુમાં, બીજું જ્યોતિ ડાઈગ નો ડેલો ત્યાં સાડી છપાતી, હાલમાં ત્યાં મોલ બની ગયો છે ત્યાં ક્રિસન્ટ સીનેપેક્સ 3 સ્ક્રીન નું છે, તેનું નામ સ્ટાર સિનેમા હતું, ત્રીજું બોખલા દરવાજા થી આગળનો વિસ્તાર હાલમાં જલારામ કિરણા નામનો મોટો સ્ટોર થયો તેઅમૂક ભાગ..કોળી વાડ સામે ન્યુ ડાયમંડ,અને ચોથું આજે મારે જે વાત કરવી છે તે મારુ ડાયમંડ સિનેમા..
            એ યુગ હતો ભારત  - પાકિસ્તાન બટવરાનો યુગ જેતપુર ના મોટા ભાગ ના મેમણ પરિવાર પાકિસ્તાન માં ગયા જેતપુર ની વસ્તી અડધી એટલેકે વીસ હજાર જેવી થઈ ગઈ,જેતપુર નો વેપાર ઉદ્યોગ નષ્ટ થયો જેતપુર પડી ભાંગ્યું, ફરીથી જેતપુર 1950 આસપાસ સાડી ઉદ્યોગ ને લઇ ઉભું થવા માંડ્યું, ફરીથી સોના ચાંદી બઝાર  શરાફ બાઝર, કાપડ બાઝર ને લઇ ધમધમવા માંડ્યું, પણ હજી આઝાદી પહેલાની ચમક દમક આવી નહોતી ભવિષ્ય સોનેરી દેખાવા માંડ્યું હતું...
આવા કપરા કાળ માં પણ જેતપુર ના ચાર મનોરંજન સ્થાનમાં એક માત્ર ડાયમંડ સિનેમા લોકો નું મનોરંજન કરતું અડીખમ ઉભું હતું,વડીલો કહેતા કે ડાયમંડ સિનેમામાં પહેલા મૂંગી ફિલ્મ બતાવવામાં આવતી, મારી સાંભરણ માં તો મેં બોલતી ફિલ્મ જ જોઈછે.. આપણા ડાયમંડ નો સૌરાષ્ટ્ર માં રૂઆબ હતો, ડાયમંડ સિનેમા જેવો રેડીયો  (સાઉન્ડ સિસ્ટમ) કોઈ સિનેમા માં નહોતી,
મને આછું આછું યાદ છે મેં ડાયમંડ સિનેમામાં પહેલું પિક્ચર "  સંપૂર્ણ રામાયણ" જોયું હતું, તેમાં માત્ર બેત્રણ દ્રશ્યો હજી પણ મને યાદ છે ,લવકુશ નું કથા સુનાતે હૈ વાળું ગીત, ભગવાન શ્રી રામ ધનુષ્ય તોડે છે તે, અને રામ રાવણ યુદ્ધ.. આ ફિલમ મેં લગભગ આઠ દશ વરસની ઉંમરે જોયું હતું, તે પહેલા કદાચ મારી બા સાથે જોયું હોયતો સાંભરણ નથી  સંત જ્ઞાનેશ્વર પણ જોયું હતું તેમાં માત્ર જ્યોત સે જ્યોત  જગાતે ચાલો, પ્રેમકી ગંગા બહાતે ચાલો ગીત તથા એક ગાય શ્લોક બોલે છે તેજ યાદ છે ..તે જમાનો પરિવાર ની મર્યાદા જાળવવા ની પરંપરાનો હતો, પરિવાર નો મહિલા વર્ગ ખાસ ભાભી ,કાકી ,બા, બધા લાજ ના ઘૂમટા તાણી સિનેમા સુધી આવતી, પિક્ચર ચાલુ થાય અંર લાઇટ બંધ થાય એટલે ઘૂમટો ઊંચો કરી ફિલમ જોવે ,ઇન્ટરવેલ માં ફરી ઘૂમટો નીચે. ધાર્મિક ફિલ્મો માં શ્રદ્ધાળુ સ્ત્રીઓ કંકુ ચોખા થી પાત્રો ને વધાવતી.. ત્યારે ડાયમંડ સિનેમા નહીં મંદિર બની જતું. આવું અનેક વાર અનુભવ્યું છે..
ડાયમંડ સિનેમા માં  છ કલાસ હતા થર્ડ 40પૈસા ,
સેકન્ડ 60 પૈસા ,ફર્સ્ટ 80 પૈસા, ઓરર્ચેસ્ટ્રા  1 રૂપિયો, બાલ્કની 1રૂપિયો20 પૈસા,લેડીઝ 60 પૈસા ટીકીટ નો ભાવ હતો થર્ડ અને સેકન્ડ માં બાંકડા હતા, ફર્સ્ટ માં ખુરશી, ઓરચેસ્ટરા માં શણ ના રેસની ગાદી વળી ખુરશી, બાલ્કની માં રજવાડી ગાદી વાળા સોફા જેવા બાંકડા હતા.
  નાનપણ માં મોટાભાગ ના પીકચર પરિવાર સાથેજ જોવાનો મોકો મળ્યો હતો મહિનામાં એકાદ પિક્ચર જોવા મળતું વડીલો દર રવિવારે  પિક્ચર જોવા જતા મહિલાને મોટાભાગે ધાર્મિક કે સામાજિક પિક્ચર જોવા મળતા,અમે સહ પરિવાર સંત જ્ઞાનેશ્વર,  અખંડ સૈભાગવતી, મહેંદી રંગ લાગ્યો, , સંપૂર્ણ રામાયણ, જેવા પિક્ચર જોયા છે. આઠમા ધોરણ માં આવ્યા ત્યારબાદ મિત્રો સાથે પિક્ચર જોવાની પરવાનગી મળી.
એ સમય માં મોટા ભાગે સ્ટંટ એટલે મારામારી બથમબથી ના બીગ્રેડ કે સી ગ્રેડ ના ફિલ્મો આવતી દારસિંગ - નિશિ,  દારસિંગ -હેલન, દારસિંગ -મુમતાઝ ની કિંગ કોંગ , રૂસ્તમે હિન્દ., સિકંદર,-એ-આઝમ, લુટેરા, મહિપાલ  આઝાદ જેવા હીરોની ફિલ્મો આવતી ,મોટાભાગે રિલીઝ થયા પછી છ કે આઠ મહિને જેતપુર માં આવે. છતાં ફિલ્મ નું ઘેલું રહેતું તે સમયે જેતપુર માં અમુક અમુક ચોક માં જાહેરાત માટે ફિલ્મના બોર્ડ મુકવામાં આવતા જેમાં ખાસ મોટા ચોક, નનાચોક, વડલી ચોક, બાવવાળા પરામાં ગાંડુભાઈ ની હોટલ, ખોડપરમાં રામદાસબાપુ ની હોટલ ચાંદની ચોક, નાજાવાળા પરા માં મુકવામાં આવતા  મુખ્ય શેરી અને રોડ પર ચાલુ હોય તે પિક્ચર ના પોસ્ટર ચીપકાવવા  માં આવતા  તે જોવાની પણ એક તે સમયે મજા આવતી ફિલ્મ ની ઘેલછા ગાંડી હતી, તેમાં ઉમર નો કોઈ બાદ નહતો.
જ્યારે કોઈ સામાજિક કે ધાર્મિક  પિક્ચર આવે ત્યારે ગામડામાંથી પણ પ્રેક્ષકો જેતપુર ગાડાં માં આવે , એ લોકો જેતે સમયે એસટી સ્ટેન્ડ પાસે પોલીસ ચોકી પાસે મેદાન માં એક કૂવો અને વડલો હતો આજે ત્યાં   ટેલિફોન નિગમ અને પોસ્ટ ઓફીસ ના અદ્યતન બિલ્ડીંગ છે એસટી સ્ટેન્ડ ની જ્યાં વહીવટી ઓફીસ હતી ત્યાં હરભોલે ઢોસા ની દુકાન છે તેની નીચે છોડી ઘાસચારો નીરી ફિલ્મ જોવા ટોળામાં જતા હતા..તે માણવા જેવા દ્રશ્યો હતા..
ડાયમંડ સિનેમાની આગવી ઓળખ એક એ હતી કે બીજા બધા સિનેમામાં ટીકીટ બારી ખુલે એટલે ઉપર બલ્બ ચાલુ થાય પણ ડાયમંડ માં જુના પિક્ચર ના ગીત ચાલુ થાય એટલે સમજવાનું કે ટીકીટ બારી ખુલી,આગીત નો સિલસિલો પિક્ચર ચાલુ થાય ત્યાં સુધી જળવાતો, એ જમાનામાં ફિલ્મ જોવા જેટલી જ ક્રેઝ કહો કે ઘેલછા કે પછી ગાંડપણ ફિલ્મ ના ફોટા જોવાનું રહેતું, સમય મળે ત્યારે ફોટા જોવાનો પ્રોગ્રામ બનાવતા મિત્રો સાથે ફોટા જોઈએ તેની ચર્ચા કરીએ, આ સીન ફિલ્મ માં નથી બતાવતા ,કાપી નાખ્યો છે, તે વળી આવનાર ફિલ્મ ના પોસ્ટર પણ ફરતા લગાડવા માં આવતા  જેવા અંદર પ્રવેશ  થાય તો ડાબી બાજુ આવનારી ફિલ્મ ના ફોટા લગાડવા માં આવતાતે જોવા નો લ્હાવો મફત માં મળતો.. આપોસ્ટર અને ફોટા જેવા લાગે કે લાકડીયા તાર ની જેમ આખા ગામ માં  સમાચાર પોહચી જાય..
ડાયમંડ સિનેમા નો ડેલો ખુલે તેની જમણી બાજુ મોર્ડન સ્ટુડયો, જનતા લોજ માં જવાની સીડી હતી તેની નીચે ખાચા માં એક ભાડકડી જેવી પાન,બીડી ની દુકાન હતી તે સાથો સાથ ફિલ્મી ગીતો ની ચોપડી ચાર છ પાના ની  ભડકડી ના તોરણ ની જેમ લટકતી રાખતા, ચાલુ પિક્ચર ની આગળ લટકતી દેખાય તેમ રાખતા. ત્યરે ફિલ્મ ગીત સંગીત નું માણસો ને ઘેલું રહેતું..તે આ દુકાન સંતોષ આપતી..
આખા સૌરાષ્ટ્ર કે ભારત ભાર મા કદાચં જેતપુર માત્ર  એક શહેર હશે કે તમારે ઇન્ટરવેલ પહેલાનું જ ફિલ્મ જોવું હોયતો તમે ઓછા પૈસા માં જોઈ શકો ઇન્ટરવેલ પછી જોવામાટેનો પાસ તમે વેચી શકો..ડાયમંડ માં જેવો ઇન્ટરવેલ પડે કે તરતજ પાસ લેવા વાળા લોકો ના અવાજ સંભળાય પાસ...પાસ.. પાસ.. જેવી લેવા વેચવા વાળા ની ગરજ તેવા ભાવે લે વેચ થાય, ઇન્ટરવેલ પહેલાનો ભાગ ખૂબ સારો હોય તો પાણીના મુલે પાસ મળે જો ઇન્ટરવેલ પછીનો ભાગ સારો હોયતો પાસ ની કિંમત વધે
જેવો ઇન્ટરવેલ પડે એટલે ડેલા બાર સિંગ દાળિયા, રેવડી, માંડવી પાક, ધોકાપાક (જે ગોળની પાઇ બનવી તેમાં સોડા નાખી ઢોકળાની જેમ ફુલાવતા), રેકડીમાં મળતો, સોડા લેમન ની ગોળીવાડી બોટલ મળતી, માનર હાજી સિંગ રેવડી નો સ્વાદ યાદ છે.
જેતપુર ડાયમંડ ની એક બીજી ખાસિયત એ કે તેના ટોટલ કર્મચારી પાર્ટ ટાઈમ હતા  મેનેજર રામણિકભાઈ જેનો મુખ્ય વ્યવસાય કમ્પાઉન્ડર નો હતી, બુકીંગ કે ટીકીટ ક્લાર્ક શશીકાંત, વ્યવસાયે યુનિયન બેક કર્મચારી, પગી તરીકે મામયા બાપુ ગર્લ્સ સ્કૂલ ના વોચમેન, ડોરકીપર બધા પાર્ટ ટાઈમ, બાલ્કની માં માલો ફિક્સ સફેદ બગલાની પાંખ જેવા કડક ટાઈટ ઈસ્ત્રી વડા કપડાં.  ઓપરેટર આહમદ ભાઈ જે વ્યવસાયે પેઈન્ટર હતા, જ ેપેઇન્ટિંગ નીચે બનાવનાર ની ઓળખ નીચે બગલા ના ચિત્રમાં આહમદ વંચાય તેમ બગલો બનાવતા , અમે તે જોઈ ને કાયમ બોલતા "પેઈન્ટર અહમદ તેરા બગલા દેખ કે હેમ હો ગયે કુરબાન"
હજી ..ડાયમંડ સિનેમાની ત્રીજી ખાસિયત કે એક સીટ બાલ્કની ની દરવાજા પાસે ની સીટ પન્નાપા સાહેબ માટે ખાલી રહેતી પન્નાપા સાહેબ કમરીબાઈ હાઈસ્કૂલ માં શિક્ષક હતા કહેવાતું કે તે આપણા પહેલા ફિલ્ડ માર્શલ ના ભત્રીજા હતા તેઓ નિવૃત લશ્કરી ઓફિસર હતા. તેઓ પહેલા ઇન્ટરવેલ પછીનો ભાગ જોવે ત્યાર બાદ બીજા શોમાં ઇન્ટરવેલ પહેલા નો ભાગ જોતા આ તેમનો નિત્ય ક્રમ હતો..
ડાયમંડ સાથે જોડાયેલ બે ફિલ્મો ની વાત ના કારીએ તો અધૂરું ગણાય 1971 માં રાજેશખન્ના તનુજા ની ફિલ્મ "હાથી મારે સાથી" આવ્યુ ખુબજ સફળ ફિલ્મ હતી ત્યારે ફિલ્મ ની ટીકીટ ના કાલાબાઝર થતા ડાયમંડ ના સ્ટાફ ને લોભ લાગ્યો એક બે ટીકીટ બારી પાર વેચી બંધ કરી હાઉસ ફૂલ નું બોર્ડ લટકાવી દીધું 500 પ્રેક્ષકો ની ક્ષમતા વાળા સિનેમા ના મેદાન માં 2 થી 3 હજાર માણસો..માણસો નો ગુસ્સો ચરમસીમાએ પહોંચ્યો પહેલો ગુસ્સો ચોકીદાર મામયા બાપુ પર ઉતર્યો પાંચ હાથ પુરા.કદાવર શરીર ,કારડાકી ભર્યો ચહેરો રાડ પાડી હાથ માની નેતર ની લાકડી ફેરવે તો રસ્તો સાફ થઈ જાય, મામયા બાપુ નું એક પણ હથિયાર કામ ના આવ્યું ,મામયા બાપુ પ્રેક્ષકો ના આક્રોશ નો ભોગ બન્યા , લોકોએ તેમના કપડાં ફાડી લોહી લોહણ કરી નાખ્યા તેઓ માંડ માંડ ટોળાં માંથી જીવ બચાવી ભાગ્યા..લોકો સિનેમા હોલમાં ઘુસી ખુરશી ઉખેડી ઉખેડી ફેંકી  પડદો ચીરી નાખ્યો દરવાજાની સેક્સસન ગ્રીલ બેવડી વાળી નાખી બાલ્કનીના બાંકડા,ડાયમંડ નો તોતિંગ દરવાજો ઉખેડી સ્ટેન્ડ ચોક માં ફેંક્યો ડાયમંડ સિનેમા ને હતું ના હતું કરી નાખ્યું પડદામાં આગ લગાવી , પોલીસ પોહચે તે પહેલાં આક્રોશ ભરેલા ટોળા એ તેનું કામ પૂરું કરી નાખ્યું હતું..  ગામમાં કરફ્યુ લગાવી દેવામાં આવ્યો રાજકોટ થી વધારાનો પોલીસ કાફલો અને એસ. આર. પી. ની કુમુક ગામ માં ફરવા માડી વાતાવરણ બીજે દિવસે રોબેતા મુજબ થયું.. બીજા દિવસે છાપ માં હેડલાઈન હતી. જેતપુર માં..."ફરી થી હાથી ગાંડો થયો " થોડા દિવસ સિનેમા બંધ રહ્યું ફરી થી નવા રંગ રૂપ સાથે ભવ્ય રૂપેરી ચાદર પર ફિલ્મી રફતાર ચાલુ થઈ..
બીજી વાત ફિલ્મ "જય સંતોષી માં" લગભગ 1975 ની સાલ માઈલ સ્ટોન ફિલ્મ  "શોલે"ની સામે મેદાને ઉતર્યું ચેતનામાં શોલે ડાયમંડ માં જય સંતોષી માં બન્ને સાથે લાગ્યા સાત  - આઠ અઠવાડિયા બન્ને હાઉસફુલ રહ્યા આઠમા નવમા અઠવાડિયે શોલે હાંફી ગયું જય સંતોષીમાં ડાયમંડ માં 25 અઠવાડિયા ચાલ્યું. દર શુક્રવારે ડાયમંડ માં ગોળ અને દાળિયા નો પ્રસાદ બધા પ્રેક્ષકો માં વહેંચતો ડાયમંડ ના પરીશર માં સંતોષી માનું સ્થાપન કરવામાં આવ્યું હતું..
છેલ્લે ડાયમંડ સિનેમા  રામજીભાઈ વિરડીયા પરિવાર ની માલિકી નું હતું વિરડીયા પરિવારે હોમી કોટવાલ ના વારસદાર ઇરજ હોમી કોટવાલ  પાસે થી વિરડીયા પરિવારે ખરીદી લઇ રીનોવેશન કરી આધુનિક ઓપ આપ્યો પણ મૂળ માળખું જાળવી રાખ્યું એક  દોઢ દાયકો સારી રીતે ચલાવ્યું પણ ખરું ટીવી નો વ્યાપ વધતા ના છૂટકે  સિનેમા બંધ કરવું પડ્યું, અંતે જમીનદોસ્ત કરી ત્યાં કોમ્પ્લેક્સ ઉભું કર્યું ડાયમંડ  સિનેમા ની યાદગીરી જળવાઇ રહે તે માટે કોમ્પ્લેક્સ નું નામ "ડાયમંડ કોમ્પ્લેક્સ" રાખવામાં આવ્યું..
મેં ઘણા સિનેમા હોલ જોયા જયપુર નું રાજમંદિર મુંબઈના મરાઠા મંદિર, ઇરોઝ,  મેટ્રો ,ઓપેરા હાઉસ, અપ્સરા  કલકત્તા મદ્રાસ દિલ્હી ના ઘણા સારા સિનેમા જોયા રાજકોટ નું ગેલેક્ષી, ઉષા, ગિરનાર,એસ્ટ્રોન, આમ્રપાલી   એ બધાનું અમારા ડાયમંડ પાસે પચીયું પણ ના આવે એટલે નાજ આવે, એ મારો પક્ષપાત ગણો  કે લાગણી જે છે તે ,છે જ કોઈ માને કે ના મને પણ છે ઇ તો છે જ...
---------ગુણવંત ધોરડા
                    જેતપુર
      30-એપ્રિલ-2020
ઉમેરણ ---નોંધ..તા. 8-1-1950 ની જેતપુર યુવા ક્લબ ની સ્થાપના જેતપુર ના રાજકુમાર શ્રી વિક્મશી વાળા ના વરદ હસ્તે સ્થાપના સાથે એક ફિલ્મ અને ડાયરા ના પ્રોગ્રામ ની જાહેરાત કેવા શબ્દો માં અને કઈ રીતે થતી હતી તે સમય ની પ્રણાલી ઉપર પ્રકાશ  પાડેછે...
જાહેરાત નો ફોટોગ્રાફ.. સૌજન્ય.  આભાર સહ .
બાલમિત્ર  શ્રી ભુપેન્દ્રસિંહ અભણી.....
પૂર્ણ





No comments:

Post a Comment